રવીન્દ્રપર્વ/નમન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નમન

ઉપનિષત્કાળ યુગો પછી રવીન્દ્રનાથમાં જીવન્ત થઈ ઊઠ્યો. એટલો સમૃદ્ધ એટલો રિદ્ધિમન્ત સમય આવિર્ભૂત થઈને જ્યારે ભારતને પરિપૂર્ણ કરે. સમસ્ત વિશ્વમાં ઈશ્વરના ઐશ્વર્યને ઉદ્ઘોષિત કરી મૂકે એ ટાણું વિરલ છે. ઉપનિષદની વાણીના પડઘા તો ઘણી વાર સાંભળ્યા છે, પરન્તુ એ મન્ત્રોથી સંજીવિત થઈ પુન: એને પ્રાણિત કરતા દ્રષ્ટાએ આ યુગને ધન્ય કરી મૂક્યો છે. યુગો પહેલાંના સૂર્યોદય ને સન્ધ્યામાં આ યુગને એમણે એકરૂપ બનાવી દીધો છે. આશ્રમનાં વનનાં વૃક્ષ નીચેથી સમસ્ત વાયુમણ્ડલમાં ઉપનિષદ્ના મન્ત્રોનો ફરીથી એમણે ઉદ્ઘોષ કર્યો. સત્યનો મંજુલ ધ્વનિ ઐશ્વર્યનો પરમ સંદેશો બનીને વિશ્વના શ્રુતિપટે પ્રાણદ તરંગો ઉપજાવવા લાગ્યો. આપણી જીવનયાત્રાનું સુપથ્ય પાથેય બની રહે એવી દૃષ્ટિદા મન્ત્રવાણીને રવીન્દ્રનાથે અત્યન્ત સત્ય રૂપે પ્રત્યક્ષ કરી આપી. એમનાં આ ઉદ્બોધનોમાં વૈયક્તિક અમરતાની લાલસા નથી. એ તો કહે છે, જે આપણા અન્ધકારમાં પરપારથી પ્રકાશ આવે છે, ને એ પ્રકાશમાં જ આપણે જાગ્રત થવાનું છે. પ્રત્યેક નવો દિવસ અમૃતના સમાચાર લઈ આવે છે. રક્તોત ઉપર પણ જીવનનું શ્વેત શતદલ તરી ઊઠેલું એમણે આપણને બતાવ્યું છે. એમની વાણીમાં વિતથ ગૌરવ નથી. શૂન્ય ઐશ્વર્ય નથી, એ વાણી સત્યનો સંસ્પર્શ પામી છે ને તેથી જ એમણે ફરીને એક વાર ઉચ્ચાર્યું, જે પૃથ્વીમાં લાંચ્છિત અમે અમૃતના પુત્રો, ને અમે જ કહીએ છીએ કે તમે પણ અમૃતના પુત્રો. મૃત્યુની ધારાની એમણે ઉપેક્ષા કરી નથી. પરન્તુ મૃત્યુની એ અવિરામ ધારા જ ચરમ સત્ય નથી. જો એમ હોત તો કશું નૂતન ઉદ્ભવી શક્યું ન હોત ને માત્ર જરાની મૂર્તિ જ બધે સ્થળે પ્રગટી ચૂકી હોત. એમની આ વાણી માત્ર ઠાલાં આશ્વાસનની વાણી નથી. માત્ર મન મનાવવાની વાત નથી. જગતના મૃત્યુની બંસીના છિદ્રમાંથી જ એમણે અમૃતનું સંગીત વહી આવતું મૂર્ત કર્યું છે. દેહનો ત્યાગ કરીને જ મૃત્યુને મારવાની સંજીવની એમણે સ્વીકારી છે. દુ:ખનો એમણે સ્વીકાર કર્યો છે. એની શાહમૃગીય ઉપેક્ષા એમણે કરી નથી. મૃત્યુની વચ્ચે ઊભીને જ અમૃતત્વની ઝાંખી એ કરાવે છે, ને એ દ્વારા જ મૃત્યુને પણ એનું સાચું મહત્ત્વ અપાવે છે. ભયના ખભા ઉપર બેસીને જ મૃત્યુ ઊંચા આસને બેસે તેમાં એની સાચી મહત્તા નથી પણ અમૃતત્વના પથનિર્દેશક તરીકેનો એનો મહિમા જ આપણને પણ મહિમાન્વિત કરે છે. એમની