રણજિતરામ ગદ્યસંચય – ૨/વિદ્યાર્થીઓને

વિદ્યાર્થીઓને

આપના મંડળના સપ્તમ અધિવેશન[1] પ્રસંગે પ્રમુખસ્થાન મને સોંપી જે કર્તવ્યની અપેક્ષા આપે રાખી છે તેને સંતોષકારક નિર્વાહ આપ સૌની મમતા અને મદદથી થશે એવી મને આશા છે. મારી પોતાની કોઈ પણ પ્રકારની યોગ્યતા કરતાં આપની મમતાથી જ આ કર્તવ્ય મને સુપ્રત થયું છે, એટલે જ હું આવો આશાવંત છું. સ્થૂલ સ્વરૂપે ગોચર થાય એવી કોઈ પણ દેશસેવા મેં કરી નથી, જેના ફળરૂપે આવું સ્થાન મેળવવા હું ભાગ્યશાળી થાઉં. ત્યારે પ્રશ્ન ઊઠે છે કે કેવી રીતે આજે હું આપની અંદર આ પ્રતિષ્ઠા મેળવી શક્યો છું? રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટની કૃપાભરી મિત્રતા આ પ્રતિષ્ઠાનું મૂળ કારણ છે. પ્રો. ગજ્જર દ્વારા વડોદરામાં કલાભવનની સ્થાપના વર્તમાન ગુજરાતના જીવનમાં જેવો આકર્ષક અને પરિણામશીલ પ્રસંગ છે તેથી ભિન્ન રીતે એ કલાભવનની સાથે શિક્ષણશાળા(ટ્રેનિંગ કૉલેજ)નું સંયોજન કરી શિક્ષણશાળાના મુખ્ય અધ્યાપકપદે રા. રા. મણિશંકરની નિમણૂક પ્રો. ગજ્જરે કરી એ પ્રસંગ પણ વડોદરા રાજ્યના કેટલાક વતનીઓના આંતરજીવનનો માત્ર રસિક જ નહીં પણ આધ્યાત્મિક પ્રસંગ નીવડ્યો છે. રા. રા. મણિશંકરના સર્વે શિષ્યોના સમાગમમાં આવવાનો લહાવો મેં માણ્યો નથી; પરંતુ જે બેચાર શિષ્યો અને તેમના દસ-પંદર શિષ્યોના સહવાસમાં આવવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ઉપરથી ઉક્ત કથન કરું છું. આજે જે જે પ્રવૃત્તિઓ તમે કરો છો તેનું મૂળ પ્રેરક બળ રા. રા. મણિશંકર કે તેમના પ્રિય શિષ્ય રા. રા. કરુણાશંકર નહીં હોય તોપણ તેમના આત્માનો પ્રભાવ આ પ્રવૃત્તિઓ ઉપર અંકાયા વિના રહ્યો નથી. રા. રા. મણિશંકરને લીધે હું રા. રા. કરુણાશંકરના સમાગમમાં આવ્યો અને એમણે મારો પરિચય તમને—એમના શિષ્યોને કરાવ્યો. તમે પુનામાં ફરગ્યુસન કૉલેજમાં ભણવા ગયા અને મારે પણ ત્રણ વર્ષ પુનામાં રહેવાનું થયું એટલે આપણી મિત્રતા જન્મી. આ સર્વ સંબંધોના અંતરમાં રહેલા સ્નેહથી તમે મને આજની સેવા સોંપી છે અને મેં પણ એ જ સ્નેહવશ થઈ તે સ્વીકારી છે. તમારા કાર્યમાં સલાહ આપી શકવાનો અનુભવ મને નથી તેમ એવી કોઈ સ્થાયી દેશસેવા મારી નથી જેની સિદ્ધિમાં મારા ચારિત્ર્યનો પ્રભાવ જોઈ તમે તેને માર્ગદર્શક કરી શકો. પરંતુ તમે રિપોર્ટમાં એક સ્થળે બહુ રમ્ય વર્ણન કર્યું છે કે આવાં મંડળેથી બીજી કાંઈ કાર્યસિદ્ધિ નહીં થતી હોય તોપણ એક કુટુંબનાં સગાંવહાલાંની પેઠે સૌ એકઠાં થઈ સ્નેહ અને સહજીવનનો આનંદ ભોગવે છે. તમારા કુટુંબના મેળાવડામાં હું પણ કુટુંબી તરીકે જ એવા આનંદનો લહાવો લેવા આવ્યો છું. આપણે સાથે સૌ એટલું કરી શકીશું તો શોચને અવકાશ નહીં રહે. જ્યાં જ્યાં કુટુંબો સુખી અને સમર્થ છે, ત્યાં ત્યાં દેશોદય અને પ્રગતિ છે. તમે પ્રતિ વર્ષે આનંદ મેળવો છો, તો તમારી પ્રવૃત્તિઓનું ભવિષ્ય આશાવંત છે. એ પ્રવૃત્તિઓનું જે વર્ણન આપના મંત્રીશ્રીએ હમણાં કર્યું, તેનું સંક્ષેપમાં સિંહાવલોકન કરીશ તો આજના કાર્યવ્યવહારમાં આપણને પ્રકાશ મળશે. આ અધિવેશનથી આપણા મંડળનું શિશુત્વ સમાપ્ત થાય છે અને કૌમાર્યનો આરંભ થાય છે. એના સભાસદોમાંથી અનેક વિદ્યાર્થીદશામાંથી ગૃહસ્થ થયા છે. એટલે હવે તમારી મહેચ્છાઓ પણ પ્રમાણમાં વધશે અને અભ્રમય(nebulous) સ્વરૂપને બદલે શક્ય આકાર તેઓ પામશે. પાછલાં વર્ષોના સિંહાવલોકનથી જેવો આપને સૌને સંતોષ થાય છે તેવો જ યૌવનના પ્રારંભે કૌમાર્યના સિંહાવલોકનથી થશે એવી મારી શ્રદ્ધા છે. તમારી પ્રવૃત્તિનાં ભિન્ન ભિન્ન અંગો પ્રત્યે હવે દૃષ્ટિ વાળીશું. ખાસ આકર્ષણ કરનાર અંગ સમાજસુધારણાના સંબંધમાં આજ લગી થયેલી વ્યવસ્થા છે. તમારા સામાજિક જીવનમાં જે દૂષણો, જે ન્યૂનતા લાગી છે, તે વિષે તમે ચર્ચા કરો છો અને તેમનો ધ્વંસ કરવા પ્રતિજ્ઞારૂપી ‘સત્યાગ્રહ’ ધરવા તમે તત્પર થયા છો. સામાજિક જીવનના પ્રશ્નો સંકુલ હોવાથી તેમના ઉકેલ માટે તમે અલાયદી સભા યોજી છે તે ઠીક થયું છે. કેળવણીના સંબંધમાં માત્ર વિચારો કે પ્રતિજ્ઞાઓ આગળ અટક્યા નથી પરંતુ સંસ્થાઓ સ્થપી છે એ બહુ જ હર્ષજનક છે. તમારી ચર્ચાઓમાંથી ચરોતર કેળવણી મંડળ(Charotar Education Society) જન્મ પામ્યું છે અને તમારા સભાસદો પોતાની મેળે રાત્રિશાળા, પ્રાથમિક નિશાળ, વિદ્યાર્થીગૃહ આદિ ચલાવે છે એ સર્વ ઊજળાં ભવિષ્યનાં પ્રકાશવન્તાં કિરણો છે. ગયે વર્ષે સ્વદેશી ચીજોનું પ્રદર્શન ભરી આપણા દેશના આર્થિક