રમણીક અગ્રાવતની કવિતા/ભૂંગળ
એક તરંગે જયજયકાર
એક તરંગે થેઈથેઈકાર
એક ફાળમાં ઘૂમી વળે આખો ચોક
ધૂળિયા ગામનો અજાણ્યો ચોક
સ્વરોના ઊઘડતા પડતા પડદે
ઊઘડે વેશ પછી વેશ
ઝંડા-ઝૂલણનો વેશ, મહિયારીનો વેશ
રોજબરોજની હાયવોયને હસી કઢાવતા અડવાનો વેશ
સ્વર આંદોલને વેશલીલાની અવરજવર
ઊભરાય ચોકમાં
ભભકતી પેટ્રોમેક્સનો રજોટાયેલો અજવાસ
તોળાયેલી સ્તબ્ધતા વચ્ચોવચ
પગવાજું, તબલાં, ઝાંઝ
પતરાનો ખાલી ડબ્બો
ખરજમાં ગરજતી ભૂંગળો
રચી દે મહાભારત-યુદ્ધ
છાણના કોઠે રગદોળાતો અભિમન્યુ
ગટોરગચ્છની માયાજાળ
મૂછે તાવ દેતા દૂર્યોધનના હાકોટા
મન્દ્ર ધૈવતમાં શકુનિની કુટિલતા પડઘાય
ઘેરી ભૂંગળને નાળચે ગાજે
અઢાર અઢાર અક્ષૌહિણી સેનાને માથે ઘૂમતા
કાળચક્રનો ઘરઘરાટ
ગંડસ્થલ આહત્ હાથીની ચિંઘાડ
ભાલાની અણીએ પરોવાય ઘાયલ અશ્વોની હેષા
કાળમાં આથમતા સ્વર ઝાલી
હજીય આ રણકે
તોળાયેલી ભૂંગળ
જાણે હરખઘેલી ભૂમિના લંબાયેલા થરકતા હાથ
પાતાળ ફાડીને પ્રગટે ધરતીનો વિહ્વળ સાદ