રચનાવલી/૯૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૭. પિંજર(અમૃતા પ્રીતમ)



૯૭. પિંજર(અમૃતા પ્રીતમ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેષ દેસાઈ



દક્ષિણભારતની કમલા દાસની આત્મકથા ‘માય સ્ટોરી’એ અને ઉત્તરભારતની અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યૂ સ્ટેમ્પે' ભારતભરમાં ચકચાર જગાવેલી, કારણ દક્ષિણની મલયાલમ અને અંગ્રેજીમાં લખતી નારીકવિએ અને ઉત્તરની પંજાબીમાં લખતી નારીકવિએ એમાં જીવનની કેટલીક નિખાલસ કબૂલાતો કરી છે. પંજાબી ભાષાની અમૃતા પ્રીતમને તો એમના કાવ્યસંગ્રહ ‘કાગજ ઔર કેન્વાસ'ને ૧૯૮૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. ૧૯૧૯માં જન્મેલી અમૃતા પ્રીતમે શરૂમાં ‘નવી દુનિયા’ માસિકનું અને પછીથી ‘આરસી' તેમજ ‘નાગફની' જેવા સામયિકોનું સંપાદન કર્યું છે. ભાગલા પહેલાં લાહોર ઑલ ઇન્ડિયા રેડિયો પર અને ત્યારબાદ આકાશવાણી દિલ્હી પર કામગીરી બજાવી છે. અમૃતા પ્રીતમે સાઠથી ઉપર પુસ્તકો લખ્યાં છે. એમાં કેટલીક નવલકથાઓ પણ છે. એમની ‘પિંજર’ નવલકથાનો તો વિશ્વની અનેક ભાષામાં અનુવાદ થયો છે. ૧૯૪૭ની સાલના ભારત પાકિસ્તાનના ભાગલાના સમયને અમૃતા પ્રીતમે ‘પિંજર’માં જીવંત કર્યો છે. સદીઓથી જેને વતન ગણીને ચાલતા હોય એવા પરિવારોને માટે પોતાનું વતન રાતોરાત પરદેશ બની જાય, માણસો બેરહમ બની જાય, માનવતા મરી પરવારે, લોહીની નીકો અને લાશના ઢગલાઓ ખડકાઈ જાય. આવા પાશવી અત્યાચારો અને બળાત્કારો વચ્ચેથી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંની હેરાફેરીએ કેટકેટલા માણસોની લાગણીને હચમચાવી દીધી હશે. છૂટા પડતા અસંખ્ય માનવીઓનાં કેવાં કેવાં અંદરનાં જગત ઝૂંટવાઈ ગયાં હશે, એની તો કલ્પના કરી શકાતી નથી. અમૃતા પ્રીતમે ભાગલા વખતે નરી ખૂનરેજી વચ્ચે મુસ્લીમ અને હિન્દુ પરિવારના વિછૂટા પડતા કુટુંબીજનોની યાતના અને બંને પક્ષે પડેલી સમજ અને સંવેદનાને અદ્ભુત વાચા આપી છે. ‘પિંજર’ પૂરો નામની એક નારીની કથા છે. પંજાબના ગુજરાત જિલ્લાના છત્તોઆની ગામમાં શાહો પરિવારમાં જન્મેલી પૂરોને નાની ત્રણ બહેનો હતી. અનેક માનતા બાદ પૂરોને મોટી વયે એક ભાઈ પણ ઉમેરાયો હતો. ભાઈના આગમન પછી પૂરોના લગ્નની વાત ચાલી. એની સગાઈ નજીકના રોવાલ ગામના સમૃદ્ધ પરિવારના સુન્દર અને બુદ્ધિમાન રામચન્દ્ર સાથે થઈ. બહેનપણીઓ રામચન્દ્રનું નામ લઈ લઈ પૂરોને ખીજવતાં. એકવાર બહેનપણીઓ સાથે ફરતી પૂરોને રશીદ ભટકાઈ જાય છે. રશીદથી ગભરાયેલી પૂરોને જોઈને બહેનપણી પૂછે છે ‘કોઈ સિંહ ભટકાઈ ગયો કે?’ ત્યાં એક બહેનપણી બોલી ઊઠે છે : ‘સિંહ તો ખાલી ફાડી ખાય છે પણ રીંછ તો સ્ત્રીને મારવાને બદલે એની ગુફામાં ઉઠાવી જાય છે અને પોતાની પત્ની બનાવીને રાખે છે' પૂરો સાથે એવું જ થયું. રશીદ ઘોડા પર આવી ખેતરમાંથી પૂરીને પોતાને ત્યાં ઉઠાવી જાય છે. રશીદ પૂરોને સમજાવે છે કે એણે પૂરોનું અપહરણ કેમ કર્યું. પૂરોના શાહો પરિવારને શેખો પરિવાર સાથે આડવેર હતું. પૂરોના કોઈ પૂર્વજે શેખો પરિવારની સ્ત્રીની લાજ લૂંટેલી. રશીદની ઇચ્છા નહોતી તો પણ કાકાઓની ચઢવણીથી રશીદ પૂરોને ઉપાડી લાવ્યો હતો. રશીદની કેદમાંથી પૂરો ભાગીને ઘેર તો પહોંચી પણ ઘેર એને કોઈ હવે અપનાવવા તૈયાર નથી. રશીદ મૌલવી સાથે આવી પૂરો સાથે નિકાહ પઢી લે છે. પૂરોનું નામ હમીદા બની ગયું. મનમાં ને મનમાં જેની સાથે સગાઈ થઈ હતી એ રામચન્દ્રની સાથે પ્રીત બાંધી બેઠેલી પૂરોનાં સપનાં તૂટી જતાં એ ધીમે ધીમે તૂટતી આવે છે. એક દીકરાને જન્મ પણ આપે છે. એની બાજુમાં રહેતી કમ્મો અને તારોનું પરિવાર દુઃખ એને વધુ દુઃખી કરે છે. આ બાજુ રશીદ પણ પશ્ચાત્તાપથી પીડાયા કરે છે. ન છૂટકે કરેલું અપહરણ એને કોરી ખાય છે. રશીદ તાવમાં પટકાય છે અને બેભાનપણે પશ્ચાત્તાપનાં વચનો એના મોંમાંથી નીકળતાં પૂરો સાંભળી જાય છે. આ સાંભળ્યા પછી પૂરો રશીદના કૃત્યને ભૂલી જઈ રશીદને પ્રેમ સમર્પિત કરવા તૈયાર થાય છે. આ દરમ્યાન રશીદના નજીકના સગાની ઘરડી મા પોતાની આંખોના ઈલાજ માટે રત્તોવાલ ગામના પી૨ ૫૨ પૂરોને સાથે લઈ જાય છે. પૂરોના મનમાં રત્તોવાલમાં રહેતા રામચન્દ્ર માટેની ઇચ્છાઓ પ્રબળ બને છે. એક ખેતરમાં એ રામચન્દ્રને મળે છે. રામચન્દ્ર પૂછે છે ‘તું પૂરો છે?' તો એને કોઈ જવાબ આપ્યા વગર એ ત્યાંથી ચાલી આવે છે. ત્યાં, ૧૯૪૭માં ભાગલા થાય છે. પૂરોના ગામમાં હિન્દુ શરણાર્થીઓ એક રાત માટે રોકાય છે, એમાં પૂરોનો ફરીને રામચન્દ્ર સાથે મેળાપ થાય છે. પૂરોને ખબર પડે છે કે રામચન્દ્રનું લગ્ન એની નાની બહેન સાથે થયું હતું અને પૂરોનો ભાઈ રામચન્દ્રની બહેન લાજોને પરણેલો હતો. પણ લાજોનો કોઈ પત્તો નથી. પૂરો રામચન્દ્રને વચન આપે છે કે કોઈપણ ભોગે એ લાજોને ખોળી કાઢશે. એક મુસ્લીમ કુટુંબમાં અત્યાચારો વચ્ચે રહેતી લાજોને શોધવામાં અને ફરીને ઘોડી પર લાજોને ત્યાંથી ઊંચકી લાવવામાં રશીદ પૂરોને મદદ કરે છે. રશીદે પહેલાં પૂરોનું ઘોડી પર અપહરણ કરેલું એ જ ઘોડી પર આજે એ લાજોને બચાવીને લઈ જાય છે. આથી એની અંદરની પશ્ચાત્તાપની જ્વાલા કંઈક કરી છૂટ્યાના સંતોષથી શાંત પડે છે. છેવટે પૂરો અને રશીદ લાજોને લાહોર રામચન્દ્રને સોંપવા નીકળે છે. લાહોર સરહદ પર હેરાફેરી વખતે પૂરોનો ભાઈ સંકેત કરે છે કે પૂરો પણ આ તકનો લાભ લઈ હિન્દુ પરિવાર સાથે છટકી જઈ શકે તેમ છે. રામચન્દ્રનું પણ પૂરોને આકર્ષણ છે. છતાં પૂરો પાછળ હટી ચૂપચાપ દીકરાને લઈને રશીદની નજીક આવીને ઊભી રહી જાય છે. જે રશીદે એકવાર એને બધા સ્વજનથી અળગી કરી હતી એ જ રશીદ આજે અત્યાચારીઓ પાસેથી લાજોને છોડાવી છે. લાજો ભાભી હોવા છતાં રામચન્દ્રની બહેન પણ હતી. પણ પૂરો રશીદ સાથે સરહદની પેલી બાજુ જ રહી જાય છે. બળાત્કારે અપહરણ પામેલી પૂરોની ઝુંટવાઈ ગયેલી ઇચ્છિત લગ્નસૃષ્ટિ છતાં રશીદ સાથે તાલ મેળવતી પૂરો પૂરી નિષ્ઠા સાથે રશીદનો સ્વીકાર કરે છે; અને અંતે અંદરબહારની સમતુલાને પૂરા સમભાવથી સંભાળી લે છે; એ આ નવકલથાનું હાર્દ છે. ભાગલાની પડછે તબાહ થઈ ગયેલી એક નારીની ઊંડી સમજનું સત્ય હૃદયને સ્પર્શી જાય તેવું છે.