પ્રશ્નના ઉકેલ પ્રત્યે તમારું લક્ષ તમે દોર્યું છે. આટલું આટલું કર્યા છતાં તમારે ટીકાઓ સાંભળવી પડી છે, તમે આક્ષેપને પાત્ર થયા છો, તમારા ઉત્સાહનો ભંગ કરવામાં આવ્યો છે. તમારા રિપોર્ટ ઉપરથી જણાય છે, એ આક્ષેપોથી તમને ઓછું આવ્યું છે. જેમણે કર્તવ્યપરાયણ થવા વ્રત લીધું છે અને પોતાની શક્તિ અને સંજોગોના પ્રમાણમાં વ્રત આચરવા માંડ્યું છે, તેમને આવું લાગે એ સ્વાભાવિક છે; છતાં મારું પોતાનું દૃઢ માનવું છે કે જ્યાં લગી આક્ષેપો, ટીકા નથી ત્યાં લગી ગતિ નથી. નવી પ્રવૃત્તિ આપણે ઉપાડીએ છીએ તે માત્ર આપણે પોતાને માટે નહીં પરંતુ સમસ્ત સમાજના હિત સારુ, એ પ્રવૃત્તિમાં સમાજ રસ લેવા માંડે, પછી ભલે તે આક્ષેપથી રસ લે પરંતુ એથી એટલું પ્રતીત નથી થતું કે સમાજ તમારી પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીન નથી? તમને ઉત્સાહિત કરવા આ શું નાનીસૂની વાત છે? સમાજ આજે ઉદાસીન નથી તો કાલે સમભાવી થશે એવી શ્રદ્ધા આથી તમારા હૃદયમાં નિવસશે. પ્રવૃત્તિ આદરનાર પોતાના મનથી પોતાનું લક્ષ્ય નક્કી કરે છે અને લક્ષ્યપ્રાપ્તિનાં સાધનો અને દરજ્જા યોજે છે. મનુષ્યસ્વભાવ વિવિધ અને માતબર હોવાથી સર્વે ટીકાકારો ઉક્ત લક્ષ્ય, સાધનો અને દરજ્જા પસંદ નહીં કરે અને તેમાં વાસ્તવિક કે કાલ્પનિક દોષ અથવા ન્યૂનતાનું આરોપણ કરે એ સમજી શકાય એવું છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી નિરાશ થવાનું કે વિલાપના રૂપમાં પ્રત્યાક્ષેપ કરવાનું પ્રયોજન રહેવું ન જોઈએ, ટીકાઓથી આપણને નવાં સાધનો અને માર્ગો સૂઝે છે, ઉત્સાહ કજળતો હોય તો વધારે પ્રદીપ્ત થાય છે. ટીકાઓ આપણને અને સમાજને માટે હિતાવહ છે. ટીકાઓનો મુખ્ય મુદ્દો એવો છે કે, વિચારો તો બહુ પ્રકટ્યા છે પણ હવે વિચાર પ્રમાણે આચાર થવા જોઈએ. આ ટીકા ગેરવાજબી અથવા હાનિકારક છે એવું કોઈ કહેશે નહીં છતાં એને જરા તપાસવી પડશે. જે જે પ્રશ્નો તમે હાથમાં લેવા માંડ્યા છે તેમના સંબંધમાં આપણા દેશમાં ઉહાપોહ થયેલો છે. તેમનું અગત્ય વિચારો વેરી સમજાવામાં આવ્યું છે. હવે એ વિચારો આચારમાં દૃઢ થાય ત્યારે જે જે લાભ એનાથી થવાનો ઘોષ કરવામાં આવ્યો હતો તે તે લાભ મેળવવા સમાજ ઉત્કંઠ છે. એ ઉત્કંઠા અધીરી બની તમારા પર પ્રહાર કરે તો મુંઝાશો નહીં, યુવાવસ્થામાં આપણે સૌ અધીરા હોઈએ છીએ. દિલમાં જે જે વાંછના, મહેચ્છા, અભિલાષ, બુટ્ટા, તરંગ, શેખચલ્લીપણાં ઊઠે તે તે સર્વે સિદ્ધ થયેલા જોવા અને આપણા ઉપભોગમાં લેવા આપણે અતિશય આતુર હોઈએ છીએ. લોકસમૂહની ગતિ આપણને મંદ લાગે છે—ઘણી વાર સ્તબ્ધ હોય એવી લાગે છે અને એ ગતિને વેગવતી કરવા—માણસજાત જેટલો વેગ આપી શકે એટલો વેગ(ધક્કો!) આપવા આપણે થન થન થઈએ છીએ; આવી અધીરી ઉત્કંઠા સર્વે પ્રવૃત્તિઓના સંબંધમાં, પ્રવૃત્તિઓના પ્રવાહમાન ઊતરેલાં એવા દૃષ્ટાઓમાં આવિર્ભાવ પામે છે. આપણા દેશમાં અત્યારે ધાર્મિક, સાહિત્યિક, રાજદ્વારી, સામાજિક; આર્થિક, કલાવિષયક, શિક્ષણવિષયક, જે જે પ્રવૃત્તિઓ જન્મે છે અથવા વ્યવહારમાં છે તેમના સંબંધમાં આવી અધીરાઈ પ્રગટ થતી કોણે અનુભવી નથી? મનુષ્યસ્વભાવને એ સહજ છે. ખિન્ન કે ક્રુદ્ધ થવાનું એક જ કારણ છે. ટીકાકાર માત્ર ટીકા જ કરવા આપણું લક્ષ્ય એને ઇષ્ટ ન હોવા છતાં, આપણી પ્રવૃત્તિનો નાશ કરવા ટીકા કરતો હોય ત્યારે આપણો પિત્તો ઊછળ્યા વિના ન રહેવો જોઈએ. ટીકાકાર ટીકા કરી સંતોષ નહિ પામતાં આપણી પ્રવૃત્તિઓમાં સક્રિય સામેલ થતા હોય તો સોનાથી પીળું શું? તમારા ટીકાકારો કેવી કોટિના છે તેનો નિર્ણય તમે જ કરજો. વિચાર અને આચારની મોટી તકરાર પરત્વે મારું એવું માનવું છે કે વિચાર વિપુલ અને સતત ન હોય ત્યાં લગી આચાર સંભવતો જ નથી. સમગ્ર વાતાવરણ વિચારથી પરિપૂરિત થાય છે ત્યારે આચારો સ્વયંભૂ—કોઈ પણ પ્રકારના conscious પ્રયત્ન વિના ઘડાય છે. આચાર અને વિચાર પર પરસ્પરનો પ્રભાવ પડે છે. વિચાર મંદ પડે છે તો આચાર જડ થઈ જાય છે. વિચાર તો નિરંતર પ્રવાહિત હોવો જોઈએ. જે જે પ્રશ્નો ઊઠે તેના ઔચિત્ય, આવશ્યકતા, લાભ માટે જેટલા વિચાર સતત ચાલ્યા કરે તેટલા હિતકારી છે. આપણા સામાજિક પ્રશ્નોનો પોતાની સમૃદ્ધ બુદ્ધિથી ગોવર્ધનરામે વિચાર કર્યો માટે ગુજરાતે હવે એમના સંબંધમાં વિચાર જ ન કરવો એ હાસ્યાસ્પદ અને વિઘાતક છે. આ જમાનામાં પીવાનું પાણી નળ દ્વારા ઘેર ઘેર તો શું પણ ઓરડે ઓરડે પહોંચાડાય છે. દીવાનો પ્રકાશ પણ રાત્રિનો અંધકાર અજવાળવા જોઈએ એટલો અને જ્યાં