પાસે તર્કની કોઈ નિસરણી નથી. હૃદયની સાચી અનુભૂતિનાં પુણ્યોદકે પ્રસન્ન થઈ ઊઠેલી વાણી વડે એમણે આપણને ઉદ્બોધ્યા છે. જરામાંથી ચિરનૂતનમાં જઈને, મૃત્યુમાંથી અમૃતમાં જઈને જ એમણે આપણાં હૃદયને બૃહત્ સૌન્દર્યના આવિર્ભાવથી પરિપૂર્ણ કરી દીધાં છે. વધિર્ષ્ણુ વર્તમાન પળની બધી સીમાઓને લુપ્ત કરી મૂકી છે. સુન્દરની રાગિણીને એમણે એમની જીવનકુંજોમાં બજી ઊઠતી અનુભવી છે. હૃદય દ્વારા સુન્દરના મહિમાને પ્રત્યેક યોગીએ ને પ્રત્યેક ગૃહીએ ગ્રહણ કરવાનો છે. ચાંચલ્યમાત્રનું દમન કરીને, અનન્તના સ્મરણ સાથે એકરૂપ કરીને પૂજાના મન્દિરમાં સુન્દરને પ્રતિષ્ઠિત કરી એના આનન્દને ભક્તિની આંખે જોવાને આપણને એમણે ઉદ્બોધ્યા છે. એ તો કહે છે કે આપણે અનેક વસ્તુને બાદ કરીને, અનેક વિરોધ પ્રત્યે આંખમીંચામણાં કરીને જ્યારે સૌન્દર્યને જોવા ઇચ્છીએ ત્યારે તો વિશ્વલક્ષ્મીને આપણી સેવાદાસી બનાવવાની ચેષ્ટા કરી કહેવાય. આપણા કલ્યાણને સુધ્ધાં આપણે ત્યારે ખોઈ બેસવાના, વિશ્વપ્રકૃતિને ખણ્ડરૂપે જોવા જતાં જે બૃહત્ સામંજસ્ય છે તે જ લુપ્ત થઈ જાય છે. નક્ષત્રખચિત આકાશ નીચે સમગ્રભાવે સુન્દર બનીને ઊભેલાં વૃક્ષને આંશિક ભાવે જોવા જઈએ તો કેટલી ગાંઠો, કેટલી વક્રતા, કેટલી કરચલીઓ એમાં દેખાશે. પરન્તુ એના ખણ્ડોને એક સમસ્તમાં ભેળવી દઈએ તો જ વિશ્વપ્રકૃતિમાં સૌન્દર્યનો મહિમા આપણને પ્રત્યક્ષ થાય. આવા વૈષમ્યમાંથી સુષમા પ્રચણ્ડ શક્તિએ ઉદ્ભિન્ન થાય છે. રવીન્દ્રનાથની વાણી આપણામાં સ્વાસ્થ્ય પૂરે છે. આપણને સામર્થ્ય આપે છે. ડૂબું ડૂબું થઈ રહેલા જીવનને દૃઢ આલમ્બ આપે છે. આકાશવ્યાપી ભાંગફોડનો પ્રચણ્ડ અવાજ ને મૃત્યુવેદનાનો ત્યારનો આર્ત સ્વર સાંભળવા પણ એ એટલા જ તત્પર છે. વિશ્વની જે ભીષણતા છે એનો પણ એમણે અંગીકાર કર્યો છે. એ ભીષણતામાંથી પણ પરિપૂર્ણ સંગીત અવિરામ ધ્વનિત થઈ ઊઠતું હોવાની અનુભૂતિ એ આપણને પણ કરાવે છે. માનવસંસારમાં જ એ ભીષણને સુન્દર બનેલું એ આપણને બતાવે છે. ષડ્રિપુ સંચાલિત ક્ષુદ્ર જીવનથી દૂર ચાલ્યા જઈએ કે તરત ભીષણનું પણ સુન્દરતમ સ્વરૂપ આપણે પ્રીછીએ છીએ. સુન્દરને ઓળખવા માટે કઠોર સાધના અને સંયમની અપેક્ષા રહે છે એ વાતનો એમણે ઉદ્ઘોષ કર્યો છે. સુન્દરને એમણે અન્-અન્તરાય પ્રત્યક્ષ કરાવ્યું છે. પ્રકાણ્ડ ભીષણમાંય સુન્દરનો આવિષ્કાર કરાવતા આ મન્ત્રદ્રષ્ટા કવિ કહે છે કે જગતના