રચનાવલી/૮૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮૧. સાલાબેગની રચનાઓ





૮૧. સાલાબેગની રચનાઓ • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



ભારતના મધ્યકાળમાં ભક્તિઆંદોલન ચોમેર પ્રસર્યું હતું, તેમાં ઓરિસ્સાના સાલાબેગ કવિને ભૂલવા જેવો નથી. સત્તરમી સદીની એની રચનાઓ, ઓરિસ્સામાં ગમે ત્યાં જાઓ ઘર ઘરની પુંજી છે. તમે ગામડા ગામમાં હો કે નગરમાં હો, સાલાબેગનાં જગન્નાથની ભક્તિથી જીવતાં અને ધબકતાં પદો અને ભજનો તમારે કાને પડ્યાં વિના રહે નહીં. કંઠોપકંઠ ઊતરી આવેલી સાલાબેગની ભક્તિરચનાઓમાં ઓરિસ્સાના જગન્નાથ કૃષ્ણરૂપે કેન્દ્રમાં બિરાજમાન છે. કારણ ભારતને પશ્ચિમે દ્વારિકા તેમ પૂર્વમાં પુરી કે શ્રીક્ષેત્ર એના જગન્નાથથી પ્રસિદ્ધ છે. ઓરિસ્સાના સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ તેમજ ઉત્થાનમાં આ મન્દિરનો ફાળો છે. આ મન્દિરનો ખજાનો ઓરિસ્સાની પ્રજાની આર્થિક સ્થિતિને નક્કી કરે છે. આથી જ આ સમૃદ્ધ મન્દિર પર યવનોના વારંવાર હૂમલાઓ થયા છે. એમનો આશય સમૃદ્ધિ સત્તા અને ધર્મના સ્થાનક જેવા આ મન્દિરનો વિનાશ કરી એને લૂંટવાનો હતો. આ મન્દિર પર આક્રમણ કરવામાં સૌથી મોખરે કોઈનું નામ નોંધાયું હોય તો તે લાલ બેગનું છે. લાલ બેગ વિશે ઇતિહાસમાં લખાયું છે કે હૂમાયુના ગ્રંથપાલ નિઝામના પુત્ર આ લાલબેગનું અસલી નામ તો કુલીખાન હતું. જહાંગીર કુંવર હતો ત્યારથી એની તહેનાતમાં કુલીખાન દાખલ થયેલો અને જહાંગીરે ગાદીએ આવતા એને બિહારનો સૂબો બનાવેલો, એની પાસે ૪૦૦૦ નું અશ્વદલ હતું. બિહારનો કબજો હાથમાં આવતા જહાંગીરને ખુશ કરવા એણે હિન્દુઓ પર અત્યાચાર શરૂ કરેલા. અને એનો ડોળો પુરીના મન્દિર પર સ્થિર થયેલો હતો. પુરી પર આક્રમણ કરવા જતાં રસ્તા ગામના પુકુરમાં નહાતી બ્રાહ્મણ વિધવા પર એ વારી જાય છે અને એને પોતાના જનાનખાનામાં લઈ આવે છે. વખત જતાં આ વિધવાએ જે પુત્રને જન્મ આપ્યો એનું નામ સાલાબેગ. સાલાબેગ લાલબેગનો પુત્ર હતો. આ મુસ્લીમ કવિએ આશ્ચર્યકારક રીતે કૃષ્ણભક્તિની આર્દ્રધારાને ઓરિસ્સાની પ્રજામાં વહેતી કરી છે. મુસ્લીમ હોવા છતાં કૃષ્ણભક્તિ અને ખાસ તો જગન્નાથ તરફ સાલાબેગ કેમ વળ્યો એને અંગે રામદાસ નામના ઓરિસ્સાના કવિએ કથા ગૂંથી છે. પિતાની સાથે યુદ્ધમાં ઘવાતાં સાલાબેગનો ઘા રુઝાતો નહોતો. એની પીડા અસહ્ય હતી. હિન્દુ માતાએ સાલાબેગને વૃંદાવનચન્દ્ર કૃષ્ણની શરણાગતિમાં જવા સૂચવ્યું. મુસ્લીમ હોવાથી સાલાબેગ પહેલાં તો ખમચાયો પણ પછી પ્રાર્થના અને ભજનોને અંતે સાલાબેગને એક સ્વપ્ન આવે છે, જેમાં દામોદર પોતે એની પાંગતે બેસી એને ભભૂતિ આપે છે. સ્વપ્નમાંથી જાગતાં સાલાબેગનો ઘા અદૃશ્ય થઈ જાય છે; અને શાલાબેગ હંમેશાંનો કૃષ્ણભક્ત બની જાય છે. આ દંતકથા ઉપરાંત બીજી પણ એવી વાયકા છે કે સાલાબેગ પુરીમાં જાય છે પણ મન્દિરના નિયમો એને મન્દિરમાં જતા રોકે છે. સાલાબાગ મન્દિરને મુખ્ય દરવાજે ઊભી એકધારી ભક્તિ આદરે છે. જગન્નાથ પીગળે છે અને મન્દિરની બહાર આવી જગન્નાથ શાલાબેગને દર્શન દે છે. આજે પણ જગન્નાથપુરીના મન્દિરના પ્રવેશદ્વારમાં જગન્નાથની પતિતપાવન પ્રતિમા મુકાયેલી છે. વળી એમ પણ કહેવાય છે કે સાલાબેગનો દેહ જગન્નાથપુરીના ‘સ્વર્ગદ્વાર' ક્ષેત્રમાં પડ્યો