જ્યાં જોઈએ ત્યાં પહોંચાડાય છે. એ જ પ્રમાણે વિચાર ન પહોંચાડાય ત્યાં વળી આચાર શી રીતે ઘડાશે? વિચારનો પ્રસાર સર્વત્ર જ્યાં લગી ન થાય ત્યાં લગી વિચાર કરવાને અવકાશ છે. મનુષ્યો ચિરંજીવ નથી, દર પળે નવા મનુષ્યો જન્મતાં જાય છે અને હયાત મરતાં જાય છે. એક જમાનાનું જ્ઞાન બીજા જમાનાને વારસામાં રુધિરમાંસ પેઠે મળતું નથી. નવા અજ્ઞાનના છેદન માટે વિચાર સતત ચાલુ રહેવો જોઈએ. બીજી વાત લક્ષમાં લેવા જેવી છે, પાણી જે ભૂમિ પરથી વહે છે તે ભૂમિમાં રહેલાં રાસાયણિક દ્રવ્યોવાળું તે જેમ થાય છે તેમ વિચાર જે આચારોને જન્મ આપે છે અથવા જેમની ભૂમિકા પર નિવાસ કરે છે તેનાથી રચાય છે. આચાર સાથેના સંઘર્ષણથી વિચારને અંગે ગંભીરતાની વધઘટ થાય છે, દૃષ્ટિબિંદુ નવાં ઉત્પન્ન થાય છે. વિચારના કયા અને કેવા સ્વરૂપને આચારમાં ઉતારવો તેની વ્યવહારુ ચર્ચા ચાલુ રાખવી હોય તો વિચારને કોઈ દિવસ તિલાંજલી અપાતી નથી. વિચાર સામે જે આક્ષેપોનો પ્રહાર કરવામાં આવે છે તેનું બીજું મુખ્ય કારણ એવું છે કે વિચાર કરનારાઓના જીવનમાં વિચાર અને આચાર વચ્ચે એકતા કે એકરાગ જોવામાં આવતાં નથી. ઘણીવાર વિરોધ અથવા અંતર જોવામાં આવે છે. જે વિચાર આચારમાં ઊતરી શકતો નથી તે જાતે જ નિર્બળ અને નિરર્થક હોવો જોઈએ. જે માણસો પોતાના આચાર પોતાના વિચાર અનુસાર નથી કરી શકતા તે પરાક્રમહીન હોવાથી જુગુપ્સાને પાત્ર થાય છે. વિચાર અને આચાર જ્યાં વિરોધી હોય અથવા વિચારની ઝડપ પ્રમાણે આચાર ઝડપથી ફરતા ન હોય ત્યાં ટીકા થતી હોય તો તે સહન કરવી અને પોતાના દોષો, ન્યૂનતા, સ્ખલનોની નિરીક્ષા કરી બને એટલું સામંજસ્ય જીવનમાં લાવવા યત્નશીલ થવું જોઈએ. ટીકાકારોનાં દૃષ્ટિબિંદુ સમભાવની ઉદારતાથી આપણે જોયાં. ટીકાને પાત્ર જેઓ થાય છે તેમની સ્થિતિ પણ એવી જ રીતે જોવી ઘટે છે. સ્વરક્ષણને માટે આપણા સમાજે કેટલાક નિયમો ઘડ્યા હતા અને તેથી અનેક સદીઓમાં તેની સંસ્થા અખંડ રહી શકી. પરિણામ આવું શુભ નીવડવાથી સમાજને એ નિયમોમાં વિશ્વાસ બેસે અને તેમનો ત્યાગ કરવા તે તદ્દન અનિચ્છુ બને એ સ્વાભાવિક છે. પોતાને અનુકૂળ સ્થિતિ હોય, પોતાની શક્તિઓના પ્રમાણમાં એ અનુકૂળતાનો લાભ લઈ પોતાના સુખવૈભવ વધારી શકાતા હોય તો બંધન જેવા નિયમોને વશ કોઈ સમાજ રહેતો નથી. પણ પ્રતિકૂળ સંજોગોમાં જે નિયમોથી આત્મરક્ષા થઈ હોય તેનો વર્તમાન પરિસ્થિતિમાં—જે પરિસ્થિતિના લાભાલાભની કસોટી કાઢવાનો અનુભવ પોતાના અતીત કાળના નિયમોની કસોટી કાઢવાના અનુભવ જેવો મળ્યો નથી એવી પરિસ્થિતિમાં એ નિયમોનો ભંગ અથવા ત્યાગ સહન ન કરી શકે તો ફરિયાદ કરવા જેવું નથી. જ્યારે એ નિયમો ઘડાયા ત્યારે આપણા આગેવાનોને એ હિતાવહ લાગેલા અને તેમને અમલમાં મૂકવા એમણે શું શું કર્યું હશે તેનો ઇતિહાસ મોજૂદ ન હોવાથી આપણે એમની મુશ્કેલીઓ, વિટંબણાઓ અને હાડમારીઓથી અજ્ઞાન છીએ. જો અજ્ઞાન ન હોત તો હાલની મૂંઝવણો વિષમ સાલત નહીં. હાલ આપણને ઉક્ત નિયમો બંધનરૂપ લાગે છે અને નવી પરિસ્થિતિ, સમાજના ઉત્કર્ષ માટે હિતાવહ લાગે છે. આપણે સાબિત કરવાનું છે, પછી જનસમૂહ વગર વિલંબે એનો અખત્યાર કરશે. પરંતુ આ સંક્રાન્તિ અને સંઘર્ષણના યુગમાં શાણપણાને પણ સ્થાન હોય છે. પરિસ્થિતિને તદ્દન વશ રહી – જૂના નિયમો પ્રમાણે આચારો રાખી નવા, હિતાવહ લાગતા વિચારો કરનારા ઘણા શાણાયે હોય છે. વિચાર અને આચાર વચ્ચેનું અંતર એમને ખેદ નથી ઊપજાવતું, કારણ કે વિચાર પ્રમાણે આચાર ફેરવવામાં મહાભારત આપદાઓ નડતી ઊભેલી તેઓ અનુભવે છે. પણ તેઓ એવું માને છે કે વિચારનું બળ એવું છે કે ગમે તેટલા સૈકાઓથી ચણાયેલી સામાજિક ભીંતો દોદળી થયા વિના રહેશે નહીં. વિચારોનો સખત મારો હશે તો જ સમાજનાં અનિષ્ટ બંધનો તૂટશે. ઉત્સાહ ગમે તેટલો હોય પણ તે પ્રમાણે સિદ્ધિ મેળવવા શક્તિ જોઈએ. આંબાનું ઝાડ ઉગાડવાનો અને તેનાં મિષ્ટ ફળ ચાખવાનો ભભૂકતો ઉત્સાહ હોય પણ શક્તિ, આવડત, તપશ્ચર્યા, સંજોગ વગર તે નકામો છે. આપણા દેશમાં ઉક્ત વસ્તુઓની ગેરહાજરીને લીધે ઘણા ઘણા ઉત્સાહો જન્મતાં જ સૂકાઈ જાય છે. ઉત્સાહ આવ્યો એટલે સિદ્ધકાર્ય થવાની એવી પ્રતીતિ આપણને અને બીજાને થઈ જાય છે. પરંતુ જેને માટે ઉત્સાહથી આવિષ્ટ થયા છીએ તે સિદ્ધ કરવા જોઈતી શક્તિ આપણામાં છે? શક્તિ હોય તો તેને કેળવવા જે તપશ્ચર્યા કરવી પડે તે કરવા તત્પર છીએ? કેળવાયેલી શક્તિને વાપરવાનું મનોબળ મેળવવા શું શું કરવું જોઈએ? મનોબળ હોય તો વર્તમાન સંજોગોમાં આપણાં કૃત્યોના દૂરગામી