રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય:

મનુષ્યમાં જ્યાં લગી મનુષ્યત્વ છે ત્યાં લગી તેમનું જીવન કોઈ પણ દેશકાળમાં પરાક્રમ અને બુદ્ધિપ્રભાવથી કીર્તિવંત થયા વિના રહેતું નથી. જે પ્રજાનો ભૂતકાળ વિશાળ અને દીર્ઘ છે તે ભૂતકાળ ઘણી વાર આવી રીતે કીર્તિવંતો થયેલો હોય છે. એ ભૂતકાળની કીર્તિ પ્રજાના સ્મરણમાં અમ્લાન રહે છે અને વર્તમાન યા ભવિષ્યમાં નવી કીર્તિ સંપાદન કરવા પ્રેરણા અને ઉત્તેજન આપે છે. જ્યારે જ્યારે પ્રજાઓ રાષ્ટ્રભાવ પામે છે ત્યારે ત્યારે ભૂતકાળની કીર્તિ ઘણી ઉપયોગી થઈ પડે છે. એ કીર્તિના સ્મરણથી શૂરાતન પ્રજ્વલિત થાય છે, બુદ્ધિનો વિકાસ પ્રખર અને પ્રફુલ્લ થાય છે. અમારામાં પાણી છે એવી આત્મશ્રદ્ધા જાગ્રત થાય છે, અમે છેક નિર્માલ્ય નથી, પણ કાંઈક પરાક્રમ કરવા સર્જાયેલા છીએ એવો પોરસ આવે છે. આવી દશામાં પ્રજા પોતાનું ભાગ્ય ફેરવી શકે છે; પોતાની પ્રગતિની સાથે જગતના ઇતિહાસને જાજ્વલ્યમાન બનાવે છે. આપણા ગુજરાત માટે આપણને તેમ પરદેશીઓને હાલ બહુ ઊંચો મત હોય, એમ લાગતું નથી. આપણે પરાક્રમહીન હોઈએ એવું આપણને લાગે છે. મરાઠા, રજપૂત કે બંગાળીઓ કે પંજાબીઓના આગળ આપણે કુછ બિસાતમાં નથી, એવું લાગે છે. વર્તમાન વિશ્વવિગ્રહમાં બંગાળીઓ સામેલ થયા છે, સમગ્ર હિન્દને હર્ષોત્સવનું સાધન થયું છે. એ પ્રસંગને હિંદીઓ પોતાના ક્ષાત્રભવિષ્યની ઉષા માને છે. મરાઠાઓની મોટી સંખ્યા વર્ષો થયાં બ્રિટિશ લશ્કરમાં છે અને વર્તમાન યુદ્ધમાં તેમણે પોતાનું લોહી રેડ્યું છે. પણ બિચારા ગુજરાતીઓ ક્યાં? એ હિંગતોલુઓ લડાઈની શી વાત જાણે? એમને અને યુદ્ધને કરોડો યોજનનું અંતર. આવું આપણે માનીએ છીએ ત્યારે આપણાં પડોશીઓ એવું માને તેમાં નવાઈ શી? પણ એવો છેક જ આપણો અધઃપાત નથી થયો. થોડાકને જ ખબર હશે કે ગુજરાતીઓ આ વિગ્રહમાં લડવા ગયા છે. જામનગર અને ભાવનગરના રસાલામાંથી જે રજપૂતો લડવા ગયા છે તે બધા ગુજરાતીઓ છે. ભાવનગરના રસાલાના સેનાપતિ કેપ્ટન જોરાવરસિંહ મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે અને મિસરના રણક્ષેત્રમાં તેમણે નામના મેળવી ગુજરાતીઓની પ્રતિષ્ઠા વધારી છે. પણ ગુજરાત બેદરકાર છે. એને એના શૂરા પુત્રો માટે ભાવ નથી. ભાવ નથી એનો દોષ અનેક કારણોનો છે અને તેમાંયે ખાસ દોષ ગુજરાતી સાહિત્યનો છે. ગુજરાતનું ક્ષત્રિયહૃદય એ સાહિત્યે હલમલાવ્યું નથી. જે પ્રજામાં ક્ષાત્રોદ્રેક નથી તે માણસાઈમાં જ નથી, એવી પ્રતીતિ નથી કરાવી. જે સાહિત્ય પોતાની પ્રજાના