રમણીક અગ્રાવતની કવિતા/૯૧૬૩ ડાઉન : સાબરમતી એક્સપ્રેસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૭. ૯૧૬૩ ડાઉન : સાબરમતી એક્સપ્રેસ

ટ્રેનને એક છેડે અયોધ્યા
એક છેડે અમદાવાદ.
કોઈ છેડે દિલ્લી
કોઈ છેડે દોલતાબાદ
સમયસર ઊપડે છે અસમયે
કસમયે પહોંચે છે સમયસર

ટ્રેન રોજેરોજ કાપે અંતર
ખૂટ્યાં ન ખૂટે એવાં સનાતન અંતર
કાપે કાપે તો ય રહી જાય થોડાક માટે

રોજ થોડુંક રહી જતું અંતર
કાપવા દોડાવવી પડે છે ટ્રેનને
ટાઇમટેબલ આરપાર પૂરપાટ
પણ સળંગ અંતરો વચ્ચે આખેઆખી સજડબમ
થીજી ગયેલીને દોડાવવી તો કેમ દોડાવવી?

જુદાં જુદાં ટર્મિનસો પર ઘડાવા માંડે છે
નવા વ્યૂહ, નવા સકંજા, નવાં ટાઇમટેબલ
હમણાં, હજી હમણાં આ લખાઈ રહ્યું છે ત્યારે ય
નવું ટાઇમટેબલ તોળાઈ રહ્યું છે
કદાચ એના કરતાં પહેલાં પહોંચી શકે છે
એનો અદ્યતન સુધારો –
થોડાક માટે રહી જતાં અંતરને ઝબે કરવા.