આનન્દયજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું નિમન્ત્રણ આપણને સૌને મળ્યું છે. એ યજ્ઞમાં આપણે પણ આપણો યત્કંિચિત્ હવિ લઈ ઉપસ્થિત થવાનું છે. નિયમનો કઠિન દણ્ડ અટલ બનીને ઊભો છે એ કવિએ જોયો છે. અ-તિથિએ આવતા મૃત્યુને પણ સહેજસરખાય સ્ખલનનો અવકાશ નથી એય કવિ જાણે છે. છતાંય એ નિતાન્ત સહજ કણ્ઠે ઉપનિષદ્ના મન્ત્રનો પુનરુચ્ચાર કરે છે. આનન્દાત્ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે| કેમ કે જે મહદ્ભવને જાણે છે કે ઉદ્યતવજ્રને ઓળખે છે તેને મૃત્યુભય રહેતો નથી. આપણે કર્મ દ્વારા જ અદૃશ્યને દૃશ્ય કરીએ છીએ. અનાગતને આપણી સન્નિધિમાં લાવીએ છીએ. એમ કરતાં કરતાં જ આપણે સ્પષ્ટ થતા જઈએ છીએ. એટલે જ ઉપનિષદ્ કહે છે: કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેત્ શતં સમા:| કર્મ કર્યા પછીના આનન્દની પ્રચુર ઉપલબ્ધિ જેઓ કરી શક્યા છે તેમની જ આ વાણી છે. આપણા કર્મજગતને વિચ્છિન્ન કરી નાખીને કદી આપણું કલ્યાણ સાધી શકવાના નથી એનો એમને દૃઢ વિશ્વાસ છે. એટલે જ એ કહે છે કે કર્મનો ોત જ પ્રતિદિન આપણી અનેક વિપદોને, અનેક વિકૃતિઓને વહાવી દૂર લઈ જાય છે. જગતના બધા જ મહાપુરુષોએ આ વાણીનો પુરસ્કાર કર્યો છે. કર્મમાં જ આપણી આત્માભિવ્યક્તિ છે. કર્મમાં જ અનન્તની સમ્મુખનું આપણું આત્મનિવેદન છે. કવિ કહે છે કે પોતે પોતાનામાં જ પર્યાપ્ત નથી એ જ પ્રાણનું લક્ષણ છે. પોતાની અંદરનાં કલ્પના અને ભાવમાત્રથી આત્મા તુષ્ટ થઈ જતો નથી, દેવા માટે ને લેવા માટે એને કર્મ કરવાની આવસ્યકતા છે. જે આત્મરતિ: જે આત્મક્રિડ: જે ક્રિયાવાન બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ એમ ઉપનિષદ્ કહે છે. રવીન્દ્રનાથની વાણીમાં પ્રસન્નતા છે. એ કોમળ છે. એ લલિત છે પણ એનું પૌરુષ, એનું જે સામર્થ્ય તે જ આપણને વિશેષ પ્રિય થઈ પડે છે. બિલકુલ અનાશ્રિતને એ દૃઢતા અર્પે છે. એ કહે છે કે વિશ્વવિધાતાએ સૂર્યને અગ્નિશિખાનો મુકુટ પહેરાવીને જેમ સૌરજગતનો અધિરાજ બનાવી દીધો છે, તેમ મનુષ્યને એણે જે તેજનો મુકુટ પહેરાવી દીધો છે, તેમ મનુષ્યને એણે જે તેમનો મુકુટ પહેરાવી દીધો છે તેનો દાહ પણ દુસ્સહ છે, એ પરમ દુ:ખ દ્વારા જ એણે મનુષ્યને રાજગૌરવ દીધું છે. નિરલસ ઉત્સાહે આ દુ:ખને વીરની જેમ ગ્રહણ કરવા આપણને એ પ્રેરે છે. કવિ તો કહે છે કે મનુષ્યનું નવવર્ષ સંગ્રામ કરીને પોતાનો અધિકાર પામે છે. આપણામાંના પ્રત્યેક પર