રમણીક અગ્રાવતની કવિતા/અંતરીક્ષમાં લટકતી સીડીઓ
Jump to navigation
Jump to search
૭૫. અંતરીક્ષમાં લટકતી સીડીઓ
સ્વરની સહજતા
જ્યાં લઈ જાય ત્યાં જવાનું,
બસ નીકળી પડવાનું.
હડફડ નહીં, કશી ઉતાવળ નહીં
મોજાં-જૂતાં પહેરી
જાળી, દરવાજો બરાબર બંધ કરી
શેરીને જરાક મમત્વથી જોઈ
ધીરે ધીરે ચાલતાં થવાનું...
સ્વરો કેટલી સહજતાથી
એકમેકમાં ઊભરે છે, ઓગળે છે, ઓસરે છે
જરાક સ્પર્શી વળી સરે છે,
તાલની સીડી પર ધીરે ધીરે ડગ ભરતી
સ્વરની ચઢાઈ...
આ અંતરીક્ષમાં લટકતી સીડીઓ
લઈ જશે ક્યાંયની ક્યાંય
પાછું વળીને જોશો ના જરાય
મંડાઈ છે તો માંડી જ રાખશો આંખ
ખૂલી રહ્યા છે દરવાજા પછી દરવાજા...
આવજો —