રણજિતરામ ગદ્યસંચય – ૨/રણજિતરામ મહેતા—શ્રી લાભશંકર પ્ર. ભટ્ટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પરિશિષ્ટ
રણજિતરામ વાવાભાઈ મહેતા

શ્રી લાભશંકર પ્રભુલાલ ભટ્ટ

સંવત ૧૯૭૩ના જેઠ સુદી ૧૪ તા. ૪ થી જૂન ઈ. સ. ૧૯૧૭ને સોમવારના રોજ ગુજરાતી ભાષાના એક પરમ ઉપાસક અને ગુજરાત તરફ અસાધારણ મમતા ધરાવનાર સાક્ષર ભાઈ રણજિતરામ વાવાભાઈનું અકાળ મરણ થયું. આજ એ વાતને પાંચ વરસ પૂરાં થાય છે તોપણ તે પ્રસંગ આંખ આગળ ખડો ને ખડો જ રહ્યો છે. દિવસોના દિવસો સુધી એ મરણનો પ્રસંગ આંખ આગળ તર્યા જ કર્યો છે અને આજે પણ મારી આંખ આગળ એ જ દૃશ્ય નજરે તરે છે. મરણ એ શરીરની પ્રકૃતિ છે; विकृति जीवितमुच्यते वुधः એવું કવિવાક્ય છે. પરંતુ આ એક જ મરણના અનુભવથી મને ઘણી વિહ્વળતા થયેલી અને ઘણા દિવસો સુધી મને ગ્લાનિ રહેલી. આમ ખેદ થવાનું કારણ અસાધારણ કરુણ સંયોગોમાં ભાઈ રણજિતરામ ચાલ્યા ગયા તે જ છે. હકીકત એવી છે કે કાશ્મીર કે મહાબળેશ્વર અથવા હવા ખાવાના કોઈ સ્થળમાં શેઠ નરોતમ મોરારજીએ પોતાના પુત્ર અને પુત્રીને નહીં મોકલતાં અંધેરી પાસે જુઈમાં જ્યાં પોતાનો બંગલો છે ત્યાં જ ઉનાળામાં તેમને રહેવાનું ઠરાવ્યું અને ભાઈ રણજિતરામની દેખરેખ નીચે તેમને રાખ્યાં. રણજિતભાઈમાં નવું શીખવાનો અને જાણેલું બીજાને શીખવવાનો ઘણો શોખ હતો. તેના પરિણામે તરતાં શીખવા માટે તેમણે પ્રયત્ન આરંભ્યો અને એ આરંભમાં જ પોતાની જાત ખોઈ. એમના જેવા ધીરા માણસને પણ આ સાહસ થાય છે એટલું ધ્યાન રહ્યું નહીં એ વિધિની ક્રૂરતા. જુઈ જેવું એકાંત સ્થળ—ટેલિફોનની પણ સગવડ નહીં, માણસો પણ થોડાં; શહેરમાં આવતાં-જતાં ઘણો વખત લાગી જાય. તેથી સગાંસંબંધીઓમાં સમાચાર પહોંચાડવાની પણ મુશ્કેલી અને પાણીમાં તણાઈ ગયેલ શબ ત્રણચાર કલાક હાથ ન આવ્યું તેથી થયેલ વિહ્વળતા—આ બધું ભાઈ રણજિતરામનાં વિધવાએ અશ્રુપૂર્ણ નયને સહન કર્યું તેમાં શેઠનાં કુટુંબીઓના વાત્સલ્યથી જે દુઃખ ઓછું થયું જણાય તે જ. મોડી રાત્રે શબને અગ્નિદાહ થઈ રહ્યા પછીથી હું ઘેર પાછો આવ્યો ત્યારે મગજ ઉપર ઘણો જ ભાર જણાયો અને સવારમાં ઊઠ્યો ત્યારે આગલા દિવસનો પ્રસંગ ખરેખર બન્યો છે કે નહીં જ તે પણ કળી ન શક્યો. પરંતુ રણજિતરામભાઈ ગુજરી ગયા હતા જ; તેમનાં સંતાનોને અને પત્નીને તથા કુટુંબીઓને દુઃખમાં ડુબાડી ગયા હતા જ; અનેક મિત્રોને તેમની વિદ્વત્તાથી જે રસ, આનંદ, લાભ મળતો તે હંમેશ માટે ગયો હતો જ. રણજિતરામભાઈનો જન્મ સં. ૧૯૩૮ના કાર્તિક સુદી બીજના રોજ સવારના પાંચ વાગતાં તેમના મોસાળના ઘરમાં સુરતમાં થયો હતો. તેમના પિતા મુંબઈ યુનિવર્સિટીના એલ.સી.ઈ. હતા અને ઈ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરમાં તેમનું મરણ થયું ત્યારે અમદાવાદમાં નિવૃત્ત થઈ રહેતા હતા. તેમનાં માતા હાલ હયાત છે. એક ભાઈ મોતીભાઈ શોલાપુર મિલમાં ડાકટર છે; તથા એક બેન અમદાવાદમાં રહે છે. રણજિતરામભાઈ બધા ભાંડુમાં સૌથી મોટા હતા. તેમનાં વિધવા શાંતિબેન ૧૯૧૮ના તાવમાં સ્વર્ગવાસી થયાં. તેમની સંતતિમાં બેન અરુણકિશોરી (જન્મ ઈ. સ. ૧૯૦૭ના નવેમ્બરમાં), ભાઈ અશોકકુમાર (જન્મ ઈ. સ. ૧૯૧૧ના ઑક્ટોબર) તથા બેન ઉર્વશી—રણજિતરામભાઈ સ્વર્ગવાસી થયા પછી ત્રણચાર માસે જન્મેલ છે તે—છે. રણજિતરામભાઈની બાલ્યાવસ્થા અમદાવાદમાં તેમ જ પાલીતાણામાં પિતાના મોસાળમાં વીતી હતી. તેમનો સ્વભાવ નાનપણથી જ એકલશૂરો હતો. કોઈ તેમના મિત્રો નહોતા. ભાઈ જયસુખલાલ કૃષ્ણલાલ તથા હરિપ્રસાદ પિતાંબર મહેતા એ જ બે તેમના બાળપણના સ્નેહી; અને આ બન્ને સાથે હંમેશ સ્નેહસંબંધ વધતો જ રહેલો. પોતાની કે પોતાનાંની વાતો કહેવાની રણજિતરામભાઈને ટેવ જ નહીં. વરસોનાં વરસો સુધી ગાઢ પરિચય રહ્યો હોવા છતાં પિતાનાં સંબંધી તો એમણે બહુ ઓછું કહેલું. નાનપણની વાતો કરતાં એક વાત કરેલી મને ઘણી યાદ રહી છે. તેમના પિતાનો સ્વભાવ કડક હતો. બોલવાની ટેવ જ નહોતી. ઘરમાં હોય ત્યારે સામાન્ય રીતે વાંચવામાં જ ગૂંથાઈ રહેતા અને રણજિતરામભાઈ સૌથી મોટા એટલે મર્યાદાથી એમને તે બોલાવતા પણ નહીં. આવી કડક પ્રકૃતિ છતાં પુત્રમાં કોઈ જાતની કુટેવ કે દોષ દાખલ ન થઈ જાય તે ઉપર ખાસ ધ્યાન રાખતા. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં રણજિતરામભાઈ હતા ત્યારે કુસંગતથી બીડી-સિગારેટ પીવા માંડેલી. તેઓ જ્ઞાતે કાયસ્થ હતા. ધાર્મિક બાધ બીડી પીવામાં તેમને કાંઈ હતો નહીં. પરંતુ કુટુંબ વૈષ્ણવ પંથ પાળતું એટલે બીડી ન પીવાતી. રણજિતરામભાઈને રૂબરૂમાં કાંઈ કહ્યું નહીં પરંતુ એક વખત કોટના ખિસ્સામાંથી સિગારેટ હાથ લાગતાં ઘણી જ સખત શિક્ષા કરી. રણજિતરામભાઈએ જીવનમાં ફરી બીડી પીધી નહીં; ફરી કોઈની કુસંગત લાગી નહીં. આખું જીવન સ્વચ્છ, નિર્મળ પસાર થઈ ગયું. દુર્ગુણ અને અનીતિ તરફ એમને એટલો બધો તિરસ્કાર હતો કે તેવા લોકો સાથે તેઓ ભળી ન શકતા પરંતુ તેમનો લેશમાત્ર પરિચય પણ સહન ન કરી શકતા. વ્યવહારમાં પડ્યા પછીથી એવા કોઈ માણસના સંબંધમાં પ્રથમ આવવાનું થયું ત્યારે એ માણસના દુરાચારની વાત જાણતાં આખો દિવસ તેમનું સખત માથું દુઃખવા આવ્યું હતું અને તે માણસનું મોઢું પણ ફરીથી જોવું ગમ્યું નહોતું. કોમળ મગજ ઉપર, સામાન્ય રીતે, આવી જ અસર શરૂઆતમાં થાય છે એવો ઘણાને અનુભવ હશે. રણજિતરામભાઈનો અભ્યાસ સહજ રીતે પૂરો થઈ ગયો. સ્થળની અનુકૂળતા હતી, વ્યવહારનો બોજો માથે પડ્યો નહોતો અને ભણવામાં પણ હોંશિયાર હતા એટલે કંઈ વિઘ્ન નડ્યું નહીં. જોકે મહેનત કરવાની તેમને ટેવ નહોતી એટલે તેમના જેવી શક્તિવાળો માણસ મહેનતથી તો કાયમ પ્રથમ વર્ગમાં જ આવે તેમ તેમના સંબંધમાં બન્યું નહીં. આવી મહેનત ન ઉઠાવી શકાય તેવી તેમની શરીરસંપત્તિ પણ હતી તે વાત લક્ષમાં રાખવાની છે. તદ્દન બાલ્યાવસ્થાથી જ તેમનું શરીર નિર્બળ હતું; હાડ મોટાં હતાં પરંતુ રુધિર અને માંસ નહીં જ. ઈ. સ. ૧૯૦૮માં ભાવનગરમાં નિવાસ કરી રહ્યા અને ત્યાંનું પાણી માફક આવ્યા પછીથી તેમની પ્રકૃતિ સંપૂર્ણ સુધરી એમ કહી શકાય. તોપણ અસલથી જ શરીર નિર્બળ હતું એટલે તેમનું શરીર પહેલવાન જેવું તો બન્યું નહીં જ. મને બરાબર યાદ છે કે જ્યારે મેં તેમને પ્રથમ જોયા ત્યારે મને લાગ્યું કે રણજિતરામભાઈ તો સાહિત્યમાં જ જીવે છે અને એ વાત તેમનો પરિચય વધતાં કહી ત્યારે હસીને સ્વીકારી લીધી. અભ્યાસ પૂરો થયા પછીથી શું કરવું તેની ચિંતા થવા માંડી. એક વરસ તો ‘ફેલો’ તરીકે રહ્યા. ઉમરેઠ ખાનગી સ્કૂલમાં જગ્યા ખાલી હતી ત્યાં અરજી કરી અને તે સ્વીકારાઈ તેથી ઈ. સ. ૧૯૦૫ના એપ્રિલથી માંડી લગભગ છ–આઠ માસ ત્યાં હેડમાસ્તર તરીકે કામ કર્યું. તેમનો કંઠ ધીમો હતો તેમ જ શીખવવાની શક્તિ ખામીવાળી હતી એવો તેમનો પોતાનો અભિપ્રાય હતો. તેથી સ્થળ છોડ્યા પછીથી શિક્ષક તરીકે રહેવા તેમણે ક્યાંય ઇચ્છા કરી નહીં. છેલ્લાં વરસોમાં જ્યારે ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં રહેવાનો તેમનો વિચાર થયો ત્યારે પણ પોતાની ઉપલી બે ખામી બાબત કહ્યાં જ કરતા. તેમના પિતાની મરજી બી. એ. થયા. પછીથી સરકારી નોકરીમાં તેઓ જોડાય તેવી હતી. પરંતુ તેવો યોગ આવ્યો નહીં અને મણિશંકર રત્નજી ભટ્ટની ભલામણથી ઈ. સ. ૧૯૦૫માં જ ગજ્જરસાહેબના સેક્રેટરી તરીકે રહ્યા. ઈ. સ. ૧૯૦૫ના જૂન માસમાં પ્રથમ સાહિત્ય પરિષદ મળી એ અગાઉ રણજિતરામભાઈ ઘણા સાક્ષરોની સાથે પત્રવ્યવહાર રાખતા. મણિભાઈ સાથે પણ તેમને પત્રવ્યવહાર હતો જે ઉપરથી તેમની પ્રીતિ સંપાદન કરી હતી. મેં સૌ પહેલાં રણજિતરામભાઈનું નામ અને પત્રો ભાવનગરમાં મણિભાઈને ત્યાં જોયાં. તેમના મોતીના દાણા જેવા સ્વચ્છ અક્ષરો અને તેવું જ ઉચ્ચ લખાણ સૌ પહેલું જોયેલું તે હજી સ્મરણમાં છે.પ્રથમ સાહિત્ય પરિષદની યોજનાથી માંડી પૂર્ણાહુતિ સુધી તેમની જ મહેનત હતી એ સૌને દેખાય તેવું હતું. તેમને માટે જે સારો વિચાર મણિભાઈને હતો તેમાં આ પ્રત્યક્ષ અનુભવથી વધારો થયો અને ગજ્જરસાહેબને ત્યાં તેમને માટે ખાસ ભલામણ કરી. ગજ્જરસાહેબ સાથેના પરિચયથી રણજિતરામભાઈના જીવનમાં ઘણા ફેરફારો થયા અને તેની સારી અસર કાયમ સુધી રહી. ગજ્જરસાહેબની વિદ્વત્તા, ભવ્ય કલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપવાની અસાધારણ ખંત અને સૌથી વિશેષ તેમની ઉદારતા અને ત્યાગવૃત્તિ, એનાથી એમના જીવનમાં ઘણા નવા સંસ્કારો રોપાયાં અને આમરણાંત એમના ઋણી રહ્યાનું કહેતા. ‘સાહેબરામ’ની વાર્તામાં ભૈરવનાથ શેઠનું પાત્ર ગજ્જરસાહેબ ઉપરથી યોજાયેલું સૌ કોઈ જાણી શકે તેમ છે, જોકે તે સંપૂર્ણ તો નથી જ. ગજ્જરસાહેબ સાથે નિવાસ પ્રસંગે તેમને સ્વ. ગોરધનભાઈ સાથે પણ સંબંધ થયો. ૧૯૦૭ના જાન્યુઆરીમાં ગોવર્ધનરામ ગજ્જરસાહેબના બંગલામાં જ અવસાન પામ્યા તે વખતે રણજિતરામભાઈ પણ હાજર હતા. ગોવર્ધનરામભાઈની હયાતીમાં અને અવસાન પછીથી તેમનું જીવનચરિત્ર રણજિતરામભાઈને હાથે લખાવી તૈયાર કરાવવા ગજ્જરસાહેબને આગ્રહ રહ્યા કરતો, પરંતુ તેમ બની શક્યું નહીં. જીવનચરિત્ર લખવા જેટલો નિકટ પરિચય ગોવર્ધનરામભાઈ સાથે તેમના મરણને લીધે થઈ ન શક્યો તે એક કારણથી પણ રણજિતરામભાઈએ એ કામ શરૂ કરેલ નહીં. ગજ્જરસાહેબને