રણજિતરામ ગદ્યસંચય – ૨/ગાથાસપ્તશતીનો સમસામયિક સંસાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગાથાસપ્તશતીના સમસામાયિક સંસાર

સિક્કાઓ, શિલાલેખ તામ્રલેખ આદિ પરથી લખાયેલો શૃંખલાબદ્ધ ભારતવર્ષનો રાજકીય ઇતિહાસ જેવો મિ. સ્મિથ કૃત Early History of Indiaમાં નજરે પડે છે તેવો સાંસારિક ઇતિહાસ હજુ લગી લખાયો નથી. વૈદિક યુગ વિશે જર્મન ભાષામાં અનેક ગ્રંથો પ્રગટ થયા છે. મહાભારત અને રામાયણના યુગ વિશે રા. બ. ચિંતામણ વૈદ્ય કૃત Epic India અને બૌદ્ધ યુગ વિશે મિ. હિસ્ ડેવિડ્સ કૃત Buddhist India જેવા સમર્થ ગ્રંથો બીજા યુગો વિશે લખાયા નથી ત્યાં શૃંખલાબદ્ધ સમગ્ર ઇતિહાસ ક્યાંથી લખાયો હોય? પણ એ ઇતિહાસનાં સાધનો વિવિધ સ્થળેથી એકઠાં થતાં જાય છે. પ્રો. મુકરજી(મુખોપાધ્યાય)એ હમણાં જ આપણાં પ્રાચીન નૌકાવ્યાપાર આદિ વિશે એક ગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રો. રાયે આપણા રસાયણશાસ્ત્ર વિશે બે ગ્રંથો લખ્યા છે. રા. રા. નરેન્દ્રનાથ લૉ ચંદ્રગુપ્તના જમાનાની રાજ્યવ્યવસ્થા વિશે લેખમાલા Modern Reviewમાં પ્રગટ કરે છે. ચિત્ર અને સ્થાપત્યની આપણી કલાઓ વિશે મિ. હેવેલ, ડૉ. કુમારસ્વામી, મિ. સ્મિથ આદિએ સમર્થ ગ્રંથ લખ્યા છે. આવે વખતે સાંસારિક ઇતિહાસનાં સિક્કાઓ અને શિલાલેખ જેવા સાહિત્યાદિ કે અક્ષરબદ્ધ સાધનોમાંથી ઉપયોગી જેટલી હકીકત તારવી કઢાય તેટલી તારવવાનું કર્તવ્ય પણ પ્રાપ્ત થાય છે. આવી રીતે તૈયાર થયેલી ઇંટો પરથી આખું મકાન આખરે ઊભું થશે. આવા મકાનની દીવાલ ચણવાનો ખોટો લોભ ન રાખતાં તેમાં કામ આવે એવી ઇંટ બનાવવાનો આ લેખમાં કમતરીન પ્રયાસ છે. વિહંગદષ્ટિથી જોનારને કદાચ આ લેખમાં સંગ્રહેલી હકીકત ઉપયોગી કે રસિક નહિ લાગે પણ ઇતિહાસકારની સૂક્ષ્મ તત્ત્વદર્શી દૃષ્ટિ[1] એમાંથી કાંઈક પણ મેળવશે એવી આશા છે એટલું જ નહિ પણ શ્રદ્ધા છે. મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી ગાથાઓમાંથી સાતસેંનો સંગ્રહ ગાહાસત્તસંઈ गाथासप्तशतीના અભિધાનથી આંધ્રભૃત્ય અથવા સાતવાહન વંશના હાલ રાજાએ કર્યો છે. [2] એ ગ્રંથ પરથી મળી શકી એવી અને એટલી સાંસારિક માહિતી એકઠી કરી આ લેખ લખ્યો છે. શુદ્ધ ઐતિહાસિક કસોટીથી મળેલી માહિતી નિરૂપવામાં નથી આવી. નિર્ણયસાગરની કાવ્યમાલામાં ગાથાસપ્તશતી છપાઈ છે. એનો સંપાદક હાલના પિતાનું નામ દ્વીપકર્ણ આપે છે પણ કુમારી ડફ પ્રણીત Chronology of Indiaમાં પુરાણોને આધારે આંધ્રભૃત્યોની જે વંશાવળી આપવામાં આવી છે તેમાં દ્વીપકર્ણનું નામ હાલના પુરોગામીઓમાં નથી. જુદાં જુદાં પુરાણો હાલની પૂર્વે ગાદીનશીન આંધ્રભૃત્યનું નિરનિરાળું નામ આપે છે એટલે હાલના પિતાનું નામ ચોક્કસ કરવું અત્યારે મુશ્કેલ છે. એવી દંતકથા પ્રચલિત છે કે હાલની મહિષી મલયવતીએ એને સંસ્કૃત પંડિત બનાવ્યો. જલક્રીડા કરતાં રાજાએ રાણી પર છાલક મારવા માંડી ત્યારે રાણી બોલી: मोदकैस्ताड्यमाम् એ શબ્દો સાંભળી રાજાએ લાડુનો ટોપલો મંગાવી રાણીને લાડુથી મારવા માંડી. ‘ઉદકથી મને ન માર’ એવો ખરો અર્થ ન સમજવા માટે રાણીએ રાજાની હાંસી કરી તેને ખસીયાણો પાડ્યો. આ પરથી સંસ્કૃત જાણવાની રાજાને ચટ લાગી. શર્વવર્મન નામના વૈયાકરણિએ કાતંત્ર વ્યાકરણ રચી ટૂંક મુદતમાં અને સંસ્કૃતમાં વ્યુત્પન્ન કર્યો એવું દંતકથાથી પ્રસિદ્ધ છે. ઉપકારનત રાજાએ લાટ દેશ પોતાને અધીન હોવાથી ત્યાંના મુખ્ય નગર ભરૂચની સુબાગિરિ શર્વવર્મનને આપી હતી. એવી પણ દંતકથા છે કે હાલના દરબારમાં ગુણાઢ્યે પૈશાચી પ્રાકૃતમાં બૃહત્કથા રચી હતી. આંધ્રભૃત્યોની રાજ્યધાની પ્રતિષ્ઠાન(પેંઠ)માં હતી. એમનો ઉદયકાળ ઈ. સ. પૂર્વે ૧૮૦ના અરસામાં કુમાર ડફ મૂકે છે પણ સિકંદર અને ચંદ્રગુપ્તના જમાનાનો હેવાલ લખનાર ગ્રીકોનાં લખાણોમાં આંધ્રો વિશે ઉલ્લેખ આવે છે, એટલે એમનો ઉદયકાળ તેથી પણ પ્રાચીન ગણવો પડશે. મત્સ્યપુરાણની રેડક્લિફ પ્રતમાં આપેલી વંશાવલિ અને રાજ્યકાલ પ્રમાણે હાલ ઈસવીસનના પહેલા શતકના ઉત્તરાર્ધમાં થયા હશે. પાંચ વર્ષથી વધારે ગાદી તેમણે ભોગવી નહોતી એવું એ જ પુરાણ કહે છે. આ હકીકત નિઃસંદેહ હોય તો ગાથાસપ્તશતીનો કાળ ઈસવીસન પૂર્વેના ત્રણેક શતકો ગણી શકાય.[3] એટલે અશોક ચંદ્રગુપ્તના જમાના લગી એ કાલ લંબાવી શકાય. આ યુગના સંસારનું દર્શન કરવા ઘણાં સાધનો મોજૂદ છે પણ તે સર્વે ભેગાં કરી ચિત્ર આંકતાં પહેલાં દરેક સાધન પરથી સ્વતંત્ર ચિત્ર આંકવું વાજબી લાગવાથી આ લેખ લખ્યો છે, અને વખતોવખત બીજાં સાધનો પરથી જાણવાજોગ હકીકત લેખમાં સાંકળી લીધી છે. શિલાલેખો, મૂર્તિવિધાન અને સ્થાપત્ય પરથી મળતી માહિતીનો બિલકુલ ઉપયોગ કરાયો નથી. કારણ એટલું જ કે કાઠિયાવાડના આ ખૂણામાં એ સાધનો મેળવી નહોતાં શકાયાં. ‘હિન્દુસ્તાનની સ્ત્રીકવિઓ’ વિશે મારો ભાઈ રા. રા. મોતીલાલ વાવાભાઈ સાધનો એકઠાં કરે છે એ પ્રસંગને લઈ ગાથાસપ્તશતીમાં કેટલીક સ્ત્રીરચિત ગાથાઓ હોવાથી એ સંગ્રહ વાંચવામાં આવ્યો. એવામાં प्राकृत भाषेची विचिकित्सा નામનો મરાઠી નિબંધ હાથમાં આવી ચડ્યો. એ બેની મદદથી આ લેખ લખવામાં આવ્યો છે. આ લેખમાં સાહિત્યગત ચર્ચાને સ્પર્શ નથી કર્યો. ફક્ત સંસારનું ચિત્ર આંકવા પર જ લક્ષ આપ્યું છે. ૧. ભૂગોળ: ગાથાસપ્તશતીમાં ગોદાવરીનું નામ વારંવાર આવે છે. એ નદી પર નાચતા વાંદરાઓ, ગર્જતા સિંહો, નદીના જલમાં નહાતાં સ્ત્રીપુરુષો, એમાં આવતાં પ્રચંડ પૂરો, એ ઓળંગવાના વિષમ માર્ગો, એને કાંઠે ફરતા બૌદ્ધ ભિક્ષુઓ, એના કાંઠા પરની કુંજોમાં થતા સંકેત વગેરે વગેરેનાં રમણીય વર્ણનો છે. ‘गोदावर्याः पुत्रकशीलोन्मूलानि कूलानि’[4] જેવી પંક્તિથી એને તીરે થતા અનર્થોનું સૂચન કરાયું છે. તેમ એ જ તીર પર જન્મતા સ્નેહનું પણ વર્ણન આવે છે. ત્રીજી શતીમાં તાપીનો તટ પુણ્ય કહ્યો છે તે પરથી જણાય છે કે ત્યારથી એનું માહાત્મ્ય ચાલ્યું આવે છે. ‘सत्यं बहला वनालो मुखरा जलङ्कवो जलं शिशिरं’ એવું નર્મદાનું વર્ણન એક ગાથામાં છે. એના કિનારા તોડી નાંખતા મદોન્મત્ત હાથીઓ અને સૂર્યનાં કિરણ પણ ન પ્રવેશ કરી શકે એવી કાંઠે આવેલી વાનીરની ઝાડીઓનાં પણ વર્ણન આવે છે. નારી વક્ષઃસ્થલ પર વિરાજતા હારનું લાવણ્ય તાદૃશ કરાવવા ‘યમુના નદીફેનપુંજ’નું સ્મરણ કરવામાં આવ્યું છે. તે સિવાય આર્યાવર્તની કોઈ પણ નદીનું વર્ણન આ સંગ્રહમાં નથી. તેમ જ ગોદાવરીની દક્ષિણે વહેતી કૃષ્ણા કે તેની પારના પ્રદેશ વિશે પણ બિલકુલ ઈશારો નથી. વિન્ધ્યાચળનું નિરનિરાળું વર્ણન જુદી જુદી ગાથાઓમાં અપાયેલું છે. ચોમાસામાં વાદળાંથી ઢંકાયેલા કે વરસાદના જલથી લીલોતરીથી ભરપૂર ઝૂકી રહેલા વિંધ્યાચળનું દર્શન ગાથાઓમાં થાય છે. એના ડુંગરોમાં આવેલી પલ્લીઓના સંબંધમાં બનતા નાનાવિધના પ્રસંગોને લઈ એનું નામ ઘણી ગાથાઓમાં કાવ્યબદ્ધ થયું છે. આ પરથી એવું અનુમાન બાંધી શકાય કે જે કવિઓની ગાથાઓમાં હાલે સંઘરી છે તેઓ વિંધ્યાચળ અને ગોદાવરીના અંતરાળના પ્રદેશના વતની હશે અને તેમાંયે ઘણાંનો નિવાસ ગોદાવરીકાંઠે અને વિંધ્યાચળના પહાડી પ્રદેશમાં હશે. તાપી અને નર્મદાકાંઠે વસનારા જૂજ હશે. ૨. જલસ્થાન : નદી ઉપરાંત તળાવ અને કૂવા આંધ્રભત્યોની રૈયતને નહાવા, પીવા અને ધોવા તેમ જ ખેતીનો પાક ઉતારવા જળ પૂરું પાડતા. તળાવ કેટલાંક એવાં નીતર્યાં અને સ્વચ્છ રહેતાં કે એમાં પ્રતિબિમ્બિત થતા આકાશનું એક પાણી ભરનારી સુંદર વર્ણન પહેલી શતીમાં કરે છે. ઉનાળામાં તાપથી ઘણાં તળાવ સૂકાઈ જતાં. દક્ષિણ પ્રદેશનો નિરંતર પરિચય આપતી અરઘટ્ટઘટિકાથી કૂવામાંથી પાણી ખેંચાતું. નદીકચ્છમાં ઊગેલાં રૂખડાં તદ્દન સૂકાઈ જતાં ત્યારે ઘણી વેળા સળગી ઊઠતાં. એવા બળતા નદીકચ્છનું પણ વર્ણન છે. વાળુકાવરણના વપરાશ પરથી વેળુ નદી કાંઠે હતી એવું પ્રતીત થાય છે. ૩. જાનવરો : જાનવરોમાં ચોપગાં, પંખીઓ અને કીડા વિશે નાના તરેહનાં વર્ણનો છે. વર્ણન કરવાની ખાતર કે પ્રાણીસૃષ્ટિનાં સ્વતંત્ર જીવનના નિરીક્ષણના પ્રદર્શન અર્થે વર્ણન નથી કરવામાં આવ્યાં પણ અમુક ચિત્રની ભિત્તિ રૂપે અથવા અન્યોક્તિના વિષય તરીકે એ જીવનનું વર્ણન છે. આથી એ જીવનમાં મનુષ્યત્વ આરોપાયું છે. क. ચોપગાં : ગોદાવરીની ઝાડીમાં ગર્જતા સિંહ વિશે ઉપર લખ્યું છે. કૂતરાનો તે વધ કરતા. પોતાની સૂંઢથી નર્મદાના બન્ને કાંઠા તોડી નાંખતા હાથીનાં ટોળાં, ગારામાં ખૂંપી ગયેલા હાથીને બહાર કાઢવા મથતી હાથણી, પોતાની સૂંઢથી કમળના નાળ હાથણને ખવડાવતો હાથી વગેરે હાથી વિશે સુંદર વર્ણનો છે. એને અને સર્પને જાતિવૈર હતું. પણ ઉનાળામાં ઘણી વાર તે વીસરી બંન્ને સાથે છાયામાં ભેળા રહેતા. એમના કુંભસ્થળમાંથી મોતી નીકળતાં એવો લતીફો આ યુગમાં પણ મનાતો અને હાથીઓનો શિકાર કરનાર વ્યાધ તે મોતીથી પોતાની પત્નીને શણગારતો એવું પણ એક ગાથામાં વર્ણન છે. આ લતીફો ક્યારે અને શાથી ઉદ્ભવ પામ્યો એ શોધવું સહેલું નથી. દાંપત્યસ્નેહના આદર્શ રૂપે અથવા સ્ત્રીઓનાં નેત્ર સરખાવવા હરણાંઓ ગાથાકારોએ સંભાર્યા છે. વ્યાધ એમનો શિકાર કરતો અને એમનાં ચામડાં વેચતો. તીક્ષ્ણ દાઢવાળાં ભૂંડ છેક ગામની નિકટ આવી ખેતરોમાંથી જવ ચરી જતાં. પાડા પાળવામાં આવતા તેમ જ જંગલમાં તે રખડતા પણ રહેતા. ખેતીમાં કામ આવતા હોવાથી એમને ખાસ તબેલામાં બાંધવામાં આવતા. ત્યાં ઊડતાં મશલાં એમને બહુ કાયર કરતાં. એમના પર એમના માલિકની અતિશય પ્રીતિ રહેતી. એક પાડો મરી ગયા પછી તેની ઘંટા અનેક પાડાને બાંધતાં પણ માલિકનું મન માન્યું નહિ એટલે છેવટે તે ઘંટા દેવસ્થાનમાં લઈ જઈ તેણે બાંધી. ઘણીવાર ખેતરમાં પેસી પાડાઓ ઊભેલા મોલને ઘણું નુકસાન કરતા. કપાસનું ખેતર પાયમાલ કર્યાનું વર્ણન ગાથાબદ્ધ થયેલું છે. સાપ અને પાડા પોતાનું જન્મવૈર ઘણીવાર ભૂલી જઈ ગમ્મત કરતા એવું વિચિત્ર વર્ણન પણ એક સ્થળે છે. ઉનાળામાં જે કુંજોમાં તાપથી શાન્તિ મેળવેલી તે કુંજોમાંથી જતાં એમને દુઃખ થતું એવો મનુષ્યભાવ પણ એક ગાથામાં પ્રકીર્તિત છે. ખેતીમાં એકલા પાડા જ ખેડ કરતા કે બળદ પણ? આનો સ્પષ્ટ ઉત્તર આપવાનાં સાધનો ગાથાસપ્તશતીમાં નથી પણ ગાડાં તો બળદ ખેંચતાં હશે. અથવા વણઝારની પોઠ ઉપાડતાં હશે એમ લાગે છે. उपरि भरेण मुञ्चति बलीवर्दोडप्यङ्गानि (૩,૭૫) પરથી ભાર ખેંચી ખેંચી એમનું શરીર નંખાઈ જતું હશે એવો ખ્યાલ આવે છે. દૂધ માટે ગાયો પળાતી–ભેંસનું સૂચન નથી. ગાયોને રાખવાની જગ્યા ગોષ્ઠ કહેવાતી. ઘડો ભરી દૂધ આપતી ગાયનું વર્ણન એક ગાથામાં છે. ગોષ્ઠમાં ગાય અને આખલાને સાથે બાંધવામાં આવતાં. એમનામાં મનુષ્યભાવ આરોપી એમના અન્યોન્યના સ્નેહનું દર્શન બેએક ગાથાઓ કરાવે છે. ઘર અને ખેતર સાચવવા કૂતરા પળાતા. અજાણ્યા માણસ સામે ભસી પોતાના ધણીને તેના આગમનની ખબર આપતા. એક ગામથી બીજે ગામ તેઓ મુસાફરી કરતા. એક ગાથામાં કાંજીથી નહિ ઠગાતી ઘરડી બિલાડીનું દૃષ્ટાંત અપાયું છે, ગોદાવરીના કચ્છમાં રાઈનાં પાતરાં ચાવતા, પેટનું તાડન કરતા, ખોક્ખ ઉચ્ચાર કરતા વાંદરાઓ દોડાદોડી કરતા, ઝાડની ડાળીઓ હલાવતા. ભમરાથી ડંખાયેલા વાંદરા જાંબુને ભમરો જાણી લેતા નહિ. તેમ જ પાંદડાથી ભરપૂર ઝાડીમાં કપિકચ્છુ જેવા વાંદરીના હાથને ખંજવાળની બીકથી તે સ્પર્શતા નહિ એવાં સ્વાભાવિક વર્ણનો પણ છઠ્ઠી શતીમાં છે. જળચર પ્રાણીઓમાં દેડકી અને મગરના ઉલ્લેખ છે. ख. પંખીઓ : સાંજે ઝાડ પર એકઠાં થતાં પંખીઓની પાંખોના ફફડાટનું વર્ણન સાતમી શતીમાં છે. ચોમાસામાં તૃણાગ્ર પર પડેલાં જલનાં બિન્દુ પીતા મોરોનું અને ગર્જના સાથે સંવાદ રાખવા નાચતા મોરોનું ચિત્ર પણ ગાથાબદ્ધ થયું છે. કૂકડો ઘર આગળ રહેતો હતો અને સવાર પડ્યાના ખબર આપી સૌને પોતાને રસ્તે પાડતો. કબૂતર ઘર અને મંદિરમાં ઘોંઘાટ મચાવી મૂકતાં આકાશમાંથી ઊતરતી પોપટની પંક્તિ પદ્મરાગ અને મરકતની કંઠી સાથે સરખાવવામાં આવી છે. સારિકા પાળવામાં આવતી અને રાત્રે ઘરમાં એનું પાંજરું ભેરવવામાં આવતું. ઘણીવાર પતિ૫ત્નીને વિશ્રંભ સંલાપ ગ્રામોફોનની માફક તે ગુરુજનો આગળ પ્રગટ કરી દેતી. આવી રીતે રાત્રિવાર્તા જાહેર કરતા પંખીને પોતાના અલંકારના પદ્મરાગને દાડમ મનાવી ચૂપ કરી દેતી નાયિકાનું વર્ણન અમરૂના રસિક વાંચનારાઓને યાદ હશે. પાકી લીંબળીઓ ખાતા કે વરસાદમાં વાડ પર બેસતા કાગડાઓને ૫ણ વીસરવામાં નથી આવ્યા. વિરહિણી કાગડાને હાથમાં પિંડદાન આપવા જતી હતી ત્યાં હાથની કૃશતાને લીધે વલય હથેલીમાં આવી જાય છે. કાગડો વલયને પાશ ધારી પિંડ લેવા જતો નથી એવું એક ગાથામાં વર્ણન છે. નદીકાંઠે કાગડી માળો બાંધતી અને ઘણીવાર પૂરથી બિચારીનાં બચ્ચાં અને માળો ઘસડાઈ જતાં. જલપંખીઓમાં રંકુ, બલાકા અને હંસનાં નામ જોવામાં આવે છે. નર્મદાકાંઠે રંકુ બહુ હતા. કમલપત્ર પર બેઠેલી બલાકાનું ચિત્ર પહેલી શતીમાં છે. ચોમાસામાં હંસ માનસ જતા, દૂધપાણીનાં મિશ્રણમાંથી દૂધ હંસ તથા હંસી પીતાં – એનો ૫ણ ઉલ્લેખ છે. પુંડરીક પર વિરાજતા રાજહંસને એક સ્થળે ઉપમાન તરીકે વર્ણવ્યા છે. ग જંતુઓ : ઝિલ્લી, પુંશુક, મશક, મધમાખ, ભમરો આદિ વિશે સહેજસાજ ઈશારા છે. ઝિલ્લીના અવાજથી ઉનાળામાં ઝાડો ગાજી રહેતાં; પુંશુક ઝાડમાંથી નીકળતો પીળા અને લાલ રંગનો કીડો હતો.

