રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૬. ઘુવડની સલાહ
એક હતો ઘુવડ.
તે એક ઝાડની બખોલમાં બેઠો હતો.
તેવામાં તેણે નીચે જમીન પર વાંસનો છોડ ઊગતો જોયો.
તેણે બૂમ પાડી જંગલનાં બધાં પંખીઓને ભેગાં કરી કહ્યું: ‘અરે ઓ પંખીઓ!’ પેલા ઊગતા વાંસને પકડો ને એને મૂળમાંથી ઉખાડી ફેંકી દો! એ તમારો દુશ્મન છે.
પંખીઓએ કહ્યું: ‘એ અમારો દુશ્મન કેવી રીતે?’ બાપડો ટચૂકડો છે!’
ઘુવડે કહ્યું: ‘કાલે એ મોટો થશે, ને એનાં કામઠાં બનશે!’
પંખીઓએ હસીને કહ્યું: ‘કામઠાં બને તેથી અમને શું?’
ઘુવડે કહ્યું: ‘બીજી પણ એક વાત મારે તમને કહેવાની છે. પણે નદી કિનારે પેલાં બરુ ઊગે છે તેનેયે મૂળમાંથી ઉખાડી ફેંકી દો!’
પંખીઓને આ સાંભળી વધારે હસવું આવ્યું. તેમને થયું બહુ ભણી ભણીને ઘુવડનું આજે ફટકી ગયું લાગે છે.
તેમણે કહ્યું: ‘કેમ ભાઈ, એ બરુ પણ અમારું દુશ્મન છે શું?’
ઘુવડે કહ્યું: ‘હા, એ તમારું પાકું દુશ્મન છે! વાંસનાં કામઠાં પર ચડીને એ બરુ તીર બની ઊડીને તમને મારશે.’
પંખીઓને આ બહુ ગમ્મતની વાત લાગી.
તેમણે કહ્યું: ‘બરુ ઊડશે કેવી રીતે! એને કંઈ પાંખો છે?’
ઘુવડે કહ્યું: ‘તમારાં પીંછાંની મદદ લઈ એ ઊડશે. પીંછાં છે રૂડાંરૂપાળાં, પણ એનામાં વિવેક બુદ્ધિ નથી એટલે તો હું તમને કહેતો રહું છું કે તમે તમારાં પીછાં વેરવાનું બંધ કરો! પેલો ગાંડા જેવો માણસ જંગલમાં ફરે છે એ જોયો? એ શું કરે છે, તમને ખબર છે? એ તમારાં વેરાયેલાં પીંછાં ભેગાં કરે છે, અને આ વાંસ અને બરુ ક્યારે મોટાં થાય તેની રાહ જુએ છે. પછી એ બરુનાં એ તીર બનાવશે, અને તેના છેડે તમારાં જ પીંછાં બાંધશે. તમારાં પીંછાંને લીધે એ તીર તમારા કરતાં પણ વધારે ઝડપથી હવામાં ઊડશે ને તમને પટકી પાડશે!’
પંખીઓએ હસીને કહ્યું: ‘ઓહોહો! કેવી મોં માથા વગરની વાત કરો છો તમે?’ અમારાં મરી ગયેલાં પીંછાં અમારા કરતાં વધારે ઝડપથી ઊડે. એવું તે કદી બને ખરું? સાવ ગપ!
ઘુવડે કહ્યું: ‘ગપ નહિ, બહુ ભણી ભણીને સાચી વાત કરું છું. પૂરો અભ્યાસ કર્યા પછી આ કહું છું.’
પંખીઓએ કહ્યું: ‘અમને તો તમારું ખસી ગયું લાગે છે.’
ઘુવડ હવે કંઈ બોલ્યો નહિ.
આ વાતને કેટલોક વખત વીતી ગયો.
વાંસ મોટો થયો, ને પાકો થયો એટલે પેલો ગાંડો માણસ તે કાપી ગયો. તેવી રીતે તે બરુ પણ કાપી ગયો. અને પછી એક દિવસ અચાનક તેણે વનમાં હાહાકાર ફેલાવી દીધો.
કામઠી પર તીર ચડાવી તેણે આકાશમાં ઊડતાં પંખીઓને નીચે પાડવા માંડ્યાં. પંખીઓને હવે ઘુવડની વાત યાદ આવી.
તેઓ હવે ઘુવડની પાસે ગયાં, ને બોલ્યાં: ‘ઘુવડ મહારાજ! પેલે દિવસે અમે તમારી મશ્કરી કરી, પણ હવે નથી! પેલો દુષ્ટ માણસ કામઠી પર તીર ચડાવી છોડે છે ને અમને આકાશમાંથી ઊડતાં હેઠે પાડે છે! એના હાથમાંથી બચવાનો હવે અમને કોઈ રસ્તો બતાવો!’
ઘુવડે માથું ધુણાવી કહ્યું: ‘કોઈ રસ્તો નથી; તમારા જ શરીરનાં પીંછાં દુશ્મનના દળમાં જઈ ભળ્યાં છે, એટલે હું લાચાર છું.’
પંખીઓએ કહ્યું: ‘તો શું તમે હવે અમને કંઈ જ સલાહ નહિ આપો?’
ઘુવડે કહ્યું: ‘સલાહ આપવાનો પણ સમય હોય છે. એ સમય જો એક વાર ગયો તો ફરી પાછો આવતો નથી!’ હવે હું માત્ર એટલું જ કહી શકું છું કે ચેતીને ચાલો!
પંખીઓ નિરાશ થઈ ઘેર પાછાં ફર્યાં.
[નવાબસાહેબનાં ચા-પાણી]