રમણીક અગ્રાવતની કવિતા/ઉત્ખનન
૧.
બુગદામાં ધસે રાતની ટ્રેન
ધસે ખખડતી રાતની ટ્રેન
સહેતી સાન્દ્રબોજ અગણિત
અવિરત વહે કાળગમના
કાપતી ડહોળાણ તાણ
ધસમસે રાતની બ્હાવરી ટ્રેન
જડબેસલાક કાચ બારીઓ
મીંઢી હવા
ચસોચસ અવાજ ચોસલાં
ફંગોળતી સેંકડો ગંધ
ઝકઝોરતી રન્ધ્ર રન્ધ્ર
હણહણાટ ધસમસે
આંધળી રાતની ટ્રેન
વળ પર વળ ખળળ અંધાર
ત્રસત્રસ ગાઢ કાજળમાં
ટપકું નાનું ઉપસે ખસે
તરે અધમીચેલ મારી આંખ તળે
તરે દિવસોનાં સુખદુઃખ સોંસરવું
કાળામસ અવકાશમાં ટ્રેન સનનનન....
૨.
અતલ રાત ખોદી રાતભર
મળી હાથભર રાત અતલ.
૩.
રાતનો સુસ્ત પડાવ આંખોમાં
નિસ્તબ્ધ રસ્તાઓ
રુધિરમાં ક્યાંય અમળાતો પગરવ
ઊંઘ તોડીને ઝટ બારીએ દોડું
આંખની કેડીએ
આઘે
ભાગું ભાગું ભાગું
બારીમાં
પગરવ ખળકે લોહીમાં
સવારના પવનનો આછો હડદોલો ઊડે
કાળવી રાતે ઠાર્યા ધમપછાડા
બધાં સજીવન.
૪.
અસાવધપણે વીતાવી નાખેલાં વરસો
બે હિસાબ સમય... ...
ઊગે અણચિંતવ્યો મૂંઝારો
માથાબોળ ધ્રાસકો
મીંઢા રૂંવાડામાં આછો થથરાટ
ઘમસાણમાં તણાય દૂર
અમળાતું કુતૂહલ
વેગમાં ખેંચાતું
ડોકું કાઢે ન કાઢે, વળી ધકેલાય
પછડાય
વળી હડસેલાય
ધારેલી મોકળાશની આ દશા...
૫.
વણ અવાજ ક્ષણ ઓસરે અનુક્ષણે
અનુક્ષણે ય ના અવાજ
અપેક્ષા અણગમો બીક ચીડ
ઘડી ધડી કૃતકૃત્ય થઈ વારી જવું
સંબંધો સંબંધો સંબંધો
એક એક પળમાં ક્ષણછાપ
મૃત ક્ષણનાં કોચલાં ફણગાય
વાસી ગંધનાં વાટકી વહેવાર
ટેરવે બેઠી ક્ષણ ભાવગીતમાં ગવાય
અછૂત સ્ફટિકપળ તગ તગ શિશુદૃગ
આમ દૂર પળ એક
આમ અલોપ.
૬.
જ્ઞાનની શાંત ઘડીમાં
એક માણસ
પોતાની જ સામે આવી ઊભો રહે
સંદર્ભોસંબંધોપરિસ્થિતિઘોંઘાટ
ખરી જાય બધું નીરવપણે
રહે માણસ એકલો, નકરો
એના નબળા હાથના ઝીણા સંચારને પામતો
થાકેલા પગ અનુભવતો
કશી આભાબાભાની વાત નથી
કશું ય ગુણ્યા-ભાગ્યા વિના સમજી જાય માણસ
પહાડ જેવડી પરિસ્થિતિની એક કોર તૂટે જરીક
અડાબીડ સંદર્ભોમાં એક ડગ નવેસરથી
સમજણની હળવી ગણગણ અને નર્યો માણસ
સર્જાય પોતાનામાં શમે પોતાનામાં
જ્ઞાનની પોતીકી શાંત ઘડી.