‘पश्यत पटलान्तरावतीर्णं निजकतन्तूर्ध्वपादप्रतिलग्नम् ।
दुर्लक्ष्यं सूत्रग्रथितैक बकुलकुसुममिव मर्कटकम् ॥ १, ६३ ॥

–થી કરોળિયાનું – તે પણ વાડીના સફેદ કરોળિયાનું – ઘરના મેલા કરોળિયાનું નહિ – દર્શન થાય છે. વીંછી કરડવાનો પ્રસંગ એક ગાથામાં છે. સર્પ દંશનો કે બીજાં હિંસક પ્રાણીના ઉપદ્રવનો પ્રસંગ એકે ગાથામાં નથી. ૪. વનસ્પતિ : મોટાં ઝાડોમાં વડ, આસોપાલવ, કદમ્બ, બોરસળી, આંબો, ખાખરો, એરંડો આદિ; ધાન્યમાં શાલિ, જવ, ચણા, તલ, રાઈ, શણ, કપાસ, ફૂલોમાં કમળ, શિરીષ, બકુલ, માલતી, નવમાલિકા, માધવી, શેફાલિકા, કુન્દ, કાશ, વગેરે; શેરડી; ફળમાં જાંબુ, બિલ્લાં, કોઠ, કેરી; અને નદીકાંઠેના જલમાં ઊગતાં ઘાસ વગેરે વિશે નાના તરેહનાં વર્ણન છે. ઘણું ખરું દરેક ગામને આંગણે વડ જોવામાં આવતો. વટેમાર્ગુઓ તેની છાયામાં આરામ લેતા. એના સ્થાનેથી વડ ઉખાડી નાંખવામાં આવતો તો ગામડીયાઓ દુઃખી થતા. વરકામિની હસ્ત જેવાં આસોપાલવનાં પાંદડાં હતાં. વરસ્ત્રી ચરણતાડનનો એને દોહદ થતો.

पादाघातदशोकस्तिलककुरबकौ वीक्षणालिंगनाभ्यां
स्त्रीणां स्पर्शात् प्रियंगुर्विकसति बकुलः सीधुग डूषसेकात् ।
मंदारो नर्मवाक्यात् पटुमृदुहसनाच्चंपको बक्त्रवातात्
चूतो गीतान्नमेरुर्विकसति च पुरो नर्तनार्त्कींर्णिकारः ॥

આ શ્લોકમાં જુદાં જુદાં ઝાડોના દોહદોનું વર્ણન છે. આ દોહદોની કલ્પના ક્યારે અને કેવી રીતે ઉદ્ભવી? વાત્સાયનસૂત્રમાં એ વિશે બિલકુલ ઉલ્લેખ નથી. પણ એ કલ્પના અતિશય પ્રિય થવાથી જલદી પ્રચારમાં આવી ગઈ હશે. જૈનોનાં આગમો તેમ જ ગાથાસપ્તશતી જેવા પ્રાકૃત ગ્રંથોમાં એ દોહદો રસિકતાથી વર્ણવાયા છે એ જ એ પ્રચારનો પુરાવો છે. કુરબક આલિંગનથી ફાલતો અને વસંતમાં પોતાની સુગંધથી કામીઓને ઉત્તેજતો. કરોળિયાનો રંગ દર્શાવવા બકુલનું નામ ગાથાબદ્ધ થયું છે. એના દોહદની વાત ગાથાઓમાં નથી. ગૃહદ્વાર કે બીજે રોપાતા આંબાની કુંપળો વસંતના આગમનની નેકી પોકારતા અને વિરહિણીને સંતાપતા દોહદની વાત નથી. આંબા પરની પાકી કેરી માટે રડતા બાળકની મા વટેમાર્ગુઓને તે પાડી આપવા વિનવે છે તે પરથી આંબાના ફળનું સૂચન થાય છે. કદમ્બ ફૂલોથી લચી જતો. શરીર પર ઊઠતા રોમાંચનો આબેહૂબ ખ્યાલ આવા પ્રફુલ્લ કદમ્બથી અપાતો. ચોમાસાની શરૂઆતમાં એનો બહાર ખીલતો. આષાઢના પહેલા પૂરમાં નદીકાંઠે ઊગેલો હોય તો ઘણીવાર તેમાં બીડાયેલા ભમરા સાથે તણાતા અને સ્નેહની દૃઢતા જોનારને સૂચવતા. અંગોની કોમળતા અને મૃદુતા ધ્વનિત કરવા તેમને શિરીષ સાથે સરખાવવામાં આવ્યા છે. સફેદ ફૂલવાળી માલતી પર ભમરા બહુ બેસતા. ફલભારથી લચી જતી. શિશિરમાં હિમથી નાશ પામતી. ઋતુસંહારમાં વાળમાં બકુલમાલામાં માલતી પરોવી પહેરવામાં આવતી એવું વર્ણન છે. સફેદ અને નાજુક કુન્દ શિશિરમાં ઊગતું અને ભમરાને માલતીની ખોટ વીસરાવતું. આ જ ફૂલોની જાતની નવમાલિકા ફૂલોની માળામાં વચ્ચે નાંખવામાં આવતી અને પોતાની અમૃતમયી સુગંધથી તે નોંખી તરી આવતી. વસંતમાં માધવીનો બહાર ખીલતો, ઘરનાં આંગણામાં એ વવાતી.

स्तबका अङ्गणमाधवीनां द्वारार्गला जाताः ।
आश्वासः पान्थप्रलोकनेऽपि नष्टो गतपतिकानाम् ॥ ४, २२ ॥

સવારના ઠંડા પવનની સાથે શેફાલિકાની ઉદ્દીપક વાસ આવતી. સર્વાંગસુરભિ મરૂવક(મરવા)નો છોડ સુગંધથી મહેક મહેક મારી રહેતો. પરિમલ માટે ઘરના આંગણામાં અંકોટ વવાતો.

महमहायते मलयवातः श्वश्रूर्वारयति मां गृहान्निर्यांन्तीम् ।
अङ्कोटपरिमलेनापि यः खलु मृतः स मृत एव ॥

મલય પવનમાં સરી આવતું સૌરભ વહુને વિહ્વળ ન કરે માટે તેને આંગણા બહાર સાસુ જવા નથી દેતી પણ આંગણામાં ઊગેલો અંકોટ પોતાની પીમળથી મલયપવન કરતાં પણ વધારે વિહ્વળતા આણે છે. સુગંધના રસિયા અંકોટની છાયામાં આનંદતા પીઠે ચોંટાડેલા અંકોટપત્ર માટે એક સ્ત્રીની નર્મ મશ્કરી તેની બહેનપણીએ કરી છે. ચોમાસામાં કુટજ અને કાશ ખાસ કરીને ખીલી નીકળતા નવ પ્રાવૃષમાં પહેલું દર્શન કુટજનું થતું, મેઘદૂતમાં યક્ષ એનો જ વાદળાને અર્ધ્ય આપે છે. કાશ એ ઘાસનું ફૂલ હતું. બંને સફેદ રંગનાં હોવાથી હાસ્ય સાથે ઘણીવાર તેમનો મુકાબલો થાય છે. અજાયબ જેવું છે કે મેં ચોમાસામાં કોઈ સ્થળે કુટજ જોયું નથી, અહીં ભૂરાં ફૂલ શરૂઆતમાં અસંખ્ય ખીલી નીકળે છે. ગોદાવરીકાંઠે મધૂક(મહુડાં) બહુ થતાં. બહુ પુષ્પથી ભરેલી તેની શાખાઓ નમી જમીનને સ્પર્શતી તેની કુંજોમાં સ્નેહીઓ ક્રીડા કરતાં. જાયાકપોલસદૃશ કહી મધૂક પ્રશંસાયાં છે. કમલ, કુવલય અને પુંડરીક–એ લાલ, આસમાની અને સફેદ ત્રણેય જાતનાં જલલક્ષ્મીનું સૌંદર્ય મૂર્તિમાન કરતાં પુષ્પોનો ઉલ્લેખ છે, અવતંસ તરીકે તેઓ વપરાતાં, કમલિની ગામનું મંડન લેખાતી. કાંટાવાળા કુસુમ્ભફૂલનો રંગ કપડાં રંગવા કામમાં આવતો. ગુલમહોરથી ઝૂકી રહેલું ઝાડ જેવું રંગનું સૌંદર્ય બહલાવી મૂકે છે તેમ ખાખરો પોતાના ફૂલના રંગનો બહાર ઝગઝગાવી રહેતો.

कीरमुखसदृशै राजते वसुधा पलाशकुसुमैः ।
बुद्धस्य चरणवन्दनपतितैरिव भिक्षुसंघैः ॥

આ પ્રમાણે વિંધ્યાચળ અને ગોદાવરીના અંતરાળની પરિમલસમૃદ્ધિ જોઈ. એ પરિમલના ભોગીઓની રસિકતા પણ અનુભવી. આપ્તે પોતાના સંસ્કૃત કોષમાં આ ઘણાંખરાં પુષ્પોનો વિશિષ્ટ પરિચય આપી શકતા નથી. એટલે આપણે આજે દરેકને જુદું ન ઓળખી શકીએ છતાં તે કાલે આ ફૂલો પોતાનાં સૌંદર્ય અને સૌરભથી આંધ્રભૃત્યોની રૈયતના જીવનમાં નાનાવિધના પ્રસંગોની મજાનો બહાર ઓરજ જમાવતાં, દેવોની પૂજા ફૂલોથી થતી. ફૂલો વીણવાના પ્રસંગે કુમારીઓ હૃદયદાન કરતી. સૌભાગ્યવતીઓ વાળમાં, કાને અને કંઠે ફૂલોના શણગાર ધરતી. વિરહિણીઓ પતિએ પહેરાવેલી માળા સાચવી રાખી તેના મ્લાન કુસુમોથી પણ પતિસ્નેહને સંભારી સંતપ્ત થતી. ઘરના મુખદ્વાર પર પણ ફૂલોનું તોરણ ચડતું અને તેને વંદનમાલિકા કહેતા. દેવીનો આહાર થતો પાડો પણ ફૂલનો હાર પહેરતો. છતાં,

यस्योपान्ते कृतकतनयः कान्तया वर्धिंतो मे ।
हस्तप्राप्यस्तबकनमितो बालमन्दारवृक्षः ॥

મેઘદૂતમાં યક્ષપત્નીએ જેવા સ્નેહથી મંદારને પુત્રવત્ ઉછેર્યો છે કે રઘુવંશમાં ઈન્દુમતી ફલિનીલતાનું સ્નેહપૂર્વક લગ્ન કરવા જેવી ઉત્સુક હતી તેવા સ્નેહ કે ઉત્સુકતાનું પાત્ર ગાથાસપ્તશતીમાં કોઈ વનસ્પતિ થયેલી નથી. તેમ રૂપ, યૌવન વિલાસ, વિભ્રમ, સુખ, સૌંદર્ય, ભોગ, ઉત્સવ, આનંદ અને લીલાના પ્રસંગો જમાવી પુષ્પો ઉન્મત્ત કરતાં નથી કે અલકામાં જેમ

हस्ते लीलाकमलमलके बालकुन्दानुविद्धं
नीता लोध्रप्रसवरजसा पाण्डुतामानने श्रीः ।
चूडापाशे नवकुरबकं चारु कर्णे शिरीषं
सीमन्ते च त्वदुपगमजं यत्र नीपं वधूनाम् ॥

દરેક ઋતુઓ ફૂલોથી સાથે વસી રહી છે એવા ચિરતાપુણ્યનું પણ ભાન કરાવતાં નથી. વાત્સાયને ઘરની વાડીમાં કુબ્જક, અમલક, મલ્લિકા, જાતિ, કુરંટક, નવમાલિકા, તગર, નન્દ્યાવર્ત, જપા વગેરે ફૂલોના મનોજ્ઞ ક્યારા કરાવી ગૃહિણીને સૂચના કરી છે. એ સૂચનાનો અમલ ગાથાસપ્તશતીમાં અમર થયેલી ગૃહિણીઓ કરતી એવું બિલકુલ જણાતું નથી. તેઓ તો અમસ્થી શોખ ખાતર કે ઘરની ઓળખ પડે તે વાસ્તે કે રસ્તે જનાર – આવનારની દૃષ્ટિ તો ઘરમાં થતો પ્રવેશ અટકાવવા ફૂલ કે ફળના ઝાડ રોપતી. કાલિદાસ અને વાત્સાયન જપા કુસુમનું નામ લે છે. ગાથાસપ્તશતીમાં એનો તદ્દન ઉલ્લેખ નથી. એનું શું કારણ? જાતિના સંબંધમાં પણ આમ જ છે. આ હકીકત વનસ્પતિનાં રહેઠાણ અને સ્થલયાત્રા વિશે પ્રકાશ પાડી કાંઈ ઐતિહાસિક ચોક્કસપણું લાવી શકે? સ્તનનો આકાર તાદૃશ કરાવવા પાકાં બીલાંનું ઉપમાન આપવામાં આવ્યું છે. પાકેલાં કોઠની ગંધથી ભમરા કમળને છોડી તે તરફ આકર્ષાતા એવું ચિત્ર અન્યોક્તિમાં વપરાયેલું છે તે પરથી કોઠ થતાં એવું માલૂમ પડે છે. ભવભૂતિ અને કાલિદાસે આ પ્રદેશની જાંબુની ઝાડીઓનાં વર્ણન કર્યાં છે તે જાંબુને ગાથાઓમાં વિસારવામાં આવી નથી. શેરડી પીલવાનો સંચો હતો અને તેના રસનો ગોળ થતો. કપાસ સારી પેઠે વવાતો અને પાક સારો થતો. શણ ચોખાના ખેતરમાં વવાતું અને ચોખાની ધોળાશમાં તેની પીળાશ ભાત પાડતી. અનાજમાં ચોખા, જવ, તલનો પાક સારો ઊતરતો. નદીકાંઠે રાઈ થતી. હળદર પણ સારી ઊતરતી હશે. ચોખાનો સારો પાક ઊતરતો ત્યારે ખેડૂત ખુશ થતો. હેમંતમાં પાક ખળામાં લઈ જવામાં આવતો. તલનો ફાલ ફાલ્યો હોય ત્યારે ખેતર તુષારધવલ લાગતું. ખેડૂતોના આંગણામાં એરંડો ઉછેરાતો. કુબ્જ જંગલમાં ઊગતો અને નિષ્પત્ર નિઃશાખ પણ એનું ઠૂંઠું થઈ જતું. કાકડીનો વેલો શરદમાં થતો એટલી જ હકીકત શાક વિશે છે. નદીકાંઠે ઊગતાં ઘાસ, બરૂ, રૂખડાં વગેરેમાં વેતસ, વાનીર અને વંજુલ એ ત્રણ જુદી જાતનો પરિચય અપાયો છે. વંજુલ સામાન્ય બરૂ છે અને નદીકાંઠે બહુ થતું. ભમરા એના પર ગુંજારવ કરતા. નિષ્પત્ર શાખ પણ થતું. રેવાને કાંઠે ઘાડી વાનીરની ઝાડીઓ હતી. વેતસનિકુંજો પણ ઘણી હતી. ફૂલોથી ઝૂકી રહેતી ત્યારે બહાર ઓર જ લાગતો. એ નિકુંજોમાં ઘણાં સ્ત્રીપુરુષોનાં સ્નેહદાન દેવાતાં–લેવાતાં. ૫. ઋતુઓ: છએ રતોનું વર્ણન આવે છે. પ્રવાસ અને તેના અંગમાં રહેલા સ્ત્રી-પુરુષનો અન્યોન્યનો વિરહ અને એ વિરહને પરિણામે સંગમની રહેતી તીવ્ર ઉત્કંઠા, જુદી જુદી રતમાં થતા પાક, ઋતુઓના ફેરફારોથી થતાં પ્રસાધન વગેરેને લઈને ઋતુવર્ણન કરાયાં છે. હેમન્તમાં છાણાંના તાપથી ટાઢ ઉડાડવાનું વર્ણન છે. એક વખત એટલી બધી ટાઢ પડેલી કે ગામડીઓ બળદ આપી સાટે પ્રાવરણ ઓઢવા લઈ આવ્યો.

