રણજિતરામ ગદ્યસંચય – ૨/સ્ત્રીકેળવણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સ્ત્રીકેળવણી

આપણા દેશમાં અંગ્રેજી સત્તા જામ્યા પૂર્વે ઊંચનીચ, ગરીબ, તવંગર કે સ્ત્રીપુરુષના ભેદ દૂર રાખી સમસ્ત પ્રજાવર્ગને કેળવણી આપવાની ઉદાર અને દૂરદર્શી યોજના નહોતી. વૈદિક કાળમાં યજ્ઞ કરતાં પતિ સાથે દીક્ષિત થયેલી પત્નીને મંત્રો સમજી ઉચ્ચારવાં પડતાં; લગ્ન વખતે પ્રતિજ્ઞા લેતાં કન્યાએ જાતે પ્રતિજ્ઞાનાં વાક્યો બોલવાં પડતાં; ઋગ્વેદમાં કેટલીક ઋચાઓની વિદુષી આર્યાઓ મંત્રદૃષ્ટ્રી છે – ઈત્યાદિ ઉપરથી નારીવર્ગ સુશિક્ષિત હતો એમ પ્રતીત થાય છે. ઉપનિષદ્ અને મહાભારત આદિના જમાનામાં ગાર્ગી વાચકનવી અને કુન્તી જેવી પ્રખર વિદુષી સન્નારીઓ થઈ ગઈ. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગ સિવાયના વર્ગની સન્નારીઓ ભણેલી હશે કે નહીં તે નક્કી જાણવામાં નથી આવ્યું. ત્યાર બાદ સ્ત્રીશિક્ષણ તદ્દન બંધ પડ્યું. વેદ સાંભળવાનો પણ તેમને અધિકાર ન રહ્યો તો શીખવાનો તો ક્યાંથી રહે? બૌદ્ધ અને જૈન મતના પ્રસારણથી ભિક્ષુકી થવાના પ્રસંગ નારીવર્ગને પ્રાપ્ત થયાં. વિહારમાં નિર્વાણ માટે મથતી સાધ્વીઓ શાસ્ત્રપારંગત થતી. પરંતુ ઉપાસકોને કેળવવા જેટલો પ્રયાસ સાધુઓ તરફથી થતો નહીં – એટલે નારીવર્ગનું અજ્ઞાન વધતું ગયું. વાત્સાયન મુનિએ રાજપુત્રીઓ, અમાત્યપુત્રીઓ અને ગણિકાઓને ભણાવવાની આજ્ઞા કરી હતી. ઈતરવર્ગની માતાઓ અને ગૃહિણીઓ, તદ્દન અજાણ રહેવાથી આપણી સંસારવ્યવસ્થા શિથિલ થઈ ગઈ હતી. મીમાંસકો, વેદાંતીઓ, પ્રભૃતિએ જ્યારે ફરીથી આપણો સંસાર વ્યવસ્થિત કર્યો ત્યારે સ્ત્રીશિક્ષણની યોજના ઉપસ્થિત કરી નારીવર્ગને જ્ઞાન સંપન્ન કરવાને બદલે તેમને અજ્ઞાન અને પરાસ્ત તથા આધીન સ્થિતિ પ્રાપ્ત થાય એવી ઘટના કરવામાં આવી. પૌરાણિક કથાઓના શ્રવણથી જીવનમાં પ્રકાશ આવે અને ચારિત્ર્ય બંધાય એવો બંદોબસ્ત કરવામાં આવ્યો. જે પુરાણકથાના શ્રવણથી મુસલમાનો સામે રજપૂતોએ અતુલ વીરત્વ દાખવ્યું તે જ કથાઓનાં શ્રવણથી હિંદવાણીઓએ શાંત જીવન ગાળ્યું. જૂના આચારવિચાર તેમના જીવનમાં એટલા બધા મૂર્તિમંત થયા કે સ્મૃતિઓથી જે સંસારપ્રશ્નનો નિર્ણય ન થાય તેનો તેમણે કરેલો ચુકાદો માન્ય રાખવો એવો સિદ્ધાંત એક સ્મૃતિકારે સ્થાપ્યો છે. પરિણામે ‘ડોશીશાસ્ત્ર’ નામનું આચારશાસ્ત્ર જન્મ પામ્યું. વાંચી લખી જાતે જ્ઞાન વધારવાની કે સદઅસદનો વિવેક કરવાની ટેવ આથી ન કેળવાય એ સહજ છે. પરંપરાને લીધે જે જ્ઞાનપ્રવાહ કુટુંબમાં વહ્યો આવતો હતો તે વધારે