પરિણામ ભવિષ્યની પ્રજાને સુખ કે દુઃખકારક નીવડશે તે કલ્પવા થોભવું જોઈએ? ફેરફાર તે માત્ર એક વ્યક્તિના ક્ષણિક વિલાસ માટે નથી, પરંતુ સમષ્ટિના સામર્થ્ય માટે છે એવી જોખમદારી સમજાય છે? આવા આવા પ્રશ્નોના સમાધાન જ્યાં લગી નથી થયાં ત્યાં લગી ઉત્સાહ વ્યર્થ છે. પરંતુ જ્યાં સમાધાન થયાં છે, નવા વિચારોમાં રહેલું કલ્યાણ સર્વ રીતે આવશ્યક અને હિતાવહ છે એવી દૃઢ પ્રતીતિ થઈ છે અને એ વિચારો પ્રમાણે જીવન ઘડવાનું ન કજળે એવો આગ્રહ જીવનમાં વ્યાપ્યો હોય તો ઉત્સાહ કેવાં પરાક્રમો કરાવે તેની કલ્પના ભવ્ય છે તો પછી તેમનો આવિર્ભાવ તો કેવોય ભવ્ય હશે? વિચાર પ્રમાણે આચાર થતાં વાર લાગે તો બન્ને પક્ષે આ વસ્તુસ્થિતિ લક્ષમાં લેવી ઘટે છે. જેઓ વિચાર કરે છે તેમણે માત્ર વિલાસની ખાતર વિચાર ન કરવો. વિચારથી બને તેટલું મનોબળ કેળવવું અને આગ્રહ પ્રાપ્ત કરવો. ટીકાકારોએ સમભાવ બતાવી તેમને પોતાના વિચારો પ્રમાણે આચરણ કરવાની અનુકૂળતા કરી આપવી. બને તેટલી મદદ આપવી. જો આવો સ્નેહ બન્ને વચ્ચે હશે અને બન્નેનું ઇષ્ટ લક્ષ્ય એક જ હશે તો પછી આચારમાં વિચારોને મૂર્ત થયેલા જોવાનો અવસર દૂર નહિ રહે. પુનરાવર્તન કરતાં અર્કરૂપે એટલું કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિચારના પ્રસારણની બહુ જ જરૂર છે. વિચાર વિના આચાર દોષિત થાય છે. મનુષ્ય માત્ર બુદ્ધિપૂર્વક જ પોતાનો બધો સંસાર ચલાવતો નથી. જે પ્રવાહમાં પડ્યો હોય છે તેમાંના ગમે તેવા વ્હોને વશ થઈ તે જીવનયાત્રા કરે છે. આવા વ્હોને આપણે સંજોગો અથવા આર્થિક ભીંસ(economic pressure) કહીએ છીએ. તેમના દોર્યા દોરાવવું પડે છે તે વખતે અખિલ વસ્તુસ્થિતિના વિચારથી આબેહૂબ ખ્યાલ નથી હોતો તો બહુ હેરાન થવું પડે છે. સંજોગોને લીધે સંયુક્ત કુટુંબો વિચ્છિન્ન થતાં જાય છે. આપણે બુદ્ધિપૂર્વક તેમને વિભક્ત નથી કરતા એટલે એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે તેને અનુકૂળ જે સામગ્રીઓ, નવાં વિભક્ત (વ્યક્તિપરાયણ) કુટુંબોમાં હોવી જોઈએ તે મોજૂદ નથી હોતી. આથી જબરી હેરાનગતિ ભોગવવી પડે છે. પરંતુ જો વિચાર સતત ચાલતો હોય તો આવી દુઃસ્થિતિના નિવારણના ઉપાયો ચર્ચાયા વિના રહે જ નહિ. તમે બાળલગ્ન બંધ કરવા પ્રયત્નશીલ છો. એ બંધ કરતાં બીજા પ્રશ્નો નવા ઊઠશે તેમનો વિચાર કરવાની જરૂર રહેવાની. બાળલગ્ન બંધ થતાં મોટી ઉંમરે લગ્ન થાય તો (૧) બ્રહ્મચર્યપાલન (૨) છોકરાઓના મોટી ઉંમરે લગ્ન તો છોકરીઓની તે પ્રમાણમાં કઈ ઉંમર લગ્નયોગ્ય ઠરાવવી તે (૩) મોટા થઈ છોકરીઓ અને છોકરાઓ પરણે તો સ્નેહથી પરણે કે કેમ? તે (૪) સ્ત્રીકેળવણી (૫) ભણેલા વરો માટે બહુ માગણી થાય તો ‘વરવિક્રય’નો રિવાજ ઊભો થવાનો સંભવ (૬) મોટી ઉંમરે છોકરીઓ પરણાવવાની હોય ત્યારે કોઈને આજન્મ કુંવારા રહેવાની વૃત્તિ થાય તો તે વગેરે વગેરે પ્રશ્નોના પ્રતીકાર અથવા નિરાકરણ માટે જો સતત વિચાર નહીં કરો તો તમે કેવી રીતે તૈયાર રહી શકો? બીજું, યૌવનમાં સંક્રાંત થતી પ્રજાના જીવનમાં પેઢીએ પેઢીએ નવાં બળો ઉત્પન્ન થાય છે અને તેમને લીધે જીવનયાત્રાની દિશા નક્કી કરવાનાં દૃષ્ટિબિંદુ બદલાય છે. એક સમયે આપણા સમાજને નીતિ અને અર્થશાસ્ત્રની દૃષ્ટિથી આપણે તપાસતા હતા અને જે દોષો લાગ્યા તેના નાશ માટે ચળવળ કરતા હતા. આજે રાજ્યશાસ્ત્રની દૃષ્ટિથી સમાજને તપાસવાનો છે અને આપણી પ્રજાને સ્વાવલંબી આત્મશાસક થવામાં આપણો સમાજ કેવી રીતે ઉપયોગી થાય? ઉપયોગી થવામાં અંતરાય નાંખે એવા સમાજમાં કોઈ દોષો છે? હોય તો તેમનું નિકંદન કેવી રીતે કરવું? એ પ્રશ્નો પૂછતું દૃષ્ટિબિંદુ આવી ઊભું રહે છે. આવાં આવાં દૃષ્ટિબિંદુથી સમાજની નિરીક્ષા કરતાં જે સુધારા ઉચિત લાગે તે અમલમાં મૂકવા જતાં જે અનુભવો થાય છે તેમને લીધે ઇતિહાસના, માનવશાસ્ત્રના, ચેતનશાસ્ત્રના, અર્થશાસ્ત્રના, ધર્મસંપ્રદાયોના, સંસ્કૃતિના અનેક તંતુમય દૃષ્ટિબિંદુઓ ઊઠે છે અને તે સર્વેનું દાણ આપ્યા વિના આગળ જવાતું નથી. માટે મારે તમને આગ્રહ છે, બહુ વિચાર કરો, જેટલી ચર્ચા થાય તેટલી કરો, જીવનના પ્રશ્નો જેટલા દૃષ્ટિબિંદુથી તપાસાય તેટલા દૃષ્ટિબિંદુથી તપાસો. ટીકા કે ફરિયાદથી મુંઝાશો નહીં પણ ઊલટા અધિક ઉત્સાહવાળા થજો. માત્ર એક વાત લક્ષમાં રાખજો કે વિચારવિલાસ નહીં થઈ જાય. વિચારને આચારમાં પરિણત કરવો છે એ નિશાન ચૂકશો નહીં. અને તે માટે તમારા દિલમાં પ્રખર પ્રજ્વલિત અગ્નિ પ્રકાશ અને ઉષ્મા માટે જાળવી રાખજો.