ઇતિહાસના પ્રત્યેક પરાક્રમથી ગાજી નથી રહ્યું તે સાહિત્યને શું કહેવું? આ ન્યૂનતા દૂર થાય એવા ઉદ્દેશથી પરાક્રમના થોડાક પ્રસંગોની ટૂંકી નોંધો આ લેખમાં આપું છું. એ પ્રસંગોથી કાવ્યો, નાટકો, નવલકથા લખવા ગુજરાતના ‘સાક્ષરો’ પ્રેરાશે તો કૃતકૃત્ય થઈશ. રાષ્ટ્રનું ચેતન જ્યારે ખીલવાનું હોય છે ત્યારે સાહિત્ય બે રીતે જુસ્સો જગાડે છે. એક રીત એવી છે કે પ્રજાના અતીત પરાક્રમોનું એવું યશોગાન કરવું કે, પ્રજાની રગેરગમાં ક્ષાત્રોદ્રેક વહે. બીજી રીત એવી છે કે કલ્પિત પ્રસંગો ઉપજાવી પોતાની પ્રજાને પરાક્રમ કરતી ચીતરવી અને એ રીતે પ્રજામાં જે ગુણોની, જે જુસ્સાની ન્યૂનતા હોય તે જગાડવી. અંગ્રેજી બાળક પોતાની પ્રજાના પ્રત્યેક પરાક્રમથી વાકેફ હોય છે. એવાં પરાક્રમ કરવાની દરેકને હોંશ હોય છે. બંગાળી બાળક બંગાળી પ્રજાના પરાક્રમથી વાકેફ થતો જાય છે અને એવાં પરાક્રમો અથવા એથી પણ ઉત્તમ પરાક્રમો કરવા તે ઉત્સુક બને છે. ગુજરાતનાં બાળકો પણ એવાં બનો! વર્તમાન ગુજરાતી સાહિત્યમાં ગુજરાત વિષે જે કંઈ લખાયું છે તેની પ્રથમ યાદી સ્મરણ ઉપરથી આપું છું. કવિ નર્મદાશંકર : નર્મકવિતા તથા નર્મગદ્યમાં ગુજરાતને માટે ઘણું લખ્યું છે. મહીપરરામ : વનરાજ ચાવડા તથા સિદ્ધરાજ જેસંગમાં. હરિલાલ હર્ષદરાય ધ્રુવ : પરચૂરણ લેખો. નાનાલાલ દલપતરામ કવિ : ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળના બે બોલ. સુમતિ લલ્લુભાઈ : મધુરી (નાટક) અરદેશર ફરામજી ખબરદાર: ‘ગુણવંતી ગુજરાત’ અને ‘આફ્રિકામાં હિંદીઓની લડત’ [1] નામની કવિતાઓ. અંબાલાલ સાકરલાલ : પરચૂરણ લેખો. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા : એક કાવ્ય અને એક લેખ. ચિમનલાલ ડા. દલાલ : ‘ગુજરાતનાં સંસ્કૃત નાટકો’ (વસંતમાં). નારાયણ વસનજી ઠક્કુર : ભદ્રકાળી (નવલકથા). ચુનીલાલ વર્ધમાન શાહ : નવલકથાઓ. નંદશંકર તુલજાશંકર : કરણ ઘેલો (નવલકથા). નરસિંહરાવ ભોળાનાથ : ‘સહસ્ત્રલિંગ તળાવ’ ( કવિતા.) પ્રો. બ. ક. ઠાકોર : સાહિત્ય પરિષદ વિષેનાં વ્યાખ્યાનો ‘ગાંડી ગુજરાત.’ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ : ગંગા(વાર્તા). ‘ઘનશ્યામ’ : પાટણની પ્રભુતા (નવલકથા). આ ઉપરાંત ‘સ્વદેશ કીર્તન’ વગેરે સંગ્રહોમાં ગુજરાત વિષે જે જે કવિતાઓ હોય તે. મોરબી, વાંકાનેર અને ગુજરાતી કંપનીઓએ મૂળરાજ, સિદ્ધરાજ, સારંગદેવ, કરણ વાઘેલા વગેરે સંબંધી ભજવેલા ખેલો. પરદેશીઓમાં ફોર્બ્સ, કિનકેડ, વોટસન, ટેલર આદિએ ગુજરાતનું ગૌરવ ગાયું છે.

