રણ તો રેશમ રેશમ/કાંપતા પથ્થરોએ કહેલી કરુણ કહાણીઓ : કરાકનો કિલ્લો
જ્યારે જ્યારે કોઈ કિલ્લાની મુલાકાત લેવાનું થાય, ત્યારે સૌ પ્રથમ તો સમય પારના મનુષ્યની ક્ષમતા ઉપર અહોભાવ થયા વગર ન રહે. સાવ ટાંચી સાધન-સામગ્રી સાથે અદ્ભુત આયોજનશક્તિ દાખવતાં, અકલ્પ્ય શ્રમ કરીને રચેલાં એ વિરાટ તથા જટીલ સ્થાપત્યો હેરતભરી આંખે જોતી જ રહી જાઉં એવું ઘણી વાર બન્યું છે. આટલી ઊંચાઈ પર આટલી વજનદાર પથ્થરની શિલાઓ શી રીતે લાવવામાં આવી હશે? સિમેન્ટ-કોંક્રીટની મદદ વગર માત્ર કાદવ તથા ઘરઘરાઉ સામગ્રીઓનો ઉપયોગ કરીને સદીઓ સુધી ટકી શકે તેવું અત્યંત મજબૂત બાંધકામ શી રીતે કરી શકાયું હશે? કોઈ પણ જાતની યાંત્રિક સહાય વગર માત્ર ગણતરીઓની ચોક્કસાઈ અને કારીગરીની ચીવટથી આવી બહુમજલી ઇમારતો શી રીતે રચી શકાઈ હશે? કોઈ પણ પ્રકારની યાંત્રિક સહાયતા વગર જ, આવા છેક દૂરના સ્થળે શી રીતે હવા-પાણીની મૂળભૂત જરૂરિયાતોથી માંડીને એશોઆરામની તમામ સામગ્રીઓની વ્યવસ્થા ગોઠવી શકાઈ હશે? મનમાં ઘુમરાતા પ્રશ્નોને ટકોરે અચાનક સમયના દ્વાર ખૂલી જાય તેવુંય ઘણી વાર બન્યું છે અને ત્યારે જે નજરે પડે છે તેય કેટલું એકસરખું હોય છે! દરેક કિલ્લામાં એક દ્વાર હોય, એની ફરતે ખાઈ હોય, ખાઈ પર લાકડાના પુલો હોય કે જેથી દુશ્મનોને અંદર પ્રવેશતા રોકવા એને બાળી નાખી શકાય. કિલ્લાની ફરતે બહારના વર્તુળમાં સૈનિકોના રહેણાક તથા અશ્વોના તબેલા હોય, એની અંદર એક કાજળઘેરા ખૂણે કેદખાનું હોય, તેની પાસે ખીણ પર ઝૂકતી કોઈ શિલા પરથી ગુનેગારોને ખીણમાં ગબડાવી શકાય તેવી ગોઝારી જગ્યા હોય, ભોંયરામાંથી દૂરના કોઈ અજ્ઞાત સ્થાન સુધી લંબાતા ગુપ્ત રસ્તાઓ હોય, કિલ્લાના હાર્દ સમા મધ્ય ભાગમાં રાજાનું આરામદાયક નિવાસસ્થાન હોય, વિશાળ રસોડું તથા ભોજનકક્ષ હોય, પાણીના સંગ્રહની વ્યવસ્થા હોય તથા અનાજ સંઘરવાના કોઠાર તો હોય જ. પરંતુ આ બધા ઉપરાંત દરેક કિલ્લાની એક શૌર્યગાથા હોય છે, કોઈના બલિદાનની વારતા હોય છે અને પથ્થરોમાં ધરબાયેલી અનેક કરુણાંતિકાઓ હોય છે. જાજરમાન જમાનાની યાદ અપાવતાં એ ખંડિયેરોના સમય સાથે જર્જરિત થતા જતા પથ્થરોને સ્પર્શું ને એ પથ્થરો સ્પંદિત થઈ જતા હોય તેવું લાગે. સમયમાં વિલીન થતાં જતાં એ મહાલયોના કોઈક ખૂણે ક્યારનોય કેદ થઈને બેઠેલો અંધકાર ધરામાં ધરબાઈ ગયેલી એ વારતાઓ કહેવા લાગે ને પછી એ વાતાવરણ જિંદગી ભર કેડો ન છોડે એવુંય ઘણી વાર બન્યું છે!! દરેક કિલ્લાનો ઇતિહાસ અલગ હોય, દરેક કિલ્લાના આયનામાં અલગ અલગ સમયનાં બિંબ હોય છતાં દરેકમાં સચવાયેલી મનુષ્યજાતની તસવીરમાં અજબનું સામ્ય જોવા મળે છે. કિલ્લો દુનિયાના કોઈ પણ ખૂણામાં સ્થિત હોય, તેમાં સંચિત થયેલી મનુષ્યની સારપની યશોગાથાઓ અને એની વિકૃત હીનતાની કલંકકથાઓ એકસરખી હોય છે!!! મધ્યયુગમાં અર્થાત્ ૧૧મી, ૧૨મી તથા ૧૩મી સદીમાં યુરોપના ખ્રિસ્તીઓએ જેરૂસલેમની પવિત્ર ભૂમિ મુસ્લિમો પાસેથી મેળવવા માટે જે હુમલાઓ કર્યા તે સૈનિક કારવાઈઓને ઇતિહાસ ક્રુસેડ તરીકે નોંધે છે. આ યુદ્ધો માટે સમગ્ર યુરોપમાં હાકલ કરવામાં આવી તથા આ યુદ્ધોનો તમામ ખર્ચ રોમન કૅથોલિક ચર્ચે ભોગવ્યો. તે સમયે ચર્ચ પાસે રાજાઓ કરતાં પણ વધારે તેવી અબાધિત સત્તાઓ તથા સંપત્તિ હતી. યુરોપખંડના અનેક દેશોમાંથી આવેલા સૈનિકો ચર્ચનો આદેશ સ્વીકારતાં આમાં જોડાયા. આ સૈનિકો ‘ક્રુસેડર’ તરીકે ઓળખાયા. ક્રુસેડનો મકસદ પાર પાડવા માટે યુરોપથી જેરૂસલેમ સુધીના માર્ગમા સૈનિકોને રક્ષણ આપે તેવા અનેક કિલ્લાઓ હોવા આવશ્યક હતા. ક્રુસેડરોએ જોર્ડન, લેબેનોન ટર્કી તથા સિરિયામાં કેટલાક વિદ્યમાન કિલ્લાઓ પર યુદ્ધમાં જીતીને કાબૂ મેળવ્યો, તો કેટલાક નવા બાંધ્યા પણ ખરા. આ કિલ્લાઓ મધ્યપૂર્વના ક્રુસેડર કૅસલ્સ તરીકે ઓળખાયા. આવા વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા પ્રમુખ કિલ્લાઓમાંથી એક તે આપણો આ કરાક કૅસલ અર્થાત્ કરાકનો કિલ્લો. કરખાનો અર્થ થાય ઊંચી જગ્યા. આ કિલ્લો સમુદ્રની સપાટીથી ૧૦૦૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે, એટલે ‘કરખા’ કહેવાયું. તેમાંથી અપભ્રંશ થયું ‘કરકા’ અને તેનું થયું ‘કરાક.’ આમ તો જોર્ડનમાં આવા બે કિલ્લાઓ જોયા. એક તો રાજધાની અમ્માન પાસે સ્થિત અજલૌનનો કિલ્લો અને બીજો આ કરાકનો કિલ્લો. બંને ઊંચા ડુંગર પર ઊભેલા છે. વ્યવસ્થા એવી કે અજલૌનની ઊંચાઈ વૉચ ટાવરનું કામ કરે. જો દુશ્મનોનું સૈન્ય એના ઉપરથી દેખાય તો કરાક પર તથા આગળ સિરિયા તથા ઇજિપ્ત સુધી સંદેશો મોકલવામાં આવતો. અહીં કબૂતરોને આવા સંદેશા લઈ જવા માટે તાલીમ અપાતી અને તેમના દ્વારા જ સંદેશાઓની આપ-લે થતી. અમે કરાકની ઊંચાઈ પર ઊભાં છીએ. ચારે તરફ ઊંડી ખીણો દેખાઈ રહી છે. સામેની