રચનાવલી/૯૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૫. અલ્પજીવી (રાયકોણ્ડા વિશ્વનાથ શાસ્ત્રી)


આધુનિક જીવનમાં માણસ જો જડ બનીને ન જીવે, એનાં સંવેદનોને બુઠ્ઠાં કરીને આગળ ન વધે, એની આસપાસ ચાલતા લગભગ મૂલ્ય વગરના સમાજમાં જો મૂલ્યોની ખેવના કરવી ન છોડી દે તો ચારેબાજુનું અમાનુષી આક્રમણ એને કાં તો ગળી જાય અને કાં તો ભયભીત કરી દે. ડર અને ભયનો આતંક આધુનિક જીવનનું જાણે કે એક અવિભાજ્ય અંગ છે. ભ્રષ્ટાચાર, હિંસા અને રુશ્વતખોરીને અંકે કરવાને બદલે જો એની સામે થયા અથવા એની સામે થવાનું બળ ગુમાવ્યું તો તમે ક્યાંય-ના ન રહી શકો. અંદરના તણાવો અને બહારના દબાવોથી માણસ ભયંકર રીતે અધમૂઓ બની ગયો છે. આવા આધુનિક સમાજના પ્રતિનિધિ રૂપ પાત્રને કેન્દ્રમાં મૂકીને તેલુગુ ભાષાના સાહિત્યકાર રાયકોડ઼ા વિશ્વનાથ શાસ્ત્રીએ ‘અલ્પજીવી' નામની એક તદ્દન અનોખી નવલકથા લખી છે. વર્તમાનજીવનને ભૂમિકા બનાવી પાત્રની અંદરબહારની પ્રવૃત્તિઓને નવલકથાકારે નજીકથી બતાવી છે. અને એનાં વર્ણનો જોતાં લાગે છે કે કદાચ જર્મન નવલકથાકાર કાફકા કે ફ્રેન્ચ નવલકથાકાર કામૂનો આ લેખકને પરિચય હોવો જોઈએ. આમ તો આ નવલકથાકાર વકીલ છે પણ સાથે સાથે સફળ નાટકકાર અને અભિનેતા પણ છે. એમણે છએક નવલકથાઓ લખી છે અને ત્રણચાર વાર્તાસંગ્રહો પણ પ્રકાશિત કર્યા છે. લેખક રાયકોણ્ડાને આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળેલો છે. રાયકોણ્ડાની નવલકથા ‘અલ્પજીવી'નું શીર્ષક સમજવા જેવું છે. એનો નાયક સુબ્બય્યા છે. એ બધાની વચ્ચે લગભગ અલ્પજીવીની જેમ જીવી રહ્યો છે. ડર અને ભયનો માર્યો તેમજ આત્મવિશ્વાસના અભાવ વગરનો એ પૂરું જાણે કે જીવી શકતો જ નથી. પત્ની, સગાંઓ, સહકાર્યકરો, મિત્રો આ બધા જ એને નામર્દ, મનમાં જ ‘પિતાજી બહુ સારા છે' એવી છાપ છે. સુબ્બય્યાએ ક્યારે ય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. નાનપણમાં ક્યારેય નિશાળમાં ગેરહાજર રહ્યો નથી. મોટપણે પણ રજા લીધા વિના એણે ઑફિસનો કોઈ દિવસ પાડ્યો નથી. પિતાના એકના એક પુત્ર તરીકે લાડકોડમાં ઉછરેલો સુબ્બા મેટ્રિક પાસ કરી, ખેતીની આવડત ઝાઝી નહોતી, એટલે તરત જ નોકરીએ ચઢી ગયો હતો. વળી સાવિત્રીને પરણ્યો ત્યારે સાવિત્રી જેવી સુન્દર અપ્સરા જેવી સ્ત્રીને મેળવવા બદલ પોતે ભલે ધન્યતા અનુભવેલી, પણ સાવિત્રીને સુબ્બય્યાને જોતાં જ થયેલું કે ‘આવો મારો પતિ હોય!' સુબ્બય્યા પાસે કોઈ જમીનદારી ન હોવાથી સાવિત્રી એને કશું ગણતી નહોતી, જ્યારે સાવિત્રી પોતે જમીનદાર કુટુંબમાંથી આવતી હતી. ઑફિસમાં પણ સુબ્બય્યાના નરમ અને ભીરુ સ્વભાવને કારણે ઉપરીઓ એને વારંવાર ધમકાવતા. અને સુબ્બય્યાને પણ એમ લાગતું કે જો આ નોકરી ન હોત તો એની કોડીની યે કિંમત ન હોત. સુબ્બય્યાનું અંદરનું જીવન ઓર હતું. સુબ્બય્યા દરરોજ વરંડામાં બેસી લાલ સાડીવાળી સ્ત્રીને, એક સાઠ વર્ષના બુઢ્ઢાને