આપણાં સર્વે સંકટો, દુઃખો, આપદાઓ, આધિઓ, વ્યાધિઓ, મૂંઝવણો, વિટંબણાઓ વગેરેનો ઉપાય આ જમાનામાં એક જ જડ્યો છે. જ્ઞાનનું પ્રસારણ થશે એટલે આ સર્વેનું નિવારણ થઈ શકશે. જ્ઞાન પ્રસારવા કેળવણી લેવાની જોગવાઈ કરી આપવી જોઈએ. આપના મંડળે તેવી કેળવણી પ્રત્યે જે લક્ષ આપવા માંડ્યું છે તે યોગ્ય જ કર્યું છે. નામદાર ગાયકવાડ સરકારે પણ તમને કેળવણી લેવા વિપુલ અનુકૂળતા કરી આપી છે અને કેળવણીના જ વાતાવરણમાં તમે રહો છો એટલે કેળવણી પ્રત્યે તમે ઉદાસીન રહો એવો સંભવ જ નહોતો. તમારા પ્રયત્નો જાતે નિહાળવાનો જોગ નથી મળ્યો પણ તેમના વિષે જે કાંઈ કર્ણપરંપરાએ સાંભળ્યું છે તે અનુસાર ખુલ્લા દિલથી હું બે બાબત તમારા લક્ષ ઉપર લાવવા માગું છું. નિર્વાહના સાધન તરીકે કેળવણીનો પ્રસાર આવશ્યક છે એ હકીકત બાજુ પર રાખીએ. આપણા ચારિત્રના વિકાસ માટે, આપણી જીવનયાત્રા રસિક અને સુખી કરવા કેળવણી આપણને જરૂરી લાગે છે. અલબત્ત આ હેતુથી કેળવણી આપણામાં વિરલ જનો લે છે પરંતુ નિર્વાહ માટે લીધેલી કેળવણીથી એ ઉક્ત મહેચ્છા અને સંપન્નતા કેટલેક અંશે આવે છે. આપણે જેમ જેમ કેળવણી લેતા જઈએ છીએ તેમ તેમ આપણી આસપાસ આપણાં સગાંવહાલાંમાં, આપણી જ્ઞાતિમાં, આપણા પ્રાંતમાં અને આપણા દેશમાં આપણને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો પ્રકાશ ફેલાયેલો જોવા માટે ઉત્સુક હોઈએ છીએ કારણ કે એ પ્રકાશ વિના આપણે સુખી નથી થવાના અને આપણા લોકો અને આપણા દેશની પ્રગતિના જે સ્વપ્નામાં આપણે માણીએ છીએ તે તાદૃશ નથી થવાનાં. હિન્દુસ્તાનમાં ખેતીનો ધંધો વિશેષ પ્રચારમાં છે અને તેથી શહેરો કરતાં ગામડાં વધારે છે. તમે પણ શહેરો કરતાં ગામોના વતની છો એટલે સ્વાભાવિક રીતે તમને ગામોમાં કેળવણી ફેલાવવાનું મન થાય છે, પણ મને એવું લાગે છે કે તમારા જેવા મંડળે કન્યાઓ અને સ્ત્રીઓની કેળવણી માટે પ્રયાસ કરવો જોઈએ. તમે સૌ લગભગ એક જ જ્ઞાતિના છો, એક જ વિદ્યાલયમાં સંસ્કારી અને સુશિક્ષિત થયા છો, અમુક પ્રકારની સરખી ભાવનાઓથી સંચલિત છો, તમારું સૌનું લક્ષ પણ સરખું લાગે છે, તમારે સૌને સરખી મૂંઝવણો કે વિટંબણાઓ ભોગવવી પડે છે એટલે તમે સૌ મળી આપણા સંસારનો આ વિકટ છતાં સર્વ રીતે આવશ્યક પ્રશ્ન ઉપાડી લો તો તમને પોતાને લાભ થશે પરંતુ તમારી જ્ઞાતિને અને ગુજરાતને પણ જેવો તેવો લાભ નહીં થાય. તમારા મંડળે અથવા એમના ઉત્પાદક નેતાઓએ પોતાનાં કાર્યોથી તમારા પ્રદેશમાં પ્રતિષ્ઠા મેળવવી છે. એ પ્રતિષ્ઠાને લીધે સ્ત્રીકેળવણી પ્રત્યે અમુક સંજોગોને લીધે તમારા પ્રદેશમાં વિરોધ હશે તો તે પણ ઓછો થશે અથવા તદ્દન શાંત પડી જશે અને સહાયતારૂપમાં ફેરવાઈ જશે. તમારી પ્રતિષ્ઠા ઉપરાંત તમારું સંઘબળ એ પ્રશ્નનું ફલ સત્વરે ઊપજાવશે. આજ લગી કરેલાં કાર્યોમાં વ્યવસ્થા(organisation)નો જે અનુભવ પ્રાપ્ત થયો હશે તે અનુભવ આ નવા કાર્યમાં ઉપયોગી થશે એ પણ ઓછો ફાયદો નથી. બાળલગ્ન, ક્રિયાઓ પાછળ થતા ખોટા બિનજરૂરી લખલૂટ ખર્ચો, વગેરે તમે અટકાવવા માંગો છો. જેઓ એવા નિષિદ્ધ આચારો કરતા હોય તેમના પ્રત્યે અણગમો બતાવી આ પ્રશ્નોના સંબંધમાં લોકમત જાગૃત કરવા ઉત્સુક છો. પુરુષોનો લોકમત ગમે તેટલો જાગૃત થશે પણ જ્યાં લગી સ્ત્રીઓનો લોકમત જાગૃત નથી થયો ત્યાં લગી ‘સત્યાગ્રહ’ શીઘ્રતઃ સફળ નહિ પરિણમે. સ્ત્રીઓનો લોકમત જાગૃત કરવા તમારે તેમને કેળવવી, તેમને પોતાની મેળે સારાનરસાનો વિચાર કરતી કરવી જોઈએ. તમે જે ફેરફારો કરવા માંગો છો તે સિદ્ધ થવાનો આધાર ‘સત્યાગ્રહ’ કરતા સંજોગો ઉપર વધારે છે. સુરત–અમદાવાદની ઘણી નાતોમાં બાળલગ્ન આપોઆપ નાબૂદ થયાં છે, બિનજરૂરી લખલૂટ ખર્ચો પણ બંધ થયો છે. જે સંજોગોથી ત્યાં આવા ફેરફાર થાય છે તેવા જ સંજોગો તમારે ત્યાં પણ આવશે અને તમને ઇષ્ટ અનુકૂળતા આપશે. આવા ફેરફારો થાય ત્યારે સ્ત્રીઓને કેળવવાની તજવીજ કરી રાખવી જોઈએ. તે તજવીજ ન કરેલી હોવાથી એ નાતોને સહન કરવું પડયું છે. સહન કરવું પડયું ત્યારે હવે સુરત અમદાવાદમાં મહિલાવિદ્યાલયો સ્થપાયાં. તમારી એવી સ્થિતિ ન થાય માટે તમે અત્યારથી ચેતો. મને પોતાને જાતમાહિતી છે કે તમારામાંથી જેમને સહેજ પણ જોગવાઈ મળી છે તેમણે પોતાની સ્ત્રીઓને કેળવવાની તજવીજ કરી છે. પણ એવા છૂટાછવાયા પ્રયત્નો કરતાં સુવ્યવસ્થિત પ્રયત્ન થવો ઘટે છે. તમારી સર્વે શક્તિઓ એ જ ઉદ્દેશ પ્રાપ્ત કરવા વાપરજો. ચરોતરકેળવણીમંડળ આ સંબંધમાં શરૂઆત કરશે એવી એને મારી વિનંતિ છે. સ્ત્રીકેળવણી માટે તમે સક્રિય કાર્ય નથી કર્યું એ મારો પહેલો આક્ષેપ છે. અંગત સુખને માટે કે દેશની ઉન્નતિ માટે તમે આ બધી હિલચાલ કરતા હો તો એક મહત્વની વાત આપ સૌએ ધ્યાનમાં રાખવાની છે. જ્યાં લગી દંપતીજીવન—આપણાં ગૃહજીવન ઉન્નત અને રસિક થયાં નથી ત્યાં લગી સુખ કે ઉન્નતિ નથી. આ વિચાર ગુજરાતમાં નાનામોટા લેખકો, કવિઓ, વિચારકો તરફથી પ્રસંગોપાત ઉદ્ઘોષવામાં આવ્યો છે. એ વિચારને તમે સ્વીકારો અને તે પ્રમાણે આચરો. તમારા જેવી જ્ઞાતિ ગૃહજીવન ઉન્નત કરી શકશે તો ગુજરાતના પ્રજાજીવનમાં કેવો અદ્ભુત રસ આવશે, કેવી ગતિ આવશે, કેવું સુખ આવશે!