शरदि सरसि पथिका जलानि नीलोत्पल सुरभिगंधीनि ।
धवलाच्छानि सतृष्णाः पिबन्ति दयितानामिव मुखानि ॥

આ ગાથામાં શરદના સ્વચ્છ અને નીલોત્પલના આમોદથી ભરેલા જલનું પાન પથિકો કરતા એવું વર્ણન છે. शरदि महा हृदानामन्तः शिशिराणि वहिरुष्णानि जलानि પરથી શરદમાં પાણી કેવું લાગતું તે વર્ણવ્ય છે. વર્ષાનાં ઘણાં વર્ણન છે.

अविरलपतन्नवजलधारा रज्जु घटितां प्रयत्नेन ।
अप्रभव न्नुत्क्षेप्तुं रसतीव मेघो महीं पश्यत ॥

આ ગાથામાં ધોધબંધ પડતા વરસાદ અને ગર્જનાનું વર્ણન છે. વરસી વરસી નીતરેલાં વાદળાં શરદમાં કેવાં લાગતાં.

पश्य सैन्धवपर्वत सदृशानि धुततूलपुञ्जसदृशानि ।
शोभन्ते सुतनु मुक्तोदकानि शरदि सिताभ्राणि ॥

દુકાળનું બિલકુલ નામનિશાન નથી. ઊલટું સારો પાક થવાથી આનંદમાં મહાલતા ખેડુતનું ચિત્ર અંકાયું છે.

निनान्तसस्यऋद्धिः स्वच्छन्दं गायति पामरः शरदि ।
दलित नव शालि तण्डुल धवल मृगाङ्कासु रात्रिषु ॥

૬. ધર્મ; દેવ, દેવીઓ; પુરાણકથાઓ : ગાથાસપ્તશતીનું પહેલું અને છેલ્લું મંગળાચરણ શિવપાર્વતીને લઈ કરાયું છે. એક ગાથામાં શિવપાર્વતીનાં લગ્ન વખતે શિવે વાસુકીનાં કંકણ પહેર્યાં હતાં તેથી પાર્વતીને બીક લાગતી હતી. શિવના ત્રીજા નેત્રનું વર્ણન એક ગાથામાં છે. પ્રથમ નામનાં એમના ગણોના તેઓ સ્વામી હતા. ગૌરીને આર્યા કહેવામાં આવી છે. જ્યારે સૂંઢથી સમુદ્રનું જલ શોષી લીધું ત્યારે મોકળી થયેલી વડવાગ્નિની જ્વાલાથી આકાશ ભરાઈ ગયું. એ ગણપતિની લીલાનો વૃત્તાંત કોઈ પુરાણમાં વાંચવામાં આવતો નથી (प्रा. भा. वि.), જે ગણપતિ તરુણ પુરુષોએ મારા માથા આગળ મૂક્યો હતો તેની જ ઘડપણમાં હું પૂજા કરું છું તે પરથી વામમાર્ગી ગણપતિનું સૂચન થાય છે. વિષ્ણુનો વર્ણ શ્યામ વર્ણવવામાં આવ્યો છે. સમુદ્રમંથન અને બલિબંધન વિશે ઉલ્લેખ અનેક સ્થળે છે. મંદરથી દેવોની સાથે મળી ક્ષીરોદધિનું મંથન કર્યું અને તેમાંથી રત્ન, અમૃત, લક્ષ્મી કાઢ્યાં એવી હકીકત છૂટક છૂટક વેરાયેલી છે. વામનરૂપે વાચાથી બલિને બાંધી લીધો અને ત્રીજા પગલાથી આકાશ ઘેરવા વામનના વિરાટ થયા. રામ અને લક્ષ્મણનાં ચિત્રો ઘરમાં ભીંત પર ચીતરાતાં એવી વાત છે. કૃષ્ણ, યશોદા, રાધા, વ્રજવધૂના સંબંધના નાના પ્રસંગો ગાથાઓમાં છે. યશોદા કૃષ્ણને બાળક ગણે છે. પણ વ્રજવધૂઓ એને તરુણ લેખી ચૂકી છે. આ હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. રાધાનું નામ ભાગવતમાં નથી. આ સંગ્રહમાં એના વિશેનો ઉલ્લેખ અત્યારે તો પ્રાચીનતર છે. રાધા અવિવાહિતા હતી એવું प्रा. भा. वि.નો લેખક અનુમાન કાઢે છે. ગોપીઓ સાથે કૃષ્ણ નાચતો. એનો ગોપવેષ મેઘદૂતમાં કાલિદાસે સંભાર્યો છે અને વિષ્ણુ તથા કૃષ્ણને એક ગણ્યા છે. ગાથાસપ્તશતીમાં બન્નેનું તાદાત્મ્ય સ્ફૂટ નથી કરાયું. વિષ્ણુની છાતી પર કૌસ્તુભ મણિ હતું. ભીમે યશેચ્છ દુર્યોધનને લાત મારેલી એવામાં માધવ મળ્યા એટલે દુર્યોધન બહુ દુણાયો. મહાભારતની એટલી જ હકીકત ગાથાકારોએ સંભારી છે. એક ગાથા પરથી વિદ્યાધરીનું અસ્તિત્વ મનાતું જણાય છે. આટલી પૌરાણિક હકીકત ઉધ્ધૃત થઈ. દેવકૂલ ગામમાં રથ્યામુખે રહેતાં. તેની આગળ ચોક વિશાળ રહેતો. ઉજ્જડ ગામડામાં પણ દેવકૂલ રહેલું એવી એક સ્થળે નોંધ છે. વટેમાર્ગુઓ મંદિરમાં આશરો લેતા, દેવકુળમાં ઘંટ બાંધવામાં આવતો. કયા કયા દેવની પ્રતિષ્ઠા અને પૂજા થતી તે જાણવામાં નથી આવતું. દેવીની પ્રતિષ્ઠા એક દેવકુળમાં હતી એવું છે, તેને પાડાનો ભોગ આપવામાં આવતો. દેવોને ફૂલ બહુ ચઢતાં. ‘ઉદ્વસિતનગરગૃહદેવતા’ પરથી લાગે છે કે ઘેર ઘેર કોઈ દેવી પૂજાતી હશે. બાકી સ્પષ્ટ ઉલ્લેખ નથી તેમ ઘરનો કોઈ ભાગ દેવકૂલ તરીકે અલાયદો રહેતો કે નહિ તે પણ જણાતું નથી. અગ્નિપૂજા થતી હશે અને તેમાં પાટલ પુષ્પ વપરાતાં. યજ્ઞ પણ થતા હશે. ‘યજ્ઞવાટે જ્વલતિ હુતવહો.’ સૂર્યને અર્ધ્ય અર્પાતા. સંધ્યા થતી. કલશમાં કમળ મૂકી તેના અર્ધ્ય અર્પાતા. દેવોની આંખો અનિમિષ લેખાતી. પૂજારી કે મંદિરમાં નાચતી મુરલીઓ કે ઉત્સવો કે વરઘોડા વિશે પણ બિલકુલ ઉલ્લેખ નથી. એમનું ભક્તિજીવન શાંત ચાલ્યું જતું હશે. અશોકના આચાર્યોએ પ્રસરાવેલો બૌદ્ધ ધર્મ બિલકુલ પ્રચારમાં ન હોય એવું લાગે છે. નદીકાંઠે દાતણ કરવા કરંજ તોડતા બૌદ્ધ ભિક્ષુને સંકેતકાળે આડખીલી થતા અટકાવવા કુલટાઓ ધમકાવતી. એક સ્થળે એમના વસ્ત્રનો રંગ આપ્યો છે તે પરથી પ્રતીત થાય છે કે રક્તાંબર બૌદ્ધ ત્યાં રડ્યા ખડ્યા હશે. બુદ્ધદેવના પગલાં પૂજાતાં હશે. ખેતરે ખેતરે પૂજાતા હનુમાનાદિ દેવોની પૂજા પણ ત્યારે નહિ થતી હોય. હળની પૂજા કરવામાં આવતી. સ્મશાનમાં દિલે ધૂળ ચોળતી કાપાલિકીનું વર્ણન છે તે પરથી કાપાલિક સંપ્રદાયની હયાતી જણાય છે. બાકી આ શૃંગારના સાગરમાં ભક્તિ કે ઉદાત્ત પૂજાભાવને અનુભવવાની મિથ્યા આશા શા માટે રાખવી? દેવદેવીઓનાં વર્ણન પણ શૃંગારચેષ્ટાથી કરાયાં છે. મોંની ફૂંકથી દીવો ન હોલવાય એવો વહેમ નહોતો. પણ મંગળવાર કે વિષ્ટિને કાલે પ્રવાસે જતાં અશુભ થાય એવું મનાતું. વ્રતોમાં બીજી શતીમાં શ્યામસબલનું વર્ણન છે. પહેલાં અગ્નિમાં પ્રવેશી જલમાં પ્રવેશવાથી આ વ્રત થતું. અને અગ્નિપાનીય વ્રત પણ કહેતા હશે, કુસુમોના અર્ઘોથી ચંદ્રની પૂજા કરવાનું વ્રત લેનાર આવસાધિક કહેવાતો. આ પરથી જણાશે કે સ્ત્રીઓના નાનાવિધના વ્રતો વિશે ગાથાઓમાં બિલકુલ ઈશારા નથી. ૭. ગામડાં : આંધ્રભૃત્ય રાજા હાલે સંઘરેલી ગાથાઓમાં જે જીવન તરી આવે છે તે ગામડાનું છે, શહેરનું નથી. આજે પણ વેપાર-ઉદ્યોગ વગર આંધ્રભૃત્યોથી શાસિત પ્રદેશમાં મોટાં શહેરો નથી તેમ તે કાળે પણ હશે. રાજધાની મોટું નગર હશે કે કેમ તે પણ જણાતું નથી. હૃદયના ઊમળકાથી કાલિદાસે ઉજ્જયિનીનું વર્ણન કર્યું છે તેવું કોઈ કવિએ પ્રતિષ્ઠાનનું નથી કર્યું. મુખ્ય ઉદ્યોગ ખેતીનો હતો. પાક સારો ઊતરતો એટલે રૈયત સુખી, વિલાસી અને હોંશીલી હતી. પુલિંદ જેવા મૂળ વતનીઓ ખેતી કરતા અથવા જંગલોમાં શિકાર કરી પશુજન્ય વસ્તુઓના વેપારથી ગુજરાન ચલાવતા. તેઓનું રહેઠાણ પલ્લી કહેવાતું. ગામની શેરીઓ વિસ્તીર્ણ હતી પણ બહુ ધૂળવાળી રહેતી. ચોમાસામાં ધૂળથી કીચડ ઘણો થતો. ફાલ્ગુનોત્સવમાં શેરીની ધૂળનો કર્દમ ગામના વતનીઓ રમવામાં વાપરતા. રથ્યામુખ આગળ દેવકૂલ હતું. તેની આગળ વિશાળ ચોક રહેતો. દરેકને ઘરને ફરતી વાડ ઘણુંખરું હોવાથી વાડની ફાટકો શેરીમાં પડતી. બજારનું પણ બિલકુલ વર્ણન નથી. યૌવનથી ઝૂકી રહેલી સુન્દરી પોતાના વક્ષઃસ્થલનું લાવણ્ય વર્ણિકામાં પ્રદર્શાવતી હોય એવી ઉત્પ્રેક્ષા કરાઈ છે. ટીકાકાર વર્ણિકાનો અર્થ ‘વસ્તુપરીક્ષાર્થં યદ્વસ્ત્વેકદેશ પ્રદર્શન તદ્વર્ણિકે ત્યુચ્યતે’ આપે છે તે પરથી બજાર જેવું અથવા હાલમાં જેમ એ તરફના ગામડામાં અઠવાડિયાના અમુક દિવસે હાટ(=ગુજરી) ભરાય છે તેવું કાંઈક હશે એવું અનુમાન થાય છે.

अन्येषु पथिक पृच्छ व्याधकपुत्रेषु पृषतचर्माणि ।
अस्माकं व्याधयुवा हरिणेषु धनुर्न नामयति ॥

પરથી એવું પણ સૂચિત થાય છે કે ચામડાં વેચવાનું બજાર નહિ હોય પણ વ્યાધને ત્યાં જઈ વેચાતાં–લેવાતાં. સ્ત્રીઓનાં વલય પહેરાવનારનો ખાસ પેશો હતો. તે પોતાની હાટે વલય પહેરાવતો કે ઘરાકને ઘેર જઈ તે જણાતું નથી. સાતમી શતીની ત્રીજી ગાથામાં ‘ભોગિની’ શબ્દ આવે છે, ટીકાકાર તેનો અર્થ ‘ગ્રામ વ્યાપારિક સ્ત્રી’ કરે છે તે પરથી ગામનાં વાણિયાની હયાતી ધ્વનિત થાય છે. બાકી અનાજનું શું થતું, શણ અને કપાસનાં કપડાં કોણ વણતું વગેરે વિશે માહિતી મળતી નથી. ૮. ગામના વતનીઓ : ગામડાંની જ કવિતાનું નવનીત એકઠું કરવામાં આવ્યું છે ત્યાં રાજારાણી વિશે બહુ જ થોડું કવન હોય એમાં નવાઈ નથી. રાજાના પરાક્રમથી એના દુશ્મનોની કેવી ખુવારી થાય છે તેનું વર્ણન ફક્ત બે જ ગાથામાં છે. બ્રાહ્મણની દક્ષિણમાં વસ્તી જ નહિ હોય એવું ગાથાઓ પરથી લાગે છે. વાત્સાયને જેને ઉચ્ચ પ્રતિનો નાયક કહ્યો છે, ધર્મશાસ્ત્રોએ જેને ભૂદેવની પદવી આપી છે તેની ગાથાકારોએ તદ્દન ઉપેક્ષા કરી છે. ગામમાં સૌથી મોટું માણસ ગ્રામણી ગણાતો. આપણાં શાસ્ત્રોએ જેમને અભિષેક યોગ્ય ગણ્યા છે તેમાં ગ્રામણીની ગણના છે. રાજ્યાભિષેક કાળે રાજ્યનાં અંગ જેવાં જે રત્નોનો રાજા સત્કાર કરે છે તેમાં પણ ગ્રામણીનો સમાવેશ કરાયેલો છે. અલબત્ત ગાથાઓમાં રાજસત્તાથી સન્માન પામતા કે ગ્રામ્ય પ્રજાસમૂહના પ્રતિનિધિ તરીકે રાજદરબારમાં જઈ તે સમૂહની સેવા કરતા ગ્રામણીનું ચિત્ર નથી. તદ્દન સ્વતંત્ર હોય એવું જ ભાન થાય છે. તે વીર હતો અને પરાક્રમથી ગામનું અથવા પલ્લીનું આક્રમણ કરનારાઓને હરાવી રક્ષણ કરતો. એનો દીકરો પણ એના જેવો જ બહાદુર હતો. નાનો બાળક છતાં એક ગ્રામણીનંદને પલ્લીનું રક્ષણ કર્યું હતું. પ્રહારના ઘા ખમી ખમી છાતી એકની ખડબચડી થઈ ગઈ હતી. જુવાની અને સત્તા જ્યારે એના પર કુરબાન થતી ત્યારે ગામની સુંદરીઓનાં હૃદય એ હરતો. ગ્રામણીની દુહિતાનાં રૂપગુણાતિશયનાં વખાણ કરાયાં છે. એ રૂપગુણવતી થતી તે જાણે એની તકસીર હોય એમ વિપથગામીઓ એને પોતાનું આકર્ષણ કરવા સાથે વિષકન્દલી કહેતા. ગ્રામણીની વહુ વિશે તેનું દૂષણ બતાવતો એક જ ગાથામાં ઈશારો છે. પોતાનો દિયર ગ્રામણીવનિતામાં આસક્ત થયો છે એ વાત એક સ્ત્રી પોતાની સાસુને નીચે પ્રમાણે કહે છે:

ग्रामणी गृहे श्वश्रु एकैव पाटला इह ग्रामे ।
बहु पाटलं च शीर्षं देवरस्य न सुन्दरमेतत् ॥ ५, ६९

ગ્રામણીનાં અન્યસ્વરૂપી જીવનની તપસીલ આપવામાં નથી આવી એટલે વિશેષ લખવાપણું રહેતું નથી. આ સંગ્રહ શૃંગારનું પાન કરાવવા છે એટલે કુદરતી રીતે એમાં સ્નેહ અને ઇશ્ક(love and passion) જેઓ પોતાના જીવનમાં ભોગવતા તેનાં અને આ જ પ્રકારની જિંદગીનાં ચિત્રો હોય. ગ્રામણીથી બીજો નંબર ખેડૂત હતો. તેમાં બે જાત હતી. એક હલિક કહેવાતા અને બીજાને પામર કહેતા. પામર એ મૂળ વતનીઓમાંનો ખેડૂત લાગે છે. હલિક એ આર્ય જાતિનો લાગે છે. એની પત્નીને એક ગાથામાં આર્યા કહેવામાં આવે છે. તેમ એને ગૃહપતિ પણ કહેવામાં આવ્યો છે. ખેતર તો બંનેનાં પાકથી ઝૂકતાં અને મનને આનંદથી છલકાવી દેતાં. બીજો ઘણીવાર ખેતરે રહેતો. પામર વધારે રહેતો. હલિક અથવા હાલિક બહુ સ્નેહાળ હતો. પોતાનો પાડો ગુજરી ગયો ત્યારે તેની ઘંટા ઘણા ઘણા પાડાને બાંધી પણ મન માન્યું નહિ. છેવટે દેવીના મંદિરમાં જઈ એ ઘંટા એ બાંધી આવ્યો. એ ખેતીથી બહુ શ્રીમંત થતો હોય એવું લાગતું નથી. જ્યારે ખેડનો વખત થતો ત્યારે પહેલવહેલું હળ ચલાવતાં અગાઉ હલિકવધૂ હળની પૂજા કરતી, એની દીકરી સાંઠી વીણી લાવતી તેમ ઘરનાં કામકાજમાં માને મદદ કરતી. ‘પિષ્ટ પાંડુરિતા’ વિશેષણ એને લગાડવામાં આવ્યું છે. મલાજો પાળવાનો રિવાજ નહોતો. પથિકો એને કામ કરતી નિહાળતા. હલિકપુત્રનાં સારાં અને નરસાં બન્ને ચિત્રો અંકાયેલાં છે, ‘અન્તરભિમુખ દહ્યતે જાય શૂન્યે ગૃહે હાલિક પુત્રઃ’

मन्दमपि न जानाति हलिकनन्दन इह हि दग्धग्रामे ।
गृहपतिसुता विपद्यतेऽवैद्यके कस्य कथयामः ॥ ६, १००

પ્રમાણે બીજા ખેડૂતની પુત્રીનો એ પ્રેમપાત્ર થતો. આ ઢાલની બીજી બાજુ પણ છે. એક પરસ્ત્રીલંપટ હલિકનંદન તે ન મળવાથી મરવાની અણી પર આવ્યો ત્યારે પતિનું અમંગળ ટાળવા તેની પત્ની દૂતી થઈ તે સ્ત્રીને ફોસલાવા નીકળી. પોતા પર પ્રીતિ છે કે અન્ય પર તેની ખાતરી કરવા હલિકનન્દનવધૂએ નદીકાંઠે પતિ ઊભો થતો ત્યારે છીછરાં છીછરાં પાણીમાં થઈ નદી ઓળંગવાને બદલે વધારે પાણીથી વિષમ ઉતાર હતો ત્યાંથી જવા માંડ્યું. ગામના વેપારીની સ્ત્રીએ પ્રહેણક દ્વારા જે મિષ્ટાન્ન જમાડેલાં તેનો સ્વાદ એવો લાગેલો કે બીજી સ્ત્રીઓનાં પ્રહેણકપર તે ઢૂંકી પણ શકતો નહિ. એની સ્ત્રીને એકવાર નવો જ કસુંબો પહેરવાને મળ્યો. કોઈ વખત ન મળે એવું મળવાથી તે એટલી બધી ફુલાઈ ગઈ કે ગાથાકાર લખે છે કે ગામની વિસ્તીર્ણ શેરીઓમાં પણ તે માઈ શકતી નહોતી. પામરમાં મૂર્ખતા પણ હતી, આલેખ્ય લાડવો ખરો જાણી ખાવા જતાં તેનો સ્પર્શ થતો ત્યારે જ એને ભાન આવતું. માથામાં સહકારમંજરી વગેરે એ રાખતો. ચોમાસામાં વરસાદ બહુ પડવાથી થતા ગારામાં ખેડતાં એને બહુ મહેનત પડતી.