ટેકરાળ જમીન પર નવા કરાક ગામની બહુમંજલા ઇમારતો દેખાય છે તથા નીચે એક બાગ દેખાઈ રહ્યો છે. બીજી તરફ વેરાનમાં સાપની જેમ સરકી જતો રસ્તો દેખાઈ રહ્યો છે. એ છે કિંગ્ઝ હાઈ-વે. સદીઓથી વણજારાઓના કાફલા જે રસ્તે ચાલ્યા, તે જગ્યાએ બંધાયેલો આ રાજમાર્ગ. પોતાના ઐતિહાસિક મહત્ત્વને લીધે આ માર્ગ જોર્ડનનું ઘરેણું ગણાય છે. કરાકના કિલ્લાને સાત મજલા છે, પરંતુ તેના પાંચમા મજલેથી તેમાં પ્રવેશો ત્યારેય આ વાતની કલ્પના પણ આવે તેવું નથી, કારણ કે, એની પાંચ મંજિલો પર્વતના ગર્ભમાં છુપાયેલી છે. કિલ્લાની ચારેકોર ખાઈ છે. તેમાં ઝૂકતી બારીઓમાંથી કેટલાંક કાણાં ખુલ્લાં છે, તો વળી કેટલાંક જરાક જુદા પ્રકારની શિલાઓથી બંધ છે. યુદ્ધ વખતે કાણાં શિલાઓથી ચણી દેવામાં આવતાં, જ્યારે શાંતિકાળમાં એ પથ્થરોને કાઢી નાખીને બારીઓ ખુલ્લી મૂકવામાં આવતી. અંદરના મહેલની રચના યુરોપિયનોની જીવનશૈલિનો પરિચય આપે છે. રસોડામાં એક બેકરી છે. વરસાદનું પાણી સંચય કરવાની વ્યવસ્થા છે તથા એક વહેતા ઝરણાના વહેણને વાળીને રસોડાની પાસે પથ્થરની નીકમાં વહાવવામાં આવ્યું છે. પથ્થરો વચ્ચે નલિકાઓની રચના કરીને ફુવારાબંધ હમામ પણ અંદર છે. મોટો ડાઇનિંગ હૉલ પણ ખરો જ. કિલ્લામાં વપરાયેલા પથ્થરો ઉપર વિવિધ સમય તથા વિવિધ સંસ્કૃતિઓને સૂચવતાં ચિહ્નો છે. આનાથી સાબિત થાય છે કે, ક્રુસેડરોએ જ્યાંથી જે મળી, તે સામગ્રી એકઠી કરીને તથા પુરાણી સાંસ્કૃતિક ધરોહરોનો નાશ કરીને આ કિલ્લો બનાવ્યો હતો. પેટ્રાના નેબેટિયનોનાં ફૂલો કોતરેલા પથ્થરો તથા સ્તંભો પરની કોતરણીવાળા ટુકડા કિલ્લાની ભીંતો પરના પથ્થરોમાં અમને તલાલે બતાવ્યા. ૧૧મીથી તેરમી સદી વચ્ચે નવ-દસ ક્રુસેડો થઈ. પછી પણ ક્રુસેડોના નામે છમકલાં તો છેક સોળમી સદી સુધી ચાલતાં રહ્યાં, પણ આ કરાકનો ઇતિહાસ બીજા નંબરની ક્રુસેડની કથા કહે છે. એ છે ક્રુસેડરો સાથે મુસ્લિમ સેનાપતિ સલાઉદ્દીનની અથડામણોનો તથા ફ્રેન્ચ ક્રુસેડર રેનાલ્ડ ઑફ શૅટીલોનની ક્રૂરતાનો. કહેવાય છે કે આ કિલ્લો ઈ. સ. ૧૧૩૦માં જેરૂસલેમના રાજા બાલ્દવીન પહેલાએ બંધાવ્યો. એના પછી તેના કુટુંબના રાજ્યકાળ દરમિયાન બાલ્દવીન ત્રીજો જ્યારે મૃત્યુ પામ્યો, ત્યારે એનો વારસદાર હજી તેર વર્ષનો જ હતો. રાજા મોટો થાય, ત્યાં સુધી રાજ્ય-કારાભાર રાજાની કોઈ વફાદાર વ્યક્તિને