આપણો દેશ ગરીબ છે છતાં આપણા આગેવાનોને શ્રીમંત દેશોના જેવું ખર્ચાળ રાજ્યતંત્ર જોઈએ છે. જે લોકકલ્યાણ અને દેશોન્નતિ તેમનું લક્ષ્ય છે તે એવા ખર્ચાળ રાજ્યતંત્ર વિના શક્ય નથી માટે જ તેઓ તેનો સ્વીકાર કરે છે. આવી સ્થિતિમાં રાજ્યતંત્રના ખર્ચાળપણામાંથી જે બોજો, કર અથવા બીજી મદદરૂપે પ્રજાએ ઉપાડવો પડે છે તે ઉપાડવાનું ત્યારે જ સુકર થાય છે જ્યારે પ્રજા કાં તો વેપાર-ઉદ્યોગ અને કરકસરથી શ્રીમંત થાય છે અથવા પ્રજાનો મોટો બુદ્ધિશાળી વર્ગ ત્યાગવૃત્તિથી દેશસેવા કરવા પ્રવૃત્ત થાય છે. મને પોતાને એવું લાગે છે કે આ સર્વેના આશ્રયથી આપણો ઉદ્ધાર છે; માત્ર એકાદનાથી નહીં. દુનિયાના સર્વે દેશોના સંબંધમાં, દુનિયાની સર્વે પ્રજાના સંબંધમાં, દુનિયાની સર્વે સંસ્કૃતિના સંબંધમાં હવે આપણે આવ્યા છીએ. વેપાર-ઉદ્યોગની વૃદ્ધિ બીજે થાય છે ત્યારે આપણે ત્યાં કર્યા વિના છૂટકો નથી. આપણે ત્યાં જે જે દ્રવ્યો ઉત્પન્ન થાય છે તે સર્વેમાંથી ઉપયોગી માલ તૈયાર કરવાની તજવીજ આપણે ત્યાં જ થાય તો (૧) એવો માલ તૈયાર કરવાનાં જ્ઞાન અને આવડત આપણા દેશમાં વધે (૨) આપણા દેશના લોકોને નવા ધંધાથી રોજી મળે (૩) પરદેશ જતો પૈસો આપણા દેશમાં રહે (૪) આપણા લોકોને રોજિંદી જરૂરી ચીજો સસ્તી મળે વગેરે વગેરે ફાયદા થાય. આ ઉપરથી એટલું પ્રતીત થાય છે કે વેપાર-ઉદ્યોગ માટે આપણે વધારે ઊંચું જ્ઞાન સંપાદન કરવાની જરૂર છે. રાજ્યતંત્ર આપણા હિત માટે પરાયણ થાય તો જ પ્રગતિ થશે. રાજ્યતંત્રને આપણું હિતપરાયણ કરવા આપણા પુષ્કળ રાજપુરુષો જોઈએ. એમની પદવી પામવા ઊંચું જ્ઞાન સંપાદન કરવાની જરૂર છે. અત્યારે મોટામાં મોટી જરૂર આપણા દેશની હોય તો દુનિયામાં જ્યાં જ્યાં ઊંચામાં ઊંચું જ્ઞાન મળતું હોય ત્યાં ત્યાં જઈ વિદ્વાન થઈ આવવાનું છે. દુનિયાના બીજા દેશોમાં જેટલી ઊંચી વિદ્યા છે તેટલી ઊંચી વિદ્યા આપણા દેશમાં લાવી નહીં વસાવીએ ત્યાં લગી આપણો ઉદ્ધાર નથી. ઊંચી વિદ્યા આવશે તો આપણે ધનાઢ્ય અને સ્વાવલંબી થઈશું. રાજદ્વારી કારણોસર સ્વર્ગસ્થ ગોખલેએ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરાવવા ઉપક્રમ કર્યો ત્યારથી એ પ્રશ્ન પ્રજાના હૃદયમાં સ્થાન પામતો ગયો છે અને તેનો આવિર્ભાવ જુદે જુદે સ્થળે થાય છે. તમને પણ એ ચળવળનો અને નામદાર ગાયકવાડ સરકારે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે કરેલી વ્યવસ્થાનો પાસ લાગ્યો છે. તમે ઊંચામાં ઊંચી કેળવણી મેળવવા સર્વે શક્તિઓ વાપરવા કરતાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના પ્રસારણ માટે યત્નશીલ થયા છો. મારું પોતાનું એવું માનવું છે કે જેમ કેટલાંક કુટુંબમાં અગવડો વેઠી એક દીકરાને ભણાવવામાં આવે છે અને તેની કમાણીથી આખું કુટુંબ સુખી થવા ઇંતેજાર હોય છે તેમ આપણે અત્યારે થોડાક માણસોને ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરવાની જોગવાઈ અને પ્રેરણા આપવી જોઈએ. તેમના પ્રયાસથી દેશમાં પંડિતો વધશે અને ધન વધશે એટલે આપોઆપ ગામડાંઓમાં જ્ઞાન આવશે. સમસ્ત દેશ અગવડ વેઠી જેમને સમર્થ કેળવણી આપે તેઓ ત્યાગવૃત્તિથી દેશની અને લોકોની પ્રગતિ અર્થે પ્રયત્ન કરશે તો તેમને કેળવવા પાછળ ઉઠાવેલી જેહમતનો બદલો શતધા કે સહસ્રધા વધી જશે. તમારા મંડળનું ખાસ ધ્યાન આ પ્રશ્નપરત્વે હું મારાથી બને એટલા આગ્રહથી ખેંચું છું અને આશા રાખું છું કે એનું ફળ આવશે. આ પ્રસંગે, અત્યાર લગી તમે જે જે સેવાઓ કરી છે અને જે જે સંસ્કારો કેળવ્યા છે તેમની હું ઉપેક્ષા બિલકુલ કરતો નથી. તમે આટલું કર્યું છે અને હજુ ઘણું કરી શકો એમ છો માટે જ મેં આ બે મહત્ત્વની બાબતો તમારી આગળ આગ્રહથી રજૂ કરી છે. જ્યારે તમારું આવું મંડળ છે, જ્યારે તમારામાં સંઘશક્તિ છે, જ્યારે તમારામાં ચેતન છે, જ્યારે તમે સેવાનિષ્ઠ છો ત્યારે આપણા ગુજરાત પ્રાંતની ભિન્ન ભિન્ન હાજતો પૂરી પાડવા સમર્થ એવા તમારા સભાસદોમાંથી થવા જોઈએ. તમને સૌને રા. રા. કરુણાશંકરે ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવેલો છે. ગુજરાતી સારું લખતાં તમને આવડે છે છતાં તમારી જન્મભાષામાં સારાં પુસ્તકો લખવાની તમને ઊર્મિ ઊઠી