રણજિતરામ ગદ્યસંચય – ૨/એક સૂચન
આપણા પાટનગરમાં થોડા દિવસમાં સમાજસુધારક પરિષદ મળશે. ‘સુધારા’ની ગતિ અનેક કારણોથી ધીમે ધીમે વેગવંતી થતી જાય છે. છતાં ‘સુધારાવાળા’નો કાર્યક્રમ વિચારશીલ ગુજરાતીઓને ઊણો લાગ્યો છે–એ કાર્યક્રમમાં ફેરફાર થવો જોઈએ એવું લાગ્યું છે. બે કારણથી : ૧. ‘સુધારા’ની ઉત્પત્તિ પછી અર્ધી સદી વીતી ગઈ છે. એ વખત દરમ્યાન એની ગતિ કેવી ચાલી છે. એનું સ્વરૂપ શરૂઆતમાં હતું તેવું ને તેવું જ રાખી શકાય એમ છે? ધર્મ—હિંદુ ધર્મ—ની દૃષ્ટિથી અને રાજકીય પ્રગતિના હિત ખાતર એ સ્વરૂપનું સમીક્ષણ( criticism) સખત રીતે થયેલું છે. મણિલાલ અને ‘સુધારા’નો સંબંધ આપે બહુ સબળતાથી બતાવેલો છે. આ પચાસ વર્ષ દરમ્યાન એના કયા કયા પ્રશ્નો સત્વરે ઉકેલાતા જાય છે, ક્યા ક્યાનો ઉકેલ ગૂંચવાયો છે, કયા કયા ઉકેલાઈ ગયા છે, અને કયા કયા નવા પ્રશ્નો ઊઠ્યા છે, વગેરે વિચારવા જેવું નથી? ‘સુધારાવાળા’ તરફથી હાસ્યપાત્ર લેખાતી National and Shastraic Lines પર ચાલતી પ્રવૃત્તિ તરફ સમાજનું સબળતાથી લક્ષ દોરવું નથી ઘટતું? ‘સુધારાવાળા’ને આપણા પ્રજાજીવનનાં કેટલાંક અંગ નિરર્થક લાગ્યાં હતાં તેમાં હવે આપણે spirituality અને સૌંદર્ય જોઈ શક્યા છીએ. કેટલાંક અંગો હાલ તૂટે એમ નથી છતાં કાળે કરીને તૂટવાં જોઈએ. પણ હાલ જ્યાં લગી તેઓ હયાત છે ત્યાં લગી તેમની દ્વારા સમાજની જે જે પ્રકારની ઉન્નતિ થઈ શકતી હોય તે શા માટે ન સાધવી? પાશ્ચાત્ય રાજ્યઘટના, ઉદ્યમવ્યવસ્થા અને કેળવણીના પ્રવેશ અને પ્રસારને લીધે આપણાં જીવન પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અજબ અસર થતી જાય છે. આપણે ગમે તેટલા સંરક્ષક રહેવા માગીએ તોપણ રહી શકીએ એમ નથી. વળી એ અસરને લીધે નવા પ્રકારના પ્રશ્નો ઊઠ્યા છે : શહેરોના જીવનના વગેરે. અર્થાત્ પચાસ વર્ષના અનુભવ પરથી શું લાગે છે? ૨. ઉપલા પેરેગ્રાફમાં આ વાત આવી ગઈ છે છતાં સ્પષ્ટતાથી લખું તો જગતની પ્રજાઓમાં આપણે આપણું સ્વતંત્ર સ્થાન લઈ શકીએ, આપણા પૂર્વજોની સંસ્કૃતિનો લાભ આપણે લઈ શકીએ અને બીજાને આપી શકીએ એવા આપણને બનાવવા આપણો સંસાર હાલ છે તેવો રહી શકે એમ નથી માટે ફેરવાવો જોઈએ. ‘સુધારાવાળાઓ’એ સુધારાનો પાયો નીતિશાસ્ત્ર પર રચ્યો હતો. પણ હવે એ ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યનીતિ, ઇતિહાસ આદિને ઉમેરવાં જોઈએ. સુધારાવાળાઓએ એમની શુદ્ધબુદ્ધિથી એક કાર્યક્રમ ઘડ્યો અને તે અમલમાં મૂકવા યથાશક્તિ તેઓ મહેનત કર્યે જાય છે. સંરક્ષકોએ એ કાર્યક્રમનું સખત સમીક્ષણ કર્યું છે. મદ્રાસમાં એક વેળા મિસિસ બેસંટ અને પ્રો. રંગાચાર્યે સંરક્ષકોની પરિષદ ભરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે ચાલ્યો નહિ. હમણાં બે વર્ષ થયાં એ જ પ્રાંતમાં પંડિતોની પરિષદ ભરાય છે. આ બે પ્રયત્નો સિવાય સંરક્ષકો તરફથી કાંઈ વ્યવહારુ થયું નથી એમ કહી શકાય. આ સર્વ લખવાનો હેતુ એટલો જ છે કે આપને સગવડ હોય તો વસંતના એક અંકમાં સમાજસુધારણા વિશે લેખો પ્રકટ કરવા તંત્રીને વિનંતિ કરવી. આપ, ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી, પ્રો. ઠાકોર, રા. રા. નાનાલાલ કવિ, રા. રા. ચંદ્રશંકર જેવાના લેખ ઉપરાંત રા. બા. રમણભાઈ, રા. રા. નરસિંહરાવ, સૌ. વિદ્યાગૌરી કુમારી ઊર્મિલા, રા. રા. હરગોવિંદદાસ, રા. રા. નંદનાથ કે. દીક્ષિત, રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયાર વગેરેના. આ ઉપરાંત ગુજરાતમાં જેટલી નાતોની પરિષદ મળતી હોય તેના રિપોર્ટ પરથી તેમ જ જેટલાં નાતોનાં ચોપાનિયાં નીકળતાં હોય તે પરથી ઉપયોગી જાણવા જેવી હકીકત તારવી આપી શકાય. Census Reports નો સાર આપો. ૫૦, ૬૦ વર્ષથી પારસીઓએ ગાળવા માંડેલી પાશ્ચાત્ય જિંદગીના લાભાલાભ; રાજાઓ, ધર્મગુરુઓ અને શેઠિયાઓના જીવનમાં કેળવણી; જમાનો અને યુરોપીયનના સહવાસને લીધે ‘સુધારા’ ની ભાવના કેટલી પ્રવેશ પામી છે–ન પામી હોય તો કેવી રીતે પ્રવેશ અપાવવો અને એ ભાવના કેવી રીતે વ્યવહારુ રૂપ લે છે અથવા લેવું જોઈએ. ડૉ. શિવનાથ રામનાથ ભાવનગરવાળા મદ્રાસ ઈલાકાની પંડિત પરિષદમાં બે વખત જઈ આવ્યા છે તો તેઓ એ હિલચાલ વિશે લખી શકશે. સેવાસદન, વનિતાવિશ્રામની ભાવનાઓ અને આટલાં વર્ષમાં નીપજેલાં પરિણામ. સાચાકામને લઈને થતાં કામોમાં અમુક વર્ણના લોકોમાં થયેલી દ્રવ્યપ્રાપ્તિની વૃદ્ધિ, તેનો સદુપયોગ, એ લોકોની ઉન્નતિ અર્થે કેવા પ્રયાસ થઈ શકે. આપને પ્રિય ગામના જીવનના પ્રશ્નો પણ આમાં આવે.— જોઈએ તેવા આ પત્ર સ્પષ્ટ કે માર્ગદર્શક નથી છતાં કહેવાનો હેતુ સમજી શકશો.