*

ગુજરાતનો જે ઇતિહાસ ‘બૉમ્બે ગેઝીટીઅર’માં છપાયો છે તે ઉપરથી કેટલાક પ્રસંગોની ટીપ આપું છું. આમાંના મુખ્યત્વે રણસંગ્રામને લગતા છે. કલિંગ યુદ્ધમાં મનુષ્યોના સંહારથી ત્રાસ પામી દયાળુ થયેલા સમ્રાટ અશોકની અક્ષર આજ્ઞાઓ ગિરનાર પર કોતરાયેલી છે, છતાં ઇતિહાસ સ્પષ્ટ કહે છે કે લોહી રેડ્યા વિના પ્રજાઓનો ઉદ્ધાર નથી. એટલે જ એ યુદ્ધોના પ્રસંગોને મહત્ત્વ આપ્યું છે. જ્યારે ઇતિહાસનો પડદો ઊપડે છે ત્યારે શ્રીકૃષ્ણ પોતાના યાદવો સાથે સૌરાષ્ટ્રમાં પધારે છે. આ કેવો ભવ્ય પ્રસંગ છે? બંગાળામાં શ્રીકૃષ્ણ વિષે મહાકાવ્યો વર્તમાનકાળમાં લખાયાં છે. એનાં જીવનચરિત્રો લખાયાં છે પણ ગુજરાતમાં કોઈની પ્રતિભા જાગી નથી. પછી પાછો અંધકારનો યુગ આવે છે. પાછો પડદો ઊપડે છે ત્યારે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તની આણ ગિરનાર આગળ વર્તે છે. સૌરાષ્ટ્રમાં ગણુ હોવાની ચાણક્ય નોંધ લે છે. મૌર્યો, ક્ષત્રપો, ગુપ્તો આદિ પરદેશીઓને આધીન ગુજરાત રહે છે. તે કાળ પર એવું ગાઢ વાદળ છવાયેલું છે કે આપણા પૂર્વજોનાં પરાક્રમો વિશે કાંઈ જાણી શકાયું નથી. એક ઉજ્જવળ પ્રસંગ જાવામાં જઈ રાજ્ય સ્થાપ્યાનો છે. વિજયે જઈ સિંહલદ્વીપમાં રાજ્ય સ્થાપ્યું અને આર્ય સંસ્કૃતિનો પ્રસાર કર્યો, એ પ્રસંગનો રાષ્ટ્રોદ્રેક માટે બંગાળીઓ કેટલો બધો ઉપયોગ કરે છે તે બંગાળી સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે. પરંતુ ગુજરાતના કોઈ કવિની પ્રતિભા આ પ્રસંગથી હજુ સળગી ઊઠી નથી. ગુપ્તોના અમલ દરમ્યાન માળવામાં ગુજરાતી રેશમી વણાટ કરનારાઓ જઈ વસ્યા હતા અને ત્યાં સમૃદ્ધ થયા હતા. ગુપ્તવંશની પાયમાલી કરનાર હૂણોને મગધેશ્વર, માલવેશ્વર, સ્થાણીશ્વર વગેરેએ ભેગા થઈ જે યુદ્ધમાં પરાજય પમાડ્યો તેમાં ગુજરાતનો વલ્લભીશ્વર મૈત્રક પોતાના સુભટો સાથે હતો. દેશમુક્તિના પ્રસંગમાં તે પણ અગ્રેસર હતો. પંચાસરના ચાવડાઓના પ્રસંગો ફાર્બસ, મહીપતરામ અને રા. બ. હરગોવિંદદાસને લીધે ગુજરાતના હૃદયમાં વસેલા છે. મૂળરાજ સોલંકીએ સોમનાથના રક્ષણ માટે ગ્રહરિપુ સાથે જે યુદ્ધ કર્યું હતું તેનું વીરરસપૂર્ણ કવન ગુર્જરશ્રેષ્ઠ હેમાચાર્યના દ્વાશ્રયમાં છે પણ તેનું આસ્વાદન કેટલા થોડા ગુજરાતીઓએ કર્યું છે? એ પ્રસંગનાં રણગીતોથી ગુજરાત ગાજવું જોઈએ. ભીમદેવ ૧લાના સમયમાં સોમનાથના રક્ષણ માટે મહમદ ગીઝની સાથે થયેલા યુદ્ધથી અથવા વિમલશાહના