રમણીક અગ્રાવતની કવિતા/વલૂરાટ
Jump to navigation
Jump to search
૬૩. વલૂરાટ
પંદર પંદર વરસથી ડાબો પગ
થયો છે ખરજવાને હવાલે.
પગને વળગ્યું છે ખરજવું
કે પગ જઈને બાઝ્યો છે ખરજવે
કંઈ કળાતું નથી.
પગ છે ગરક સુખમાં
કે સુખે ઝબોળી લીધો છે આખો ય પગ એનામાં
કંઈ ઊકલતું નથી.
હવે પગ ક્યાં ચાલે છે
નકરી ખણસ ચાલે છે દિવસ અને રાત.
ચાલી ચાલીને હૂસ નીકળી ગઈ તો ય
પહોંચાતું નથી વલૂરાટના મૂળ સુધી.
નખની અધીરાઈ અધધધ થઈ જાય છે
હાથ આવતું આવતું સહેજમાં જ રહી જાય છે
ખણસનું બી.