હોય એવું અદ્યાપિ મેં જાણ્યું નથી. તમારા મંડળમાં આટલા બધા સભાસદો છે તો શું તેમની ફરજ નથી કે જુદા જુદા વિષયો પરત્વે માત્ર એકેક પુસ્તક લખી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે અને સાહિત્ય દ્વારા જનસમૂહનું અજ્ઞાન ફેડે? ગ્રામ પુસ્તકાલયોની સંસ્થા તમારી કોમને લીધે જ ગુજરાતમાં જન્મી છે અને પ્રસાર પામી છે. એવી સંસ્થાઓ યોજતાં તમને ગુજરાતી સાહિત્ય અધૂરું, અલ્પ અને નિર્ધન નથી લાગ્યું? નિશાળો કાઢવાથી જ જ્ઞાન વધે છે એમ નથી પરંતુ ગ્રંથો લખવાથી પણ જ્ઞાન વધે છે. તમને સૌને મારી આગ્રહપૂર્વક વિજ્ઞાપના છે કે તમે તમારી જન્મભાષાના સાહિત્યને સમૃદ્ધ કરવાનું ચૂકશો નહીં. જ્ઞાન પ્રસારણનું બીજું મુખ્ય સાધન આ જમાનામાં વર્તમાનપત્રો છે. આપણા ગુજરાત પ્રાંતની અનેક દુર્દશામાંની એક દુર્દશા તેને પોતાનાં રાષ્ટ્રીય વર્તમાનપત્રો નથી તેની છે. આપણાં વર્તમાનપત્રોમાં (૧) સરકારની રાજનીતિની કૉંગ્રેસની દૃષ્ટિથી ટીકા અને (૨) દેશદેશાવરોના ખબરો સિવાય કાંઈ આવતું નથી. પ્રજાનું જીવન ઘડવાનો ઉત્સાહ કોઈમાં નથી. ઊલટું છાલકાપણું, ગંભીરતાનો અભાવ બહુ દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતના એવાં કમભાગ્ય છે કે વર્તમાનપત્રો અલ્પશિક્ષિત મનુષ્યો શરૂ કરે છે પછી તેમના નોકર તરીકે સંસ્કારી અથવા ગ્રેજ્યુએટ થયેલા નોકરો તે વર્તમાનપત્રોના તંત્રીનું કામ કરે છે. આવી સ્થિતિમાં કોઈપણ વર્તમાનપત્રને આદર્શ કે લક્ષ્ય નથી હોતું. વર્તમાનપત્ર માત્ર પૈસા કમાવાનું સાધન થઈ રહે છે. આવી સ્થિતિમાં તમારામાંથી અનેક જણને મારી વિજ્ઞાપના છે કે તમે વર્તમાનપત્રના તંત્રી થવાની લાયકાત મેળવો અને અંગ્રેજીમાં તથા ગુજરાતીમાં વર્તમાનપત્ર ચલાવી શકો એવા સમર્થ થાઓ અને તમારી કલમથી ગુજરાતનું નવજીવન રચવામાં મદદગાર થાઓ. પ્રજાનાં રસ, વિલાસ, જ્ઞાન કેળવવાનું મોટું સાધન રંગભૂમિ છે. એનાથી તમે વિમુખ નહીં રહેશો પણ એના પર ભજવાતા પ્રયોગોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરજો. સમભાવથી તેમના દોષો બતાવી દૂર કરાવવા પ્રયત્ન કરજો અને જેમનાથી શક્તિ કેળવાય તેઓ સારાં નાટકો લખવાની શક્તિ કેળવજો. આ યુગમાં વિજ્ઞાનના જ્ઞાનની અનેક રીતે જરૂર છે. એનું જ્ઞાન મેળવવામાં બેદરકાર રહીએ છતાં એને લીધે સગવડવાળી થયેલી વસ્તુઓ દિનપરદિન વપરાશમાં આવતી જાય છે. એ ખાતર તેમ જ વિજ્ઞાનથી સત્તા, બળ, સામર્થ્ય મળે છે તે ખાતર વિજ્ઞાન સંપાદન કરવા આપણે કમ્મર કસવી જોઈએ. વિજ્ઞાનનું જ્ઞાન ખેતીમાં ઉપયોગી થશે, ગ્રામ્યજીવન નિરામય અને સુખી કરવામાં ઉપયોગી થશે, દેશમાં નવા ઉદ્યોગો ખીલવવામાં ઉપયોગી થશે માટે તેનું જેટલું જ્ઞાન મળે તેટલું લો. આ ઉપરાંત રાજ્યનીતિનો સર્વાંગ અભ્યાસ તમે કરો અને રાજ્યતંત્રના પ્રશ્નો ચર્ચી સરકાર પાસે લોકહિત સંધાવવા સમર્થ હોય એવા લોકનાયકો તમારામાંથી પાકો. તમે ઊંચી મહેચ્છા રાખો. તમારા સમાગમમાં મને તમે બહુ નરમ અને વિનયી લાગ્યા છો પણ આ જમાનામાં એ બહુ કામના ગુણો નથી. દુનિયાના અમે સ્વામી થવા સર્જાયેલા છીએ, દાસ થવા નહીં એવા વિચારથી પ્રેરિત થાઓ. અંગ્રેજ સરકારે આપણાં હથિયાર છીનવી લીધાં એટલે આપણે પણ શાંતિથી સાધુવ્રત પાળ્યું. પરંતુ ગોવર્ધનરામની ભવિષ્યવાણી પ્રમાણે જેણે હથિયાર લીધાં હતાં તેણે જ તે પાછાં આપવાં માંડ્યાં છે અથવા પાછાં આપશે. સામ્રાજ્યના તેમ જ આપણા ભારતવર્ષના રક્ષણ માટે આપણા રાજ્યકર્તાઓની સાથે આપણે પણ આયુધબદ્ધ થવું પડશે. આપણામાં ક્ષાત્રોદ્રેક નહીં હશે તો જ્યારે એ પળ આવશે ત્યારે આપણે એનો લાભ નહીં લઈ શકીએ અને બીજા પ્રાંતોના પ્રમાણમાં ગુજરાતમાંથી સૈનિકો નહીં નીકળશે તો ગુજરાતને હિણપત લાગશે, ગુજરાતની પ્રતિષ્ઠા ઓછી થશે. તમે તમારી જાતને ક્ષત્રીની માનો છો [2] તો પછી ક્ષાત્રોદ્રેક પોષવો એ તમારો ધર્મ છે. મરાઠાઓ, શીખ, પઠાણ, પુરબીયા વગેરે લશ્કરમાં લડે અને તમે નહીં એ તમને સાલતું નથી? તમારામાં લડવૈયા થવાની શારીરિક કે માનસિક કમી હોય તો તે દૂર કરો. શારીરિક બળમાં આપણે બહુ જ પછાત છીએ. શારીરિક બળ મેળવવા આપણે બિલકુલ ઈંતેજાર નથી. પૂણામાં મેં જોયું હતું કે દક્ષિણી