રણક્ષેત્ર, ધર્મક્ષેત્ર અને કલાના ક્ષેત્રમાં આવિર્ભાવ પામેલા પૌરુષથી પણ અર્વાચીન કવિહૃદય વ્યથિત થતું નથી. સિદ્ધરાજ જયસિંહના અને કુમારપાલના સમયમાં ગુર્જરોની તલવાર સર્વત્ર વિજયી થઈ હતી, સાહિત્ય અને સ્થાપત્યના પ્રદેશમાં તે સોળે કળા ખીલી હતી તે સમય પરત્વે કેટલું બધું વિમુલ અને વિવિધ સાહિત્ય ઉત્પન્ન થવું જોઈએ? પૃથ્વીરાજ ચૌહાણ સિદ્ધરાજની દીકરીનો પૌત્ર હતો અને એના પિતાની સાથે ગયેલા નાગર મુત્સદ્દીનો બીજો દીકરો શહાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં પોતાના પરાક્રમથી ઝળક્યો હતો, એ કેટલા ગુજરાતીઓ જાણે છે? વસ્તુપાળ તેજપાળ વિમળશાહના નવા અવતાર જેવા હતા. શૌર્ય અને કલાના પ્રદેશમાં ગુજરાતને ગૌરવભર્યું એ બે ભાઈઓએ કર્યું છે. ગુજરાતનો હિન્દુ રાજ્યકાળ કાંઈક જાણીતો છે એટલે તે વિષે આટલો ટૂંકો ઉલ્લેખ કર્યો છે. હવે મુસલમાની કાળ લઈશું તેમાં બે પ્રકારના પ્રસંગો પસંદ કરવામાં આવ્યા છે. મુસલમાની રાજકર્તાઓને ગુજરાતીઓ લેખી તેમનાં પરાક્રમ ગુજરાતના પરાક્રમરૂપે લેખવામાં આવ્યાં છે. મુસલમાની ઇતિહાસોમાં પણ આ જ દૃષ્ટિબિંદુ સ્વીકારાયેલું છે. મુસલમાનોના જુલ્મ સામે જ્યારે જ્યારે હિન્દુઓ થયા છે, તે તે પ્રસંગો. એમાં ગુજરાતી હિન્દુઓમાં રહેલું ક્ષાત્રતેજ પ્રગટ થયું છે. (૧) ગુજરાતમાં પહેલા મુસલમાન સુબા ઉલુઘખાનની પછી આવેલા સુબા કમાલુદ્દીન સામે ગુજરાત થયું અને યુદ્ધમાં સુબો કામ આવ્યો. (૨) પીરમના મોખડાજી ગોહેલનાં પરાક્રમો. (૩) ફિરોઝ તુઘલકના વખતમાં સુબા શમ્સુદ્દીનના જુલ્મના ભોગ થયેલા રાજાઓ અને લોકોની મદદથી સુબાનો પાદશાહે નાશ કરાવ્યો. (૪) દિલ્હીના સુબાઓ સામે જૂનાગઢ અને રાજપીપળા પોતાની સ્વતંત્રતા જાળવી રહ્યાં હતાં. (૫) ઈ. સ. ૧૩૯૮માં સોમનાથ પાટણના લોકો સુબા ઝફરખાનની સામા થયા – હવે ગુજરાતની પોતાની સલ્તનત શરૂ થઈ. માળવાને અને ગુજરાતને ઈંગ્લૅંડ અને ફ્રાન્સ જેવો વેરભાવનો સંબંધ હંમેશ રહ્યો છે. (૧) ગુજરાતના પહેલા સુલતાન મુઝફરશાહે માળવાના સુલતાન હુસંગ ઘોરીને ધાર આગળ હરાવ્યો. (૨) દિલ્હીના બાદશાહ મહમુદને દિલ્હીના રક્ષણ માટે મુઝફરે મદદ કરી. (૩) મુઝફરની સામા આસાવળના કોળીએ થયા. (૪) સુલતાન અહમદશાહની સામા વડોદરા અને નડિયાદના જે લોકો થયા તેમાં જીવણદાસ એક આગેવાન હતો. (૫) ઈડરના રાજાઓ અનેક વાર ગુજરાતના સુલતાનો સામે થયેલા. જૂનાગઢ, ચાંપાનેર, નાંદોદ, ઈડર અને ઝાલાવાડના