निष्कर्मणोपि क्षेत्रात्पामरो नैव व्रजति वसतिम् ।
मृतप्रिय जाया शून्यीकृत गेहदुःखं परिहरन् ॥ २, ६९

એ ગાથા પરથી એની મૂર્ખાઈ, એના શોખ, એની મહેનત વગેરે પર એનો સ્નેહ ધ્વજા પેઠે ઊડતો નજરે પડે છે. નાયકનું પદ પામેલામાં છેલ્લો વ્યાધ આવે છે. શિકારથી તેનું વીરત્વ પ્રકાશી રહેતું. હાથીઓનો તે કાળ હતો. એક વ્યાધને ત્યાં હરણીનાં ચામડાં લેવા કોઈ ઘરાક આવ્યું હશે ત્યારે વ્યાધ-પત્નીએ કહ્યું ‘અહીં હાથીનાં ચામડાં મળશે. હરણનાં જોઈએ તો બીજે જાઓ.’ પિયરથી પાછી વળતી વ્યાધ–સ્ત્રીએ કરંજના ઝાડ પર હાથીનો મદ ચોંટેલો જોયો એટલે પતિમૃત્યુની અમંગળ શંકા થઈ કારણ કે પતિ જીવતા હોય તો હાથીઓની મગદૂર નહિ કે આમ ભટકે. આવો વીર હોવા છતાં તેનામાં સ્નેહ અને કરુણા હતાં. હરણાંઓનો અન્યોન્ય પ્રત્યેનો સ્નેહ જોઈ આર્દ્ર થઈ પોતાનું બાણ તેમના પર છોડતો નહિ. એ અનેક સ્ત્રી પરણતો. એક ગાથામાંથી પાંચ સ્ત્રીઓનો પતિ વ્યાધ છઠ્ઠી કન્યા સાથે પરણેલો એવું જણાય છે. બાળલગ્ન એનામાં થતાં. નવનવી સ્ત્રી પરણતો એટલે તેના રૂપ યૌવનમાં એટલો બધો ગળી જતો કે પોતાનું જોર પણ ખોઈ નાંખતો. હાથીના કુંભસ્થળ ચીરી મોતી લાવી પોતાની પત્નીને પહેરાવનાર નવવધૂને મોર મારી તેના પીંછાથી શણગારતો. એનું એકાન્તિક પત્નીવ્રત ન હોવાથી એની સાસુને બહુ દુઃખ થતું. મૂળ વતનીઓને પુલિન્દ પણ કહેતા. એમનો રંગ કાળો હતો, ધનુષ્ય લઈ તેઓ વિન્ધ્યાચળમાં ઘૂમતા. એમની સ્ત્રીઓને ગુંજા બહુ ગમતી તે એટલે લગી કે મોતી કરતાં પણ તે વધારે કિંમતી લાગતી. પહાડોમાં રખડવાથી ઘણીવાર તેમને મધમાખ ડંખતી. ખેતરમાં ઊગેલા ચોખાની રખેવાળી કરનાર કલ્પગોપ કહેવાતો. તેની સ્ત્રી કલમગોપીનો ઇશ્ક બે ગાથામાં પ્રકીર્તિક છે. ગાયો પાળનાર ગોપ કહેવાતો. એની સ્ત્રી ઢોર ચારતી ઠેઠ અરણ્યમાં જતી. શેરડીનો પાક જ્યાં ઊતરતો ત્યાં તે પીલવાનું યંત્ર રહેતું અને એ પીલનારને યાંત્રિક કહ્યો છે. પણ તે ખેડૂતથી ભિન્ન હશે કે કેમ? ફૂલો બહુ થતાં એટલે તેને વેચનાર માલણ હતી, તેની પાસેથી કિમ્મત આપી યુવાનો ફૂલો લેતા. ગાથાકારોએ તેને પવિત્ર લેખી નથી. પાણીની તંગી જ્યાં હશે ત્યાં, પરબ મંડાતી હશે અને ત્યાં એક સ્ત્રી વટેમાર્ગુઓને ખોબાઓથી પાણી પાતી. નાનાં છોકરાઓ હજામથી, બીતા. તેની ચાલ પણ સારી નહોતી. સોનીની તુલા અને સોનું કસવાની પથરીના ઉલ્લેખ છે તે પરથી તેમ જ રતીના અલંકારનું અનેકવાર વર્ણન હોવાથી સોની વિશે કંઈક જાણવામાં આવે છે. ધોબી, દરજીની હયાતી હતી કે નહિ તે જણાતું નથી. સારાં ઊંચાં વસ્ત્રને ‘નવરંગક’ કહેવામાં આવ્યાં છે પણ વણકર કે રંગારાનું બિલકુલ સૂચન નથી. વૈદ્ય વિશે સહેજસાજ માહિતી મળે છે. જે ગામડામાં એ નહોતો ત્યાં દર્દીઓ બહુ હેરાન થતા હશે. વીંછીના ડંખ પણ એ સારા કરતો. દર્દીઓ એને ત્યાં જતા. વેશ્યા વિશે ઉલ્લેખ છે. રાજાનું ચિત્ત આકર્ષનાર તેમ જ ગામડામાં ધન તથા યૌવન લૂંટનાર વેશ્યા અને તેની પુત્રી વિશે કેટલીક ગાથાઓ છે. શણગાર સજી તે પોતાના પ્રીતમને ત્યાં પણ જતી. ગણિકા નૃત્ય અને સંગીતમાં કુશળ હતી. વસંતસેનાની માફક ફૂલવધૂ પણ થતી (૭, ૫૬). મલ્લોનાં શૂરાતનનું કથન છે. મલ્લીને નાચતાં આવડતું. નાતો હોય એવું લાગતું નથી. સગાંવહાલાં બાંધવ કહેવાતાં. તેમનામાં દ્રવ્યહીન રહેવું દુઃખદાયક થઈ પડતું. તેમના દુર્વચન સાંભળવાં અસહ્ય થતાં. ૯. ઘર તથા કુટુંબ : ઘર ઈંટનાં હતાં કે ગારાનાં? મેડીઓ હોય એવું લાગતું નથી. પણ અંદર મગતાશ સારી હશે. સાસુ જુદી સૂતી, વહુ જુદી સૂતી અને મહેમાન જુદો સૂતો એવું એક સ્થળે વર્ણન છે. પરિજન એટલે નોકરો. ગામડામાં નોકરો રાખે એવાં કોણ હતાં? સસરો, સાસુ, પતિ, પત્ની, દિયર, દેરાણી, વખતે ઘણી દેરાણી, પોતાનાં સંતાન એટલાં કુટુંબીજનો સાથે રહેતાં એટલે પણ ઘરમાં મોકળી સગવડ હશે. તેને આગળ યા પાછળ અથવા બન્ને તરફ વાડો રહેતો. વાડામાં અંકોટ, વસવક, માધવી, પાટલી, એરંડો આમ્ર જેવાં વવાતાં. આથી ફૂલ મળતાં, સુગંધ ફોરી રહેતી, ઘર ઓળ અને રસ્તે જનાર આવનારથી ઘરનો મલાજો જળવાતો. વાડ થોરની કે એવા કશાની હશે. કારણ કે એના વિવરમાંથી નજર નંખાતી. પણ એક સ્થળે અંગૂઠા પર ઊભા રહી તેની પાર જોતી સ્ત્રીનું વર્ણન છે તે પરથી તે ચણેલી કોઈના ઘરને ફરતી હશે. ઘરમાં ભીંતે રામાયણનાં ચિત્ર ચીતરવામાં આવતાં. કુટુંબ બહુ મોટું નથી લાગતું. એક પિતાનાં ફરજંદ સાથે રહેતાં. જેઠ-જેઠાણીનું નામનિશાન નથી આવતું. દિયરદેરાણીનું વિશેષ આવે છે. વળી. દિયરવટનો રિવાજ હોવાથી ઘરમાં દિયરનું પ્રાધાન્ય હોય જ, કેટલાંક કુટુંબના વર્ણનમાં ધણી-ધણિયાણી એકલાં હોવાનું પણ જણાય છે. મા અને દીકરો તથા વહુનું જ બનેલું પણ કુટુંબ હતું. ગ્રામણી તથા હાલિકની દીકરીઓ ગાથામાં કાવ્યબદ્ધ થઈ છે બાકી તો પુત્રને જ પુત્રીની ઉપેક્ષા કરી વર્ણવવામાં આવ્યો છે. વેવાણનો ઉલ્લેખ છે. પિયર એ જ ગામમાં કે બીજે ગામ પણ રહેતું. ગાથાઓમાં સાસુને ફોઈ અથવા મામી કહેવામાં આવી છે. એનો ખુલાસો શોધતાં પહેલાં જે જે પ્રસંગે એવી રીતે સંબોધન થયેલું છે તે તે ઉતારવા અને નિરૂપવાની જરૂર છે. પહેલાં જેમાં કોઈને સાસુ કહી છે તે ઉતારીએ.

अत्ता तथा रमणीयमस्माकं ग्रामस्य मण्डनीभूतं ।
लून तिलवाटी सदृशं शिशिरेण कृतं विसिनीषण्डम् ॥ १,८
ग्रामणिगृहे अत्ता एकैव पाटला इह ग्रामे ।
बहुपाटलं च शीर्षं देवरस्य न सुन्दरमेतत् ॥ ५,६९
महमहायते मलयवातः अत्ता वात्यति में गृहान्निर्यान्तीम् ।
अङ्कोट परिमलेनापि यः खलु मृतः स मृत एव ॥ ५,९७
दृश्यते न चूतमुकुलं अत्ता न च वाति मलयगन्धवाहः ।
प्राप्तं वसन्तमासं कथयत्युत्कण्ठित मेव ॥ ६,४२
दुष्ट शुनको विपन्नः अत्ता मत्तां पतिरप्यन्यस्थः ।
कार्पास्यपि भग्ना महिषकेण कस्तस्य कथयतु ॥ ६,४९
पञ्जरशारिं अत्ता न नयसि किमत्र रतिगृहात् ।
विश्रम्ळजल्पितान्येपांः लोकानां प्रकटयति ॥ ६,५२
शूर्पं दग्धं चणकाः न भृष्टाः स युवातिक्रान्तः ।
श्वश्रूरपि (अत्ता) गृहे कुपिता भूतानामिव वादितो वंशः ॥ ६,५७
दृश्यमानो दृष्टिसुखश्चिन्त्यमानो मनोवल्लभः अत्ता ।
उल्लप्यमानः श्रुतिसुखः प्रियो जनो नित्य रमणीयः ॥ ७,५१
कण्डूयता अकाण्डे पल्लीमध्ये विकटको दण्डम् ।
पतिमरणादप्यधिकं व्याधेन रोदिताः अत्ता ॥ ७,६३
अत्र निमज्जति अत्ता अत्राहमत्र परिजनः सकलः ।
पथिक रात्र्यन्धक मा मम शयने निमङ्क्ष्यसि ॥ ७,६७
अति दीर्घाणि वध्वाः शीर्षे दृश्यन्ते वंशपत्राणि ।
भणिते भगामि अत्ता युष्माकमपि पाण्डुरं पृष्ठम् ॥ ७,७४

આ ઉતારાઓમાં મૂળ પ્રાકૃતમાં જ્યાં જ્યાં અત્તા છે ત્યાં ત્યાં સંસ્કૃત તરજૂમામાં શ્વશ્રૂ છે. મેં શ્વશ્રૂ સંસ્કૃતમાં ન રાખતાં મૂળનું અત્તા જ રાખ્યું છે. કારણ સ્પષ્ટ છે. અત્તાનો અર્થ ફોઈ થાય છે. ફોઈને માટે સંસ્કૃત પિતૃષ્વસૃ પરથી થયેલો પિઉચ્છા પણ ગાથાઓમાં વપરાયેલો છે.

कमलाकरा न मृदिता हंसा उड्डायिता न च पितृष्वसः ।
केनापि ग्रामतडागे अभ्रमुत्तानितं क्षिप्तं ॥ २,९० ॥
ग्रामवटस्य पितृष्वस आपाण्डुमुखीनां पाण्डुरच्छायम् ।
हृदयेन सममसतीनां पतति वाताहतं पत्रम् ॥ ३,९५ ॥
हृदयेप्सितस्य दीयतां तनूभवन्तीं न पश्यथ पितृष्वसः ।
हृदयेप्सितोऽस्माकं कुतो भणित्वा मोहं गता कुमारी ॥ ३,९८ ॥
असमाप्त गुरुककार्ये इदानीं पथिके गृहं प्रतिनिवर्तमाने ।
नवप्रावृट् पितृष्वसः हसतीव कुटजाट्टहासैः ॥ ६,३७ ॥

ટીકાકાર પ્રમાણે આ ચાર ગાથામાંથી પહેલી બે ગાથામાં સખી તુલ્ય ફોઈ પ્રત્યે નાયિકાની ઉક્તિઓ છે. ત્રીજીમાં નાયિકાના સ્નેહનું વર્ણન એની સખી પોતાની ફોઈ આગળ કરે છે અને ચોથી પ્રોષિતભર્તૃકા નાયિકાને આશ્વાસન આપવા સખી ફોઈને કહી સંભળાવે છે. હવે મામીને લગતી ગાથાઓ ઉતારીએ :

अवितृष्ण प्रेक्षणीयेन तत्क्षणं मातुलानि तेन दृष्टेन ।
स्वप्न पीतेनव पानीयेन तृष्णैव न भ्रष्टा ॥ १,९३ ॥
दृष्टाश्रूता आघ्राता सुरा दक्षिणानिलः सोढः ।
कार्याण्येव गुरुकाणि मातुलानि कोवल्लभः कस्य ॥ १,९७ ॥
कैतवरहितं प्रेम नास्त्येव मातुलानि मानुषे लोके ।
अथ भवति कस्य विरहो विरहे भवत को जीवत ॥ २,२४ ॥
स्फुटतापि हृदयेन मातुलानि कथं निवेद्यत तस्मिन् ।
आदर्शे प्रतिबिम्वमिव यस्मिन्दुःखं न संक्रामति ॥ ३, ४ ॥
मातुलानि हृदयमिव पीतं तेन यूना मज्जन्त्याः ।
स्नानहरिद्राकटुकमनुस्रोतो जलं पिबता ॥ ३,४६ ॥
अद्यास्मि हासिता मातुलानि तेन पादयो स्तथा पतता ।
तथापि ज्वलन्तीं दीपवर्तिंमभ्युत्तेजयन्त्या ॥ ३, ६४ ॥
एष मातुलानि युवा वारंवारेण यमसत्यः ।
ग्रीष्मे ग्रामैकवटोदकमिव कृच्छ्रेण प्राप्नुवन्ति ॥ ३, ९४ ॥
मानद्रुमपरुषपवनस्य मातुलानि सर्वाङ्गनिर्वृतिकरस्य ।
अवगूहनस्य भद्रं रतिनाटकपूर्वरङ्गस्य ॥ ४,४४ ॥
तथा तस्य मान परिवर्धिंतस्य चिरप्रणयबद्धमूलस्य ।
मातुलानि पततः श्रुतः शब्दोऽपि न प्रेमवृक्षस्य ॥ ५,३१ ॥
मातुलानि सदृशाक्षराणामप्यस्ति विशेषः प्रजल्पितव्यानाम् ।
स्नेहमयानामन्योन्य उपरोधमयानाम् ॥ ५, ५० ॥
ईर्ष्यामत्सररहिताभ्यां निर्विकाराभ्यां मातुलान्यक्षिभ्याम् ।
इदानीं जनो जनमिव निरीक्षते कथं न क्षीयामहे ॥ ६, ६ ॥
सकोऽपि गुणातिशयो न जानीमो मातुलानि कुन्दलतिकायाः ।
अक्षिभ्यामेव पातुमभिलष्यते येन भ्रमरैः ॥ ६, ९१ ॥
यदि खिद्यते खिद्यतां नाम मातुलानि परलोकव्यसनिको लोकः ।
तथापि बलाद्ग्रामणीनन्दनस्य वदने वलते दृष्टिः ॥ ७,८ ॥

