રતન રૂસ્તમજી માર્શલ/વિશેષ-પરિચય
બી.એ., એલએલ.બી., પીએચ.ડી., ડી.લિટ્
ડૉ. રતન રુસ્તમજી માર્શલનો જન્મ તા. ૧૪મી ઑક્ટોબર, ૧૯૧૧ના દિવસે ભરૂચમાં થયો હતો. આ સાથે જ તેમનો પરિવાર સૂરતમાં તબદીલ પામ્યો. ડૉ. રતને તેમનું પ્રાથમિક શિક્ષણ સૂરતમાં જ પૂર્ણ કર્યું અને ડિસેમ્બર ૨૦૦૪ સુધી તેઓ ‘સૂરતી’ જ રહ્યા. ત્યાર બાદ એક ગંભીર અકસ્માત અને મેજર ઑપરેશનની જરૂર ઊભી થતાં, તેમનો પુત્ર જે અમદાવાદમાં સ્થાયી થયો હતો, તે પોતાની સાથ રહેવા તેમને અમદાવાદ તેડી લાવ્યો. ઈ. સ.૧૯૩૫માં રતને હજી બી.એ.ની ઉપાધિ મેળવી અને વધુ અભ્યાસ અંગે કાંઈક વિચારે ત્યાં તો સૂરત પારસી પંચાયતે સંસ્થાના એક મહત્ત્વના હોદ્દા પર કર્મચારી તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું. એ અરસામાં સૂરત પારસી પંચાયત, ‘પારસી ટેકનિકલ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટિટ્યુશન’ અને ‘નરીમાન હોમ ઍન્ડ ઇન્ફર્મરી’ એમ બે નવી સંસ્થાઓની સ્થાપના કરવા જઈ રહી હતી. રતન જન્મજાત સેવાર્થી જીવ, એટલે પારસી પંચાયતનું આમંત્રણ તેમણે સ્વીકાર્યું અને ઈ. સ. ૧૯૩૫થી ૨૦૦૫-૦૬ સુધી, હેડક્લાર્કના નમ્ર પદથી શરૂ સ્પેશિયલ ઑફિસરના પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચ્યા. અહીં એ વાતની નોંધ લેવી આવશ્યક છે કે પારસી પંચાયત જેવી જાહેર સંસ્થાને, રોજબરોજનાં કાર્યસંચાલનમાં, તેમના જ્ઞાન, અનુભવ અને તેમનું માર્ગદર્શન મળતું રહે એ હેતુથી સ્પેશિયલ ઑફિસરનું પ્રતિષ્ઠિત પદ ખાસ તેમને માટે ઊભું કરાયું હતું. આમ સાત દાયકાના વિક્રમી દીર્ઘકાલ સુધી, ડૉ. રતન, પૂર્ણ પ્રમાણિકતા અને વફાદારીપૂર્વક, સૂરત પારસી પંચાયતની સેવા કરતા રહ્યા. આ સમય દરમ્યાન સૂરત પારસી પંચાયતે પારસી યુવાઓ માટે ‘ટેકનિકલ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટિટ્યુશન’, ‘નરીમાન હોમ ઍન્ડ ઇન્ફર્મરી’, ‘નરીમાન પારસી ગર્લ્સ ઑર્ફનેજ’, પારસી મહિલાઓ માટે ‘આલપાઈવાલા ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટિટ્યુશન’ જેવી અનેક નવી સેવાસંસ્થાઓની સ્થાપના કરી, ઉપરાંત ‘બાઈ પીરોજબાઈ માણેકજી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ’નાં સંચાલનની જવાબદારી સંભાળી તેમજ સર જે. જે. ઇંગ્લિશ સ્કૂલ સહશિક્ષણ આપતી અંગ્રેજી માધ્યમની શિક્ષણ સંસ્થામાં તબદીલ કરી. સમાજના વસવાટની સમસ્યા સંતોષવા અનેક હાઉસિંગ પ્રોજેક્ટ્સ પણ અમલમાં મૂકવામાં આવ્યા. આ બધા પ્રોજેક્ટ્સ સાથે વ્યક્તિગતપણે રતન ગાઢ રીતે સંકળાયા હતા. સમગ્ર જીવન દરમ્યાન, વિક્રમતોડ સમયગાળા માટે, સમાજ અને સંસ્થાના ઉત્કર્ષ માટે ડૉ. માર્શલનાં સહૃદય સમર્પણને સમાજ વર્ષો પર્યંત યાદ રાખશે. વિદ્યા અને ફરજ પરસ્ત રતન આજીવન વિદ્યાર્થી રહ્યા. પંચાયતના ઉચ્ચાધિકારી તરીકેની જવાબદારીઓ નિભાવવા સાથે પણ તેમણે શિક્ષણ ન છોડ્યું. ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ એ વિષય પર સંશોધન કરી તેમણે એક મહાશોધ નિબંધ તૈયાર કર્યો, જે બદલ, બોમ્બે યુનિવર્સિટી દ્વારા તેમને પીએચ.ડી.ની ઉપાધિ એનાયત કરવામાં આવી. અહીં નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાતી સાહિત્યવિભાગમાં પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરનાર યુનિવર્સિટીના તે પ્રથમ વિદ્યાર્થી હતા. કેટલાક સમય પછી, તેઓ જ્યારે પંચાયતના ઉચ્ચતમ હોદ્દા પર હતા ત્યારે, વધતી જવાબદારીઓ સાથે તેઓ સૂરતની લૉ કૉલેજમાં, પુત્ર રુસ્તમના સહપાઠી તરીકે જોડાયા અને કાયદાની ડિગ્રી હાંસલ કરી ત્યારે તેમની ઉંમર ૬૦ વર્ષની હતી. હવે જ્યારે ડૉ. રતનની શૈક્ષણિક સિદ્ધિ બી.એ., એલએલ.બી., પીએચ.ડી. સુધીની હતી, જેમાં ઈ. સ. ૨૦૦૨માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ‘ડૉક્ટર ઑફ લેટર્સ’ ડિગ્રીથી એ સન્માનિત કરાયા. ઈ. સ. ૨૦૦૬માં પ્રકાશિત તેમનાં પુસ્તક ‘પુષ્પો અને પતંગિયાં’ની આલોચના કરતાં વિદ્યા વિશારદ પ્રિન્સિપાલ બેજન દેસાઈએ નોંધ્યું છે : “માર્શલ એક પ્રતિષ્ઠાવંત વિદ્વાન છે - તેમના શ્રેયમાં ગુજરાતી ભાષામાં પંદરથી વધુ ગ્રંથો છે. શિક્ષણ, સાંસ્કૃતિક ઇતિહાસ, ગુજરાતી નાટક તેમજ ગુજરાતી પત્રકારત્વના સંશોધન ક્ષેત્રમાં તેમનું વિશાળ યોગદાન ખૂબ જ પ્રશંસનીય છે. એક સારા વક્તા હોવા ઉપરાંત, તેઓ સાહિત્યિક સમાજોમાં વિવિધ હોદ્દાઓ ધરાવે છે. નાટક અને પેન્ટોમાઈમ પશ્ચાદ તેમનું અર્પણ નોંધનીય રહ્યું છે. ગુજરાતમાં શાળા-કૉલેજ અને યુનિવર્સિટી બૉર્ડમાં મહત્ત્વપૂર્ણ પદાધિકારી તરીકે કામ કર્યું હતું. તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન અનેક ડિગ્રીઓ હાંસલ કરી છે.” ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે ડૉ. માર્શલે મહત્ત્વનું યોગદાન અર્પ્યું છે, જેને લઈ તેઓ નર્મદ સાહિત્ય સભા સાથે સચિવ, ઉપપ્રમુખ અને અંતે તેના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. તેમની જીવનકથા ‘કથારતન’ને જીવનચરિત્ર વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય તરીકે જાહેર કરાયું હતું જે બદલ તેમને ‘નર્મદ મૅડલ’ અર્પી સન્માનિત કરાયા હતા. તેમના માટે ગૌરવ અને સમાજ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે અત્યાર સુધીમાં ‘નર્મદ મૅડલ’થી પુરસ્કૃત થનાર ડૉ. રતન માર્શલ એકમાત્ર પારસી સાહિત્યકાર છે. પીએચ.