હતો. મૃત્યુબાદ આ દેહ ફૂલોમાં પરિવર્તિત થઈ ગયો હતો. સાલાબેગે જગન્નાથને ‘કાલિમા’ રૂપે, ‘જગમોહન’ રૂપે, ‘જગબંધુ' રૂપે ભજ્યો છે. અને એનાં વિવિધ રૂપો સાથે સાલાબેગે પોતાની સંવેદના ગૂંથી છે. જગન્નાથનું મન્દિર, એની ત્રણ મૂર્તિઓ, મન્દિરનાં બાવીસ પગથિયાં, એનો મહાપ્રસાદ. એનો મંડપ, એનો રોહિણીકુંડ, મન્દિર સુધી જોડતો સ્નાનમંડપ પણ રથમાંનો જગન્નાથનો નન્દીઘોષ પવિત્ર રેતીપથ, રથ – આ બધાથી જગન્નાથનું વાતાવરણ સાલાબેગની રચનાઓમાં પ્રાણવાન બન્યું છે. જગન્નાથને વિનવતા વારંવાર સાલાબેગ કહે છે : ‘હું જાણું છું. હું તુચ્છ છું, આ તુચ્છને તમારા ચરણકમળમાં વિલાઈ જવા દો.' ક્યારેક કોઈ પદમાં સાલાબેગે પોતાની ઓળખ પણ છતી કરી છે. મારા પિતા ચુસ્ત મુસ્લીમ છે, મારી મા પવિત્ર બ્રાહ્મણ છે. હું નીચ જન્મ્યો છું ને પીડા પામ્યો છું. મારા અપવિત્ર હાથથી કોઈ હિન્દુ પાણી સુદ્ધાં પીતું નથી. પિતાએ જીવન આપ્યું, માએ મને દૂધથી પોષ્યો. હું સાલાબેગ મારી ફકીરીને ગાઉં છું.' મુસ્લીમ કવિની આવી પીડાને જગન્નાથના સાંનિધ્યમાં હંમેશાં સુખ સાંપડ્યું છે. રથોત્સવ હોય ત્યારે માઈલો દૂરથી, ગમે ત્યાંથી હાજર થતા સાલાબેગને એકવાર તાવને કારણે પહોંચવું કપરું બન્યું; ત્યારની અવસ્થાને એક રચનામાં કવિએ વર્ણવી છે. તાવથી તપતા બદન સાથે અને થાકેલા મન સાથે નન્દીદોષ રથમાં બિરાજમાન જગન્નાથને જોવા તલપતા સાલાબેગ છેવટે લોકસમુદાયથી ઉભરાતા માર્ગમાં આવીને ઊભા રહી જાય છે: ‘મોતીની સેરો રથ ફરતે ઝૂલી રહી છે અને વચ્ચે ભગવાન જગન્નાથ પ્રેમથી ઝળહળી રહ્યા છે. જગતની પૂરતી કાળજી માટે પોતાની વિશાળ આંખો આસપાસ અને ચોપાસ ફેરવી રહ્યા છે.’ ક્યારેક સ્નાનમંડપમાં પવિત્ર સ્નાન માટે લવાયેલી બલભદ્ર, સુભદ્રા અને જગન્નાથની મૂર્તિઓને જોતાં આર્દ્ર સ્વરે કવિ ગાય છે : ‘શંખધ્વનિથી અને ઝાંઝપખવાજથી હવા કંપી રહી છે. છલકતાં ઘડાઓથી સેવકો દેવોના અભિષેક માટે તૈયાર ઊભા છે. દરેકની જીભે કૃષ્ણના અવતારો અને પરાક્રમોનાં ગીતો રમી રહ્યાં છે. કૃષ્ણના પ્રેમથી હવા સુવાસિત છે. મંડપ ઉપહારોથી ઊભરાઈ રહ્યો છે.’ પણ આ જ જગન્નાથ પર જ્યારે જ્યારે આક્રમણ થયું છે ત્યારે પોતાના પ્રિય દેવને સુરક્ષિત રાખવા પ્રજા એને મન્દિરથી દૂર પહાડોમાં, ક્યારેક તો ચીલિકા સરોવરના દ્વીપખડકો પર લઈ ગઈ છે. આવા કોઈ સમયની વેદનાને આ મુસ્લીમ કવિભક્ત ઉત્તમ રીતે આકારી છે : 'મારા દેવને ક્યાં લઈ જઈ રહ્યા છો? ક્યાં? હવે કોના દર્શન કરીશું, કોની અર્ચના કરીશું? ઓ દેવ, તમે જ્યારે જઈ રહ્યા છો.... નારીઓનાં ડૂસકાંઓ હવાને ચીરી રહ્યાં છે, પુરોહિતોનાં આંસુઓ ભૂમિ ભીંજવી રહ્યાં છે. કેવું દુર્ભાગ્ય આવી પડ્યું છે મારા દેશ પર.... તમે આ રીતે દૂર હશો ત્યારે અમારાં મુખ પર પ્રેમની છાલકો હવે કોણ લગાવશે? કોણ વેશે આનંદરજને?' છેવટે કવિ કહે છે ‘અમે કાંઈ નથી, તમારા વિનાના અમે કંઈ જ નથી. તમે જ્યારે દૂર હો ત્યારે અમે કશું જ નથી...' ઓરિસ્સાને, ઓરિસ્સાના હાર્દરૂપ જગન્નાથને અને જગન્નાથની હાર્દ રૂપ ભક્તિને પામવાં હોય તો સાલાબેગને વાંચવો જ રહ્યો. નિરંજન મોહી જેવા ઓરિસ્સાના આજના કવિએ સોલાબેગની રચનાઓનો ‘વ્હાઈટ વ્હીસપર્સ' નામે અનુવાદગ્રંથ આપ્યો છે. આ ગ્રંથ સાહિત્ય અકાદમી, દિલ્હીએ પ્રગટ કર્યો છે.