ટીકાકારો અને આલંકારિકોએ ઊંડા ઊતર્યા વિના મામી એટલે ભાણેજને કુમાર્ગે લઈ જનાર કુટણી એવો અર્થ કર્યો છે. પણ આ ઉતારા પરથી ચોખ્ખું જણાય છે કે ભાણેજ અને મામીને સખી સંબંધ હતો તે ઉપરાંત સાસુ વહુનો પણ સંબંધ હતો. અને આ ગાથાઓમાં ઈશ્કની નહિ પણ પ્રેમની કવિતા છે. અત્તા(ફોઈ)નો અર્થ પ્રાયઃ ટીકાકારોએ સાસુ જ આપ્યો છે. ફક્ત છઠ્ઠા શતકની બાવનમી ગાથામાં અત્તા છે, તેનો સંસ્કૃતમાં તરજૂમો ‘માતુલાની’થી કરવામાં આવ્યો છે. આથી પ્રશ્ન ઊઠે છે કે અત્તા અને માતુલાની બન્ને એક જ વ્યક્તિ હોવાનું ગાથામાં સૂચન જરા પણ ન હોવા છતાં ટીકાકારે આવો તરજૂમો શા માટે કર્યો? ખુલાસો સ્પષ્ટ છે કે સાસુને માટે બન્ને શબ્દો વપરાતા હતા. વિશેષમાં આ ખુલાસાને મરાઠી ભાષાના આધુનિક શબ્દવ્યવહારથી પણ સમર્થન મળે છે. સાસુ સસરાને મામી મામાજી કહેવાનો એમનામાં રિવાજ છે. સ્ત્રી તથા પુરુષ બન્ને એ શબ્દોનો વ્યવહાર કરે છે. એટલે એક કાળે ભાઈની દીકરી બહેનના દીકરા સાથે પરણતી અને ભાઈનો દીકરો બહેનની દીકરી સાથે પરણતો. આ રિવાજના ચોખ્ખા પુરાવા ઉતારેલી ગાથાઓ આપે છે : ‘મરાઠી બ્રાહ્મણોમાં આજે પણ ભાણેજ સંબંધ કરવાનો ચાલ છે. માધ્યંદિન દેશસ્થોમાં માના ગોત્રની કન્યા ખપતી ન હોવાથી આ સંબંધ થતો નથી. ચિત્પાવનોમાં જનોઈને પ્રસંગે કાશીયાત્રાથી પાછા આવતા બ્રહ્મચારીને પોતાની કન્યા પરણાવવાનું કહી મામો પાછા વાળે છે તે રિવાજ એ સંબંધના લિસોટારૂપ રહેલો છે. એ રિવાજ કોઈ કારણસર એમનામાં હાલ બંધ પડેલો છે બાકી મૂળ પ્રચલિત હોવો જોઈએ. માધ્યંદિન દેશસ્થ સિવાયના મરાઠાઓમાં — પછી તે નાતે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હો — ભાણેજ સંબંધ આજે પણ પ્રચલિત છે અથવા એક કાળે પ્રચલિત હતા. માધ્યંદિન દેશસ્થો ગુજરાતી લાગે છે. મૂળે મરાઠા નથી લાગતા. હાલમાં મામાની દીકરી સાથે ફોઈનો દીકરો પરણે છે — ફોઈ પછવાડે ભત્રીજી આવે છે પણ ફોઈની દીકરી મામાના દીકરા સાથે પરણતી નથી. ગાથાઓ પરથી એ ચાલ હતા એવું જણાય છે. (૧.૯૩; ૪.૪૪; ૩.૪૬; ૩,૪.) અને તેથી જ સાસુ સસરાને મામી મામા કહી સંબોધવાનો રિવાજ અદ્યાપિ રહેલો છે. ગાથાના જમાનાની માફક અત્યારે સાસુને ફોઈ કહેવાનો રસમ નથી એ લક્ષમાં લેવા જેવું છે. (प्रा. भा. वि. પૃ. ૫૯-૬૨) प्रा. भा. वि.ના લેખકનો અભિપ્રાય એવો લાગે છે કે શૂદ્રોમાં ઉક્ત સંબંધ નહોતો થતો. પણ ૭,૬૨ પરથી વ્યાધમાં ફોઈની દીકરી સાથે પરણવાના રિવાજની હયાતી સ્પષ્ટ માલૂમ પડે છે. અર્થાત્ જેઓ શુદ્ધ મરાઠાઓ છે તેઓમાં ભાઈબહેનનાં સંતાન પરણાવવાનો રિવાજ હતો. આ રિવાજ આર્ય નહોતો એવું આપણા ધર્મગ્રન્થો અને ઈતર ગ્રન્થોમાં એની ભિન્નતા અને વિચિત્રતા સ્પષ્ટ નોંધેલી હોવાથી પ્રતીત થાય છે. વાત્સાયન પણ મરાઠાઓમાં માતુલ કન્યા પરણવાનો રિવાજ હતો એવું નોંધે છે. કુમારિલભટ્ટ દેશાચાર વર્ણવતાં અહિચ્છત્રની બ્રાહ્મણીઓ સુરાપાન કરતી અને દક્ષિણીઓ મામાની પુત્રી પરણતા એવા બે રિવાજનો ઉલ્લેખ કરે છે. લક્ષમાં લેવાનું છે કે આ રિવાજને શાસ્ત્રોક્ત ધર્માચાર નહિ પણ દેશાચાર એમણે તંત્રવાર્તિકમાં લેખ્યા છે. મરાઠાઓ આર્ય છે કે નહિ? એ પ્રશ્નનું નિરાકરણ કરતી વખતે આ બાબત ધ્યાનમાં લેવાથી જુદો જ પ્રકાશ પડશે. રજપૂતોમાં ફોઈ પછવાડે ભત્રીજી આપવાનો રિવાજ છે. તથા એમને અને મરાઠાઓને Ethnically એક ગણવા? પણ આધુનિક ઐતિહાસિક શોધ રજપૂતોનું હિંદમાં આગમન ઈસવીસનના ચોથાથી છઠ્ઠા સૈકા લગીમાં થયેલું માને છે. અને ગાથાઓમાં જેમનું જીવન વર્ણવાયું છે તે મરાઠાઓ ઈસવીસન પૂર્વેની શતીઓથી દક્ષિણમાં વસતા હતા. ત્યારે આ રિવાજ દ્રવિડી છે? હા. એમ જ લાગે છે. ઠેઠ રામેશ્વર લગી એ રિવાજ પ્રચલિત છે.

क्षणभङ्‌गुरेण प्रेम्णा प्रातृष्वसः दूनाः स्म इदानीम् ।
स्वप्ननिधिलम्मेनेव दृंष्टप्रनष्टेन लोके ॥ ५,२३ ॥
तत एव भवन्ति कथा विकसन्ति तत्र तत्र समाप्यन्ते ।
किं मन्ये मातृष्वसः एकयुवकोऽयं ग्रामः ॥ ७,४८ ॥

જે દૃષ્ટિબિંદુથી આપણે ફોઈ અને મામી વાળી ગાથાઓ જોઈ તેનાથી જ આ ગાથાઓનું નિરીક્ષણ કરીએ તો બહેનનાં છોકરાં પરણતાં એવું જણાશે. ૧૦ લગ્ન : આવાં લગ્નો કઈ ઉંમરે થતાં? પુરુષોનાં લગ્નની ઉંમર નક્કી થઈ શકે એવાં સાધન પ્રાપ્ત નથી થતાં પણ કન્યાની ઉંમર અષ્ટવર્ષા ભવેદ્ ગૌરીના શાસ્ત્રને અનુસરતી તો નહોતી એવું માલૂમ પડે છે.

यद्यादालिखति मन आशावर्तिकाभिर्हृदयफलके ।
तत्तद्वाल इब विधिर्निभृतं हसित्वा प्रोञ्छति ॥ ७,५६ ॥

માં અનુરૂપ નાયક ન મળવાથી નાયિકા વિધિને ઠપકો આપે છે તે પરથી તેમ જ ફોઈ, મામી, માસીને લગતી જે જે ગાથાઓનો સંગ્રહ ઉતારવામાં આવ્યો છે તેમાંથી જેટલી લગ્ન પહેલાંની સ્થિતિ દર્શાવે છે તે પરથી તેમ જ ‘આસન્ન વિવાહદિને અભિનવવધૂ સંગમોત્સુક મનસઃ’ (પૃ. ૭૯) વગેરે પરથી જણાય છે કે કન્યાઓ મોટી ઉંમરે–રજસ્વલા થયા પછી પરણતી હશે. મોટી ઉંમરે પરણવાનો રિવાજ હોય તોપણ નાની બાળકીને પરણવાનો છૂટોછવાયો પ્રસંગ બન્યા વિના ન રહે.

मध्यः प्रियः कुटुम्बं पल्लीयुवानः सपत्न्यः ।
यथा यथा वर्धेते स्तनौ तथा तथा क्षीयन्ते पञ्च व्याध्याः ॥ ६,९७ ॥

આમાં એક વ્યાધની પાંચ સ્ત્રીઓ ઉપરાંત છઠ્ઠીની બાલક ઉંમરનો ઉલ્લેખ છે. અનેક સ્ત્રીઓ પરણનાર વ્યાધ જેવી દેશજ જાતમાં કદાચ છઠ્ઠી પત્ની બાલ્યાવસ્થામાં પરણાઈ હોય તેથી બાળલગ્ન ત્યારે થતાં એવું કહી શકાય નહિ. સ્નેહ : મોટી ઉંમરે લગ્ન થતાં તો કેવી રીતે થતાં? કન્યાનું પ્રથમ દાન કોણ કરતું? માબાપ કે સ્નેહ? ભાઈ બહેનની સંતતિ પરણતી એટલે માવતરની સંમતિથી બાળકો અન્યોન્યના પરિચયમાં આવી સ્નેહી થતાં અને સ્નેહમાંથી દંપતી થતાં.

हृदयेप्सितस्य दीयतां तनूभवन्तीं न पश्यथ पितृष्बसः ।
हृदयेप्सितोऽस्माकं कुतो भणित्वा मोहं गता कुमारी ॥ ३,९८ ॥
यां यां प्रलोकयांमि दिशं पुरतो लिखित एव दृश्यसे तत्र ।
तव प्रतिमा परिपाटीं वहतीव सकलं दिशाचक्रम् ॥ ६,३० ॥
अयि ऋजुके न लज्जसे पृच्छन्ती प्रियस्य चरितानि ।
सर्वाङ्गसुरभेर्मयूरकस्य किं कुसुभद्धिभिः ॥ ७,७७ ॥
तथा तेनापि सा दृष्टा तयापि तथा तस्मै प्रोषिता दृष्टिः ॥ ७,२५ ॥
अवितृष्ण प्रेक्षणीयेन तत्क्षणं मातृलानि तेन दृष्टेन ।
स्वप्नपीतेनेव पानीयेन तृष्णैंव न भ्रष्टा ॥ १, ९३ ॥
मामि हृदयमिव पीतं तेन यूनां मज्जंत्याः ।
स्नान हरिद्रा कटुक मनुस्रोतो जलं पिबता ॥ ३,४६ ॥
रथ्या प्रकीर्ण नयनोत्पला त्वां सा प्रतीक्षते आयान्तम् ।
द्वारनिहिताभ्यां द्वाभ्यामपि मङ्गलकलशाभ्यामिवस्तनाभ्याम् ॥ २,४० ॥
समसौख्यदुःखपरिवर्धितये कालेन रूढ प्रेम्णोः ।
मिथुनयोर्भ्रियते यत्तत्खलु जीवति इतरन्मृतं भवति ॥ २, ४२ ॥
दुर्निंक्षेपकमेतत्पुत्रक मा साहसं करिष्यसि ।
अत्र निहितानि मन्ये हृदयानि पुनर्न लभ्यन्ते ॥ २,५४ ॥
अस्तु तावन्मनोहरं प्रियाया मुखदर्शनमतिमहार्घंम् ।
तद्ग्राम क्षेत्र सीमापि झटिति दृष्टा सुखयति ॥ २,५८ ॥
बहुशोऽपि कथ्यमानं तव वचनं मम हस्त संदिष्टम् ।
न श्रुतमिति जल्पन्ती पुनरुक्तं शतं करोत्यार्या ॥ २,९८ ॥
अस्तु तावज्जनवादो हृदयमेवात्मनस्तव प्रमाणम् ।
तथा त्वमसि मन्दस्नेहो यथा नोपालम्भयोग्योऽसि ॥ ३१ ॥
तव मुख सादृश्यं न लभत इति संपूर्ण मंडलो विधिना ।
अन्यमयमिव घटयितुं पुनरपि खण्डयते मृगांकः ॥ ३,७ ॥
सत्यं भणामि मरणे स्थितास्मि पुण्ये तटे ताप्याः ।
अद्यापि तत्र निकुञ्जे निपतति दृष्टितथैव ॥ ३, ३९ ॥
सा तव कृतेन बालकानिशं गृहद्वारतोरणनिषण्णा ।
अवशुष्यति वन्दनमालिकेव दिवसमेव वराकी ॥ ३, ६२ ॥
यदि स न वल्लभ एव गोत्रग्रहणेन तस्य सखिकिमिति ।
भवति मुखं तव रविकरस्पर्शविकसितमिवतामरसम् ॥ ४,४३ ॥
प्रियदर्शन सुखरस मुकुलिते यदि तस्या भवतो नयने ।
तदाकेन कर्णरचितं लक्ष्यते कुवलये तस्याः ॥ ४, २३ ॥
सुख पृच्छिकाया हालिको मुखपङ्कज सुरभि पवन ‘निवापितम् ।
तथा पिबति प्रकृतिकटुकमप्यौषधं यथा न तिष्ठति ॥ ४, १७ ॥

વગેરે વગેરે ગાથાઓમાં સ્નેહલગ્નની સ્પષ્ટ મુદ્રા છે, કેવી રીતે જન્મતો? ચક્ષુરાગજ અને વસ્તુતઃ જન્મ આપતો પણ પરિચય, ગુણ અને પરાક્રમપ્રશંસા આદિથી પણ સ્નેહનો પ્રાદુર્ભાવ થતો. માસી વિશેની એક ગાથામાં આવી પ્રશંસાનું ચિત્ર છે. વાત્સાયને રમતગમતો, ભેટ, પુષ્પાવચય આદિ સ્નેહનાં પોષક સાધનો ગણાવ્યાં છે તેમાંથી પુષ્પાવચયના પ્રસંગો ગાથાસપ્તશતીમાં નોંધાયેલા છે. ફૂલો પુષ્કળ થતાં એ આપણે જોઈ ગયા છીએ. સ્નેહીઓ સાથે જઈ તે વીણતાં અને તેના હાર ગૂંથી એકબીજાને પહેરાવતાં એવું વાત્સાયન વર્ણન કરે છે. ગાથાઓમાં સંવનનનું સંપૂર્ણ સ્વરૂપ આલેખાયું નથી પણ એ સ્વરૂપની એકાદ બે સ્થિતિની ઝાંખી થાય છે. તો એ ઝાંખીથી સંતોષ ન માનતાં આપણે વાત્સાયને આપેલા સ્વરૂપનું દિગ્દર્શન કરીએ તો કેમ? ‘ધોટકમુખ સંવનનને ધર્મ્ય ગણે છે. સ્નેહીઓ ફૂલો એકઠાં કરતાં, તેની માળા ગૂંથતાં. રમવા માટે લાકડાંનાં કે માટીનાં ઘર બનાવવાં, સૂત્ર કે લાકડાંની ઢીંગલીથી રમતા. ભાતનું ઓસામણ પીતાં, અને નાના પ્રકારનાં દ્યૂત ખેલતાં, વચલી આંગળી પકડતાં, પાંચીકે રમતાં, સંતાકૂકડી, ફૂદડી વગેરે રમતો રમતાં; સ્નેહી પ્રણયિનીને કન્દુક, ઢીંગલી, લાકડાનાં મેઢાં, બકરાં વગેરેનાં નરમાદાની જોડ, બરૂ કે લાકડાનું બનાવેલું મંદિર, પાંજરું, વીણા, ઢીંગલી કે કપડાં ભરવાની પેટી, અળતો, હરિતાલ, હિંગળોક, ચન્દન, કુંકુમ, સોપારી, પાન વગેરે વગેરે ભેટ આપતો. આખ્યાન, કથા, ઐન્દ્રજાલિક પ્રયોગથી સ્નેહનું વર્ધન થતું. માણેકઠારી પૂનમ, કાર્તકી પૂનમ જેવી તિથિએ કે ઉત્સવ, યાત્રા, ગ્રહણ આદિના પ્રસંગે પ્રણયિની પ્રણયીને મળવા આવે ત્યારે તે તેને માળા, કર્ણપત્ર, વસ્ત્ર, વીંટી કે બીજાં કોઈ અલંકારથી ભૂષિત કરતો. પ્રણયિની ધાત્રેયિકાની સાથે પ્રણયીને ઘેર જતી અને તેની સાથે દ્યૂત, ક્રીડા રમતી અને આલાપ કરતી. આવે વખતે પ્રણયી દયિતા પાસેથી કર્ણપત્ર, વીંટી, કે માળા માગે તો ધાત્રેયિકો મારફત તરત જ તે તેને આપતી. દયિતે આપેલી વસ્તુઓ દયિતા પરિધાન કરતી. તેઓ સાથે જલક્રીડા પણ કરતાં. સ્વજનસમાજ મળ્યો હોય ત્યારે અથવા પ્રેક્ષણક જોવા ગયાં હોય ત્યારે દયિતદયિતા પરણ્યાં ન હોય પણ તેમનો સ્નેહ પ્રસિદ્ધ હોય એટલે સાથે બેસતાં. [5] લગ્ન પહેલાં માંદાં પડતાં તો એકબીજાને જોવા અને સારવાર કરવા જતાં.’ [6] આ પરથી જણાય છે કે આર્ય માતાઓને પોતાની દીકરી પરણાવવા ‘બોલ’ કે મિજબાનીના પ્રસંગો ઊભા નહોતા કરવા પડતા. પણ ઇંગ્લિશ કન્યાઓ જેટલી ઉંમર લગી બાલ્યકાળનું નિર્દોષ જીવન ગાળી શકે છે તેવું આર્યમાતાની દુહિતા નહોતી ગાળતી. નાનપણથી જ તેઓ પુરુષના સંબંધમાં આવતી—ઢીંગલીઓ અને પાંચીકા રમે એવડી થતી ત્યારથી જ. બાળલગ્ન પ્રચાર થવાનાં અનેક કારણોમાંનું આ પણ એક નહિ હોય? સંવનનના આ ચિત્રથી રાચવાનું નથી કારણ એકપત્નીવ્રત વિરલ હતું; લગ્ન સંતતિ અર્થે મુખ્યત્વે થતાં સ્નેહના પોષણ અર્થે જ નહિ; તેમ શાસ્ત્રોએ સંવનનથી થયેલાં લગ્ન કરતાં માબાપોએ ગોઠવેલાં બ્રહ્માદિ લગ્નો ઉત્તમ ગણ્યાં છે એટલે આવાં લગ્નની પ્રતિષ્ઠા બહુ ઊંચી નહિ હોય; કન્યાનું દાન કરવાની ભાવના હતી, લગ્નથી તે પોતાનું સ્ત્રીત્વ પૂર્ણ કરે છે એવી નહિ; વગેરે. ગાથાઓમાં પણ પુરુપત્નીવિવાહનાં અસંખ્ય ઉદાહરણ છે. ‘મહિલાસહસ્ત્રભૃતે હૃદયે’ જેવાં વર્ણનમાં અતિશયોક્તિ હશે પણ ‘દેવરજાયાભિઃ’ ‘વ્યાધ્યાઃ’ આદિથી ઉક્ત આચાર પ્રચલિત હતો એવું સ્પષ્ટ થાય છે. સપત્નીનાં ચિત્રો પણ ગાથામાં છે. એક પ્રશ્ન ઊઠે છે કે હિન્દુ સંસારમાં એકભાર્યત્વ પ્રચલિત હતું? રામચંદ્રજીનું એકપત્નીત્વ આદર્શ તરીકે રજૂ નહિ કરવામાં આવ્યું હોય? એ આદર્શ સર્વત્ર આદર પામ્યો લાગતો નથી. શાસ્ત્રો પુત્રહીન પુરુષને નરકમાં નાખે છે અને કામશાસ્ત્રો જ્યેષ્ઠા અને કનિષ્ઠા નાયિકાઓના નાયકનો પ્રેમ વખાણે છે ત્યાં એકભાર્યત્વની ભાવના હતી એમ શે કહેવાય? અગ્નિમિત્ર જેવા આધેડ, બે પત્નીઓના પતિ અને મિત્રવત્ ગણાય એવા પરાક્રમી પુત્રના પિતા જેવાનો માલવિકા જેવી કુસુમની કળી માટેના પ્રેમનું વર્ણન કવિકુલગુરુ કાલિદાસ કરે છે. પણ કાલિદાસનો દુષ્યંત શકુંતલા પર આસક્ત થાય છે ત્યારે અને પુરુવિક્રમ ઉર્વશીથી અનુરક્ત થાય છે ત્યારે પરણેલા જ હોય છે ને? રામચરિતથી અભિજાત થયેલો ભવભૂતિ જ માલતી અને માધવના ઐકાન્તિક દામ્પત્યનું કવન કરે છે. અનેક લગ્ન થતાં હોય ત્યાં સ્નેહ હોય ખરો? કામુકતાના પર્યાય તરીકે જ વ્યવહારમાં રહે ને? વસ્તુસ્થિતિ આવી હોવાથી સંસ્કૃત સાહિત્યમાં કન્યાના સંવનનનું જ ફક્ત ચિત્ર પ્રાયઃ છે. વિવાહિત સ્ત્રી વિશેના વર્ણનમાં સ્નેહ કરતાં કામચેષ્ટા વિશેષ હોય છે (અમરુશતકનો છેલ્લો શ્લોક અપવાદરૂપ છે.) અને વેશ્યાઓ વિશેના વર્ણનમાં તો બીજું શું હોય? પણ સ્નેહથી વિવાહિત થયેલાં દંપતીઓનાં જીવનમાં એ સ્નેહ કેવી રીતે વિશેષ ને વિશેષ વૃદ્ધિગત થયો અને આમરણાન્ત કેવો ફૂલીફાલી રહ્યો એનું જેવું ઉજ્જવલ અને પવિત્ર ચિત્ર ભવભૂતિએ ઉત્તર રામચરિતમાં આંક્યું છે તેવું બીજે છે? હા! ગાથાસપ્તશતીમાં એવાં ચિત્રની રેખાઓ પણ છે:

संजीवनौषधिमिव सुतस्य रक्षत्यनन्यव्यापारा ।
श्वश्रूर्नवाभ्रदर्शनकण्ठागतजीवितां स्नुषाम् ॥ ४,३६ ॥
रूपमक्ष्णोः स्थितं स्पर्शोऽङ्गेषु जल्पितं कर्णे ।
हृदयं हृदये निहितं वियोजितं किमत्र दैवेन ॥ २,३२ ॥
यथा यथा वादयति प्रियस्तथा तथा नृत्यामि चञ्चले प्रेम्णि ।
वल्ली वलयत्यङ्गं स्वभावस्तब्धेऽपि वृक्षे ॥ ४,४ ॥
अपराध्यस्व विस्रब्धं सर्वं ते सुभग विषहामहे वयम् ।
गुणनिर्भरे हृदये प्रतीहि दोषा न मान्ति ॥ ४, ७६ ॥
दृश्यमानो दृष्टिसुखश्चिन्त्यमानो मनोवल्लभः श्वश्रु ।
उल्लप्यमानः श्रुतिसुखः प्रियो जनो नित्य रमणीयः ॥ ७, ५१ ॥
दूरान्तरितेऽपि प्रिये कथमपि निवर्तिते मम नयने ।
हृदयं पुनस्तेन समद्याप्यनिवारितं भ्रमति ॥ ७,५८ ॥
આ દાંપત્યસ્નેહનાં ચિત્રો છે. એ સ્નેહનાં પતિવ્રત અને પત્નીવ્રત એવાં સ્વરૂપ જોઈએ:
अवितृष्ण प्रेक्षणीयं समसुखदुःखं वितीर्णसद्भावम् ।
अन्योन्य हृदयलग्नं पुण्यैर्जनो जनं लभते ॥ १, ९९ ॥
कैतव रहितं प्रेम नास्त्येव मातुलानि मानुषे लोके ।
अथ भवति कस्य विरहो विरह भवति को जीवति ॥ २, २४ ॥
यथायथा जरापरिणतो भवति पतिर्दुर्गतो विरूपोऽपि ।
कुलपालिकानां तथा तथाधिकतरं वल्लभो भवति ॥ ३, ९३ ॥
आभिजात्यमानिनो दुर्गतस्य छायां पत्यू रक्षन्ती ॥
निजबान्धवेभ्यः क्रुध्यति गृहिणी विभवेनागच्छद्भयः ॥ १, ३८ ॥

આમાં પતિવ્રતાનાં ચિત્રો અને પાતિવ્રત્યની ઉન્નત ભાવના છે. સતી થવાના પ્રસંગો પણ ગાથાઓમાં નોંધાયેલા છે :

निर्वाप्यते ज्वलनो गृहपतिदुहित्रा विस्तृतशिखोऽपि ।
अनुमरणघनालिङ्गन प्रियतम सुखस्वेद शीताङ्ग्या ॥

ગૃહપતિ એટલે ખેડૂતની દીકરી સતી થયેલી. બીજી ગાથામાં પતિના શબને સ્મશાનમાં લઈ ગયા પછી અગ્નિદાહ કરતાં આગમચ તેનું નિશ્ચેષ્ટપણું જતું રહે છે અને તે બેઠો થાય છે ત્યારે સતી થવા આવેલી પત્નીને થયેલા અનિર્વર્ણનીય આનંદનું સુરમ્ય ચિત્ર છે. આગળ હલિક અને પામરના વર્ણનમાં જાયાના મૃત્યુથી શૂન્ય થયેલા ઘરથી —એટલે જીવનથી વ્યથિત થતા ખેડૂતો વિશેની ગાથાઓ ઉતારેલી છે તે પરથી મરાઠાઓના પત્નીવ્રતનો હૃદયંગમ અનુભવ થાય છે. આ દાંપત્યજીવનના બે પ્રસંગો ખાસ જોવા જેવા છે; માન અને પ્રવાસ. માનિનીના પ્રસંગો સંસ્કૃત સાહિત્યમાં ઘણા સુંદર છે:

पादपतितस्य पत्युः पृष्ठं पुत्रे समारुहति ।
दृढमन्युदूनाया अपि हासो गृहिण्या निष्क्रान्तः ॥ १, ११ ॥
सखि इदृश्येव गतिर्मा रोदीस्तिर्यग्वलितमुखचन्द्रम् ।
एतेषां बालकर्कटी तन्तुकुटिलानां प्रेम्णाम् ॥ १,१० ॥

અન્યોન્યના અનુરાગની વૃદ્ધિ અર્થે પ્રણયકલહ આવશ્યક લેખાતો. દયિતાને માનિની થવા સખીઓ શીખવતી. માનિનીનો દયિત અનુનય કરતો. પગે પડીને માફી માગતો. દમમાં ને દમમાં માન આણનારીનો અનુનય ન થતો તો રડતી અને આંસુથી દયિતનું હૃદય પીગળાવતી. એક ગાથામાં કહ્યું છે કે પતિની વહાલી પત્ની હોય તો જ તેનું માન સ્થાને છે. આવી રીતે માનિની થવાથી પતિનો સ્નેહ મૂલવાતો :

गोपायन्ति ये प्रभुत्वं कुपितां दासा इव ये प्रसादयन्ति ।
त एव महिलानां प्रियाः शेषाः वराकाः ॥ १,९१ ॥

પતિની ભાવનામાં સમાયેલું પાલકત્વ ને સ્વામીભાવમાં સમાયેલું પ્રભુત્વ દૂર કરી જેઓ દયિતાના સ્નેહદાસ થઈ શકતા તેઓ જ તેનાં હૃદયમાં વાસ કરી શકતા. આવી રીતે અનુનીત દયિતાઓ પણ એટલી જ સ્નેહાળ હતી અને પતિનો અનુનય કરવા તત્પર રહેતી :

येन विना न जीव्यते अनुनीयते सकृतापराधोपि ।
प्राप्तेऽपि नगरदाहे भण कस्य न वल्लभोऽग्निः ॥ २,६३ ॥
बालक त्वत्तोऽधिकं निजकमेव वल्लभं मम जीवितम् ।
तत्त्वया विना न भवतीति तेन कुपितं प्रसादयामि ॥ ३, १५ ॥
ગમે તેટલું પતિથી રોષથી મચકાતી પણ દયિતાનું હૃદય તો એના પર જ લાગી રહેતું :
अवलम्बित मान पराङ्मुखा आगच्छतो मानिनि प्रियस्य ।
पृष्ठपुलकोद्गमस्तव कथयति संमुखस्थितं हृदयम् ॥ १, ८७ ॥

પણ જે પતિની હૃદયવલ્લભા નથી પણ ફક્ત ‘પરણેલી રખાયત’ છે તે માનિની થાય ત્યારે ખંડિતા કહેવાતી. પ્રોષિતપતિકા : પતિ પ્રવાસે જતો અને મહિનાના મહિના લગી પરદેશમાં રહેતો ત્યારે ઘર આગળ રહેલી પ્રિય પત્નીની શી દશા થતી? પ્રિયાથી વિખૂટા પડેલા પતિની પરદેશમાં શી સ્થિતિ થતી? આ સ્થિતિઓનાં વર્ણન કરવાની ઊર્મિથી સંસ્કૃત સાહિત્યમાં અનુપમ, હૃદયદ્રાવક, ઉન્નત કવન થયેલું છે. કાલિદાસનો અદ્વિતીય મેઘદૂત આવા જ પ્રસંગને લઈ હૃદયમાંથી ઉદ્ભવ્યો છે. અમરુના શતકમાં પ્રોષિતપતિકા વિશે અનેક હૃદયદ્રાવક મુક્તકો છે. હાલના સંગ્રહમાં પણ કેટલીક એવી જ ગાથાઓ છે:

अमृतमय गगनशेखर रजनीमुखतिलक चन्द्र हे स्पृश ।
स्पृष्ठो यैः प्रियतमो मामापि तैरिव करैः ॥ १,१६ ॥
विरहानलः सह्यत आशाबन्धेन वल्लभजनस्य ।
एकग्राम प्रवासो मातर्मरणं विशेषयति ॥ १,४३ ॥
कल्पं किल खरहृदयः प्रवास्पति प्रिय इति श्रूयते जने ।
तथा वर्धस्व भगवति निशे यथातस्य कल्यमेव न भवति ॥ १,४६ ॥
स नाम संस्मर्यते प्रभ्रष्टो यः क्षणमपि हृदयात् ।
स्मर्तव्यं च कृतं गतं च प्रेम निरालम्बम् ॥ १,९५ ॥
अथैव प्रोषितोऽद्यैव शून्यकानि जातानि ।
रथ्यामुखदेवकुलचत्वराण्यस्माकं च हृदयानि ॥ २,९० ॥
प्रिय संस्मरण प्रलुठद्वाष्प धारानिपात भतिया ।
दीयते वक्र ग्रीवया दीपकः पथिक जायया ॥ ३,२२ ॥
वेपन शीलस्विन्नकराङ्‌गुलि परिग्रह स्खलित लेखनीमार्गे ।
स्वस्त्येव न समाप्यन्ते प्रियसखि लेखे किं लिखामः ॥ ३, ४४ ॥
चन्द्रमुखि चन्द्रधवला दीर्घा दीर्घाक्षि तव वियोगे ।
चतुर्यामा शतयाभेव यामिनी कथमप्यतिक्रान्ता ॥ ३, ५२ ॥
हस्तयोश्च पादयोश्चाङगुलि गणनयातिगता दिवसाः ।
इदानीं पुनः केन गण्यतामिति भणित्वा रोदिति मुग्धा ॥ ४, ७ ॥
स्तबका अङ्गणमाधवीनां द्वारार्गला जाताः ।
आश्वासः पान्थ प्रलोकतेऽपि नष्टो गतपतिकानाम् ॥ ४, २२ ॥
संजीवनौषधिमिव सुतस्य रक्षत्यनन्यव्यापारा ।
श्वश्रू र्नवाभ्रदर्शन कण्ठागत जीवितां स्नुषाम् ॥ ४,३६ ॥
अद्य सखि केन प्रातः कामपि मन्ये वल्लभां स्मरता ।
अस्माकं मदनशराहत हृदय व्रणस्कोटन गीतम् ॥ ४, ८१ ॥
मध्याह्न प्रस्थितस्यापि ग्रीष्मे पथिकस्य हरति संतापम् ।
हृदयस्थित जायामुख मृगाङ्क ज्योत्स्ना जल प्रवाहः ॥ ४,९९ ॥
हृदयं हृदये निहितं चित्रालिखितेन तव मुखे दृष्टिः ।
आलिङ्गन रहितानि केवलं क्षीयन्तेऽङ्गानि ॥ ५, ८५ ॥
अतिकोपनापि श्वश्रू रोदिता गतपतिकवा स्नुषया ।
पादपतनावनतया द्वयोरपि गलितयो र्वलययोः ॥ ५,९३ ॥
अद्यापि तावदेकं मा मां वारय प्रियसखि रुदतीम् ।
कल्य पुनस्तस्मिन्गते यदि न मृता तदा न रोदिषामि ॥ ६, २ ॥
आलोकयन्दिशः श्वसञ्जृम्भमाण गायन्रुदन् ।
मूर्छन्पतन्स्खलन्पथिक किं ते प्रवासितेन ॥ ६,४६ ॥
आश्वासयति परिजनं परिवर्तमानायाः पथिकजाययाः ।
निःस्थानवर्तने वलितहस्तमुखरो वलयशद्वाः ॥ ३,८३ ॥