ડી.ની ડિગ્રી માટે તેમણે તૈયાર કરેલ ‘ગુજરાતી પત્રકારત્ત્વનો ઇતિહાસ’ વિષય પરના તેમના મહાશોધ નિબંધને ઇતિહાસ વિભાગમાં પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને રંગભૂમિના ક્ષેત્રોમાં પારસીઓના યોગદાન અંગેનાં તેમના કાર્યને ગુજરાત સાહિત્ય ઍકેડેમીનો પુરસ્કાર મળ્યો હતો. હાલ, ૯૯ વર્ષની જઈફ ઉંમરે, અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે, ડૉ. રતન ગુજરાતી ટૂંકી વાર્તાઓનાં સંગ્રહ પર કામ કરી રહ્યા છે. પોલીસ, રેડિયો, રેશનિંગ વગેરે જેવી સરકાર દ્વારા રચાયેલી અનેક સલાહકાર સમિતિઓમાં ડૉ. માર્શલની સેવા લેવાઈ હતી. માનદ્ મેજિસ્ટ્રેટ તરીકે પણ તેમની પસંદગી કરાઈ હતી. દક્ષિણ ગુજરાત માનદ્ મેજિસ્ટ્રેટ ઍસોસિયેશનના તેઓ પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. ઈ. સ. ૧૯૬૫ના અરસામાં આવેલ વિનાશક ભૂકંપ પછી રાહત કાર્ય માટે સૂરત પારસી પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા તેમને નિયુક્ત કરાયા. બે માસ સુધી જન્મભૂમિ ભરૂચમાં રહી, ઝીણવટભરી માહિતી ભેગી કરી, સમાજની પ્રસંશા પામ્યા. રક્તપિત્ત અને ક્ષય રોગથી પીડિત લોકોના ભલામાં તેમણે કરેલ કાર્યથી તેઓ ખૂબ સંતોષ અને આનંદ પામ્યા. રંગભૂમિ પરત્વે તેમને ગજબનો લગાવ હતો. ખુદ નીવડેલ અભિનયકાર અને નિર્દેશક હતા. વળી સ્વયં સાહિત્યકાર એટલે એકાંકી-ત્રિઅંકી નાટકો લખવાનો પણ મહાવરો. રાજ્ય સ્તરે યોજાતી નાટ્ય સ્પર્ધાઓમાં વરસો સુધી ન્યાયાધીશોની પેનલમાં તેમની પસંદગી થતી રહી હતી. સૂરતના યઝદી કરંજિયા ડ્રામેટિક ગ્રુપ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયા હતા. તેમનાં પત્ની ફ્રેની (એમ.ડી.) એક ઉચ્ચ કક્ષાના સ્ત્રીરોગ નિષ્ણાત હતા જ્યારે તેમના પુત્ર રુસ્તમ ગુજરાત હાઇકોર્ટના ખ્યાતનામ વકીલ છે. સાત સાત દાયકા સુધી સૂરત શહેર-સમાજ અને પારસી સમાજને નિસ્વાર્થ અને નિષ્ઠાવાન સેવા આપનાર, ગુજરાતી સાહિત્ય પરત્વે અદ્ભુત અને અનોખું યોગદાન દેનાર, તેમજ વક્તૃત્વ કૌશલ્ય માટે શ્રોતાઓને લોહચુંબકની જેમ જકડી રાખનાર ડૉ. માર્શલનું નામ આજપર્યંત લોકજીભે રમતું રહ્યું છે.
