રમણીક અગ્રાવતની કવિતા/કંકુથાપા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. કંકુથાપા

એક થાપામાં મૂક્યું બાળપણ જી રે
બીજા થાપામાં માનાં હેત જો
પગલાંમાં પગલું મૂકી નીસરી જી રે...

ઊંચી અભરાઈએ મૂકી ઢીંગલી જી રે
અડખેપડખે મૂક્યાં પાટી-પેન જો
પગલાંમાં પગલું મૂકી નીસરી જી રે...

ઉંબર ઓળંગું ને કોણ રોકતું જી રે
અણોસરો ઊભો આઘે ભાઈ જો
પગલાંમાં પગલું મૂકી નીસરી જી રે...

ફળિયામાં આંબો કોઈ ઝૂકિયો જી રે
માથે ઝળુંબે એની શાખ જો
પગલાંમાં પગલું મૂકી નીસરી જી રે...

છોડ્યું પાદર છોડી સીમને જી રે
છોડ્યા છેટે સૈયરુંના સાદ જો
પગલાંમાં પગલું મૂકી નીસરી જી રે