સ્વચ્છ અને વિપુલ થવાને બદલે મલિન અને ક્ષીણ થઈ ગયો. મન અને હૃદયની આસપાસ દીવાલો પાછળ દીવાલો ઊભી થઈ; ઉદારતા, ગંભીરતા, પ્રકાશ આદિ કરમાઈ ગયાં. વિવેકબુદ્ધિ કટાઈ ગઈ અને અંધશ્રદ્ધા પોતાને અનેક ફરજંદો સાથે નિષ્કંટક રાજ્ય ચલાવવા લાગી. મુસલમાની સલ્તનત દરમિયાન વૈષ્ણવાદિ પંથો પ્રબળ થવાથી નારીહૃદયનાં બંધનો કાંઈક તૂટ્યાં અને મીરાંબાઈ જેવી અનેક ભક્તાણીઓએ પોતાના જીવનનું સૌરભ દેશમાં ફેલાવ્યું, અને પોતાનાં પદોથી અનેક નારીજીવન પ્રકાશિત કર્યાં. આવી સપ્તરંગી આસમાનીસુલતાનીમાં વિરલ સન્નારીઓ સિવાય દેશનો સમસ્ત સ્ત્રીવર્ગ તો અભણ જ રહ્યો. લગભગ સારો પુરુષવર્ગ જ અભણ હતો તો સ્ત્રીવર્ગની એ દશા હોય એમાં આશ્ચર્ય જ શું? પરિણામે દેશ ઘણી જ અધમાવસ્થા પામ્યો. જે ઉદાર રાજ્યે સર્વે હિંદીઓને ધર્મ, ઉમ્મર, નાત વગેરેના પ્રતિબંધ વગર શિક્ષણ લેવાની જોગવાઈ કરી આપી તેણે હિંદવાણીઓને પણ જ્ઞાનસંપન્ન કરવા ઠેરઠેર શાળાઓ સ્થાપી. ઉદાર અને શ્રીમંત હિંદીઓની મદદથી સ્ત્રીકેળવણીનાં સાધનો ઉપસ્થિત કરવામાં આવ્યાં. શરૂઆતમાં સામાન્યતઃ લોકવર્ગ સ્ત્રીકેળવણીની વિરુદ્ધ થયો. પણ વખતના વહેવા સાથે કેળવણીની કદર બુજાતાં શહેરમાં એ વિષયમાં હાલ અત્યંત ઉત્સુકતા વધી પડી છે. ઇંગ્લેંડ અને હિંદુસ્તાનના પ્રજાજીવનના આદર્શો ભિન્ન હોવાથી, તેમ જ કોઈપણ હિંદુએ સ્ત્રીકેળવણી સંબંધી ગંભીર અને વ્યાપક વિચાર કરેલો ન હોવાથી સ્ત્રીઓની કેળવણીની પદ્ધતિ પુરુષોની કેળવણીની પદ્ધતિ સમાન યોજાઈ અને તેથી લોકોને ચાલતા સંસારને અનુકૂળ જેવું પરિણામ જોઈતું હતું તેવું ન આવ્યું. આથી સ્ત્રીકેળવણી પ્રત્યે કાંઈક અસંતોષ અને અભાવ થયાં. પણ દેશ સમગ્રમાં કેળવણી માટે જે તીક્ષ્ણ તૃષ્ણા જાગેલી છે, તેને લીધે સ્ત્રીકેળવણી તદ્દન અટકાવવાને બદલે જુદા સ્વરૂપની થઈ. ખાનગી શાળાઓમાં ધાર્મિક શિક્ષણ અને સંસ્કૃતના શિક્ષણ પર ખાસ લક્ષ અપાવા લાગ્યું. આથી વાંચતાંલખતાં જાણનારી સ્ત્રીઓની સંખ્યા વધી પણ દેશ, સંસાર, જીવનના મહાપ્રશ્નો ઉકેલવાની પ્રબળ શબ્દવાળી માતાઓ કે સહધર્મચારિણી દેશહિતચિંતકોને નહીં મળી. હિંદુસ્તાનમાં વસતા જુદા જુદા ધર્મ, આચારવિચારવાળા લોકોને એકઠા કરી એક હિંદી પ્રજા બનાવવાની ભાવના અને ક્રિયા પ્રચલિત થતાં એ વ્યાપારમાં સ્ત્રીઓ બનતી મદદ આપવા સમર્થ થાય એવી રીતે તેમને કેળવવાની જરૂર દેશહિતચિંતકોને સમજાઈ છે. તેથી કેળવણીના સ્વરૂપ અને સ્ત્રીઓના કર્તવ્યપ્રદેશો વિશે ગંભીર આલોચના જન્મી છે અને સ્થળે સ્થળે થતી અજમાયશો એનો સબળ પુરાવો છે.

મે ૧૯૧૭