બી.એ., એલએલ.બી., પીએચ.ડી., ડી.લિટ્
માનનીય સંજયભાઈ,
આપના તા. ૨૫ એપ્રિલના સંદેશના અનુસંધાનમાં આપે ડૉ. રતન માર્શલના જીવન ઉપર સંક્ષિપ્ત વિગતો માંગી હતી. આપની માંગણી હું સમજી તો શક્યો, પરંતુ નીવડેલ લેખક ન હોવાને કારણે આપની સૂચનાને અમલમાં ન લાવી શક્યો માટે દિલગીર છું. આપને યોગ્ય લાગે તે વિગત તારવી લઈ શકાય એ વિચારે તેમના જીવન અંગેની વિગતો મુદ્દાઓના સ્વરૂપમાં આપી છે : • ડૉ. માર્શલનો પરિચય આઠ-દસ વાક્યમાં આપવો એટલે આઠ-દસ ઘડામાં મહાસાગરનું પાણી સમાવવું. • સંસ્કૃત શબ્દ ‘રત્ન’નો ગુજરાતી અર્થ ‘રતન.’ ભાષામાં ‘રતન’ એટલે ‘મૂલ્યવાન મણી’, ‘ગુણવંત’ વગેરે. આમ, આ શબ્દનો અર્થ હંમેશાં ઉત્કૃષ્ટતા દર્શાવવા અર્થે જ કરાયો છે. ડૉ. માર્શલનું નામ પણ ‘રતન.’ ‘રતન’ નામ તેમણે એનાં સંપૂર્ણ શબ્દાર્થ અને ભાવાર્થમાં જીવન જીવી જાણ્યું. • જ્યારે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ન હતું ત્યારે “ગુજરાતનું પાટનગર ભલે અમદાવાદ રહ્યું પરંતુ ગુજરાતનું સાંસ્કૃતિક નગર તો સૂરત જ” આ શબ્દોમાં તેમણે સૌ પ્રથમવાર સુરતને ‘સાંસ્કૃતિક નગર’ ઘોષિત કર્યું હતું. • તેમની ફરજપરસ્તી અદ્ભુત હતી. મતલબ મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મળતાં સુરત પારસી પંચાયતમાં ક્લાર્ક તરીકે જોડાયા, અને ખૂબ જ ટૂંકા ગાળામાં એ જ સંસ્થાનાં સેક્રેટરીપદ સુધી પહોંચ્યા. કાનુની રાહે ૬૦ વર્ષની વયે આમ તો માનવી નિવૃત્ત થાય, પરંતુ ડૉ. માર્શલે નિવૃત્તિ બાદ પણ આ સંસ્થામાં સેવા આપવાનું ચાલુ રાખી સળંગ ૭૫થી ૭૭ વર્ષો સુધી સૂરત પારસી પંચાયતની આદર્શપૂર્ણ નીતિમય સેવા કરી. ‘આદર્શપૂર્ણ નીતિમય સેવા’ એ શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કે નિવૃત્તિ બાદના ૧૫થી ૧૭ વર્ષની સેવા દરમ્યાન માસિક વેતન તરીકે રૂપિયો એક સ્વીકારી વેતનની શેષ રકમ તેમણે એ જ સંસ્થામાં દાન પેટે આપતા. પરંતુ હાલ જોવાય છે એમ આ વાતનો તેમણે ક્યારેય ઢંઢેરો ન પીટ્યો. • શ્રદ્ધા હોય તો સ્વીકારશો, તેમના હૃદયમાં મા સરસ્વતીનો વાસ હતો. કહેવાનો ભાવ એ કે તેઓ આજીવન વિદ્યાર્થી જ રહ્યા. નિવૃત્તિ વયે તેમણે એલએલ.બી.