વિદ્યાર્થીઓ દરેક મરદાની રમતોમાં ભાગ લેતા ત્યારે તમે માત્ર ફરીને જ વ્યાયામ લેતા. મેં તમને ઘણીવાર આ સંબંધમાં પ્રશ્ન પૂછ્યા હતા એ તમને સૌને સ્મરણમાં હશે. અખાડાઓ તમારે ત્યાં થવા જોઈએ. લડવૈયાને બળની મરદાની રમતો વધવી જોઈએ. આજ આટલાં આટલાં વર્ષો થયાં કોઈ ગુજરાતીએ સરકસ કેમ કાઢ્યું નથી? કોઈ ગુજરાતીએ શિકારના લહાવા કેમ માણ્યા નથી? બંગાળી પ્રજાના શરીરબળને મૅકોલેએ તુછકાર્યું હતું છતાં સરકસથી ઘણા બંગાળીઓએ નામના મેળવી છે; શિકાર માટે દેશવિદેશ જઈ ખ્યાતિ મેળવી છે અને બંગાળી ‘ભદ્ર’ લોકો સામાન્ય સિપાહી તરીકે લડવા ગયા છે. તમે હવે જેટલો વિલંબ મરદાનગી મેળવવામાં કરશો તેટલો વિલંબ આત્મઘાતક થશે. કેળવણીના ફેલાવા માટે જ્યારે જ્યારે તમે પ્રયત્નો કરો ત્યારે ત્યારે આ બધું યાદ રાખજો. કેળવણી મેળવતાં બે વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પુસ્તકો વાંચતાં શીખીએ ત્યારે આપણા મનોવ્યાપાર પણ સંચલિત થવા જોઈએ. માનસિક વિકાસ થવો જોઈએ એટલું જ નહીં પણ માનસિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. મનોબળ ખીલવવું જોઈએ. આ સર્વની સાથે શરીરબળ મેળવવા બિલકુલ ચૂકવું ન જોઈએ. આ સ્વરૂપને આપણે Self culture કહીશું. બીજું સ્વરૂપ equipment કહેવાય છે. જ્ઞાનનાં ભિન્ન ભિન્ન અંગો છે તે યથાસ્થિત સંપાદન કરવાં તે એ છે. આપણને હાલ પાઠશાળાઓમાં(Colleges) જે કેળવણી મળે છે તે આ બંને સ્વરૂપમાં ન્યૂન હોય છે. તેનો ઉદ્દેશ માત્ર તમારા મનોવ્યાપારને ગતિમાં મૂકવાનો છે. તમારી માનસિક સમૃદ્ધિ વધારવાનો નથી. ગ્રેજ્યુયેટ થયા પછી તરત જ આપણાથી કોઈ પણ મહાભારત સેવા ઉપાડાતી નથી એનું કારણ હવે સમજાશે. આપણને મળતી કેળવણી કેટલી ઓછી અને કેટલી અધૂરી છે તેનો ખ્યાલ સાર્વજનિક જીવનમાં પડી એ જીવનના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આપણે પ્રયત્નો કરવા પડે છે ત્યારે આવે છે. માટે કેળવણી ઊંચામાં ઊંચી, સમૃદ્ધમાં સમૃદ્ધ, વિવિધમાં વિવિધ મેળવવા જેટલી તજવીજ થાય તેટલી કરજો.

ગયે વર્ષે સ્વદેશી ચીજોનું પ્રદર્શન તમે ભર્યું હતું. તેની વિગતની મને ખબર નથી પણ આટલો જ સવાલ પૂછું છું; સ્વદેશી ચીજોના વધારે વેચાણ માટે કે એવી અને બીજી ચીજો સ્વદેશમાં ઊપજાવવાની જાગૃતિ લાવવા એ પ્રદર્શન હતું? માત્ર પરિચય કે વેચાણ માટે પ્રદર્શન હોય તો શરૂઆતનાં થોડાંક વર્ષ તે ઉપયોગી થશે પણ હંમેશ તેમ નહીં રહે. પરંતુ સ્વદેશમાં પરદેશ જેવી ચીજો બનાવવી હોય તો શું શું કરવું જોઈએ તેનો નિરાંતે વિચાર કરશો અને થાય એટલું કરવા પ્રવૃત્ત થશો તો વધારે લાભ છે. આ પ્રશ્નના સંબંધમાં આપણા દેશમાં જે જે ઉહાપોહ થાય છે તેથી વાકેફગાર થવા તમને મારી વિનંતિ છે. નવા નવા સ્વદેશી ઉદ્યોગો થતા હોય તેમના સાફલ્ય કે વૈફલ્યનાં કારણોથી માહિતગાર થવા વિનંતિ છે. નવા ઉદ્યોગો માટે કેવાં જ્ઞાન, અનુભવ, દ્રવ્ય, આવડત, સંજોગો, રાજ્યસહાય વગેરેને કેવી અને કેટલી જરૂર છે તેનો ક્યાસ કઢાવવા અને થઈ શકે તેટલું કરવા વિનંતી છે. આજે આ પ્રશ્ન વિષે અધિક બોલવા મારો વિચાર નથી. ઉપસંહારમાં ફરીથી એટલું જ કહેવાનું છે કે પુષ્કળ વિચારો–ચર્ચાઓ કરો. સ્ત્રીકેળવણી માટે અને ઊંચામાં ઊંચી કેળવણી માટે તમારી સર્વે શક્તિઓ વાપરો. તમારા જીવન ઉપર અને તમારા મંડળ ઉપર જે દેશસેવકની ગાઢ છાપ પડેલી છે તેમનો પ્રત્યક્ષ નામનિર્દેશ અત્યાર લગી મેં નથી કર્યો. હવે તે ઉદારચિત્ત પુરુષને આપ સૌ જાણો છો કે કોણ ઉદ્દિષ્ટ છે—રા. રા. મોતીભાઈ નરસિંહભાઈ અમીનને, તમને સૌને ગુજરાતના સુપુત્રો થવા, ભારતવર્ષના ઉત્કર્ષમાં તમારા દ્વારા ગુજરાતને સામેલ કરવા તેઓ પોતાની વગ, પોતાનો અનુભવ, પોતાનું જ્ઞાન, પોતાનું ચારિત્ર્યબળ, પોતાની દેશદાઝ આદિ સર્વેનો સંપૂર્ણ લાભ આપવા સમગ્ર ગુજરાતની ખાતર મારી વિનંતિ છે.

જય જય ગરવી ગુજરાત


  1. પેટલાદ બૉર્ડિંગના જૂના વિદ્યાર્થીઓના મંડળ સમક્ષ ધર્મજમાં ૧૯૧૬ના ઓક્ટોબરની ૧૯-૨૦મીએ કરેલું પ્રવચન.
  2. આ મંડળના સભ્યો પાટીદારો જ હશે એમ માની આમ લખ્યું છે પરંતુ માત્ર પાટીદારો જ નહીં પણ બીજી જ્ઞાતિઓના સભ્યો આ મંડળમાં છે એવું પછી મારા જાણવામાં આવ્યું છે.