ત્યાં એક જ પ્રકારનું કામ નહોતું. રણજિતરામભાઈની હાજરીની તેમને વારંવાર જરૂર પડતી તેથી રહેવાનું પણ તેમની સાથે જ રાખ્યું હતું. કેટલાક મહિના ગીરગામ બૅકરોડ ઉપર એક ઊંચા માળામાં પાંચમે મજલે તેઓ રહેતા પરંતુ વાલકેશ્વર જેટલે જવાઆવવાની મુશ્કેલી પડવાથી થોડા દિવસ પછી એ ઘર કાઢી નાખ્યું અને સહકુટુંબ ગજ્જરસાહેબ સાથે જઈ રહ્યા. ગજ્જરસાહેબ જેવી પ્રકૃતિના માણસની સેવા ઉઠાવવી અને તેમાં સંતોષ આપવો એ કાંઈ સામાન્ય વાત નહોતી—રાત્રે બાર વાગે કે બે વાગે ગમે ત્યારે તેમને નવો વિચાર સૂઝે એટલે ઊંઘમાંથી પણ રણજિતરામભાઈને ઉઠાડી નોંધ લેવરાવતા. આ સ્થિતિમાં બીજો માણસ, ઓછા અનુભવવાળો અથવા જલદ પ્રકૃતિવાળો લાંબું ખેંચી શકે નહીં. પરંતુ રણજિતરામભાઈએ એ સ્થિતિ બે અઢી વરસ ચલાવી અને ગજ્જરસાહેબ સાથે તેમને ત્યાંથી છૂટા થયા છતાં હંમેશનો સંબંધ જાળવી રાખ્યો. ગજ્જરસાહેબની ઉદારતાની પણ હદ નહોતી. જુવાન રણજિતરામભાઈ ઉપર તેમને ગાઢ પ્રીતિ હતી. પોતાના નોકર તરીકે તેમના તરફ દૃષ્ટિ નહોતી. તેમના અગત્યના કામકાજમાં રણજિતરામભાઈ ભાવનગર હતા ત્યારે અને પછી મુંબઈ હતા ત્યારે પણ તેમની એક મિત્ર તરીકે સલાહ લેતા. તેમના મિત્રો કે સંબંધીઓમાં વિખવાદ ઊભો થતો તેમાં રણજિતરામભાઈને પણ મધ્યસ્થ રાખતા એની મને જાતમાહિતી છે. રણજિતરામભાઈએ ગજ્જરસાહેબનો સંબંધ છોડ્યા પછીથી નવદસ વરસ બીજે સ્થળે ગાળ્યાં પરંતુ એમ કહેતા કે મેં જેવી ત્યાં નિરંતર સરસ્વતીની ઉપાસના થતી જોઈ હતી તેવી ફરીથી ક્યાંય જોઈ નથી. ઈ. સ. ૧૯૦૭ના સપ્ટેમ્બરમાં તેઓ મુંબઈ હતા ત્યારે બીજી સાહિત્ય પરિષદ ભરાઈ; તેના મંત્રી તરીકે ભાઈ અંજારીઆ તથા ઠાકોરલાલ હરિલાલ દેસાઈ સાથે તેમણે પોતે જ કામ કર્યું હતું. યાદી ઘડવાથી માંડીને તેમણે પોતે જ ઘણી મહેનત લીધી હતી. નિબંધ લખવાનો અવકાશ તેમને નહોતો મળ્યો તેથી પ્રથમ પરિષદમાં જેમ ‘લોકગીત’નો લેખ વાંચેલો તેમ આ પરિષદમાં તેઓ કંઈ લખી શક્યા નહીં. પરંતુ તેમની સ્થિતિ બદલાતી જતી હતી—પરિષદ સંબધે તેમને સતત ઉદ્યોગ કરવો પડતો. એ નવી સંસ્થામાં રસ ઉત્પન્ન કરવા માટે અનેક સાક્ષરો અને ગૃહસ્થો સાથે ખાનગી સંબંધે તેમ જ મંત્રી તરીકે તેમને પત્રવ્યવહાર કરવો પડતો. લેખો માટે ઘણાંઓ પાસે માંગણી કરવી પડતી. પોતાને એમ લાગે કે અમુક વિષય ઉપર ગુજરાતી સાહિત્યમાં કાંઈ લખાણ નથી તો તે વિષયનાં અંગ્રેજી પુસ્તકો મેળવી લેખક પાસે લેખ તૈયાર કરાવતા. સાહિત્ય પરિષદની સંસ્થાને તેમના જીવનથી હું જુદી નથી પાડી શકતો. એ સંસ્થાને ઊભી કરીને જ અટક્યા નહિ પરંતુ તે ચાલુ રહે, દેશના અનેક સાક્ષરો અને પ્રસિદ્ધ પુરુષો તેમ જ સામાન્ય વર્ગ તેમાં ભાગ લે, તે બળવાન સંસ્થા બને, ગુજરાતની ભાવિ પ્રજાને દોરનાર નીવડે, ગુજરાતનું ગૌરવ વધારે, એવા બધા પ્રયત્નો તેમણે આખી જિંદગી સુધી કર્યા જ. સાહિત્ય પરિષદને તેમના વિચારોમાં હંમેશ અગ્રસ્થાન હતું. તે સંસ્થાને માટે કડવું વાક્ય બોલનાર ગમે તે હોય તો પણ સહન ન કરી શકતા. ટૂંકમાં, પરિષદ ઉપર તેમને ગાઢ મમતા હતી અને તેના વિના તે આજ સૂની છે તે પણ દેખાય છે. રણજિતરામભાઈ ઈ. સ. ૧૯૦૮ના એપ્રિલ માસમાં મુંબઈ છોડી ભાવનગર પ્રભાશંકર દલપતરામ પટ્ટણી પાસે રહ્યા. મુંબઈમાં ભરાયેલી બીજી સાહિત્ય પરિષદને પ્રસંગે વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય—જેઓ વ્યવસ્થાપક મંડળના પ્રમુખ હતા—અને તેમનો પરિચય થયો. તેમણે પટ્ટણીસાહેબને સારા માણસની જરૂર છે એમ જાણતા રણજિતરામભાઈની ભલામણ કરી. રણજિતરામભાઈ રહ્યા એ વખતે ભાવનગર રાજ્યના કેળવણીખાતામાં એક જગા ખાલી હતી અને તે ઉપર જ તેમની નિમણૂક થશે એમ લાગતું હતું; પરંતુ પટ્ટણીસાહેબે બહુ થોડી મુદતમાં રણજિતરામભાઈની યોગ્યતા જોઈ લીધેલી હોવી જોઈએ જેથી પોતાનું બધું ખાનગી કામકાજ તેમને સોંપી પાસે જ રાખ્યા. રણજિતરામભાઈના જીવનમાં ભાવનગરના નિવાસને ઘણું મહત્ત્વનું સ્થાન મળે છે. તેઓ પોતે ભાવનગરથી થયેલા ફાયદાઓનું અનેક વખત વર્ણન કરતા. પ્રથમ તેમની પ્રકૃતિ—જે હંમેશાં શિથિલ રહેતી તે—ત્યાંના નિવાસથી ઘણી સુધરી. હાડકાંના માળખા જેવા શરીરમાં બહુ માંસ તો ન ભરાયું પણ દૃઢતા તો લોઢાની આવી હતી. માઈલોના માઈલો સુધી લેશ વિસામો ખાધા સિવાય રખડવાની—ફરવાની તેમનામાં સ્ફૂર્તિ હશે એમ કોઈ ઉપરથી જોનાર કહી શકે તેમ નહોતું; પરંતુ તેઓ તેમ ફરી શકતા અને તે ભાવનગર રહ્યા પછીથી જ. ભાવનગર આવ્યા અગાઉ તેમનું માનસિક બંધારણ અમુક રીતે દૃઢ બંધાયેલું નહોતું. તાજા કૉલેજજીવનમાંથી છૂટી વ્યવહારમાં પડ્યા અને પ્રવૃત્તિનો બોજો માથે એટલો રહેવા માંડ્યો કે ગંભીર વિષયોનો અભ્યાસ કે ચિંતન કરવા અવકાશ નહીં મળેલો. સુધારાના પવનની સામાન્ય છાપ જેવી પડે છે તેવી ભાવનગર આવ્યા અગાઉ તેમના ઉપર હતી, જે સંસ્કારી લેવા અભ્યાસ અને અવકાશ ભાવનગરમાં મળ્યાં. અહીં ભાવનગરમાં તેમણે પોતાને યોગ્ય વાતાવરણ જમાવ્યું હતું. સહેજ પણ સાહિત્યમાં રસ લેનાર માણસો સાથે પરિચયમાં આવતા અને તેમનાં વિદ્વત્તા કે અનુભવ બીજાઓને ઉપયોગી થાય તેવો પ્રયાસ કરતા. મહુવાનિવાસી કવિ ત્રિભોવન પ્રેમશંકર તથા હરગોવિંદ પ્રેમશંકરનો સંબંધ અહીં જ બંધાયો. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ જેમને ઇતિહાસનો, જૂની વાર્તાઓનો તથા ગીત વગેરેનો શોખ છે તેમનો પણ પરિચય થયો. માનશંકર પિતાંબરદાસ મહેતા જેઓ એક સારા લેખક તથા અભ્યાસી છે તેમની પણ ઓળખાણ કરી. આ ઉપરાંત પ્રોફેસર વિઠ્ઠલરાય મહેતા તથા નરભેશંકર દવે જેઓ તેમની નજીકમાં જ રહેતા તેમની સાથે પણ તેઓ ભળતા. તેમણે પોતે સાહિત્યની અનેક પ્રકારે સેવા આદરી હતી અને તેમાં સૌની સહાય ઘણા જ ભાવપૂર્વક સ્વીકારતા. બીજાઓ જે જે વિષયમાં નિષ્ણાત હોય તે તે વિષય ઉપર લખે તેવી યોજનાઓ કરતા. ભાવનગરની બાર્ટન લાયબ્રેરી સમૃદ્ધ છે–તેનો જૂનાં પુસ્તકોનો તથા સંસ્કૃત પુસ્તકોનો સંગ્રહ જોવા તેમણે અવકાશ મેળવ્યો હતો. કૉલેજ લાઇબ્રેરીમાંથી પણ વારંવાર પુસ્તકો મંગાવતા. આ ઉપરાંત પટ્ટણીસાહેબની પોતાની લાઇબ્રેરી તેમણે આખી તપાસી હતી. તેમાં અનેક નવીન પુસ્તકો તેમણે પોતે જ મંગાવ્યાં હતાં. આ બાબતમાં પટ્ટણીસાહેબની એમને એટલી બધી અનુકૂળતા હતી કે કોઈપણ નવીન પુસ્તક તેમને યોગ્ય લાગે તે ખુશીથી મંગાવતા. અંગ્રેજી માસિકો–સાહિત્યનાં, કલાનાં, ચિત્રનાં, બાલકોપયોગી–અનેક જાતનાં પુસ્તકો અને માસિકો તેઓ અહીં મેળવી શકતા અને તેમનો અભ્યાસ કરતા. એક સારા વિદ્વાને એક વખત વાતચીતમાં કરેલ વાત બરાબર છે કે હાલ સાક્ષરોમાં રણજિતરામભાઈ જેવો વર્તમાન સાહિત્યનો સર્વદેશી વાચક કે અભ્યાસક કોઈ છે નહીં. ભાવનગરમાં તેઓ રહ્યા ત્યાર પછી લગભગ બેએક વરસ પછી તેમણે એક એવા ગૃહસ્થની ઓળખાણ કરી અને સંબંધ જમાવ્યો કે જેવો સંબંધ તેમને બીજા કોઈ સાથે હતો તેમ મને ખબર નથી. પ્રો. નૃસિંહપ્રસાદ કાલિદાસ એ વખતમાં કૉલેજના પ્રોફેસર હતા. પરંતુ તેઓ ચુસ્ત સનાતનધર્મી અને નથુરામ શર્માના શિષ્ય હોવાથી તેમના સમાગમમાં આવતા રણજિતરામભાઈને સંકોચ થતો. ઈ. સ. ૧૯૧૦ના વરસમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન નામની સંસ્થાની સ્થાપના થયા અગાઉ એ સંસ્થા વિષે પટ્ટણીસાહેબ સાથે અનેક વખત ચર્ચા ચાલતી–શરૂઆતમાં કયા ધોરણ ઉપર સંસ્થા શરૂ કરવી એ પણ તેમની સાથે જ ચોક્કસ થયું હતું. આ ભવન સંબંધે જ ચર્ચા ચલાવવા એક પ્રસંગે ભાઈ નૃસિંહપ્રસાદ રણજિતરામભાઈને ઘેર આવી ચડ્યા અને ત્યાં કલાકો સુધી કેળવણીવિષયક સંસ્થા કેવી હોવી જોઈએ એ બાબત વાતચીત ચાલી. સાંજે ભાઈ નૃસિંહપ્રસાદ ગયા પછીથી રણજિતરામભાઈએ કહ્યું કે આ ગૃહસ્થમાં આટલી બધી વિચારની ઉદારતા હશે એમ હું માનતો નહોતો. ઈ. સ. ૧૯૧૦ના ડિસેમ્બરમાં ભવન ‘સ્થપાયું’ અને તેમાં રણજિતરામભાઈએ ઇતિહાસ શીખવવાનું માથે લીધું. આ શિક્ષણ લાંબી મુદત આપી ન શકાયું કારણ કે ૧૯૧૨ના ડિસેમ્બરમાં પટ્ટણીસાહેબ મુંબઈ ગયા તેમની સાથે તેમણે પણ ભાવનગર હંમેશ માટે છોડયું. ભાવનગર છોડ્યા પછીથી ભાઈ નૃસિંહપ્રસાદ સાથે તેમણે ભવન સંબંધે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો. ભવનને તેમના વિચારોમાં હંમેશ પ્રથમ સ્થાન હતું અને એક સામાન્ય બૉર્ડિંગમાંથી વધીને તે મોટી સંસ્થા થાય તેવાં તેમનાં સ્વપ્નો સાચાં પડ્યાં છે તે જોવા તેઓ હાલ હયાત નથી, પરંતુ ભવનના ચાલકો અત્યારે પણ માને છે કે રણજિતરામભાઈનો આત્મા હંમેશાં તે સંસ્થામાં હાજર છે. ભાવનગરમાં એમનો સંસાર બહુ સુખરૂપ હતો. કૉલેજ પાસેના એક એકાંત વિશાલ ઘરમાં તેઓ રહેતા. તેમનું મકાન સાહિત્યની સેવા કરનાર કે રાજકીય અથવા શિક્ષણશાસ્ત્રમાં રસ લેનાર ગૃહસ્થોનું વિશ્રામસ્થાન હતું. જે બધાં વરસો તેઓ ભાવનગરમાં રહ્યા તેમાં એકબે વખત જ મહિનો પંદર દિવસ તેઓ ભાવનગરથી અમદાવાદ ગયા હતા. આજે દસ બાર વરસે એ દિવસો હું ફરી સ્મરણમાં લાવું છું. રાત્રે ચાંદનીમાં મનોહર સરોવરના કિનારા તરફ, વિશાલ બાગમાં કે મિલની પાછળના મેદાનમાં તેઓ એક બે મિત્રો સાથે ફરતા. મંડળ જામ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે વાત તો તે જ કરતા. વિષય સામાજિક સુધારણાનો હોય, સાહિત્યપ્રવૃત્તિનો હોય, ચાલુ શિક્ષણપદ્ધતિનો અથવા દેશી રાજ્યોનો હોય, પણ તેઓ જ પ્રમુખ વક્તા હોય. કવિ નાનાલાલ રણજિતરામભાઈના ગાઢ સ્નેહી હતા. તેમની કવિતા નવીન કવિતા તરીકે આદર પામી હાલ દરેક યુવાનોમાં વંચાય છે, તેની શરૂઆત રણજિતરામભાઈના જમાનાથી થયેલી. અમદાવાદમાં તેઓ હતા તે વખતે એક દિવસ ફરવા જતાં પ્રાર્થનાસમાજનો પટાવાળો ‘જ્ઞાનસુધા’ વેચતો હતો. રણજિતરામભાઈએ તે જોયું અને વેચાતું લીધું. એ અંક ૧૮૯૮ના માર્ચથી ડિસેમ્બર સુધીનો, ૧૮૯૯ના માર્ચમાં લગભગ બહાર પડેલો હતો. તેમાં ‘વસંતોત્સવ’ છપાયું હતું. રણજિતરામભાઈએ તે આખું જોયું અને પટાવાળા પાસેથી મળ્યા તેટલા બીજા અંકો પણ ખરીદ્યા. ઘેર જઈ તે કાવ્ય ધ્યાનપૂર્વક વાંચ્યું, અને તેની અંદર તેમને અનેક આકર્ષક અંશો જણાયા. ‘વસંતોત્સવ’ ઉપર તેમણે સૌ પહેલી ટીકા લખેલી,—જોકે તે અધૂરી જ રહેલી. તે ‘સાહિત્ય’ માસિકમાં કટકે કટકે છપાયેલી છે. મૂળ નિબંધ સુરત કાયસ્થ મંડળ સમક્ષ ભાષણરૂપે વાંચ્યો હતો. આ વખતથી જ તેમને ગુજરાતી વાંચવા તરફ વિશેષ આકર્ષણ થયું. નાનપણથી જ પોતાના ઘરમાં પ્રાચીન કાવ્યમાલાનાં પુસ્તકો હતાં તે વાંચવાનો તો તેમને શોખ હતો, પરંતુ આધુનિક ગુજરાતી સાહિત્ય તો એમણે કૉલેજમાં દાખલ થઈને જ વાંચવા માંડ્યું. તેમનો ઉદ્યોગ ઘણો હતો. સારાં સારાં કાવ્યો નોંધી લેતા. એવી એક આખી નોટબુક હાલ પણ મારી પાસે પડી છે. જેમાં મણિશંકર રત્નજી ભટ્ટની દુષ્પ્રાપ્ય કવિતાઓ સ્વચ્છ અક્ષરે લખેલી છે. અંજારીઆ ‘કાવ્યમાધુર્ય’ જેવો સંગ્રહ કરે છે એ વાત તેમના જાણવામાં આવી ત્યારે પોતે એકઠી કરેલ કવિતાનો સમૂહ તેમને આપ્યો એમ તેમના કહેવા ઉપરથી મારા મન ઉપર છાપ રહેલી છે. નાનાલાલ કવિ ભાવનગરમાં વારંવાર આવતા કારણ કે મણિભાઈ સાથે તેમને ઘણો સ્નેહ હતો. ઉતારો મણિભાઈને ત્યાં હોય પણ આખો દિવસ હરવા-ફરવાનું રણજિતરામભાઈ સાથે. એ બે જણનો મેળ કંઈ અદ્ભુત હતો. કવિના જેવા પ્રતિભાશાળી પુરુષની રણજિતરામભાઈને પૂરી કદર હતી અને તેમના લેખો માટે પક્ષપાત હતો. કવિ પણ ખરા મિત્રભાવથી દરેક લેખ તેમને જોવા અને સુધારવા મોકલી આપતા. રણજિતરામભાઈના હાથથી ઊભી થયેલી સાહિત્ય પરિષદનું અધિવેશન રાજકોટમાં ઈ. સ. ૧૯૦૯માં અગાઉના કોઈપણ અધિવેશન કરતાં વધારે વિશાળ ધોરણ ઉપર થયું. તેના એક મંત્રી બળવંતરાય ઠાકોર હતા. પરિષદને ફતેહમંદ કરવા તેમણે સ્થળે સ્થળે ભાષણો કર્યાં હતાં. ભાવનગરમાં પરિષદની એક પેટાકમિટી નીમી હતી અને તેના મંત્રી તરીકે રણજિતરામભાઈ હતા. તેમને તો પરિષદ કોઈ રીતે વિજયી નીવડે એવો જ આગ્રહ રહેતો અને તેથી તેમણે જાહેર સૂચનાઓ છાપાં દ્વારા કરવા માંડી. સહેજ અસાવધપણાથી, ત્રીજી પરિષદના પ્રમુખ તરીકે નરસિંહરાવભાઈની પસંદગી થવી જોઈએ એમ એમનાથી લખાયું અને તે લખાણ ઉપર અનેક જાતના પ્રહાર થવા માંડ્યા. વાતાવરણ જ તદ્દન બદલાઈ ગયું. ભાવનગરની સભાએ દરખાસ્ત પસાર કરી તે પણ જુદી દૃષ્ટિથી જોવાઈ અને બે પક્ષ પડી ગયા. રણજિતરામભાઈ કયા પક્ષમાં રહેશે તેની કોઈને શંકા નહોતી જ. પરિષદથી અલગ થવાય તેમ જ નહોતું. પરિષદના હરકોઈ કાર્યવાહકો–ગમે તેટલા શાણા અને દીર્ઘદર્શી હોય–તેમને પણ રણજિતરામભાઈની ઉપયોગિતા જણાતી. રાજકોટમાં કોઈક ન સમજાય તેવા મતભેદથી કવિ પરિષદથી જુદા પડ્યા હતા અને તેવી વિષમ પરિસ્થિતિમાં રણજિતરામભાઈએ પોતાનો ધર્મ બરાબર બજાવ્યો. કવિ સાથે એવો જ સંબંધ રહ્યો અને પરિષદથી પણ પોતે જુદા ન પડ્યા. એ વખતે ઘણી કડવી ચર્ચાઓ ચાલતી હતી અને તે જ કલહના પરિણામરૂપે આજ પણ હું ધારું છું, કવિ જેવા સાક્ષર પરિષદથી દૂરજ રહ્યા છે. રણજિતરામભાઈને આ કલહ ઘણો જ સાલતો, પરંતુ લાંબી મુદતે ‘સરળ કાઠિયાવાડીઓએ’ પરિષદના સુકાનને જે રીતે ચલાવ્યું તે વ્યાજબી હતું એમ લાગેલું. પણ એ માન્યતા થતાં વરસો વીત્યાં હતાં. કવિનો સ્વભાવ મોજી અને તડફડ કહી દેવાનો એમ છતાં રણજિતરામભાઈ તરફની ચાહના એમને ઘણી જ. તેઓ રણજિતરામભાઈની ઉન્નતિ થાય તેમ હંમેશ ઇચ્છતા અને તેવા યત્નો પણ વારંવાર કરતા. પરિણામ કાંઈ ન આવ્યું તે ખેદની વાત છે. કવિ ભાવનગરમાં હોય ત્યારે વાતોના બહાર ચાલે. રાત્રે સૂવાની વાત કેવી? બબ્બે વાગ્યા સુધી એકઠા બેસીને અનેક પ્રકારની વાતો થાય, અનેક ચર્ચાઓ થાય. તેમાં કવિની પોતાની કવિતાઓ માટે પણ બધું જ સારું કહેનાર સૌ ન બેઠા હોય. તેમની ખોડ બતાવતાં તેઓ હસે અને એમ જ કહે ‘ત્યારે એમ માનો.’ પરંતુ રણજિતરામભાઈ કાવ્યની ખૂબી બહુ સારી રીતે સમજતા. ધ્વનિ અને વ્યંગ્ય ઉપર તેઓ બહુ પ્રસન્ન થતા. પરંતુ પિંગળ ન જાણતા એટલે તેમને મન તો કવિની અપદ્ય કવિતા, અક્ષરમેળ કે માત્રામેળ છંદ બધું સરખું હતું. મને એમ લાગેલું કે કવિની કવિતા શાસ્ત્રીય નથી એ વાતથી તેમને ક્ષોભ નથી થતો તેનું કારણ આ પિંગળનું અજ્ઞાન જ છે. ગમે તેવી મનોહર કલ્પનાઓ ભરી હોય, ઉચ્ચ ભાવનાઓ હોય પરંતુ જ્યાં ગેય જ નહીં ત્યાં કવિતા તરીકે તે કઈ રીતે સ્વીકારાય? રણજિતરામભાઈને કવિની કવિતા માટે એટલો પક્ષપાત હતો કે બળવંતરાય ઠાકોર તેમને કવિના શિષ્ય ગણતા. ભાવનગરના આ નિવાસનો ઈ. સ. ૧૯૧૨ના ડિસેમ્બરમાં અચાનક અંત આવ્યો. પટ્ટણીસાહેબ મુંબઈના ગવર્નરની કારોબારી કાઉન્સિલમાં નિમાયા. પટ્ટણીસાહેબ ભાવનગરથી જાય ત્યાર પછી ત્યાં રહેવા રણજિતરામભાઈની ઇચ્છા નહોતી. આટલાં વરસના અનુભવ અને અવલોકનથી દેશી રાજ્યો માટે તેમને તિરસ્કાર આવ્યો હતો. માત્ર ભાવનગરનો જ તેમણે અભ્યાસ નહોતો કર્યો. દરેક રાજ્યો તરફથી પ્રકટ થતા વાર્ષિક અહેવાલો તેઓ ધ્યાનપૂર્વક વાંચતા—તે બધા અહેવાલો ઉપર જાતે ટાંચણ પણ કરતા અને તેમને ખાતરી થઈ હતી કે દેશી રાજ્યો સુધર્યા સિવાય રહેવા યોગ્ય નથી. પટ્ટણીસાહેબે તો રણજિતરામભાઈ સંબંધે શી વ્યવસ્થા કરવી તે ધારી મૂકેલું જ હોવું જોઈએ, રણજિતરામભાઈએ ચાલવાનું હતું તેના આગલા દિવસ સુધી પોતે હવે શું કરવા ધારે છે તે બાબત પટ્ટણીસાહેબને કે તેમનાં ઘરનાં બીજાં કોઈને જણાવ્યું નહોતું. પરંતુ તે જ રાત્રે પટ્ટણીસાહેબે રણજિતરામભાઈને મુંબઈ પણ સાથે જ આવવા કહ્યું. રણજિતરામભાઈને કાંઈ તૈયારી કરવાની નહોતી જ. ભાવનગર છોડવું જ હતું તેથી ટ્રેનમાં બીજે દિવસે સાથે જ બેઠા. ઈ. સ. ૧૯૧૩ થી માંડી ૧૯૧૬ના એપ્રિલ સુધી રણજિતરામભાઈ પટ્ટણીસાહેબ સાથે રહ્યા. મુંબઈના આવા ટૂંકા નિવાસમાં તેમણે ઘણું કામ કર્યું. પરિપક્વ અભ્યાસ વિના કોઈ લેખ લખવા તેઓ પ્રવૃત્ત ન થતા. મુંબઈમાં રહ્યા પછી તેમણે લેખો લખવા માંડ્યા. ગુર્જર સભામાં ભાષણો આપવા માંડ્યા. પૂના અને મહાબળેશ્વરમાં રહેવાનું થતું ત્યારે પણ ત્યાં સાહિત્યની ઉપાસના આદરતા. પૂનાની ડેક્કન કૉલેજની લાઇબ્રેરીનો તેમ જ ધારાસભાની લાઇબ્રેરીનો સારો લાભ લીધો. ફર્ગ્યુસન કૉલેજમાં શીખતા ગુજરાતી વિદ્યાર્થી સાથે તેઓ ભળાતા. ઐતિહાસિક નોટ્સ તેમણે આ વખતે તૈયાર કરી કારણ કે તેઓ ભાવનગરમાં હતા ત્યારથી ઇતિહાસનું એક પ્રમાણભૂત પુસ્તક બહાર પાડવા ઇચ્છતા હતા પરંતુ જોઈએ તેટલાં સાધનો ત્યાં મળ્યાં નહોતાં. તામ્રલેખો અને શિલાલેખોમાંની અગત્યની સામગ્રી તેમણે ઘણી મહેનતથી નકલ કરી ઉતારી લીધી. એ સામગ્રીનો ઉપયોગ તેમના હાથથી થવા વારો આવ્યો નહીં. હાલ ફાર્બસ સભાએ ઉદારતાથી તે બધી નોટ્સ ખરીદી લીધેલી છે. ઇતિહાસ ઉપરાંત તેમણે હિંદુસ્તાનની સ્ત્રી–કવિઓ ઉપર પુસ્તક લખવા ધાર્યું હતું. સંસ્કૃત, ઉર્દૂ, બંગાલી, મરાઠી સ્ત્રી-કવિઓની માહિતી તેમણે મેળવી હતી તે કટકે કટકે લેખરૂપે ‘વસંત’માં પ્રસિદ્ધ કરવી હતી. પરંતુ તેમને ખરેખરો શોખ તો વાર્તાનવલકથાનો હતો. તેમણે જુવાનીથી એક સારી નવલકથા લખવા ધારેલું. હાલ તેમની જે નોટો પડી છે તેમાં અનેક વાર્તાઓનાં ખોખાં તૈયાર કરેલાં છે. કોઈની લીટી, કોઈનું પાનું અને કોઈનાં ચાર પાનાં લખેલ છે. એ બધી વાર્તાઓ અપૂર્ણ જ છે. માત્ર તેમણે પૂનામાં હતા ત્યારે ‘સાહેબરામ’ સૌથી મોટી વાત લખવા માંડી—અમુક ભાગ લખાયો, પણ પછીથી અધૂરો રહ્યો, અને કદી તે ભાગ પૂરો ન થયો. એ વાર્તામાં એમનો અભ્યાસ જણાઈ આવે છે. પાછળથી મિત્રોમાં એ વાર્તા સંબંધે ચર્ચા કરવા માંડી અને હું ધારું છું ભાઈ ચંદ્રશેખર પંડ્યાએ વસ્તુ ફેરવવા કહેલું. રણજિતરામભાઈને પોતાને પણ આખી લખાઈ છે તે રૂપમાં વાર્તા પસંદ નહોતી આવતી તોપણ તે સહજ રીતે જ લખાઈ ગઈ છે. એટલે હવે કાંઈ ફેરવવું નહીં એવા અભિપ્રાયથી તેમણે સુધારો કરવા માંડી વાળેલો. ‘સાહેબરામ’ તથા ‘સહિયરો’ના પાત્રઆલેખનમાં એમના પરિચયમાં આવેલી ઘણી વ્યક્તિઓની આછી છાપ જણાઈ આવે છે તોપણ ઉપર લખવા પ્રમાણે ભૈરવનાથ શેઠનું પાત્ર ગજ્જરસાહેબ ઉપરથી અને ‘સહિયરો’માં પ્રો. નરનારાયણનું પાત્ર ભાઈ નૃસિંહપ્રસાદ ભટ્ટ ઉપરથી યોજેલું દેખાઈ આવે છે. વાર્તાના નાયક સાહેબરામની કલ્પના એક જ વ્યક્તિ ઉપરથી નથી ઊઠેલ પણ બેચાર વ્યક્તિના ચારિત્ર્યની મેળવણી છે. ‘સરસ્વતીચંદ્ર’માં અલકકિશોરી અને નવીનચંદ્રનો પ્રસંગ વર્ણવાયો છે એને મળતો સેનાનો પ્રસંગ આવે છે તે વાત તેમને સાલતી. કેટલાકે એમ પણ ઠસાવવા યત્ન કરેલો કે આપણે ભણેલા માણસો વિદ્યાની આવી હાંસી કરીશું તો કન્યાઓને કેળવણી આપવા તરફ ભણેલા માણસોનું પણ વલણ રહેશે નહીં. તેમણે પોતે આ પ્રસંગનું કદી સમર્થન તો કરેલું નહીં જ એમ મને