ની ડિગ્રી મેળવી પોતાની વર્ષો પુરાણી મનોકામના પૂર્ણ કરી. • ભારત હજી આઝાદ નહોતું થયું, સમગ્ર વ્યવહાર અંગ્રેજીમાં જ માન્ય રખાતો. એ સમયમાં તેમણે પ્રખર સાહિત્યકાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ નામક વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરી, મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે ડૉક્ટરેટ(પીએચ.ડી.)ની પદવી પ્રાપ્ત કરી. ગૌરવ એ વાતનું કે ગુજરાતી ભાષામાં શોધનિબંધ લખી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર ડૉ. રતન માર્શલ વિશ્વભરમાં પ્રથમ ગુજરાતી હતા. • સાહિત્ય પરત્વેના તેમનાં આજીવન અર્પણની નોંધ લેતાં, ઈ. સ. ૨૦૦૦માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને માનદ્ ડી.લિટ્ની પદવીથી તેમને સન્માન્યા. • તેમની જીવનશૈલી જોતાં હું તેમને ‘કર્મયોગી’ એ રીતે માની શકું કે ‘કર્મ’ શબ્દમાં મેં તેમના કર્તવ્યની ગહરાઈ જોઈ છે, જ્યારે ફળપ્રાપ્તિની આશા વિનાના તેમના વ્યવહારની ભાવના ‘યોગી‘નું પ્રતિનિધિત્વ કરે છે. જાત-કૂળ-રૂપ કે મીઠાશભરી વાણીના શબ્દોચ્ચારથી નહીં, માનવીની મહેંક તો તેમણે આચરેલ કર્મોથી પ્રસાર પામતી રહે છે, જેને લઈ સંપર્કમાં આવનાર દરેક માનવીના હૈયામાં એ સ્થાન મેળવી લે છે. • એક સાહિત્યકાર તરીકે અનેક અભ્યાસલેખો, પારસી સંસારી નવલિકાઓ, સામાજિક કે હાસ્યરસિક અનેક નાટકો, અનેક રૂપાંતરો, તેમજ મનનશીલ પુસ્તકોનું સર્જન કર્યું છે. શાળાકાળમાં અમને ‘કલ્પવૃક્ષ’ અને ‘કામધેનુ ગાય’ની વાતો શીખવાડવામાં આવી હતી. ડૉ. માર્શલનું સાહિત્યસર્જન જોતાં મનમાં વિચાર ઉદ્ભવે કે શું મા શારદાએ કલ્પવૃક્ષના કાષ્ટમાંથી બનેલી કલમમાં કામધેનુના દુગ્ધની શાહી તો ન ભરી હોય જેને કારણે તેઓ અવિરત શિષ્ટ સાહિત્યનું સર્જન કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. • ડૉ. માર્શલનો પરિચય એક જ વાક્યમાં આપવાનો હોય તો ઋગ્વેદનું આ લખાણ યાદ આવે : “મોટાઈ સૌજન્યથી શોભે; કુલીનતા નમ્રતાથી શોભે; સંપત્તિ એના સદ્ઉપયોગથી શોભે; માનવી માનવતાથી શોભે; આ બધા ગુણો શીલચારિત્ર્યથી શોભે; જ્યારે શીલચારિત્ર્ય સમો સમાજ નીરક્ષીર ડૉ. રતન રુસ્તમજી માર્શલ જેવા ગુણવંત નરરત્નોથી શોભી ઊઠે છે.” ભગવાનના લાખ લાખ શુક્ર, સદીઓથી જેમણે કારકિર્દીનાં પ્રત્યેક ક્ષેત્રોને પારસી સમાજના જનશ્રેષ્ઠોથી શણગાર્યા છે. આ સદીના ચીર્ કાલિન સાહિત્યકારોમાંના એક પેટે તેમની પસંદગી ડૉ. માર્શલ પર ઊતરી છે.