૧૭ સરસામાન : વાસણે કેવાં અને શેનાં વપરાતાં હતાં? શંખપાત્ર અને મરકતભાજન, ઘટ અને કલશ સિવાય બીજા કોઈ પણ પાત્રનો ઉલ્લેખ નથી. શંખપાત્ર કેવું હશે? શા કામમાં આવતું હશે? ગામડીયાઓ મરકતભાજન વાપરતા હોય એ સંભવિત નથી લાગતું. ઘટ અને કલશ શેના બનતા? ત્રાંબા-પિત્તળનાં કે માટીનાં? એમના ઘાટ કેવો અને કદ કેવડાં હતાં? નારીસ્તન સાથે બન્નેની સરખામણી વારંવાર કરાયેલી છે એટલે કદ બહુ મોટું નહિ હોય. પણ ઘડાથી મોટું વાસણ વપરાતું હશે કે નહિ? આગ વખતે ઘડે ઘડે પાણી નાંખવાની હકીકત નોંધાયેલી છે. સૂપડું અને મુસલ વપરાતાં. આસન્દિકા બાજઠ કે નીચી માચી જેવી હશે. સૂવા માટે ખાટલા વપરાતા કે નહિ? ઘાસ પર મુસાફર સૂતો. આવું એક ગાથા પરથી જણાય છે. દીવા બાળવામાં આવતા. તેની વાટ અને તેલ વિશે ઉલ્લેખ છે. ૧૮ ખોરાક : દરેક સ્ત્રી જાતે રાંધતી. ‘રન્ધનકર્મનિપુણિકા’નું વિશેષણ એક ગાથામાં અપાયેલું છે. રસોડામાં ધુમાડો બહુ થતો તેથી રાંધનારીઓનાં શરીર મેશવાળાં થતાં. લાડવા ને ચણા શેકવાની વાત આવે છે. અમુક વ્રત વખતે સ્ત્રીઓ અમુક વાનીઓ રાંધી ઓળખીતા-પાળખીતા અને સગાંવહાલાંમાં આપી આવતી. આ વાનીઓ વાયતક અથવા પ્રહેણક કહેવાતી. આ વાનીઓ જુદી જુદી થતી હશે. ગામની મોદણે મોકલેલી વાનીઓના સ્વાદનો રસીઓ હલિકપુત્ર બીજેથી આવેલી વાનીઓ ખાઈ નહોતો શકતો એવું એક ગાથા કહે છે. લવણ વપરાતું પણ તેની છત બહુ થોડી હશે. ગામડામાં ખાસ કરીને વાત્સાયનસૂત્રમાં ભાર્યાધિકાર પ્રકરણમાં લવણનો સંગ્રહ કરવાનું સૂચવેલું છે. સિંધવ જાણીતું હશે એમ એના ઉપનામ તરીકે થયેલા ઉપયોગ પરથી લાગે છે. સ્નેહનો વપરાશ પણ હતો. સુરાપાન થતું. મધૂત્સવમાં સ્ત્રીપુરુષો સાથે તે પીતાં. એક ગાથામાં સાસુ દારૂ પીને મત્ત થયેલી છે એવું વર્ણન છે. તેમ જૂની સુરાની પ્રશંસા છે. ફળફળાદિમાં બોર ખાવાની વાત છે. કોઠ, જાંબુનાં નામ આવે છે. અજાયબ જેવું છે કે ફણસ, કેળાં અને નાળિયેર—જે આજે દક્ષિણમાં ઠેર ઠેર મળે છે તેમના વિશે ગાથાઓ તદ્દન ચૂપ છે. માંસાહાર થતો હોય એમ બિલકુલ જણાતું નથી. ૧૯ વિલાસવિનોદ : નદીકાંઠે અથવા ઘેર નહાવાનો રિવાજ હતો. સ્ત્રીઓ નિર્વસ્ત્રા નહાતી. તે કાળે સાબુ નહોતા એટલે શરીરે હળદર ચોળી નહાવામાં આવતું. આથી શરીરનો મેલ જતો અને ચામડી મસૃણ રહેતી; સ્નાન કરવાનું જલ ખુશબોદાર પણ કરવામાં આવતું. ઉનાળામાં શરીરે ચંદન ચોપડવામાં આવતું. ગ્રીષ્મમાં અપરાહ્ને સ્નાન થતું. સ્નાન પછી કેશસંમાર્જન થતું. હળદ નાંખી વાળ ધોયા હોય તો કાંસકીથી વાળમાં ભરાઈ રહેલી હળદ કાઢવામાં આવતી. કેશ લાંબા, ઠેઠ નિતમ્બ લગી પહોંચતા અને ગુચ્છાદાર હતા. તેમનામાં ફૂલ પરોવી સુગન્ધિત કરવામાં આવતા. વાળે વાળે મોતી પરોવાની વાત કોઈ સ્થળે નથી નોંધાયેલી. વાળ હોળી વચ્ચે સેંથો રાખવામાં આવતો. વાળ છૂટા પણ રાખવામાં આવતા. વેણી કેવી ગૂંથાતી? પુરુષો પણ માથાના અગ્રભાગમાં બાળકી જેવું રાખતા હશે. પગે પડેલા દયિતના ચિકુર દયિતાના નૂપુરમાં ભરાઈ ગયા હતા એવું એક ગાથામાં વર્ણન છે. સંવાહનનો રિવાજ હતો. દિવસે અથવા ચંદ્રજ્યોત્સ્નામાં ઉત્સવોની મોજ માણવામાં આવતી. સારું સારું જમવામાં આવતું. ઉત્સવને દિવસે સારું સારું રાંધવા પિષ્ટકુટ્ટનથી ગૃહિણીઓનાં શરીર ધવલ થતાં. પતિની સાથે લહેર કરવા સ્ત્રીઓ શણગાર સજતી. ઉત્સવને દિવસે બનીઠની પતિ સાથે મહાલવા તૈયાર થયેલી પત્નીએ પતિના મુખમાંથી અજાણતાં તેની દયિતાનું નામ સાંભળ્યું એટલે વધેરવા શણગારાયેલા પાડા જેવો તેનો શણગાર થઈ ગયો એવું એક ગાથામાં વર્ણન છે. ઉત્સવને દિવસે થતી લોકોની દોડાદોડ, થતા કલકલ અવાજ અને વગડાતાં વાદ્યોના મધ્યમાં ફરતા પુરુષને મરેલી પત્ની યાદ આવે છે—તેની સાથે ગાળેલા ઉત્સવો સ્મૃતિમાંથી તરી આવે છે અને જે ઉત્સવમાં પોતે ફરતો હતો તે ગ્રામદાહ જેવો ભયંકર અને અપ્રિય લાગે છે. વાદ્યોમાં મુરજ ને તૂર્યનાં જ નામ જડે છે. શું આંધ્રભૃત્યોની આણ ફરતી ત્યારે સંગીતનો શોખ દક્ષિણમાં નહિ હોય? સંગીત અને તેના સાજમાંથી ઉપમાનો પણ ઘડવામાં નથી આવ્યાં એટલે શોખ ઓછો હશે એમ લાગે છે. પતિ વાદ્ય વગાડે અને પત્ની નાચે એવા વિનેચટ અને વિદ્યાના પ્રસંગ જેવું વર્ણન એક ગાથામાં છે. સ્ત્રીઓ નૃત્ય કરતી એવું સ્થળે સ્થળે લખેલું છે. કેવું નૃત્ય? ચિત્રનો શોખ સારો હતો. રમતોમાં છોકરીઓની એક રમત—ઉત્કુલિકા—નોંધાયેલી છે. વાત્સાયનસૂત્રમાં આ રમતનું નામ નથી. ટીકાકાર એનો અર્થ ‘પાદોપવિષ્ટાનાં મુહુર્મુહુ પતનમ્’ કરે છે. આપ્તેના સંસ્કૃત કોશમાં એ શબ્દને સ્થાન મળેલું નથી. બીજી રમતગમતો, સમાજ, આપાન આદિ વિશે મૌન છે. ફાલ્ગુનોત્સવમાં ગારો વાપરતાં એવો ઉલ્લેખ છે. ૨૦ વસ્ત્ર અને અલંકાર : પુરુષોનાં વસ્ત્રો વિશે કાંઈ જ માહિતી મળતી નથી. સ્ત્રીઓ શરીરે એક વસ્ત્ર પહેરતી અને છાતી કંચુકીથી ઢાંકતી. કંચુક અને વસ્ત્ર ગાંઠ બાંધી શરીર પર રાખવામાં આવતાં. વસ્ત્ર એવી રીતે પહેરાતું કે પવનથી ઊડતું ત્યારે ઉરુ દેખાતો, તેમ નાભિ પણ દેખાતી. ‘ભિક્ષાચરઃ પ્રેક્ષતે નાભિમ્.’ વસ્ત્ર માથે ઓઢવામાં આવતું. માથેથી તે સરી જતું તો અવિનય ગણાતો. વસ્ત્ર અને કંચુક કાં તો કુસુમ્ભ કે નીલ રંગનાં પહેરાતાં. કુસુમ્ભ રંગનાં વસ્ત્ર કિંમતી ગણાતાં. ગ્રામતરુણી અલંકાર વિના એકલું કુસુમ્ભ રંગનું કંચુક પહેરતી તો તેજ એનું અનુપમ આભરણ લેખાતું. આવા વસ્ત્રને નવરંગક કહેતા. આવું વસ્ત્ર પહેરી સ્ત્રીઓ વાયતક વહેંચવા જતી. હલિક પુત્રવધૂને બીજાને ન મળે એવું નવરંગક પહેરવાનું મળ્યું એટલે એટલી ફૂલાઈ ગઈ કે તે શેરીઓમાં માતી નહોતી એવું ગાથાકારે વર્ણવ્યું છે. આર્યા એટલે ખેડૂતની સ્ત્રી પણ નીલકંચુક પહેરતી. પટ્ટાશુક અને રક્તદુકૂલ ઊંચાં અને કિંમતી વસ્ત્ર ગણાતાં. બન્ને રેશમનાં હશે એમ લાગે છે. દુકૂલ ઘણું જ બારિક વસ્ત્ર હતું. એની અંદરથી શરીર પરના નખલેલ દેખાતા. હાથે સ્ત્રીઓ વલય પહેરતી. એકેક કે વધારે? અજન્ટાની ચિત્રમાળામાં બંને પ્રકાર જોવામાં આવે છે. ગાથાઓમાં વલયનો ખણખણાટ એક સ્થળે વર્ણવ્યો છે તે પરથી એક કરતાં વધારે એક હાથે પહેરાતાં હશે. કાગડાને પિંડ આપતી વિરહિણીનું વલય તેના કૃશ હાથમાંથી નીકળી હથેળીમાં જાય છે તે પરથી તેમ જ સાસુને પગે પડતી વિરહિણીના બન્ને હાથમાંથી નીકળી પડેલાં વલય બે હતાં એવું કહ્યું છે તે પરથી એક પણ પહેરાતું હશે એમ લાગે છે. વિધવાઓ નહિ પહેરતી. વલય પહેરાવનારનો નોખો ધંધો હતો. વલય શેનાં બનતાં હશે? હાથીદાંત કે હેમનાં? પુરુષો પણ કંકણ કે એવું કાંઈ ઘરેણું પહેરતા? પદ્મરાગ અને મરકતની કંઠિકા અને હારનાં વર્ણન છે. શ્રીમંતો આવાં મોંઘાં ઘરેણાં પહેરતા હશે. પદ્મરાગ, મરકત, ઇંદ્રનીલ, મોતી આદિ રત્નોનો લોકોને સારો પરિચય હશે. હીરાનો ઉલ્લેખ નથી. હાર વસ્ત્ર પર પહેરવામાં આવતો અથવા વસ્ત્રની અંદર કેડે મેખલિકા પહેરવામાં આવતી. કૃષ્ણમણિની મેખલાનું વર્ણન છે. તેનો ઝણઝણાટ બહુ થતો. કેડે સોનાનો કંદોરો પહેરવામાં આવતો. પગમાં નુપુર પહેરવામાં આવતાં. સોનાનાં કે રૂપાનાં? કાનમાં કનકનાં કુંડળ પહેરવામાં આવતાં, ઇંદ્રનીલનાં પણ પહેરાતાં. ગરીબો આવાં કિંમતી આભરણોને સ્થાને સાદાં ફૂલો પહેરતા. ઉત્પલ, કુવલય, જમ્બુદલ, તાલવૃન્ત વગેરે વગેરે કર્ણપૂર થતાં. આપણા દાગીનાઓના ઘાટનો ઇતિહાસ ઉકેલતાં આ ફૂલોનો વપરાશ મહત્ત્વનો પ્રકાશ નાંખી શકે ખરાં? પ્રસાધનમાં કપાળમાં ચંદનનું તિલક, આંખોમાં કાજળનું અંજન, હોઠ પર મીણનું લેપન, અને પગે અળતો—એટલી હકીકત મળી આવી છે. સુરતમાં મેંદી ચોપડનારી ખાસ વહોરીઓ હોય છે તેમ પગે અળતો ચોપડનારી પ્રસાધિકાનો વર્ગ હતો. અળતો પગની પાનીની ઉપર અને નીચે ચોપડાતો. દંપતી ચૂર્ણમુષ્ટિનું અન્યોન્યને વિચ્છુકરણ કરતા. ચૂર્ણમુષ્ટિ એટલે કપૂરાદિ સુગન્ધી દ્રવ્યનો ભૂકો. તે પાણીમાં નાંખવામાં આવતી તો ગન્ધોદક થતું [7] સૌભાગ્યનું ચિહ્ન કુમકુમનો ચાંદલો સ્ત્રીઓ કરતી હોય એવું જણાતું નથી. નાટકો પણ થતાં. પૂર્વરંગ વગેરે સારી પેઠે જાણીતાં હતાં. રંગભૂમિ પર સ્ત્રીવેશ ઘણીવાર વેશ્યા લેતી. શરીરનો રંગ ઊજળો બતાવવા નટી મોં પર હળદર ચોપડતી. સંસ્કૃત નાટકોમાં અમુક પાત્રો સિવાય બાકીનાં બધાં પાત્રો પ્રાકૃત ભાષાઓમાં બોલે છે તે પરથી प्राकृत भाषेची विचिकत्साનો લેખક એવું અનુમાન કાઢે છે કે પ્રાકૃત ભાષામાં જ મૂળ નાટકની ઉત્પત્તિ થયેલી. ભરતનાટ્યશાસ્ત્રી નિયમ બાંધે છે કે રાણીઓ અને તેમની સહિયરોએ સૂરસેનીમાં બોલવું અને નાગરિકોએ દાક્ષિણાત્ય(મહારાષ્ટ્રી)માં બોલવું. જે ભાષામાં ગાથાઓ લખાઈ છે તે આ ઉપરથી કેટલી સંસ્કારી હશે તેનો ક્યાસ કરી શકાશે. વિલાસી દંપતીઓ વિહાર માટે ગિરિગ્રામ જતાં ઘાડાં પાંદડાંથી તે ઢંકાયેલું, પવનથી હાલી નમી ગયેલા વાંસની ઝાડીથી ઢંકાયેલું; ચોમાસામાં ફૂલથી લચેલા કદમ્બવાળું, સ્વચ્છ ધોયેલી શિલાવાળું, મુદ્રિત થયેલા મોરવાળું, વહેતાં વહેળિયાનાં મર્મરધ્વનિથી મુખર ગિરિગ્રામ હતું. જલકેલિનું વર્ણન પણ છે. દયિત દયિતા પર નવસતાપ્રહાર કરતો. દારૂ પીવાનો રિવાજ હતો. સ્ત્રીપુરુષો વિલાસકાળે તે પીતાં. જેમ દારૂ જૂનો તેમ તે વધારે માદક અને સ્વાદિષ્ટ ગણાતો. વાત્સાયન સૂત્રમાં પણ ગૃહિણીને સુરા ભરી રાખવાની આજ્ઞા છે. એક કાળે આપણા દેશમાં સુરાપાન પ્રબળ વ્યાપી રહ્યું હતું. પણ બૌદ્ધ, જૈન અને તેમનાથી ઠેકાણે આવેલા બ્રાહ્મણ આચાર્યોના ઉપદેશથી અને દૂરંદેશીથી આપણી પ્રજાના નીતિબળે એ દુષ્ટ આદતને નિર્મૂળ કરી હતી. સૌંદર્ય : સ્નેહના પાત્ર થયેલાનું સૌંદર્ય કેવું હતું. પૌરુષસૌંદર્ય વિશે બિલકુલ માહિતી નથી મળતી. વસ્તુતઃ એનાં શરીરસૌંદર્ય કરતાં એનાં જીવનસૌંદર્યથી સ્નેહનો જન્મ થાય છે. પશુસૃષ્ટિની માફક એને પોતાના શરીરસૌંદર્યથી સ્વયંવર કરવા પ્રવૃત્ત થયેલી માદાને આકર્ષવાની નથી. મનુષ્ય તરીકે નસીબદાર છે કે સૌંદર્ય સ્ત્રીમાં જઈ વસ્યું છે અને એને આકર્ષે છે. આ શૃંગારના સરોવરમાં નારીસૌંદર્યનું રમણીય દર્શન થાય છે. પહેલું તો એમનું આરોગ્ય અને હૃષ્ટપુષ્ટ શરીર જોઈ આનંદ થાય છે. રગેરગમાં દોડતા લોહીથી શરીરનાં અંગેઅંગ લાલ લાલ થઈ રહેતાં. ગાલ મધૂક પુષ્પ જેવા લાલ, શંખપાત્ર જેવાં સ્વચ્છ એવાં સ્વચ્છ અને પ્રકાશિત કે એમાં ચંદ્રનું પ્રતિબિમ્બ દેખાતું; હથેલીઓ પ્રવાલાંકુર જેવી લોહિત અને સ્નિગ્ધ; વગેરે. દુઃખાદિથી શરીરનું લોહી ઊડી જતું ત્યારે રક્તિમા જતી રહેતી અને પાંડુતા આવતી. સ્ત્રીશરીર જોતાં થયેલી સમગ્ર અસરનું વર્ણન એકે ગાથામાં નથી. અલબત્ત એ લાવણ્યના મોહનું સુંદર વર્ણન એકમાં છે :

यस्य यत्रैव प्रथमं तस्य अङ्गे निपतिता दृष्टिः ।
तस्य तत्रैव स्थिता सर्वाङ्गं केनापि न दृष्टम् ॥

આપણાં અનેક શાસ્ત્રોમાં વિગતો પર એટલું બધું લક્ષ આપવામાં આવે છે કે સમગ્ર વિષયનું એકી નજરે અવલોકન કરવું રહી જાય છે. સુંદરતાનાં વિવિધ અંગોનું દર્શન વિવિધ સ્થળે થાય છે પણ સુંદરતા એટલે શું એ પ્રશ્ન અચર્ચિત રહે છે. અંગનાં છૂટાંછવાયાં વર્ણને સ્થળે સ્થળે વેરાયેલાં છે. શિરીષ પુષ્પ સાથે અંગ, ચંદ્ર અથવા કમલ સાથે મુખ, અશોકપલ્લવ કે પ્રવાલાંકુર સાથે હથેલી સરખાવવામાં આવેલાં છે. આંખનું એક ગાથામાં ‘પક્ષ્મલ ધવલાનિ દીર્ઘકૃષ્ણાનિ’ એવું વર્ણન છે. બીજે કુવલયદલ સાથે સરખાવવામાં આવી છે. સ્નાન પછી આંખ આતામ્ર થતી એવું પણ વર્ણન છે. કર્ણલગ્ન આંખ સુંદર લેખાતી. અધરનો રંગ અરુણ કહેવામાં આવ્યો છે. જલથી ભરેલા જલધર પછવાડેથી દેખાતા ચંદ્ર માફક નીલકંચૂકમાંથી સ્તન દેખાતાં. અવયવોનાં સૌંદર્ય અને સૌષ્ઠવ બતાવવા વપરાયેલી ઉપમાઓનાં ધોરણો નિરનિરાળાં છે. આકાર, રંગ કે પ્રકાશનું ધોરણ જુદી જુદી રીતે અખત્યાર થયેલું હોય છે. ઉપમાન કમલ હોય ત્યારે ધોરણ રંગનું અને કોમલતાનું હોય છે; ચંદ્ર હોય ત્યારે ઘણું ખરું આકારનું, જવલ્લે જ પ્રકાશ કે રંગનું.