મનુષ્યસમસ્તની સાધનાનો ભાર પ્રભુએ સ્થાપ્યો છે ને એટલે જ આપણું વ્રત કઠોર છે. એટલે જ આપણા જીવનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વવિધાતાએ જ એ યુદ્ધમાં આપણને આહ્વાન દીધું છે. આપણા અન્તરની અસ્ત્રશાળામાં એનાં ધારદાર અસ્ત્રો ચકમક કરતાં ચમકી રહ્યાં છે. રવીન્દ્રનાથ એ આયુધોને જમણા હાથની દૃઢ મૂઠીમાં ધારણ કરવાનો ઉદ્ઘોષ કરે છે અને એ યુદ્ધમાં આપણો અને આપણા પ્રભુનો જય થશે જ એમ પરમ શ્રદ્ધાથી એ વાણી ઉચ્ચારે છે. રુદ્રની પ્રલયલીલા જ માનવની જીવનવીણાના સમસ્ત આલસ્યસુપ્ત તારને કઠિન બલે આઘાત કરીને જગાડી જાય તો જ નૂતન આનન્દસંગીત વિશુદ્ધ થઈને બજી ઊઠશે એમ એમને પ્રતીતિ છે. એટલે જ એ પ્રાર્થે છે: રુદ્ર, યત્તે દક્ષિણં મુખં તેન મા પાહિ નિત્યમ્. રવીન્દ્રનાથ તો વારે વારે કહે છે કે સંસારમાં ક્ષય છે, મૃત્યુ છે. એ જો ન હોત તો જે અક્ષય કે અમૃત તેનો કોણ પરિચય પામ્યું હોત? મૃત્યુ પર ભય પર આપણે ભલે ને આંસુની નદીઓ વહાવીએ પરન્તુ એ સત્ય જ બધાં આક્રન્દોને ભેદીને બહાર આવે છે, એ તો વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેક:| કવિ તો ક્ષતિ અને પ્રાપ્તિની વચ્ચે આસન માંડીને અક્ષયની ઉપાસના કરવાનું કહે છે. જીવનની સન્ધ્યાવેળાનાં માધુર્ય સમસ્ત દુ:ખવેદનાને મધુર બનાવે છે. કેમ કે એ વેળાએ આપણું સમસ્ત લુપ્ત આનન્દથી સભર થઈ ઊઠે છે. કવિ કદી મૃત્યુથી ક્ષયથી વ્યાકુળ બની ગયા નથી. એ તો એમ જ પ્રાર્થે છે કે તું લઈ લે. બધું ઝૂંટવી લે. જે કંઈ ભગ્ન તે ફેંકી દે. જે કંઈ ક્ષયિષ્ણુ તેનો લય કરી દે. હે પરિપૂર્ણ આનન્દ, પરિપૂર્ણ નૂતનને માટે મને યોગ્ય બનાવ. કવિની સાથે આપણે પણ એ જ પ્રાર્થના કરીએ. કવિનાં આ ઉદ્બોધનો વાંચીએ છીએ ત્યારે આપણે વર્તમાનની સર્વ સીમાઓ ભેદીને યુગો પહેલાંના દ્રષ્ટાઓના આશ્રમમાં વિચરતા હોઈએ, સમસ્ત વાયુમણ્ડલમાં વ્યાપી રહેલી એ દ્રષ્ટાઓની વાણીને સાંભળતા હોઈએ એમ લાગે છે. ફરીને એમણે ભારતમાં એ ઉપનિષત્કાળ સજીવ બનાવ્યો છે. ગૂજરાત આજ સુધી એનાથી વંચિત્ રહી ગયું હતું. ‘પંચામૃત’ના પ્રકાશનથી ગૂજરાતને પણ એમની આ મન્ત્રવાણીનો પરિચય થાય છે. સુકાનભાંગ્યા નાવની જેમ આજે આપણી જીવનયાત્રાના પંથે ચાલી રહ્યા છીએ. તેવે સમયે આ ઉદ્બોધનો આપણને જીવનનું સ્થિરદ્યુતિ દર્શન આપે છૈ. આપણા પથનિર્દેશક બની રહે છે. આપણને પણ ચિરનૂતનની અક્ષયની અમૃતની પ્રાપ્તિ થયાનો આનન્દ થાય છે.