રમણીક અગ્રાવતની કવિતા/રામબાઈમાને લીલાલહેર છે
પોતાની જીર્ણ ઓરડી જેમ જ
સહેજ ઝૂકી ગયાં છે રામબાઈમા.
ગારથી લીપેલાં ફળિયે
પગ મૂકો તો ખબર ન પડે
કે ઘરમાં કોઈ છે કે કેમ.
માડીની પાળેલી મીંદડી ક્યાંક ખૂણેખાંચરેથી
હોંકારો દે બસ એટલું જ.
બીજો હોંકારો દે છીંકણીની ગંધ.
કાળું મલીર અને કિરમજી કાપડું પહેરેલાં માડી
માંડ માંડ દેખાય આંખ ખેંચીને જોઈએ ત્યારે.
કોઈ છોકરુંય આંગણે આવી ચડે
તો માડી એને ચપટી સાકરનો ભૂકો અચૂક આપે.
એ સાકરના સ્વાદમાં બજરની ગંધ ઘોળાયેલી હોય.
લોકો વાતો કરતાં હોય કે
આટલામાં એક લાંબો સાપ ફર્યા કરે છે
એટલે આપણને બીક હોય.
પણ રામબાઈમા ચૂંચી આંખો ફેરવતાં
કપાળ પરનો મસો પંપાળતાં કહેવાનાંઃ
કાળો કાળોતરોય આભડે એમ નથી મને.
એમની એક આંખે આભડી ગયો છે મોતિયો
અને બીજી આંખમાં ઘેરાયું છે ઝામરનું ગ્રહણ
પરંતુ માડી એમ જ કહેઃ
હવે મારે ક્યાં કંઈ જોવું છે, બૌ જોયું.
કડકડતી ટાઢ હોય કે માથાંફોડ ઉનાળો
કે અષાઢનો ગાંડો વરસાદ
ખૂણાની ખાટલીમાં બિરાજમાન રામબાઈમા
એક નહીં અનેક વાર જોઈ ચૂક્યાં છે આ વારાફેરા.
ગારાની ભીંત્યું પડવાનો ભો ભારે
એમ કોઈ કહે એટલે માડી બોલે જઃ
ભલેને ભીંત પડતી
આયખાના આંટાફેરા ટળે, બીજું હું?
રોજ બપોર ઢળ્યે લાકડીને ટેકેટેકે
નીકળી પડે માડી
જાણે ચારધામની જાતરાએ નીકળ્યાં હોય!
પોપલા ચહેરે હસું હસું આંખે આખા ગામની
ખબર લેતાં લેતાં એ પૂગે
રામજીમંદિરના પૂજારીને આંગણે
ધ્રૂજતા સાદે બધી ડોશીઓ ભેળાં
ધોળમંગળ ગાય,
એમ દિવસ આવે ને જાય!