રમણીક સોમેશ્વરની કવિતા/દાદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૯ . દાદી

ગાયનો પોદળો
પોદળાનાં છાણાં
છાણાંના ધુમાડાથી
બળતી આંખોમાં
ઊભરાતો
દાદીનો
કરચલીઆળો ચહેરો
ઊપસેલા ગાલ
અને
તંગ પાંપણો પાછળ
ઘી ચોપડેલો રોટલો
ને
વલોણાની છાશ
ભીંતે થાપેલી
આંગળાની છાપ
સરતી સરતી
પસવારે ગાલ
લાંબા એકઢાળિયામાં
સળગતું તાપણું
ગૂણિયાની બિછાત
ને
તગારામાં
સેવ-ધાણીના ફાકડા
ફાકડે ફાકડે
અલકમલકની વાતો
ધુમાડાની સેરમાંથી
જાગી ઊઠતા જીન
કાલાં ફોલતી આંગળીઓમાં
ઊઘડતું આભ
ખીલે બાંધી ગાયોનો
હંભારવ
ફોંયણે વળગેલી
ખદબદતા
તાજા ખાણની
ગંધ
ઘંટીના પડની વચ્ચે
ભરડ ભરડ
ભરડાતા દિવસો
તરવર્યા કરે
હજુય
દોણીમાં તરતા
માખણની જેમ