રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથની સર્જનપ્રવૃત્તિ: શિરીષ પંચાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રવીન્દ્રનાથની સર્જનપ્રવૃત્તિ: શિરીષ પંચાલ
શિરીષ પંચાલ
કવિતા

કવિ રવીન્દ્રનાથ કહે છે, ‘મારા પરિચયમાં હું કવિ છું એ સિવાય બીજું કશું કહેવાનું નથી....’ ‘ચાહું ન થાવા આ નવ બંગે નવયુગનો ચાલક!’ બાળપણમાં જ એમને એક વિલક્ષણ અનુભૂતિ થઈ અને ત્યારે ‘અન્ધકારની સાથે પ્રકાશની એ પ્રથમ શુભદૃષ્ટિ.’ કવિ તરીકે તેમને સ્વર્ગ કરતાં પૃથ્વીની ચાહના જ વિશેષ રહી છે અને એ જ કારણે વારે વારે તેઓ ઇન્દ્રિયજન્ય સંવેદનોની સહાયથી આપણી આગળ પૃથ્વીનું એક અપૂર્વ રૂપ કંડારે છે. કવિએ પોતાના અંગત જીવનમાં અનેક મૃત્યુ જોયાં પરન્તુ મૃત્યુથી તેઓ કદી ભય પામ્યા નથી. જન્મની સાથે જ મૃત્યુને તેમણે આવકાર્યું છે. વળી જીવનથી જરાય દૂર થવા માગતા નથી. ‘પ્રાણ’ નામની એક પ્રખ્યાત રચનામાં તેઓ કહે છે: ‘આ સૌન્દર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી.(મરિતે ચાહિ ના આમિ સુન્દર ભવને) હું માનવોમાં જીવવા ઇચ્છું છું. આ સૂર્યનાં કિરણોમાં, આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં હું સ્થાન પામવા માગું છું.’ અને એટલા જ માટે વૈરાગ્ય, સંન્યાસની વાતો તેમની કવિતામાં સ્થાન પામતી નથી. શંકરાચાર્યે ભલે કહ્યું હોય કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા પરન્તુ કવિ જગતને, સંસારને સ્વપ્ન યા મિથ્યા માની શકતા નથી. ‘વૈરાગ્ય સાધને મુક્તિ?’ કાવ્યના આરમ્ભે જ તેઓ કહે છે:

  વૈરાગ્ય સાધને મુક્તિ? એ ના ખપે મને
 ...
ઇન્દ્રિયનાં દ્વાર
ભીડી બેસું યોગાસને? ના, ના એ ના બને.
જે કંઈ આનન્દ રહ્યો દૃશ્યે ગન્ધે ગાને
તારો જ આનન્દ માણું એ સર્વમાં સદા.

