રમણીક અગ્રાવતની કવિતા/કાયાપલટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૧. કાયાપલટ

નવી સડક પર સવાર થઈ
એક દિવસ આવી પૂગ્યું શહેર ગામ ભાગોળે
ગાલાવેલાં ગામને ઓસાણે ના રહ્યું
કે ક્યારે સડકને ફૂટ્યાં સો સો ભુખાળવાં મોઢાં.
આ તે સડક કે અજગર?
ગળતી જાય નદીકાંઠો, સીમ, તળાવ.

પાદર ભૂંસાયું ને પથરાઈ વળ્યું ઊભી બજારે.
ટેકરીઓ ખંડાઈ ખંડાઈ
ધરબાઈ ગઈ નક્કર રસ્તે.
ગામવટો લઈ પંખી વળ્યાં બધાં ય.
ભરાઈ ખટારેખટારા ઉશેટી મુકાયાં પશું ભૂરાટાં.
અંજળિ છાંટી ઊભાં રાખ્યાં જાણે
હાકાંબાકાં તાકતાં
એકમેકને આંટી મારે એવાં મકાન.

ભરી વસતીમાંથી શોરબકોર વચાળે ભરી ઘરવખરી
છાને ચીલે ગાડું હાલ્યું જાય એમ
એક પછી એક ગામનાં ગામ તો હાલ્યાં.