રમણીક સોમેશ્વરની કવિતા/અમથાજી તો ભાળી ગ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૭. અમથાજી તો ભાળી ગ્યા

અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ
કહી કહીને તમે હવે શું કહેશો બોલો સાંઈ!

સાંબેલાની ધારે ધારે સાત સૂરોને શોધે
ચેં-ચાં-ચૂં-ચૂં કાંઈ ન વાગે, પછી ભરાયા ક્રોધે
ઘડીક ફૂંકે, ઘડીક થૂંકે, ઘડીક કરતા કાંઈ
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ

સાંઈ તમે શું કહેશો! બોલો, બોલોને કંઈ બોલ
અમથાજીના બંધ કાનમાં વાગે ધીમા ઢોલ
ને મસ્તકમાં લબકારા મારે તડતડતી રાઈ
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ

લઈ સોડમાં સાંબેલું ભૈ અમથાજી તો સૂતા
મસ્તક પાસે મૂકી દીધાં વરસો જૂનાં જૂતાં
ત્યાં ઊડીને ઢીંચણ ઉપર બેઠી એક બગાઈ
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