રમણીક અગ્રાવતની કવિતા/સંપાદકનો પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંપાદકનો પરિચય

યોગેશ વૈદ્ય

બગસરા(મેઘાણી)માં જન્મેલા (૨૩/૧૨/૧૯૬૨) અને વેરાવળ(સોમનાથ) -માં વસતા કવિ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને જી.એચ.સી.એલ. લિમિટેડ નામક કંપનીમાં જનરલ મૅનેજર તરીકે સેવા બજાવે છે. ૪૫ વર્ષથી કવિતા લખી રહેલા આ કવિનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે : ‘હું જ દરિયો, હું જ ભેખડ’ (કાવ્યસંગ્રહ), ‘ભટ્ટખડકી’ (કાવ્યસંગ્રહ), ‘સાંપ્રત અસમિયા કવિતા’ (કાવ્યાનુવાદ) અને ‘નવો ઉતારો’ (અંગત નિબંધો). કવિએ ઈમ્ફાલ (મણિપુર) મુકામે સાહિત્ય અકાદેમીના ‘All India Poetry Festival’માં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તેઓ ઘણાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંમેલનોમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમના અસમિયા ભાષાની કવિતાઓના અનુવાદના કામ બદલ અસમ સાહિત્ય સભા દ્વારા આસામમાં તેમનું જાહેર સન્માન પણ થયું છે. ‘નિસ્યંદન’ નામક ઈ-સામયિકનું પ્રકાશન, સંપાદન કર્યું છે. વિશ્વભરના દશેક હજાર ઈ-મેઇલ પર પહોંચતા આ સામયિકના કેટલાક વિશિષ્ટ વિશેષાંકો થયા છે : ઑફિસ કવિતા વિશેષાંક, મણિપુરી કવિતા વિશેષાંક, અસમિયા કવિતા વિશેષાંક વગેરે. હમણાં જ પ્રગાટ થયેલા કવિના કાવ્યસંગ્રહ ‘ભટ્ટખડકી’ને વ્યાપક આવકાર મળી રહ્યો છે. તેમની કવિતા વિશે થયેલાં કેટલાંક મહત્ત્વનાં વિધાનો તેમના પરિચય રૂપે : “ગીર પરનાં કાવ્યો ન્યાલ કરી ગયાં. સવૈયા, કટાવ અને દોહાઓમાં અહીં ગીર જેવી તાજપ. ગુજરાતી કવિતાનો નવો અને સક્ષમ અવાજ કળાયો. જાણે ગીરને એનું ભાષા કલેવર જડ્યું છે. બીજી રીતે કહીએ તો કવિને એનું ગીર જડ્યું છે અને ગીરને એનો કવિ જડ્યો છે. ગીરનાં જીવંત ભૂમિચિત્રો અંકિત કરતી પ્રત્યક્ષ કલ્પનોની પ્રાણવાન સૃષ્ટિને ગુજરાતી ભાષામાં નિર્મિતિ આપવા સોરઠને કોઈ કવિ આખરે જડ્યો ખરો.”

Email : mryogi૬૨@gmail.com
સરનામું : ‘હૃદયકુંજ’, યોગેશ્વર સોસાયટી, રાજ ડેરી પાસે, ૬૦ ફૂટ રોડ, વેરાવળ, ૩૬૨૨૬૫, ગીર-સોમનાથ