રણ તો રેશમ રેશમ/અનંત યાતનાઓ વચ્ચે અમર આશાનો વિસામો : માઉન્ટ નેબો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૨૦) અનંત યાતનાઓ વચ્ચે અમર આશાનો વિસામો : માઉન્ટ નેબો

પર્વતની ટોચ ઉપરના ઢોળાવ ઉપરથી અટારી જેવું ઝળૂંબતી જમીન ઉપર ઊભી રહીને હું ખીણમાં દૂર...સુદૂર સુધી ફેલાયેલી નિર્જન લાગતી જમીન તરફ જોઈ રહી છું. ટેકરાળ પથરીલા એ કથ્થાઈ વેરાનમાં ક્વચિત્ જ લીલો રંગ દેખાઈ રહ્યો છે. દૃષ્ટિના દાયરામાં ક્યાંય આધુનિક વસાહતો કે રસ્તાઓ પણ દેખાતા નથી. માત્ર એક સ્થળે જરાક લીલોતરી અને થોડાંક ઝૂંપડાં દેખાઈ રહ્યાં છે. ‘પેલું દેખાય છે ને, તે મોઝીસનું ઝરણું છે. સહસ્રાબ્દીઓ પહેલાં રણમાં લાંબી મુસાફરીથી થાકેલા, તરસ્યા લોકો માટે મોઝીસે જમીન ઉપર તીર માર્યું અને એક ઝરણું ફૂટી નીકળ્યું. આજે પણ પથરીલા વેરાનો વચ્ચે માત્ર તે જગ્યાએ જ પાણી છે.’ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં બની ગયેલી ઘટનાઓ અહીં જાણે તાજી જ છે. તે સમયે પયગમ્બર મોઝીસની આગેવાની હેઠળ વતનથી બેઘર થયેલાં અને જીવ લઈને નાસેલા કાફલાનાં પગલાંની છાપ સાચવીને બેઠેલી એ ખીણ આદિકાળથી જાણે તેવી ને તેવી જ છે. અનંત ભાસતી આ વેરાન જમીનને ‘ધ પ્રમિસ્ડ્ લૅન્ડ’ કહે છે. ગુલામી વેઠતાં અનંત અત્યાચારોનો ભોગ બનેલાં લાચાર ઇન્સાનોને પોતાની જન્મભૂમિમાં પાછા ફરવાનું ને મુક્તપણે વસવાનું ઈશ્વરે આપેલું વચન. પણ તેની એક શરત એ પણ હતી કે, ત્રસ્ત અને તિરસ્કૃત એ લોકટોળાના તારણહાર પ્રોફેટ મોઝીસ આ માઉન્ટ નેબો ઉપર ઊભા રહીને તે જમીનને માત્ર જોઈ શકશે, પરંતુ તેના ઉપર પગ મૂકી શકશે નહીં! અહીં જ ક્યાંક આસપાસની ભૂમિ પર અજ્ઞાત અવસ્થામાં મૃત્યુ પામનાર સંત મોઝીસની ઉદાસ આંખોથી હું ધરતીના એ વિશાળ પટને જોતી રહું છું. સાવ સીધું સામે છે જેરોકો... પેલ્લું તે તરફ જેરૂસલેમ અને તેનીય પેલી તરફ બેથલેહેમ છે. મોઝીસ લોકકલ્યાણ અર્થે જે વતનને છોડીને આવ્યા અને જ્યાં તેમણે ફરી પાછા ફરવાનું નથી, તે વચનમાં અપાયેલ જમીન ‘પ્રમિસ્ડ્ લૅન્ડ’ને નીરખતાં બાઇબલની એ પુરાણકથાઓ સજીવ થઈ ઊઠે છે. હિબ્રૂ બાઇબલના ઓલ્ડ ટૅસ્ટામેન્ટમાં નોંધાયેલી ઈ. સ. પૂર્વે ૧૫૦૦ની એટલે કે, આજથી ૩૫૦૦ વર્ષ પહેલાંની આ વાત. ત્યારે યહૂદીઓ મોટી સંખ્યામાં ગુલામો તરીકે ઇજિપ્તમાં રહેતા. આ લોકોની વસ્તી ખૂબ વધવા લાગી. એટલે ઇજિપ્તના રાજવી અર્થાત્ ફૅરોએ હિબ્રૂ નવજાત પુરુષ શિશુઓની કતલ કરવા