गमिष्यसि तस्य पार्श्वे सुन्दरि मा त्वरस्व वर्धतां मृगांकः ।
दुग्धे दुग्धमिव चन्द्रिकायां कः प्रेक्षते मुखं ते ॥

પરથી તેમ જ ઉપરના પરિચ્છેદમાં વર્ણવેલી હકીકત પરથી એવું લાગે છે કે તે કાળનાં ગામડાંઓમાં પણ સ્ત્રીશરીર ઊજળું હશે. દક્ષિણીઓને દ્રવિડ ઠરાવતાં આ ધ્યાનમાં લેવા જેવું છે. તેમના ગોરા દેહ પર કાન્તે કરેલા દંત કે નખક્ષતથી નીકળેલું લોહી જોનારને સિન્દુરિત શંખપાત્રનું ભાન કરાવતું. નારીદેહવર્ણનમાં આકાર કરતાં રંગનું સૌંદર્ય વિશેષ આકર્ષક હશે એવો ગાથાકારોનો અનુભવ છે. રાતા પાટલના સુગન્ધ સાથે સ્ત્રીમુખના શ્વાસની સરખામણી કરવામાં આવી છે. આખા શરીરમાં રંગ અને રૂપના લાવણ્યનું જેવું મનોહર દર્શન થતું તેવું તેમાંથી ફૂટતી સુવાસથી બ્હેક બ્હેક થઈ રહ્યાનું વર્ણન નથી. પણ આ સૌંદર્યસૌષ્ઠવ ફક્ત કામુકતાની જ દૃષ્ટિએ જોવાયેલું છે, એકનિષ્ઠસ્નેહી કે ભક્તની દૃષ્ટિએ જોવાયું હોત તો તેનું જ અલૌકિક દર્શન થાત. કેળવણી અને સંસ્કારિતા : કેળવણી કેવી હતી? તે મેળવવાનાં સાધનો કેવાં હતાં? ઉપાધ્યાય હતો એવું કોઈ ગાથા પરથી પ્રતીત થાય છે. તે સિવાય કેળવણી મેળવવાનાં સાધન વિશે કાંઈ જણાતું નથી. સ્ત્રીઓ પણ પતિને કાગળ લખતી, અને કાવ્ય રચતી, નૃત્ય અને આલેખ્યમાં કુશળ લેખાતી. આલેખ્યમાં વાતકા અને ફલક વપરાતાં એટલે શિક્ષણની વ્યવસ્થા હશે—સ્ત્રીપુરુષ ઉભયને માટે. કેળવણીથી જીવન ઉત્તમ રીતે સંસ્કારી(cultured) થતું. એ સંસ્કારિતા આખા ગાથાસંગ્રહમાંથી ફૂટી નીકળે છે. સ્ત્રીજીવનમાં એ કેવી વ્યાપી રહી હતી તે જોવા કેટલીક સ્ત્રીરચિત ગાથાઓ આપવામાં આવી છે. તે જમાનામાં બે સ્થળે મુખ્યત્વે કવિતા રચાતી; રાજદરબારમાં રાજાની પ્રશંસા અને ખુશામત કરવા અથવા ગમ્મત વિનોદના પ્રસંગે કવિતાથી આનંદ પામવા આથી નિરાળી સ્થિતિમાં કાવ્યનાટક આદિ સાહિત્યનો જન્મ નહોતો થતો એમ કહેવાનો આશય નથી પણ ઉક્ત સ્થળે કવિતાની ઉત્પત્તિ થવાથી ટૂંકી અને પ્રાસંગિક રચના–મુક્તકના જેવી અતિશય પ્રચારમાં આવી હતી. આવી રચનાનું વિશાળ સાહિત્ય ફૂલીફાલી રહ્યું હતું. તેમાંથી નવનીત તારવી હાલે આ સંગ્રહમાં તેમના બહુ જ અલ્પાંશને નાશ પામતું બચાવ્યું છે. આ સંગ્રહમાં બધી પ્રાસંગિક ઉક્તિઓ જ છે કે કોઈ મોટા લેખોની છૂટી પાંખડીઓ લઈ ગુચ્છ ગૂંથવામાં આવ્યો છે એ નિરાકરણ થઈ શકે એમ નથી. પિતામ્બર નામના ટીકાકારે દરેક ગાથાના પ્રણેતાની નામાવલિ આપી છે પણ અફસોસની વાત છે કે એમની ટીકા ખંડિત પ્રાપ્ત થઈ છે. એટલે બહુ જ થોડી કવિયાણી વિશે આપણને પરિચય થાય છે : રેવા, પહઈ(પ્રહતા?), વદ્ધાવહી, અણુલચ્છી, રોહા, અસુલદ્ધી, માહવી, સસિપ્પહા(શશીપ્રભા)નાં નામ પિતામ્બરની ટીકા આપે છે. એમનાં કવનનું દિગ્દર્શન નીચે પ્રમાણે છે : ૧. રેવાની ગાથાઓ પહેલા શતકમાં છે. સંખ્યા ૮૭ અને ૯૦ ની છે.

अवलम्बितमानपराङ्‌मुख्या आगच्छतो मानिनि प्रियस्य ।
पृष्ठपुलकोद्गमस्तव कथयति संमुखस्थितं हृदयम् ॥ १, ८७ ॥
किं तावत्कृता अथवा करोषि करिष्यसि सुभगेदानीम् ।
अपराधानामलज्जाशील कथय कतरे क्षम्यन्ताम् ॥ १, ९० ॥

૨. પહઈની ગાથા :

एकं प्रहारोद्विग्नं हस्तं मुखमारुतेन वीजयन् ।
सोऽपि हसन्त्या मया गृहितो द्वितीयेन कण्ठे ॥ १,८६ ॥

૩. પહેલા શતકની સિત્તેરમી ગાથા:

ग्रीष्मे दवाग्निमषीमलितानि दृश्यन्ते विन्ध्यशिखराणि ।
आश्वसिहि प्रोषितपतिके न भवन्ति प्रावृडभ्राणि ॥ १,७० ॥

વદ્દ્દાવહીને નામે કોઈ ચડાવે છે તો કોઈ તે અનુરાગ નામના કવિની કૃતિ ગણે છે. સંગ્રહ થયા પછી ઘણે વર્ષે દંતકથા અથવા એના જેવાં સાધનો પરથી રચનારનાં નામ ગોઠવાય ત્યારે આવો ગોટાળો થવા સંભવ છે : ૪. ત્રીજા શતકમાં અણુલચ્છીની ચાર ગાથાઓ છે :

यत्तत्र सती जाया असत्यो यञ्च सुभग वयमपि ।
तत्किं स्फुरतु वीजं तव समानो युवा नास्ति ॥ ३, ८८ ॥
हसितं सहस्तताल शुष्कवटमुपगतैः पथिकैः ।
पत्रफलानां सदृदे उड्डीने शुकवृन्दे ॥ ३, ६३ ॥
नापि तथा छेकरतान्यपि हरन्ति पुमरुक्त रागरसिकानि ।
यथा यत्र वा तत्र वा तथा वा सद्भावस्नेहवरमितानि ॥ ३,७४ ॥ ‘
दृढमूलबन्धग्रन्थी इव मोचिनौ कथमपि तेन मे बाहू ।
अस्माभिरपि तस्योरसि निखाताविव समुन्खातौ स्तनौ ॥ ३,७६ ॥

૫. રોહાની ગાથા :

येन विना न जीव्यते अनुनीयते स कृतापराधोपि ।
प्राप्तेपि नगरदाहे भण कस्य न वल्लभोऽग्निः ॥ २, ६३ ॥

૬. અસુલદ્ધીની ગાથાઓ બીજા શતકમાં છે પણ તે સંબંધી કેટલાક ટીકાકારોને કર્તૃત્વનો સંદેહ છે.

सखि व्यथयन्ति कदम्बानि यथा मां तथा न शेषकुसुमानि ।
नूनमेषु दिवसेषु वहति गुटिकाधनुः कामः ॥ २,७७ ॥
नाहं दूती न त्वं प्रिय इति कोस्माकमत्र व्यापारः ।
सा म्रियते तवायशस्तेन च धर्माक्षरं भणामः ॥ २,७८ ॥

૭. માહવીની ગાથા:

गोपायन्ति ये प्रभुत्वं कुपितां दासा इव ये प्रसादयन्ति ।
ते एव महिलानां प्रियाः शेषाः स्वामिन एव वराकाः ॥ १,९१ ॥

૮. સસિપ્પહાની ગાથા:

यथा यथा वादयति प्रियस्तथा तथा नृत्यामि चंचले प्रेभ्णि ।
वल्ली वलयत्यंगं स्वभावस्तब्धेपि वृक्षे ॥ ४,४ ॥

આ ગાથાઓમાં એક અપવાદ સિવાય દંપતીસ્નેહનું ભિન્ન ભિન્ન રીતે કવન છે. નારીહૃદયમાંથી નીકળેલા એ કવનમાં કેટલીક વખત અતિશય રુચિરતા, મધુરતા અને ભાવત્વ આવી ગયાં છે. શાઙર્ગધરપદ્ધતિ પ્રભૃતિ સંસ્કૃત કાવ્યસંગ્રહોમાં સ્ત્રીઓને નામે જે સંસ્કૃત કવન જોવામાં આવે છે તેનાં કરતાં સર્વ રીતે આ કવન ચડિયાતું છે, એટલું જ નહિ પણ જે શૃંગારની નિર્લજ્જતા પુરુષોનાં કવનમાં ઓતપ્રોત થયેલી નજરે પડે છે તે જેટલા સ્વરૂપમાં સંસ્કૃતમાં કવન કરનારી સ્ત્રીઓની કવિતામાં પ્રગટી જુગુપ્સા અને ખેદ ઉત્પન્ન કરે છે તેથી બહુ જ આછા સ્વરૂપમાં શૃંગારની એવી છાંટ ગાથાઓમાં હોવાથી આનંદની ક્ષતિ નથી થતી. રાજદરબારમાં રોજ પ્રશંસા અથવા ખુશામત માટે સ્ત્રીઓ કવિતા કરતી હતી? તામિલ કવિયાણી અવ્વાઈ જેવી આંધ્રભૃત્યોના દરબારમાં હતી? છઠ્ઠા શતકની ૯૫મી ગાથામાં એક કવિ સેવાકુશલા સ્ત્રી પાસે રાજાનું શૌર્ય વખણાવે છે :

विषमस्थित पक्वैकाम्रदर्शन तथ शत्रुगृहिण्या ।
कः को न प्रार्थितः पथिकानां डिम्भे रुदति ॥ ६, ९५ ॥

આ ફક્ત કવિકલ્પના જ છે કે વસ્તુસ્થિતિનું દર્શન છે? પરચૂરણ : લગ્ન વખતે મંગલગાયિકાઓ ગીત ગાતી — આપણી જાંદરણીઓની માફક, લગ્ન પછી ચાર દિવસ વર સાસરે રહેતો અને ચતુર્થીમંગલ પછી પોતાને ત્યાં આવતો. આ દિવસોમાં બ્રહ્મચર્ય પાળવાની શાસ્ત્રાજ્ઞા છે, પણ તે પળાતું હોય એવું ગાથાસપ્તશતી પરથી નથી લાગતું. જમાઈને માટે સાસરે ‘જુદાં સૂવા’ની વ્યવસ્થા, જ્યારે તે ત્યાં જતો આવતો, ત્યારે થતી એવું એક ગાથા પરથી જણાય છે. મરણોત્તર ક્રિયાઓ કેવી રીતે અને કઈ થતી? ફક્ત ચિતામાંથી હાડકાં એકઠાં કરવાનો પ્રસંગ ઉપમાન તરીકે વપરાયો છે. દીકરાઓ બાપનું દેવું આપતા. લડાઈ વિશે થોડાક છૂટાછવાયા ઉલ્લેખ છે. હથિયારમાં ધનુષ્યબાણ અને ભલ્લનો વપરાશ જોવામાં આવે છે. અનેક યુદ્ધમાં ખમેલા વ્રણથી શોભતા સિપાહીનું વર્ણન છે. લડાઈમાં સામાવાળાના માણસોને કેદ પકડવામાં આવતા. સ્ત્રીઓને પણ કેદી કરવામાં આવતી. મોટાં યુદ્ધોની કહાણી ગાથાઓમાં નથી. ધાડપાડુઓની સામે થવાના પ્રસંગો નોંધાયેલા છે. પણ આ સર્વ શૃંગારને આધીન—શૃંગારનું પ્રસ્ફોટન કરવાના ગૌણ ઉદાહરણ તરીકે જે નોંધાયેલું છે. ગાથાસપ્તશતી વાંચતાં મરેઠાઓનાં વીરત્વ કરતાં કામુકતાનું વધારે ભાન થાય છે. ગામમાં આગ લાગતી ત્યારે ગ્રામનિવાસીઓ સર્વ એકઠા થઈ આગ હોલવતા. ચાણક્યના અર્થશાસ્ત્રમાં દરેક ઘર આગળ આગ માટે પાણી ભરી રાખવાની આજ્ઞા છે. પણ આગથી બહુ નુકસાન થતું હશે. ગ્રામદાહ એ બહુ જ ભયંકર આસમાનીસુલતાની લેખાતી હતી. ચોરને સ્મશાનમાં ઝાડ પર ફાંસી દેવામાં આવતી. દિવ્યથી નિર્ણય કરવાનો પણ રિવાજ હતો. ‘કોષપાન’ નામના દિવ્યની હકીકત પાંચમા શતકની ૪૮મી ગાથામાં છે. જમીનમાં દાટેલા ધનના ભંડારની સાપ રક્ષા કરતા એવું મનાતું. રાશિ નામના માપનો ઉલ્લેખ છે.


  1. સરખાવો : મોર્ડન રિવ્યૂ (ઑગસ્ટ, ૧૨)માં રા. રા. નરેન્દ્રનાથ લોએ મહાપરિનિર્વાણતંત્રમાંથી શોધી કાઢેલું સમર્થન.
  2. શતાનન્દનો પુત્ર અભિનન્દ પોતાના રામચરિત મહાકાવ્યમાં એવો મત પ્રદર્શિત કરે છે કે આ સંગ્રહ શ્રીપાલિત નામના કવિએ ધનલિપ્સાથી હાલને નામે તૈયાર કર્યો હતો. પણ બાણ, રાજશેખર, વગેરે આ સંગ્રહ હાલે પોતે જ કર્યો છે એવું માનતા-काव्यमाला
  3. સૂક્ષ્મ નિરીક્ષકોને ઇ.સ.ના ચોથા પાંચમા શતકનું સાહિત્ય આ સંગ્રહમાં પ્રવેશ થયેલું લાગ્યું છે. પણ એવો ક્ષેપક ભાગ જુદો પાડવાનો પ્રયત્ન આ લેખમાં નથી કરવામાં આવ્યો.
  4. આ લેખમાં ઉતારા પ્રાકૃતમાં ન આપતાં સંસ્કૃતમાં આપ્યા છે. આથી સમજવાનું સહેલું પડશે.
  5. સરખાવો.
    सुखगृच्छिकाया हालिको सुखपङ्कजसुरभिपवन निर्वापितम् ।
    तथा पिबति प्रकृतिकटुकमप्यौषधं यथा न तिष्ठते ॥ ४, १७ ॥
    [રા. રા. ભોગેન્દ્રરાવ દિવેટિયાના ‘ઉષાકાન્ત’માં નાયકના મંદવાડ વખતે નાયિકા તેની સારવાર કરે છે. એ પ્રસંગ વિશે રા. બ. કમળાશંકર ત્રિવેદીએ સખત ટીકા કરી છે. પણ વાત્સાયન અને હાલના દાખલા મોજૂદ છે ત્યાં એ ટીકા નકામી નથી ઠરતી? અલબત્ત બંધુસમાજની વાર્તાઓમાં જે સંવનનનું ચિત્ર આંકવામાં આવ્યું છે તેના પાદુર્ભાવ અને પરિણતિકાલે ધાત્રી અથવા ધાત્રેયિકા એટલે ઇંગ્લિશ સંસારમાં જેને chaperon કહે છે તેવી પુરંધ્રિને હાજર નથી રાખવામાં આવતી અને યુવકયુવતીને યથેચ્છ મેળવવામાં આવે છે એથી હાલના સંસારને હાનિ થવાનો સંભવ છે, એ દૃષ્ટિથી સખતમાં સખત ટીકા કરાય તો હિતાવહ નીવડે.]
  6. આ જ અરસામાં તૈલંગ દેશમાં પણ આવી જ સ્થિતિ હતી. મદુરાના સંઘને પ્રતાપે અને દેશી રાજાઓના આશ્રયથી તામિલ સાહિત્ય ખૂબ ફાલી રહ્યું હતું. ગાથાસપ્તશતી જેવા એ સાહિત્યના અનેક સંગ્રહો પણ તે કાલે તૈયાર થયા હતા. આ સંગ્રહમાંના એક ‘કલિથથોકૈ’ પરથી તામિલોના સંસારનું સહેજ દર્શન કરીશું. કલિલથોકૈમાં ૧૫૦ કાવ્ય એક જ વૃત્તમાં છે, કાવયરૂપ સંવાદનું છે. દયિતા, સખી અથવા પરિચારિકા અને દયિત વચ્ચે ચાલેલા સંવાદ કાવ્યોના વિષે છે. એ સંવાદો અને તેમને જન્મ આપનાર પ્રસંગો ઉતારીએ :
    મૃગયાએ જતા યુવાન છાયાળી કુંજમાં ઝૂલતી અથવા જળપ્રવાહમાં નહાતી, અથવા અનાજથી ભરપૂર ખેતરમાં માળા પર બેસી દાણા ચણવા આવતાં પંખીઓને ટોતી કન્યાને જુએ છે. તેના સૌંદર્યથી ચકિત થઈ સમીપજઈ આલાપ કરી પરિચય ઊભો કરે છે અને મૃગયાને મિષે અનેકવાર ત્યાં જઈ તેને મળે છે. કન્યાને યુવાન ગમે છે તો તે તેને પોતાને ઘેર આવવા દે છે; બન્ને સાથે લાંબે સુધી ફરવા જાય છે, અને પરિણામે બંને લગ્નથી દંપતી થાય છે. કદાચ યુવતી લજ્જાળુ હોવાથી યુવાનના અનુરાગને ઉત્તેજતી નથી તો યુવાન યુવતીની પરિચારિકા સમક્ષ તેની સ્વામિનીના અપ્રતિમ સૌંદર્યની પ્રશંસા કરી બન્નેને મળવાના પ્રસંગ આણવા પ્રાર્થે છે. પરિચારિકા યુવતીનું ચિત્ત યુવાન પ્રત્યે આકર્ષે છે; યુવાનનાં સૌંદર્ય, યૌવન અને સૌષ્ઠવની સગર્વ પ્રશંસા કરે છે. પ્રથમ તો દિવસે યુવતીના નિવાસસ્થાન ગામની બહાર કુંજમાં દયિત દયિતા મળે છે, પરિચય અને વિશ્વાસ વધતાં કુંજમાં રાત્રે મળે છે. યુવતીના પિતાને લગ્ન માટે યુવાન પ્રાર્થે છે અને સંમતિ મળે છે તો બંને દંપતી બની સુખી થાય છે. સંમતિ નથી મળતી તો દયિતાથી થોડો કાળ વિયોગ સહેવા યુવાન પ્રવાસે જાય છે. પ્રવાસની વિટંબણાઓનો યુવાનને ભયંકર ખ્યાલ પરિચારિકા આપે છે; યુવતી તેના વિરહથી જીવશે નહિ એવું કહે છે છતાં પણ તે પોતાના નિશ્ચમાંથી ચળતો નથી ત્યારે યુવતી તેને સાથે તેડી જવા વિનવે છે. સ્વાભાવિક રીતે યુવાન ભીરુ અને કોમળ યુવતીને પ્રવાસે લઈ જતાં ખચકાય છે. યુવતી તરત જ પોતાનું હૃદય ખુલ્લું કરે છે. ‘વનમાં પણ હરિણની સાથે હરિણી હોય છે. મને સાથે નહિ લો તો ખાધાપીધા વિના તમારું ચિંતન કરતાં હું મૃત્યું શરણ થઈશ. મારું હૃદય તમારા હૃદયમાં બંદીવાન થયેલું છે. તે તમારી પાસે જ રાખો કારણ કે રખેને પાછું વળીને તે મને દુઃખી કરે.’
  7. સરખાવો : ઈ. સ.ના સાતમા શતકમાં રચાયેલા મદુરૈક્કાઞ્ચિ નામના તામિલ કાવ્યમાં સંધ્યાકાળે સ્ત્રીઓ કેવા શણગાર સજતી તેનું વર્ણન છે. ફૂલ એકઠાં કરી તેની માળા પહેરતી; નનેક્સીએ kesh સુગંધીદાર તેલથી સુવાસિત કરતી; શરીરે kaસ્તૂરી અને ચંદનનો લેપ કરતી; વસ્ત્રોને ચંદનનો ધુમાડો આપી ફોરતાં કરતી; દીવા પ્રગતાવતી; - એવી રીતે સાથે રાત્રિ આનંદમાં ગાળતી.