રમણીક અગ્રાવતની કવિતા/કષ્ટપંચક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૫. કષ્ટપંચક

પલળીને લોંદો થયો અંધારાનો દાબ
છળી પડેલી આંખમાં ઊભું દૃશ્ય જરાક.

અધજાગ્યો પગ લટકતો પાંગત ઊંચી ધાર
ઊંડે ઊંડે ભાગતી ભોંય ભળાય જરાક.

કટકે કટકે બટકતા વળવિવળ વિચાર
કાળાધોળા કેસરી લીલાપીળા લાખ.

ઝીણું ઝીણું કરડતી કીડીની લંગાર
આઘે ઊંડે ઢસડતી લઈ નાસે તત્કાળ.

કફ ખણતો છાતી ગળું મનમાં રૂંધી વાત
કળતી પિંડી વલવલે ડ્‌હોળે ગાઢી રાત.