રવીન્દ્રપર્વ/અમારા મોટાભાઈ - પ્રણવ જોષી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમારા મોટાભાઈ - પ્રણવ જોષી

ગુજરાત સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીના સમગ્ર સાહિત્યવિશ્વને પ્રગટ કરવાની કામગીરી શિરીષ પંચાલને સોંપી અને તેમણે એ જવાબદારી સહર્ષ સ્વીકારી. ગ્રન્થસ્થ લખાણો એ રીતે પહેલા છ ખણ્ડમાં પ્રગટ થયા. ત્યાં સુધી તો કોઈ મુશ્કેલીઓ ન પડી. પરન્તુ અગ્રન્થસ્થ લખાણો પ્રગટ કરવાનાં થયાં ત્યારે મુશ્કેલીઓ ઊભી થઈ. અમારા મોટાભાઈ સુરેશ જોષી વ્યવસ્થાના માણસ ન હતા, તેમાંય વળી તેમણે અચાનક વિદાય લીધી. મિત્રમંડળની ઇચ્છા બધું સાહિત્ય પ્રગટ કરવાની ખરી પણ સક્રિય થઈને કોઈએ કશી કામગીરી ઉપાડી નહીં. સુરેશ જોષીની વિદાય પછી ટ્રસ્ટ સ્થાપવાની વાત પણ થઈ, છતાં તેનું કશું નક્કર પરિણામ આવ્યું નહીં. કદાચ અમે પણ ઝાઝા મદદરૂપ થઈ શકતા ન હતા. સુરેશ જોષી સાહિત્યસંસ્થાઓથી દૂર રહેનારા એટલે જીવનકાળ દરમિયાન પણ કેટલુંય થઈ ન શક્યું, પરન્તુ છેવટે શિરીષભાઈ સક્રિય થયા. આ કાર્ય ખરેખર ભગીરથ હતું. અગ્રન્થસ્થ લખાણો જુદે જુદે સ્થળે વેરવિખેર પડ્યાં હતાં. કેટલાક મિત્રો અને સ્વજનો પોતાની પાસેનાં લખાણો આપવા અચકાતા હતા. કદાચ આજની તારીખેય કેટલાક મિત્રો પાસે અગ્રન્થસ્થ સામગ્રી પડી પણ રહી હોય. અમારા ઘરમાં પણ જોઈતા લેખ, પુસ્તકો શોધવાનું અઘરું હતું, પરન્તુ અમારી મા(ઉષા જોષી) અને મારી પત્ની સુરભિએ એ કામ હાથમાં લીધું. વચ્ચે વચ્ચે શિરીષભાઈ આવતા અને જરૂરી સામગ્રી ગોઠવતા. કમનસીબે કેટલીક મુદ્રિત સામગ્રી અને હસ્તલિખિત સામગ્રી ખૂબ જ જર્જરિત હાલતમાં હતી પણ એ બધી સામગ્રી શિરીષભાઈએ કાળજીપૂર્વક સંભાળી. ભારતીબહેન(દલાલ) પણ પોતાની પાસે ખૂબ જ કાળજીપૂર્વક સાચવી રાખેલા હસ્તલિખિત નિબન્ધો લેતાં આવ્યાં એટલે શિરીષભાઈનું કામ સરળ બન્યું. અમારા મોટાભાઈ ઘણું વાંચતા હતા, તેમાંથી ખપપૂરતી નોંધો ડાયરીઓમાં કરતા. એ બધી અંગ્રેજીમાં ઉતારેલી સામગ્રી કોઈ અભ્યાસીને કામ લાગી શકે. તેમણે કેટલાક મિત્રોને પત્રો લખ્યા હતા, એ મેળવવાનું કામ પણ ખૂબ જ અઘરું. તેમના પર આવેલા પત્રો તો ખાસ સચવાયા નથી; વાંચી-વંચાવીને એ બધું કાઢી નાખવાની ટેવ તેમને હતી પણ તેમના દ્વારા લખાયેલા પત્રો અમે ન જ મેળવી શક્યા, મિત્રોની ઉદાસીનતાથી અમને ખૂબ જ દુ:ખ થયંુ છે. સમગ્ર સાહિત્યવિશ્વનાં આવરણો ગુલામમોહમ્મદ શેખે ખૂબ જ ઉષ્મા અને આદરથી કરી આપ્યાં તેનો અમારે મન બહુ મોટો મહિમા છે. સુરેશ જોષીના પંદર ગ્રન્થોનું સંકલન કરવામાં શિરીષભાઈનો સંહિફાળો છે. તેમણે પોતાના લેખનકાર્યના ભોગે ઘણો બધો સમય આની પાછળ આપ્યો છે. આ માટે મેં અનેક વખત ટકોર પણ કરી હતી કે હવે તમે તમારા લેખનકાર્ય પર ધ્યાન આપો. મારી વાતમાં ચન્દ્રિકાબેન અને યુયુત્સુ પણ સૂર પુરાવતા હતા. આ ગ્રન્થો ઉપરાન્ત એક કાર્ય બાકી રહી જતુું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીની યોજનામાં એ સમાવી શકાયું ન હતું. સુરેશ જોષીએ રવીન્દ્રનાથના જે અનુવાદો કર્યા તેને એક ગ્રન્થમાં સમાવવાની યોજના શિરીષભાઈએ વિચારી રાખેલી, પણ એ માટેનું નાણાંભંડોળ એકઠું કરવામાં મુશ્કેલીઓ આવી. છેવટે શિરીષભાઈએ તેમના એક મિત્રની મદદથી રસ્તો કાઢ્યો અને ‘રવીન્દ્રપર્વ’નું આ પ્રકાશન શક્ય બન્યું, તેનો અમને બધાંને ખૂબ ખૂબ આનન્દ છે. શિરીષભાઈના આવા પ્રયત્ન વિના આવું વિરાટ કાર્ય પાર ન જ પડત એમ હું ચોક્કસપણે માનું છું. પ્રણવ જોષી


The Gujarati magazine Vani has made a charming and superb offering to the sacred memory of our late sage-poet Rabindranath by bringing out a unique Rabindranath Memorial Special Number for the Gurudev's anniversary. Like a dear-one, looking so small while in humility and modesty she bows at the feet of her beloved, but full of abundant nectar and fragrance of heart within, this insignificant looking simple souvenir૪ carries between its covers the immortal honey of the Poet's own lotus heart. The editors have presented a beautiful and varied selection of some of the Poet's masterpieces in superb Gujarati verse translation, rendered in the same metre as the Bengali. Perhaps in no other language of the world is such a translation of the original Tagore possible.

Virendra Kumar Jain
(The Indian P.E.N.)

બંગાળી ભાષા ગુજરાતીની ઘણી નજીક રહેલી છે છતાં તેની કવિતાનો અનુવાદ કઈ રીતે ઉત્તમ કાવ્યત્વ પામે તે પ્રશ્ન હજી ઉકેલવાનો રહે છે. હજી વધારે સર્જક શક્તિવાળો આપણો કોઈ લેખક એ પ્રશ્ન હાથમાં લે તો એના નિરાકરણની દિશા સ્પષ્ટ થાય ખરી. છેલ્લા થોડા વખત ઉપર અધ્યા. સુરેશ હ. જોષીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના જે અનુવાદો આપ્યા છે તે જોતાં આ પ્રશ્ન ઊકલી ગયો છે એમ આનંદપૂર્વક કહી શકાય.

સુન્દરમ્ (અર્વાચીન કવિતા, ૧૯૫૩)