રમણીક અગ્રાવતની કવિતા/ડોકિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૨. ડોકિયું

જૂની ડાયરીઓમાં ઘણી કામની વસ્તુ હોય છે
પણ તકલીફ એ કે
ડાયરીનાં પાનાંઓમાં એક વાર પેઠા પછી
ઝટ ભાગી છૂટવું મુશ્કેલ
ભાન ન રહે સમયનું
શેની લેવા ગયા ભાળ
’ને ક્યાં ભેરવાયા
તે પણ ન પરખાય
કસોકસ ગ્રસે ભૂતકાળ

રૂઝ વળી ગયેલી ચામડી હેઠળથી સળકે
પુરાણી પીડા
પીડામાં દીર્ઘ ઈ અને કાનાની વચ્ચે
ઘૂંટાય ડૂમાનો ડ
વિસરાયેલા આનંદ ચડે છાતીએ
ન-ના અનુસ્વારની ઠેક લઈ
દડદડે આનંદનો દ

ડાયરીને પાને પાને
પંક્તિ પંક્તિ વચ્ચેથી
શબ્દ શબ્દ વચ્ચેથી
અડોઅડના અક્ષર વચ્ચેથી
સજીવન થાય
દટાઈ ગયેલા ગમા-અણગમા
હરખ-શોક

વીતેલા સમયનો આફરો
ડાયરીમાંથી
પેસે મનમાં.