રાજાઓ એકઠા થઈ અહમદશાહની સામા થયા હતા. (૬) દક્ષિણ બ્રાહ્મણી સુલતાન અહમદના લશ્કરને ગુજરાતીઓએ માણેકપૂજ આગળ સખત હાર ખવડાવી. આ પરાજયથી ક્રુદ્ધ થઈ બ્રાહ્મણી સુલતાને લશ્કર મોકલી ઉત્તર કોંકણ ગુજરાતની આણમાંથી લઈ લીધું. ગુજરાતના સુલતાન અહમદશાહે દીવ, ઘોઘા અને ખંભાતથી નૌકાસૈન્ય એકઠું કરી થાણા ઉપર હલ્લો કર્યો અને તે સર કર્યું. અનેકવાર સમુદ્રયુદ્ધમાં ગુજરાતીઓની શમશેરો વિજયી નીવડી છે. ગુજરાતના કવિઓમાં ગુજરાત માટે અભિમાન હોય તે આવાં અનેક નૌકાયુદ્ધોમાં ગૌરવ અનુભવતું ગુજરાતને તેઓ કરી શકે. બાગલાણના ઘાટમાં પાછો બ્રાહ્મણી સુલતાન ગુર્જરેશ્વરને હાથે પરાજય પામ્યો. (૭) ગુજરાતના વીર સુલતાનોમાં અહમદશાહનું સ્થાન ઊજળું છે. એના ન્યાયની વાતો એને જેબ આપે એવી છે. (૮) માળવાનો સુલતાન મહમુદ ગુજરાત ઉપર ચડી આવ્યો ત્યારે નડિયાદના બ્રાહ્મણોએ ગાંડા હાથીને મારી પોતાની બહાદુરી બતાવી. કપડવંજ આગળ માળવાના લશ્કરનો સખત પરાજય થયો. (૯) મહમુદ બેગડો ગુજરાતના સુલતાનોમાં ઉત્તમ શ્રેણીનો બાદશાહ થઈ ગયો. તેનાં પરાક્રમોનાં જેટલાં યશોગાન ગાવાં હોય તેટલાં ગાઈ શકાય. (૧૦) મલબારના ચાંચિયાઓને મહમ્મદશાહે ઘોઘારી વહાણોની મદદથી સમુદ્રયુદ્ધમાં હરાવ્યા. (૧૧) પાવાગઢના પતાઈ રાવળ અને તેનાં લશ્કરનું વીરત્વ. (૧૨) ઈ. સ. ૧૫૦૭માં ગુજરાતના નૌકાસૈન્યે ચેઉલ આગળ ફિરંગીઓને પરાસ્ત કીધાં. (૧૩) ઈ. સ. ૧૫૧૮માં ગુજરાતના લશ્કરે માંડુ સર કીધું. (૧૪) મુઝફર બીજો વિદ્વાન, સાધુ, મદ્યનિષેધી, સંગીતકુશળ, કાબેલ સ્વાર, નિપુણ તરવારીઓ, સાદો અને નમ્ર હતો. આ ગુણો કીર્તિમંત થવા ઘટે છે. (૧૫) દીવ આગળ ગુર્જર નૌકાસૈન્યની ફત્તેહ થઈ. (૧૬) નિઝામશાહ, મલિક બેરીદ અને ઐનુલમુલ્કના એકત્ર લશ્કરને ગુર્જરોએ બુરહાનપુરના યુદ્ધમાં પરાજય પમાડ્યું અને સુલતાન બહાદુરશાહે અહમદનગર અને બુરહાનપુરમાં ખુતબો પઢાવ્યો. (૧૭) પાછો માંડુનો કિલ્લો બહાદુરશાહે બહાદુરીથી સર કર્યો. બહાદુરશાહના સમયમાં ગુજરાતની સત્તા પૂર્ણ કળાએ ખીલી હતી. (૧૮) મહમદ બીજાની સામે, ઈડર, સીરોહી, ડુંગરપુર, વાંસવડા, લુણાવાડા, રાજપીપળા અને દાહોદના લોકો થયા. (૧૯) નર્મદાકાંઠા પરના માંડવાના રાજાએ દિલ્હીના મોગલ બાદશાહના સુબા રાય ગોપીનાથ અને રાજા સૂરજસિંહને હરાવ્યા. (૨૦) હુમાયુન, અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદ, ઔરંગઝેબ, દારા, આઝમ વગેરે બાદશાહો ગુજરાતમાં