રમણીક સોમેશ્વરની કવિતા/ભીંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૫. ભીંત

ભીંતે
છબિ ટાંગો
કે ઘડિયાળ
ભીંતને એનું કાંઈ નહીં
એ તો
ઊભી તે બસ ઊભી

ભીંતને
ન હોય કાન
કે ન હોય ભાન
છતાં પાછી
એ હોય નહીં
બધિર કે બેધ્યાન
ગુસપુસ કે ગપસપ
ચાલ્યા કરે એની આસપાસ
પણ
હોય નહીં એને
એની કશી તમા
પોતા વિશેની
બધી જ વાયકાઓને
અવગણીને
એ તો
ઊભી રહે અડીખમ
કેવળ ભીંત બનીને