રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૨૨. ચકૂડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨. ચકૂડી


પપૂડા વાંદરાને સહુ ઓળખે. એને એક દીકરી હતી. દીકરીનું નામ ચકૂડી. ચકૂડીને ગાવાનો ને નાચવાનો શોખ. પપૂડો કહે: ‘મારી દીકરી જેવી કોઈ દીકરી નહિ; દુનિયામાં એના જેવું ગાતાં — નાચતાં કોઈને આવડતું નથી.’

આ વાત રાજા સિંહના કાને આવી. એને ચકૂડીનું ગાન સાંભળવા મન થયું.

રાજાનું નિમંત્રણ મળતાં પપૂડો દીકરી ચકૂડીને લઈ દરબારમાં હાજર થયો:

‘મહારાજ, મારી દીકરી ઊંચા આસને બેસશે.’

સિંહે કહ્યું: ‘ભલે ઊંચા આસને બેસે.’

પપૂડો કહે: ‘મહારાજ, સાથે તબલચી જોઈશે.’

સિંહે કહ્યું: ‘ભલે, તબલચી લાવો!’

તબલચી ગધેડો ત્યાં હાજર હતો. તેણે એનું તાધીન તાધીન શરૂ કરી દીધું.

ચકૂડીએ આ-આ-આ કરી ગાવાનું શરૂ કર્યું.

સિંહ કહે: ‘કોટવાલ, તમરાં ગણગણતાં હોય એવું આ શું સંભળાય છે?’

કોટવાલ કહે: ‘મહારાજ, એ ચકૂડીનું સા-રે-ગ-મ છે.’

થોડી વાર પછી સિંહે કહ્યું: ‘કોટવાલ, ખિસકોલાં રડતાં હોય તેવું આ શું સંભળાય છે?’

કોટવાલ કહે: ‘મહારાજ, એ ચકૂડી આલાપ લે છે.’

વળી થોડી વાર પછી સિંહ કહે: ‘કોટવાલ, ચકલાં બાઝતાં હોય એવું આ શું સંભળાય છે?’

કોટવાલ કહે: ‘મહારાજ, એ ચકૂડીનું સંગીત છે.’

વળી થોડી વાર પછી સિંહ કહે: ‘કોટવાલ, ઉંદર કાગળ કરડતા હોય તેવું આ શું સંભળાય છે?’

કોટવાલ કહે: ‘મહારાજ, એ ચકૂડીના ગાનની રમઝટ છે.’

સિંહ કહે: ‘કોટવાલ, એને કહે કે તારે ઘેર જઈને ગા!’

પણ ચકૂડી સાંભળે તો ને? એ તો આંખો મીંચી ગાયે જતી હતી. રાજાને ખુશ કરી એને ઇનામ લેવું હતું.

છેવટે ગીત પુરું થયું. પપૂડો કહે: ‘મહારાજ, ઇનામ! મારી દીકરીના પગે સોનાનો તોડો બંધાવો. આખી દુનિયા એની કલા જુએ એવું કરો!’

સિંહે કહ્યું: ‘એવું જ થશે.’ એણે કોટવાલને હુકમ કર્યો: ‘મદારીને બોલાવો!’

હુકમ થતાં મદારી એની ડુગડુગી સાથે હાજર થઈ ગયો.

સિંહ કહે: ‘મદારી, આ ચકૂડી તને સોંપી! આખી દુનિયા એની કલા જુએ એવું કર!’

મદારીએ ચકૂડીને ઉદેપુરી ચણિયાચોળી પહેરાવી દીધાં, પગમાં ઝાંઝર પહેરાવ્યાં, ડોકમાં માળા નાખી અને ડુગડુગી વગાડવા માંડી. કહે: ‘ચકૂડી બેટા, નાચો!’

ચકૂડીના પગ ઊંચા થયા. ઘૂઘરીનો ઘમકાર થયો, ચકૂડી નાચવા લાગી: થન! થન! થન!

મદારી કહે: ‘ચકૂડી બેટા, ગોળકૂંડાળે ફરી ગરબા ગાઓ! ગાતાં ગાતાં નાચો ને નાચતાં નાચતાં ગાઓ!’

ગોળ ગોળ ફરી ચકૂડી ગરબા ગાવા લાગી. રાજા સિંહ ખુશ ખુશ થઈ ગયો. ‘વાહ, ચકૂડી વાહ!’ કહી આખી સભાએ તાળીઓ પાડી.

મદારીએ ચકૂડીને ખૂબ નચાવી, ખૂબ નચાવી! ચકૂડીને હાંફ ચડી ગઈ. મદારી કહે: ‘ચકૂડી બેટા, હાથ લાંબો કરી રાજાની પાસે ઇનામ માગો! સોનાનો તોડો માગજો!’

રાજા સિંહે ચકૂડીને સોનાનો તોડો ભેટ દીધો. તોડો પગમાં ઘાલી ચકૂડી ફરી નાચી, ખૂબ નાચી!

સિંહ કહે: ‘વાહ ચકૂડી! દુનિયાભરમાં તારું નામ થઈ જશે!’

પપૂડો કહે: ‘ચાલ ચકૂડી, હવે ઘેર જઈએ.’

પણ ચકૂડીને તો હવે દુનિયાભરમાં નામ કાઢવું હતું. ડુગડુગી છોડીને એને જવું નહોતું. એણે કહ્યું: ‘ઊંહું!’

ફરી મદારીએ ડુગડુગી વગાડી તેણે ચકૂડીની કેડે દોરડું બાંધી દોરડાનો છેડો પોતાના હાથમાં લીધો. ચકૂડી આનંદથી ઠેકડા ભરતી મદારીની સાથે ચાલી. હજી પણ એ એની સાથે છે.

[લાડુની જાત્રા]