આવેલા તે પ્રસંગો. (૨૧) ઈ. સ. ૧૬૩૨માં કાંકરેજના કોળીઓ અને જામનગરના જામ સુબાઓની સામા થયા. (૨૨) ઈ. સ. ૧૬૪૫માં ચાંપાનેરના જંગલમાં ૭૩ સાથી પકડાયા. (૨૩) અમદાવાદના ઝવેરી શાંતિદાસની લોકસેવા. (૨૪) ઈ. સ. ૧૬૮૪માં દુકાળને લીધે અનાજના ભાવ એટલા વધી ગયા કે ભાવ નક્કી કરનાર શેખ મુહમુદ્દીનની સામે અમદાવાદીઓએ હુલ્લડ કર્યું. (૨૫) ઈ. સ. ૧૭૧૧માં મરાઠાઓને અંકલેશ્વર આગળ ગુજરાતીઓએ હરાવ્યા. (૨૬) નડિયાદના લોકો ઉપર રાઘોબા પેશ્વાએ રૂ. ૬૦,૦૦૦નો દંડ નાખ્યો, ત્યારે બ્રાહ્મણો અને ભાટ સામા થયા હતા તે પ્રસંગ. બ્રિટિશ રાજ્ય દરમ્યાન સત્તાવનના બળવા વખતનાં પ્રસંગો, રૂપા અને કેવળ નાયકના બખેડા, ટોડા માણેક વગેરે વાઘેરોના બહારવટિયા તથા કાઠિયાવાડમાં અનેક વખત બનેલા વીરોદ્રેકવાળા પ્રસંગો વિસ્તારભયે બાતલ રાખવામાં આવ્યા છે. ઈ. સ. ૮૩૪-૩૫માં ગુજરાતી વહાણવટીઓ તિગ્રીસ નદી ઉપર ખલીફના પાટનગર ઉપર ઊતરી પડ્યા હતા. રાતા સમુદ્ર સુધી તેઓ લૂંટ ચલાવતા હતા. ઈ. સ. ૧૨૯૦માં મારકોપોલો ગુજરાતના ચાંચિયાઓથી ત્રાસ પામ્યો હતો. આ ઉપરાંત ‘ગેઝીટીઅર’માં આપેલો ઇતિહાસ રસથી, કલ્પનાથી અને મમત્વથી વંચાય તો ઘણા ઘણા પ્રસંગો ગુજરાતીઓના શૌર્ય, ઝનૂન, રણનૈપુણ્ય આદિ કીર્તિવંતા કરનારા મળી આવશે. ઉપલક નજરે જે પ્રસંગો મળ્યા તે જ મેં આ લેખમાં આપ્યા છે. ગુજરાતીઓ બાયલા છે – તેઓ માત્ર હિંગતોળુ વેપારીઓ છે – તેમણે રણક્ષેત્રો કદી નિહાળ્યાં નથી એ આક્ષેપ ઇતિહાસ ખોટો પાડે છે. ગુજરાતી સાહિત્ય ગુજરાતનું સુપ્ત ચેતન જગાવશે તો એ આક્ષેપ દૂર થશે. દેશના પુત્રોના ઝણઝણાટ પ્રેરતા વિચારોથી સાહિત્ય જ્વલંત હોય છે ત્યારે દેશમાં પણ ચેતન આવે છે. ગુજરાત માટે, પ્રત્યેક ગુજરાતી વસ્તુ, પ્રસંગ, પુરુષ માટે જ્યાં લગી અભિમાન, મમત્વ, ઉત્સાહ, માન નહીં જાગે ત્યાં લગી ગુજરાતની એકતા નથી. ગુજરાતના ભાગ્યમાં ત્યારે જ આપણને ‘ગૌરવાન્વિત અને પૌરુષયુક્ત’ શ્રદ્ધા થશે, ત્યારે જ નમ્રભાવનો ત્યાગ કરી, છાતી ઠોકી આપણે કહી શકીશું ‘અમે ગુજરાતીઓ છીએ.’ ત્યારે જ ગુજરાતીઓની બુદ્ધિ પુનર્જન્મ પામશે અને ફલવતી થશે.[2]


  1. કવિતાનું નામ બરાબર યાદ નથી. એ કવિતા ‘ગુજરાતી’ પત્રમાં છપાઈ હતી.
  2. આ લેખમાં મેં સંગ્રામ સિવાયના પ્રદેશમાં ગુજરાતીઓએ કરેલાં પરાક્રમનો સમાવેશ નથી કર્યો. પરંતુ એ પ્રદેશો પણ સાહિત્યસર્જક વૃત્તિને સળવળાવે એવા છે. [ ‘ગુજરાતી’ ઑક્ટો. ૨૨, ૧૯૧૬]