સોંપવામાં આવ્યો. કમનસીબે એ વ્યક્તિ મૃત્યુ પામી અને એમ રાજ્ય-કારભાર તથા રાજ્ય-સંપત્તિ તેની પત્ની સ્ટેફનીના હાથમાં આવી. પહેલી ક્રુસેડની સફળતા પછી બીજી ક્રુસેડનો એ સમય હતો. આ બીજી ક્રુસેડમાં અહીં આવેલ ફ્રેન્ચ ક્રુસેડર રેનાલ્ડ ઑફ શૅટીલોને જોયું કે એક વિધવા સ્ત્રીના હાથમાં રાજ્ય-કારભાર તથા અઢળક સંપત્તિ છે. માટે તેણે જાળ બિછાવીને સ્ટેફની સાથે લગ્ન કર્યાં. એ રીતે સંઘર્ષ કર્યા વગર જ કરાકનો કિલ્લો તેના કબજામાં આવી ગયો. જોર્ડનના લોકો માને છે કે, દરેક ક્રુસેડરનું લક્ષ્ય પવિત્ર ભૂમિ જેરૂસલેમ નહોતું. કેટલાક લાલચુ ક્રુસેડરો સત્તા ભોગવવામાં અથવા અહીંથી પસાર થતી વણજારોને લૂંટવામાં જ રસ ધરાવતા હતા. ફ્રેન્ચ ક્રુસેડર રેનાલ્ડ ઑફ શૅટીલોન તેમાંનો એક. તે એટલો તો ક્રૂર હતો કે, પોતાના દુશ્મનોને તે કિલ્લાની ટોચ પરની શિલા પરથી ખીણમાં ગબડાવીને મારી નાખતો. વળી ગબડાવતી વખતે કેદીનું માથું એક બૉક્ષમાં બાંધી દેતો કે જેથી તે પડતાંપડતાં બેહોશ ન થઈ જાય અને એમ પડવાની પીડા પૂરેપૂરી ભોગવે. કહેવાય છે કે, તે રાજમાર્ગ પર રોશની કરવા મશાલ તરીકે જીવતા માણસોને બાળતો! સેનાપતિ સલાઉદ્દીન તેની સામે લડતો રહ્યો. ક્રુસેડરથી ત્રસ્ત લોકોએ સલાઉદ્દીનનો સાથ આપ્યો. છેલ્લે રેનાલ્ડ ઑફ શૅટીલોનની પત્ની સ્ટેફનીએ પણ મદદ કરી અને એમ સલાઉદ્દીને આ કિલ્લો જીતી લીધો. કિલ્લો જીતતી વખતે અને પછી સલાઉદ્દીને સ્ટેફની તથા તેના વારસોને તથા કિલ્લાના અન્ય રક્ષકોને જીવતદાન આપ્યું, પરંતુ રેનાલ્ડ ઑફ શૅટીલોનને તલવારથી ચીરી નાખ્યો. કિલ્લામાં એક કેદખાનાની કાળકોટડી જોયેલી. તેની એક દીવાલના પથ્થરો ઉપર ઊભી લીટીઓ કોતરેલી હતી. તલાલે સમજાવ્યું કે, આ લીટીઓ કેદીઓએ કારાવાસમાં ગાળેલા સમયની ગણતરી કરવા માટે દોરલી હતી. દિવસના અજવાસની કે મુક્ત આકાશની એક ઝલક માત્ર પણ જોયા વિના અહીં કેદખાનામાં કેદ થયેલા ઇન્સાનોએ શી રીતે વરસોનાં વરસો આશાની જ્યોત જલતી રાખી હશે? અને અંતે કોઈ એક ગોઝારી ક્ષણે પર્વત પરથી ગબડાવીને એના પ્રાણ છીનવાયા હશે! પેલું અજવાળું કરવા બળતા મનુષ્યોની ચીસોથી આ કિલ્લાના પથ્થરો પણ કેવા કંપી ઊઠ્યા હશે! કરાકના કિલ્લાની દીવાલોને સ્પર્શું છું ને હજીય કાંપતા એ પથ્થરોના નિઃશ્વાસ મનને ઘેરી વળે છે. એ વાતાવરણમાંથી નાસી છૂટવાની તીવ્ર ઇચ્છા થઈ આવે છે.