માંડી. પોતાના બાળકને બચાવવા મોઝીસની માતાએ નવજાત મોઝીસને પપાયરસના માટલામાં મૂકીને નાઈલ નદીમાં વહાવી દીધા. આ માટલું ઇજિપ્તની રાજકુમારીના હાથમાં આવ્યું. તેણે બાળકને દત્તક લીધું તથા મહેલમાં લાવીને તેને રાજકુમારની જેમ ઉછેર્યું. આ રીતે ફૅરોને ત્યાં જ બળવાન અને વિદ્વાન બનેલ મોઝીસે એક દિવસ ગુલામો પર અત્યાચાર કરનાર ઇજિપ્શિયન અમલદારની હત્યા કરી, તેને રેતીમાં દાટી દીધો, પણ પછી આ જ કારણથી પોતાના જીવ પર જોખમ જણાતાં તેઓ ઇજિપ્તથી ભાગ્યા અને મિડિયનના રણમાં આવી પહોંચ્યા. અહીં તેમણે લગ્ન કર્યાં અને પશુપાલક તરીકે ઠરીઠામ થયા. પણ ઈશ્વરે તેમને માટે કાંઈક અલગ જ વિચાર્યું હતું. એક દિવસ આકાશવાણી થઈ. ઈશ્વરે તેમને ઇજિપ્તમાં અત્યાચારો ભોગવતા ઇઝરાયલી યહૂદી ગુલામોને ગુલામીથી મુક્ત કરીને વતનની પ્રોમિસ્ડ્ લૅન્ડમાં પાછાં લઈ આવવાનું કામ સોંપ્યું. મોઝીસ ઇજિપ્ત ગયા. ગુલામોને મુક્ત કરવા ઇજિપ્તના ફૅરો તૈયાર નહોતા. આશરે ૬ લાખ ગુલામો સાથે મોઝીસ ભાગ્યા. રસ્તામાં રાતો સમુદ્ર આવ્યો. મોઝીસે હાથ ફેલાવીને મારગ માગ્યો અને પૂર્વમાંથી આવતો પવન આખી રાત એટલા જોરથી ફૂંકાતો રહ્યો કે પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું અને દરિયા વચ્ચે રસ્તો થઈ ગયો. મોઝીસનો કાફલો દરિયા વચ્ચેની જમીન પર ચાલતો રાતા સમુદ્રને પેલે પાર પહોંચી ગયો. જેવો કાફલો દરિયો ઓળંગી ગયો, પવન થંભી ગયો. દરિયા વચ્ચેના રસ્તા ઉપર ફરી પાણી ફરી વળ્યાં અને તેમાં આ કાફલા પાછળ પડેલું ફૅરોનું લશ્કર આખેઆખું ડૂબી ગયું. ઇઝરાયલના વતનીઓનો કાફલો માઉન્ટ સિનાઈના રણમાં પહોંચ્યો. મજલ હજી બાકી હતી. ભૂખ-તરસ અને યુદ્ધનો સામનો કરતાં સૌ મોઝીસની આગેવાની હેઠળ ઈશ્વરની કૃપા સાથે આગળ વધતાં રહ્યાં. એમ કરતાં કાફલો આ સ્થળે માઉન્ટ નેબો પાસે પહોંચ્યો. અહીં ત્યારે કેનાન નામની જાતિના લોકો વસતા હતા. આ કેનાઈટોમાં ત્યારે અનેક પ્રકારના દુરાચારો પ્રચલિત હતા. મોઝીસે આ દૂષણ દૂર કરવાનું હતું તથા પોતાના કાફલાના હિબ્રૂઓને એ દૂષણોથી બચાવવાના પણ હતા. આ ધરતી પરના સત્તાધીશોએ રસ્તો તો આપ્યો પણ શરત મૂકી કે અહીં તમે ખાઈ નહીં શકો, પાણી પી નહીં શકો તથા કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીને નુકસાન નહીં કરી શકો. મોઝીસની જીવનલીલા સંકેલાવાનો સમય આવી પહોંચ્યો હતો. આ સ્થળે ઊભા રહી તેમણે પોતાના કાફલાના અંતિમ લક્ષ્ય એવા પોતાના વતનની