અને બે છોકરીઓને જોયા કરતો, કદાચ લાલ સાડીવાળી સ્ત્રી તરફ સ્ત્રીના અનુકૂળ વલણને કારણે પક્ષપાત પણ હતો. આવા જ કોઈ પ્રસંગે એક સવારે સુબ્બય્યાનો ભારાડી સાળો વેંકટરાવ એકદમ આવી ચઢી અને સુબ્બય્યા પાસે પાંચસો રૂપિયા માગ્યા. ગભરાયેલા સુબ્બય્યાએ પોતાની લાચારી બતાવી. પણ વેંકટરાવ એને ઑફિસમાં ઠેકેદાર ગવરય્યાના બીલોમાંથી મારી ખાવાનું સમજાવે છે. સુબ્બય્યાને માટે આ એની શક્તિબહારની વાત હતી. ગવરપ્પાએ ખોટા રસ્તાઓ અપનાવી ઠેકેદારી લીધી હતી અને એવા જમાનાના ખાધેલ માણસ પાસેથી પૈસા પડાવવાની વાતમાં ગૂંચવાયેલો સુબ્બય્યા ઑફિસમાં કામ પર બિલકુલ ધ્યાન આપી શક્યો નહીં. વાતવાતમાં ઘરની અને ઑફિસની બાબતમાં ડરતો સુબ્બય્યા લાલ સાડીવાળી સ્ત્રીના સમાગમમાં આવે છે. એક બાજુ વેંકટરાવના કાવાદાવાને કારણે ગવરય્યાએ આપેલા પાંચસો રૂપિયાની ઉઘરાણી આવે છે, તો બીજી બાજુ સુબ્બય્યા લાલ સાડીવાળી સ્ત્રી મનોરમાના વધુ પરિચયમાં આવે છે. મનોરમા અંગે પણ સુબ્બય્યાને ડર જન્મે છે. સુબ્બય્યાને થાય છે કે ઘર એક નરક છે, ઑફિસ એક નરક છે અને આ બધાથી ચઢે એવું મારું મન એક ભયંકર નરક બની ગયું છે. ગવરય્યાના માણસો સુબ્બય્યાને ઉઠાવી જઈ ખાસ્સો મેથીપાક આપે છે. આમ છતાં બધા જ સુબ્બય્યાને ‘તને બચાવી લઈશું' એવો સધિયારો આપે છે. મનોરમા પણ ગુવરમ્યા પોતાના ગામનો છે કહી સુબ્બય્યાના ડરને દૂર કરવા પ્રયત્ન કરે છે પણ એથી એનો ડર કાવતરાની ગંધથી ઓર વધે છે. છેવટે મનોરમાના કહેવાથી સુબ્બય્યાને મારી મારીને એની પાસેથી લખાવી લીધેલું લખાણ ગુવરય્યા પરત કરે છે. પણ સુબ્બય્યાને લાગે છે કે બધાએ મળીને મારી સમસ્યા તો દૂર કરી છે પણ મનોરમા શંકાસ્પદ છે. એ વિચારે છે કે મારા જેવા અજાણ્યાના હાથમાં મનોરમા જો વેચાઈ ગઈ તો ખબર નથી કે કેટકેટલા માણસોના હાથમાં એ વેચાતી આવી હશે? શંકા અને વિચારોથી ડરનું માર્યું પોતાનું માથું ફાટી જતું હોય એવું સુબ્બય્યાને લાગે છે. અને થાય છે કે મનને કેવી રીતે મુક્ત કરવું? શાંતિ વગર મનને આરામ ક્યાંથી? તો પછી મૃત્યુ જ ઠીક છે. પણ બહુ વિચાર્યા પછી સુબ્બય્યાને જાણે કે મૂળમંત્ર મળ્યો હોય એવો આનંદ થાય છે. આ મૂળ મંત્ર છે : ‘સેફ, સેફર, સેફેસ્ટ’ સહીસલામતી માટે વિનમ્રી બની રહો, પડછાયો જોઈને પણ બીઓ અને અધિકારની સામે ઝૂકી જાઓ..... પણ ફરીને સુબ્બય્યાનું મન ચકરાવે ચઢે છે. લેખક અંતે કહે છે : ‘સમુદ્રમાં મોજાં ઊછળી રહ્યા હતાં. સમુદ્ર ઊછળી રહ્યો હતો. સમુદ્ર ઊછળ્યા વગર કયારે રહ્યો છે?’ આ વર્ણન આગળ જાણે કે સુબ્બય્યાનું મન અને સમુદ્ર એકાકાર થઈ જાય છે. જીવનમાં બધાં જ સાહસો કરી શકે એવા સર્વજીવી નાયકની કથાપરંપરામાં કલ્પના કરવામાં આવી છે, એની સામે સહેજ સાહસ કરતાં ડરનો માર્યો મરી જતો હોય એવા નાયકની કલ્પના કેન્દ્રમાં મૂકી લેખકે આધુનિક જીવન વચ્ચે જીવન જીવતાં અલ્પજીવી સામાન્ય માણસની અંદરની બાજુઓ ખુલ્લી કરી છે.