ખબર છે. માત્ર અનાયાસે લખાયું છે અને મનુષ્યસ્વભાવમાં એવી નિર્બળતા છે એવું અનુભવીએ છીએ માટે જ ફેરફાર નથી કર્યો. હકીકત તરીકે એક વાત જણાવવી જરૂરની છે. તેઓ કહેતા કે હું બધા સાથે ભળાઉં એવી પ્રકૃતિનો પહેલેથી જ નહીં, એટલે જીવનમાં ઘરના માણસો સિવાય કોઈને જાણવા કે મળવાનો પ્રસંગ સરખો આવ્યો નથી. મુંબઈના એમના નિવાસ દરમિયાન, તેઓ મોરારજી ગોકુલદાસની નવી ચાલીમાં રહેતા. ત્યાં ભાઈ ચંદ્રશેખર પંડ્યા, કનૈયાલાલ મુનશી, ઇંદુલાલ યાજ્ઞિક અને અંબાલાલ જાની સાથે ઘણા પરિચયમાં આવ્યા. ભાઈ ચંદ્રશેખરે તથા મુનશીએ પોતાના રણજિતરામભાઈ સંબંધેના અનુભવો જુદે જુદે સ્થળે આપ્યા છે. ભાઈ યાજ્ઞિકે પણ ધર્મજના વિદ્યાર્થીઓ સમક્ષના ભાષણ પ્રસંગે રણજિતરામભાઈ સંબંધે હાર્દિક ઉદ્ગારો કાઢ્યા હતા. રણજિતરામભાઈએ લખવાનું ઈ. સ. ૧૯૦૨ થી શરૂ કરેલ. પ્રથમ ‘વસંતોત્સવ’ ઉપરની ટીકા તથા ‘વિક્રમ સંવતના ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન’ જે ‘M’ની સહીથી ‘બુદ્ધિપ્રકાશ’માં કટકે કટકે પ્રસિદ્ધ થયેલ છે. તેમનું શાળામાં નામ રણજિતરામ હતું, પરંતુ કુટુંબમાં સૌ મણિભાઈ કહીને બોલાવતા તેથી ‘M’ એવા એ નામના પ્રથમાક્ષરથી એ નિબંધ છપાવેલ છે. ઉમરેઠના ટૂંકા નિવાસ દરમિયાન તેમણે લોકગીતો ઘણાં એકઠાં કર્યાં હતાં. એ વરસે દુકાળ હતો અને કાઠિયાવાડ તથા ગુજરાતનાં અનેક નિર્ધન થયેલ કુટુંબો ગામડાંમાંથી નીકળી ઉદરનિર્વાહાર્થે શહેરમાં નીકળી પડતાં. રણજિતરામભાઈનાં વહુ આવાં સ્ત્રી-પુરુષોને ખાવાનું આપી ગીત ગવરાવે ત્યારે જ લખી લે. આ રીતે આ સંગ્રહ પતિપત્ની બંનેએ એકઠો કરેલો છે. ઘણાં ગીતોની મૂળ નકલ સ્વ. શાંતિબેનની લખેલી છે. ભાવનગરમાં તેઓ હતા ત્યારે ‘ઈસુનું વર્ષ ૧૯૦૮’ એ નામને લાંબો લેખ તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે લખ્યો. ગુજરાતની બધી હિલચાલોનું અવલોકન તેમાં કરેલું છે. એ પ્રથા ચાલુ રાખવા એમને અભિલાષા હતી પણ પાછળથી અનેક વ્યવસાયમાં રહેવાનું થવાથી તે નિયમસર લખી ન શકતા અને એવા નિબંધોની કિંમત અમુક કાળ સુધીની જ હોય છે એ વાત પણ તેઓ માનતા. એમના દાખલાથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ બે ગૃહસ્થોને જુદાં જુદાં વરસોનું અવલોકન લખવાનું કામ સોંપ્યું પણ ફળ કંઈ આવ્યું નથી. ગુજરાતની બધી પ્રવૃત્તિઓનું ટૂંકામાં દિગ્દર્શન કરાવનાર લેખ તરીકે એ જ લેખ હાલ માર્ગદર્શક છે. એ નિબંધને લીધે અમુક રીતે ચર્ચા જાગી હતી. ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા સાહિત્ય મંડળના કાર્યની નોંધ લેતાં તેમણે, ‘ગુજરાતી’ પત્ર તરફથી એ સંસ્થાને ઉતારી પાડવા જે પ્રયત્ન થયો હતો તેનો જવાબ વાળ્યો હતો. પ્રત્યુત્તરરૂપે ‘ગુજરાતી’ પત્ર તરફથી પ્રકટ થયેલ એકાદશ સ્કંધની પ્રસ્તાવનામાં રણજિતરામભાઈનું નામ આપ્યા સિવાય તુચ્છ વિશેષણો વાપરી તેમના ઉપર કટાક્ષ કરેલ છે. નરસિંહરાવની કવિતા માટે પણ એવી જ ચર્ચા જાગી હતી. તેમનાં કાવ્યોમાં સ્વદેશપ્રેમ કે વીરત્વ નથી એ વાત તેમણે સ્પષ્ટરૂપે ઉપલા નિબંધમાં કહી હતી અને કેટલાક સવાલો મૂક્યા હતા. નરસિંહરાવનાં બધાં કાવ્યો ઉપર વિસ્તારયુક્ત ટીકા લખવા તે નિબંધમાં પોતાની ઇચ્છા બતાવેલ છે પણ તેવી ટીકા તેઓ લખી શક્યા નહીં જ. આ સિવાયના પણ બેત્રણ પ્રસંગો જેમાં કડવી ચર્ચામાં તેઓને ઊતરવું પડ્યું હતું તે નોંધી લઉં છું. ‘વસંત’માં સત્યેંદ્રરાવ ભીમરાવે એક દૃશ્યનાટકનું ચર્ચાપત્ર લખ્યું અને તેમાં નાટકના ઉદ્ધારનું કાર્ય કરવા સાહિત્યપરિષદને ભલામણ કરી. રણજિતરામભાઈએ એનો જવાબ આપ્યો અને ભાઈ સત્યેન્દ્રરાવે પ્રત્યુત્તર આપ્યો. આ ચર્ચામાં કેટલાંક અયુક્ત વિશેષણો વપરાયાં છે. બંનેનો હેતુ નિર્મળ જ હતો પરંતુ રણજિતરામભાઈનાં લખાણોમાં મર્યાદા હતી જે ભાઈ સત્યેન્દ્રરાવે ઉલ્લંઘેલી અને રણજિતરામભાઈની જાત ઉપર પણ આક્ષેપ કરેલા. ઘણું કરી આ ચર્ચા ૧૯૧૬-૧૭માં થઈ હતી. રણજિતરામભાઈના અવસાન અગાઉ બે ત્રણ મહિના પર ‘નવજીવન અને સત્ય’ના તંત્રી ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક મેસોપોટેમીઆ ગયા હતા એ વખતે ‘નવજીવન’ ચલાવવાનું રણજિતરામભાઈને સોંપ્યું હતું. તંત્રી તરીકે તેમને ભાગે અવલોકન અને નોંધ લખવાનું હતું. તેમાં તે વખતે પ્રસિદ્ધ થયેલ ‘ચચ્ચ અને સુહંધી’ નામના પુસ્તકનું અવલોકન લખ્યું. એ પુસ્તક નારાયણ ઠક્કરનું લખેલું છે અને ‘ગુજરાતી’ની ભેટરૂપે વહેંચાયેલું છે. ‘ગુજરાતી’ની ભેટનાં જે પુસ્તકો નારાયણનાં લખેલાં હોય છે તે બધાં સરખાં હોય છે. ઐતિહાસિક નવલકથાઓ તરીકે તે ઓળખાય છે અને તેમાં હકીકતની સાથે અનેક બિભત્સ પ્રસંગો પણ મૂકેલ હોય છે. આ પુસ્તકોનું અવલોકન કોઈ શિષ્ટ સાક્ષરે અગાઉ કરેલું જાણવામાં નથી—જનસમાજમાં એ પ્રકારના વાંચનના ફેલાવાથી કોઈ સાક્ષર તે પુસ્તકોની દરકાર કરતા નથી. રણજિતરામભાઈને આ સ્થિતિ અસહ્ય લાગતી અને તેથી તેમણે કડક રીતે વ્યાજબી અવલોકન લખ્યું. ઠક્કર નારાયણની કલમમાં જે ઝેર છે તે વિરલ છે; તેમણે પોતે કે દેલવાડાકરે આ નોંધનો જવાબ વાળેલો છે કે નહીં તેની મને ખબર નથી. ઈ. સ. ૧૯૦૯ની ત્રીજી સાહિત્ય પરિષદમાં નરસિંહરાવનો પ્રેમાનંદનાં નાટકો ઉપર લેખ વંચાયો. તે લેખથી ઘણી ચર્ચા જાગી હતી. ‘વસંત’માં ‘જ્ઞ’ના લેખોની હારમાળા ચાલી. ‘બુદ્ધિપ્રકાશ’માં પણ એક બે વખત નામ વિનાનાં ચર્ચાપત્રો છપાયાં. ‘સમાલોચક’ના તંત્રીએ પણ લેખ લખ્યો. રણજિતરામભાઈ આ ચર્ચામાં ભળ્યા નહોતા. તેમાં ભળવા માટે પ્રાકૃત કે જૂની ગુજરાતીના અભ્યાસની જરૂર હતી અને તેમાં તેમનો પ્રવેશ નહોતો—પરંતુ ‘સમાલોચક’માં એક નામ વિનાનો લેખ છપાયો—તેનું નામ યાદ નથી પરંતુ ‘ગધેડાનો કાન ઝાલી તડકામાં ઊભા રહેલા ગંગારામ’ એ નામનું કવિ નાનાલાલની શૈલીમાં લખેલ ‘કાવ્ય’ તેમાં ગોઠવેલું હતું. એથી રણજિતરામભાઈને માઠું લાગ્યું. કવિ નાનાલાલની શૈલીનો એ ઉપહાસ એમનાથી સહેવાયો નહોતો અને તેથી એક સખત ચર્ચાપત્ર લખી નાખ્યું. એ લેખ નરસિંહરાવનો લખેલ છે એમ તરત પકડાય તેમ છે અને ચર્ચાપત્રમાં પણ એમણે નરસિંહરાવને સખત રીતે ઉપાડ્યા. ચર્ચાપત્રની સાફ નકલ કરતાં વધારે ધીરજથી વિચાર કર્યો અને તે પ્રકટ કરવાથી વિશેષ ફળ નથી એમ લાગ્યું એટલે ત્યારે જ તે ફાડી નાખ્યું. રાજકોટમાં ઈ. સ. ૧૯૦૯માં ત્રીજી પરિષદ મળી તે વખતે સામાન્ય મંત્રીઓ તરીકે પહેલી જ વાર રમણભાઈની સાથે પ્રો. આનંદશંકર અને પ્રો. ઠાકોર નિમાયા. ઈ. સ. ૧૯૧૨માં વડોદરામાં ચોથી પરિષદ મળી તે વખતે ભાવનગરથી રણજિતરામભાઈ મિત્રમંડળ સાથે ત્યાં ગયા હતા. તે વખતે પરિષદના બંધારણનો ખરડો રચવામાં તેમણે ઘણો અગત્યનો ભાગ લીધો. રાજકોટમાં જે વિસંવાદ ઊભો થયો હતો તે અમુક અંશે શમ્યો હતો—જોકે કવિ તો હાજર નહોતા રહ્યા—અને પરિષદ ઘણી રીતે સફળ થઈ હતી. પાંચમી પરિષદ ઈ. સ. ૧૯૧૫ના મે માસમાં સુરતમાં ભરાઈ. આ પ્રસંગે રણજિતરામભાઈએ ઘણું કામ કર્યું. પરિષદના સ્થાનિક મંત્રીઓમાં ભાઈ મનહરરામનો ઉદ્યોગ ઘણો જ હતો અને તેથી પરિષદ વિજયી નીવડી. પરંતુ રણજિતરામભાઈએ પણ ખાસ એક માસની રજા પરિષદ માટે જ લીધી હતી અને પરિષદસંબંધેનો ઘણો ભાર પોતાને માથે લીધો હતો. સુરતના વ્યવસ્થાપક મંડળમાં પ્રમુખની ચૂંટણી સંબંધી મતભેદ ઊભો થયો અને કમળાશંકર અને તેમનું મંડળ જુદું પડયું. મુંબઈના ‘ગુજરાતી’ પત્રનું વલણ મધ્યસ્થ ન રહ્યું અને એકપક્ષી થઈ ગયું. આ વખતે હકીકત પ્રકટ કરનાર કેટલાક લેખ રણજિતરામભાઈએ ‘ગુજરાતી’ પત્ર ઉપર લખી મોકલ્યા અને ભાઈ અંબાલાલ જાની ઉપર તે પ્રકટ કરવા ભલામણ કરી. રણજિતરામભાઈનો એ વખતે પરિષદના કાર્યવાહક મંડળમાં કાંઈ દરજ્જો નહોતો —તેઓ માત્ર સ્વાગત મંડળના સભ્ય હતા—તેથી તેમના લેખો જવાબદાર લેખ તરીકે કઈ રીતે છાપી શકાય એવો વાંધો ‘ગુજરાતી’ના અધિપતિએ લીધાનું જાણવામાં છે—પરંતુ પાછળથી રણજિતરામભાઈનું નામ આપ્યા વિના એ ચર્ચાપત્રો પ્રકટ કર્યાં હતાં. રણજિતરામભાઈએ એ વખત સુધીનાં સાહિત્ય પરિષદનાં બધાં અધિવેશનોનો ઇતિહાસ રજૂ કરનાર એક લાંબો લેખ આ વખતે ‘સમાલોચક’માં લખી મોકલ્યો. તે લેખ ઉપરથી સાહિત્ય પરિષદની બારીકમાં બારીક વિગતો પણ તેમને કેટલી અવગત હતી તે જણાઈ આવે છે. તે વિગતો સ્મરણમાં પણ તેમને કેવી રમી રહેતી તે કોઈપણ સાધન વિના લખાયેલા તે લેખ ઉપરથી દેખાઈ આવે છે. સુરતની સાહિત્ય પરિષદે તેમને એક મંત્રી તરીકે નીમ્યા પરંતુ મંત્રી તરીકે વધારે ફરજ બજાવવાનો યોગ આવ્યો નહીં. છઠ્ઠી પરિષદ મુંબઈમાં બોલાવવી અને સફળ કરવી એવી એમની ધારણા હતી. એ માટે મિત્રો સાથે વાતો પણ કરવા માંડી હતી પણ તે વાત બધી દૂર જ રહી. અહીં પરિષદ સાથેના એમના સંબંધનું વૃત્તાંત પૂરું કરું છું. યુવાવસ્થાના ઉત્સાહથી જન્મ પામેલ એ સંસ્થાએ દિવસો ગયા તેમ તેમ દેશના સાક્ષરોને અને નાયકોને આકર્ષેલ છે. તેઓને દૂરદર્શીપણાથી એનું ભવિષ્ય વધારે ઉજ્જવલ બનો એવી આપણે આશા રાખીએ છીએ. પરિષદ ભંડોળ કમિટીએ રણજિતરામભાઈની વાર્તાઓનો સંગ્રહ પ્રકટ કરાવી પોતાનું ઋણ અમુક અંશે ફેડ્યું છે. રણજિતરામભાઈના સ્મારકરૂપ જ પરિષદ છે. છતાં પરિષદ તરફથી સ્થાયી રૂપનું કોઈ સ્મારક થાય એ ખરેખર ઇચ્છવાયોગ્ય છે.

[‘ગુજરાત’ જુલાઈ ૧૯૮૨]