રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૨૮. ભાગીદારીનો ધંધો
એક હતો કૂતરો અને એક હતો બળદ.
બેઉ પાકા ભાઈબંધ.
એક વાર કૂતરાએ કહ્યું: ‘દોસ્ત બળદ, આપણે કંઈ ધંધો કરીએ અને કમાઈએ. કમાણીમાં બેઉનો સરખો ભાગ!’
બળદે કહ્યું: ‘ધંધામાં તો એવું જ હોય ને! બેઉ કામ કરે અને બેઉ કમાય! તો શો ધંધો કરીશું, કહે!’
કૂતરાએ કહ્યું: ‘ભાર વહેવાનો! ભાર ઉપાડવાનો મારે અને ખેંચવાનો તારે!’
બળદે કહ્યું: ‘બહુ સરસ!’
મેઘજી પટેલને બટાકા ભરેલું ગાડું શહેરમાં લઈ જવાનું હતું. બેઉ મિત્રોએ એ કામ લીધું.
કૂતરાએ બળદને કહ્યું: ‘હું ગાડું ઊંચકું છું, તું ગાડું ખેંચજે!’ બળદે કહ્યું: ‘ભલે!’
બળદ ગાડું ખેંચવા ગાડાની ધૂંસરીએ જોડાયો. ગાડું ચાલ્યું.
કૂતરો ચાલતા ગાડાની નીચે ભરાયો અને ગાડાની સાથે ચાલવા લાગ્યો.
ગાડું શહેરમાં પહોંચ્યું ત્યારે બળદ થાકી ગયો હતો.
કૂતરાએ કહ્યું: ‘દોસ્ત, એટલામાં તું થાકી ગયો? તેં તો માત્ર ગાડું ખેચ્યું છે, ગાડાનો ભાર તો બધો મેં ઉપાડ્યો છે! આપણને આવું થાકી જવું શોભે નહિ!’
બળદને બહુ શરમાવા જેવું લાગ્યું, એ કંઈ બોલ્યો નહિ.
કૂતરાએ કહ્યું: ‘મહેનતની રીતે જોઈએ તો કમાણી પર મારો પહેલો હક ગણાય, પણ આપણે ભાગીદારીનો કરાર કર્યો છે, એટલે આપણે કમાણીના સરખા જ ભાગ કરીશું.’
કૂતરાનું આવું મોટું મન જોઈ બળદ ખુશ થયો.
ગાડું ખેંચાવાનું અને ભાર ઉપાડવાનું આ કામ થોડા દિવસ ચાલ્યું. પણ હવે કૂતરાને ખાલી હાથે ચાલવામાં પણ શ્રમ પડતો હતો, તેથી એક દિવસ તેણે બળદને કહ્યું: ‘દોસ્ત, ગાડું ખેંચી ખેંચીને તું થાકે છે, એટલે હવે આપણે બીજો ધંધો કરીએ—તને ઓછી તકલીફ પડે એવો!’
બળદે ખુશ થઈ કહ્યું: ‘મને આ ગમ્યું! પણ એવો ધંધો કયો છે?’
કૂતરાએ કહ્યું: ‘આપણે કૂવામાંથી કોશ ખેંચવાનો ધંધો કરીએ. એમાં સુખ શું છે કે તારે આરામ કરતા કરતા કામ કરવાનું છે. એક વાર પચાસ ડગલાં આગળ, બીજી વાર પચાસ ડગલાં પાછળ! બસ, બીજું કંઈ કરવાનું જ નહિ, ક્યાંય બીજે જવાનું પણ નહિ.’
બળદે કહ્યું: ‘બહુ સરસ! અને તમારે શું કરવાનું?’
કૂતરાએ કહ્યું: ‘આમાં તને છે એવો આરામ મને નથી — મારે રાશ પર બેસી ખાલી કોશ કૂવામાં ઉતારી ભરવાનો અને ભરેલો કોશ કૂવામાંથી બહાર ખેંચવાનો — ઘણું અઘરું કામ છે. પણ શું થાય? ભાગે આવ્યું તે કરવું પડે.’
બળદે હવે કાંઈ કહેવાનું રહ્યું નહિ.
સવારથી બપોર અને બપોરથી સાંજ લગી બળદે કૂવામાંથી કોશ ભરવા ખેંચવાનું કામ કર્યું. કૂતરાએ કોશિયો બની રાશ પર બેઠાં બેઠાં ગીત ગાયા કર્યું.
બળદ ખૂબ થાકી ગયો.
કૂતરાએ કહ્યું: ‘અરે, એટલામાં તું થાકી ગયો? તેં તો માત્ર અડધો શ્રમ કર્યો છે, આખો શ્રમ તો મેં કર્યો છે. તેં માત્ર રાશ ખેંચી છે, કોશ તો મેં ખેંચ્યો છે!’
બળદને બહુ શરમાવા જેવું લાગ્યું, એ કંઈ બોલ્યો નહિ પણ એ વિચારમાં પડી ગયો કે મેં માત્ર અડધું જ કામ કર્યું છે તો મને આખો થાક કેમ લાગ્યો અને કૂતરાયે આખું કામ કર્યું છે તોયે એને અડધોયે થાક લાગ્યો નથી એનું શું કારણ?
કૂતરો ક્યારનો ત્યાંથી ચાલી ગયો હતો, અને બળદ એકલો વિચારમાં સૂનમૂન ઊભો હતો. કૌરવ નામે કાગડો ઝાડ પર બેઠો બેઠો આ બધું જોતો હતો. તેણે બળદને કહ્યુું: ‘કંઈ સમજાયું?’
કાગડાએ કહ્યું: ‘તમે બેઉ ભેગા ધંધો કરો છો તો તમને થાક લાગે છે અને કૂતરાને કેમ થાક લાગતો નથી?’
બળદે કહ્યું: ‘એ કાઠો છે.’
કાગડાએ કહ્યું: ‘કાઠો શાનો? તમારી એક લાતનો યે એ નથી. પણ તમને એ છેતરે છે. પોતે કશું કામ કરતો નથી, બધું જ કામ તમારી પાસે કરાવે છે, અને તમારી કમાણીનો અડધો ભાગ એ ખાઈ જાય છે.’
બળદે માથું ખંજવાળ્યું. આવું કેવી રીતે બને છે તે તેને સમજાયું નહિ, પણ તેણે તે જ દિવસે કૂતરાની સાથે કટ્ટા કરી નાખ્યા.
કહે: ‘હું ગાડું ખેંચીશ, કોશ ખેંચીશ, પણ મારે કોઈ ભાગીદાર નહિ જોઈએ.’
[લાડુની જાત્રા]