રમણીક અગ્રાવતની કવિતા/નાથુ ભીખા ચૌહાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૧. નાથુ ભીખા ચૌહાણ

થીગડાંવાળી ત્રાંસી ખોડેલી છત્રી હેઠળ
ભરચક ચોકની કોરે
હથોડીની ઝીણી ટીપટીપટીપ અને
ચામડું વેતરતી રાંપીના કરકરા ફુસફુસાટ
વચ્ચોવચ નાથુ ભીખા ચૌહાણનાં બેસણાં.
સુકાયેલ કદકાઠી અને
હાડચામનો ખખડધજ માળો કશીક માઠી દશાને
આપોઆપ ચીંધે.
સરનામું – મચ્છી બજારની ગંધથી દક્ષિણે,
નર્મદાના ખળભળાટથી ઉત્તરે,
ધોળી કૂઈ બજાર.
તમારી કરુણાનો એને ખપ નથી.
ચામડાનાં બૂટચપ્પલ એની નજરમાં ઝટ ચડે.
‘પ્લાસ્ટિકિયા થૈ ગ્યા હંધાય
સામડું કોને પેરવુંસ અવે.’
છૂટા રૂપિયા નહીં હોવાને બહાને
કદીક દસની નોટ ઝલાવી
ચાલતી પકડવા જેવું કરશો તોય
નાથુ ભીખા ચૌહાણનો દીન અવાજ
આડે આવી ઊભો રહી જશેઃ
‘પાંસ રૂપ્યા સાયબ,
નો હોય તો ફેર આવો તંયે આપજ્યો—’