ધરતી તરફ જોયું હશે, વતનને મનોમન નમસ્કાર કર્યા હશે, પોતાનું કર્તવ્ય પૂરું કરવાનો પરિતોષ અનુભવ્યો હશે અને પછી નિરાંતે પ્રાણ ત્યાગ્યા હશે! આ તો મારી કલ્પના. નીચેના વેરાનોમાં જાણે અત્યારે પણ કાફલો ચાલ્યો જતો હોય તેવું લાગે છે. વતનની માટી માથે ચડાવી વંદન કરતા હિબ્રૂઓ નજર સામે તરવરવા લાગે છે. ગુલામીની બેડીઓ તૂટવાનો અવાજ સંભળાય છે, આ વહેતા પવનના આર્તનાદમાં પડઘાતો, મોઝીસની સ્મૃતિ જાળવી બેઠેલી એ અટારી પર થયેલો ઇતિહાસનો આવિષ્કાર અવિસ્મરણીય બની જાય છે. અમે ઊભાં છીએ બરાબર તેની પાછળ એક ઊંચા સ્તંભની આસપાસ બે સર્પ વીંટળાયેલા હોય તેવા આકારનું બ્રોન્ઝનું પ્રતીક ઊભેલું દેખાય છે. અરે, આ તો અમારું ડૉક્ટરોનો વ્યવસાય સૂચવતું ચિહ્ન – જે અમારા મેડિકલ સાયન્સને સૂચવતા લોગોમાં તથા અમારા વાહનો પર લગાડવામાં આવે છે તે જ ચિહ્ન છે!! અહીં આ સ્થળે એને જોઈને અમારા વિસ્મયનો પાર રહેતો નથી. તલાલે સમજાવ્યું કે, મોઝીસના કાફલાએ અહીં પડાવ નાખ્યો, ત્યારે આ રેતાળ પ્રદેશમાં અનેક ઝેરી સાપ રહેતા હતા. લોકો એ સર્પથી ડરી ગયા હતા. મોઝીસે કહ્યું : બ્રોન્ઝના બે સાપ બનાવી, તેને એક સ્તંભ પર વીંટાળીને પર્વત પર ખોડી દ્યો. આ જીવરક્ષક ચિહ્ન પર નજર કરવા માત્રથી પણ સાપ તમને પરેશાન કરશે નહીં. ત્યારથી આ ચિહ્ન લોકોની સ્વાસ્થ્યની સુખાકારીનું ચિહ્ન બની ગયું છે. એક મત એવો પણ છે કે, સાપ જેમ કાંચળી બદલીને નવજીવન પામે છે, તેમ આ ચિહ્ન માંદગીમાંથી સાજા થઈને નવજીવન પામવાની શુભેચ્છાનું પ્રતીક છે. તો કોઈ કહે છે, મેડિસિન માટેના ગ્રીક દેવતા સર્પને ધારણ કરે છે, માટે આ તેમનું પ્રતીક છે. અર્થ જે માનીએ તે, પરંતુ મૂળ ચિહ્નનું દર્શન માત્ર પણ અમારા માટે બહુ મોટું સદ્ભાગ્ય હતું. દેવળમાં વરસોથી સમારકામ ચાલી રહ્યું છે, એટલે અંદર પ્રવેશ બંધ છે. પણ હવે ઈશ્વરને પામવા દેવળમાં પ્રવેશવાની જરૂર જણાતી નથી. ખ્રિસ્તીઓનાં આ અત્યંત ગૌરવશાળી યાત્રાધામની મુલાકાત અનાયાસ જ અમારી પણ ખરેખરી જાતરા થઈ ગઈ છે. પેલા બ્રોન્ઝના સર્પ જાણે મંદમંદ સ્મિત કરતા વિદાય આપી રહ્યા છે. અમારા વ્યવસાયની પવિત્રતા તરફ સભાનતા તથા પયગમ્બર મોઝીસની નિઃસ્વાર્થ કર્તવ્યપરાયણતા પ્રત્યે અહોભાવ અનુભવતાં અમે માઉન્ટ નેબોની વિદાય લઈએ છીએ. જેમ જેમ અમારો રસ્તો ઢોળાવ ઊતરતો જાય છે, તેમ તેમ – આમ તો બહુ ઊંચો નહીં, તેવો – આ પર્વત અમારી નજરમાં વધુ ને વધુ ઊંચો થતો જાય છે!