ભારતીય પ્રાચીન સાહિત્યમાંથી વિષયવસ્તુઓ લઈને રવીન્દ્રનાથે જે કેટલીક અસામાન્ય કક્ષાની કૃતિઓ રચી તેમાં ‘કર્ણકુન્તી સંવાદ’ અને ‘વિદાયઅભિશાપ’ જેવી કૃતિઓ સહજ રીતે આપણું ધ્યાન ખેંચે છે. ઉમાશંકર જોશીની વિખ્યાત કૃતિ ‘કર્ણકૃષ્ણ’નું પણ અહીં સ્મરણ થાય. ‘કર્ણકુન્તી સંવાદ’નો આરમ્ભ કર્ણના આત્મપરિચયથી થાય છે, કર્ણ પોતાની સાચી ઓળખનો આગ્રહ રાખે છે. કેવો સન્દર્ભ કવિ રચે છે? તે સૂર્યપૂજા કરી રહ્યો છે અને અધિરથ, રાધેય તરીકે પોતાની ઓળખ આપે છે અને હવે સામે છે જન્મદાત્રી કુન્તી. કર્ણ કુન્તીને ન ઓળખતો હોય એવું તો બને જ નહીં અને છતાં તમે કોણ છો એમ પૂછે છે. ‘તમે જ શું કુન્તી, તમે અર્જુનજનની?’ તે વખતે કુન્તી રાજકુમારોની પરીક્ષાના પ્રસંગની વાત જાણે હજી ગઈ કાલની જ હોય એ રીતે દૃશ્યગોચર કરી આપે છે. મૂળ મહાભારતમાં કૃષ્ણ અને કર્ણ તથા કુન્તી અને કર્ણનો સંવાદ છે. કૃષ્ણ પહેલું સમ્બોધન રાધેય કરે છે અને પછી કૌન્તેય કહે છે. ‘કર્ણકુન્તી સંવાદ’માં મહાભારત આધારિત કથાનો કવિએ અનુવાદ નથી કર્યો, મૂળ મહાભારતમાં તો સૂર્ય પણ કર્ણને કુન્તીની વાત સ્વીકારવા કહે છે અને છતાં જન્મદાતાઓની વિનંતીનો કર્ણ અસ્વીકાર કરે છે. કર્ણનું આભિજાત્ય સોળે કળાએ ખીલી શકે એ રીતે કવિએ તેના મુખે વાણી યોજી છે. મહાભારતમાં તો કર્ણ સ્પષ્ટ શબ્દોમાં કુન્તીને કહે છે કે તમે આજે સ્વાર્થપ્રેરિત થઈને આવ્યાં છો. રવીન્દ્રનાથના કર્ણમાં નથી વ્યંગ, નથી કટાક્ષ. તે તો કુન્તાની વાણીના સન્દર્ભે કહે છે:

શબ્દહીના ભાગીરથી, લઈ ગયા મને
કયા માયાચ્છન્ન લોકે, વિસ્મિત આલયે
ચેતનાપ્રત્યૂષે પુરાતન સત્યસમ
તમ વાણી સ્પર્શી જાય મુગ્ધ ચિત્ત મમ.

રાધેય હોવા છતાં પોતાની જન્મદાતા માને પામવા તે અધીરો તો છે. અવારનવાર તે સ્વપ્નમાં કોઈ ઘૂંઘટમાં મોં છુપાવીને આવતી માતાને જુએ છે પણ તેનો પરિચય થતો નથી. માતાને પામવાની, એ દ્વારા આત્મપરિચય પામવા આતુર હતો તે વર્ષોથી અને આખરે તે પામ્યો પણ ખરો અને છતાં તે જગતને એ પરિચય આપી શકતો નથી. મહાભારતકારે કર્ણની જે મધુર, ભાવુક છબિ ઊપસાવી આપી નથી તે કવિવર ઊપસાવી આપે છે. ઘોર યુદ્ધના આગલા દિવસે થયેલા અભિજ્ઞાન પછી

આજ રાતે
અર્જુનજનની કણ્ઠે શાને સુણ્યો મેં આ
મારી જ માતાનો સ્નેહસ્વર? મારું નામ
એને મુખે શાને આવા મધુર સંગીતે
બજી ઊઠ્યું આજે?

વર્ષો પછી માતાને પામીને અતિ ભાવુક બની જતા કર્ણનું આલેખન કવિએ કર્યું છે, જે મૂળ મહાભારતમાં નથી. કર્ણના મનોજગતની આબોહવા પૂરેપૂરી કવિએ પ્રગટ કરી આપી છે. માતાનો શબ્દ સાંભળતાંવેંત

તમારા આહ્વાને
અન્તરાત્મા ઊઠ્યો જાગી. નહીં સુણું કાને
યુદ્ધભેરી જયશંખ. મિથ્યા લાગે આજે
રણહંસાિ, વીરખ્યાતિ, જયપરાજય.

પણ પછી તરત જ કુન્તીને ઉપાલમ્ભ આપતો બતાવ્યો છે. આમ ભાવશબલતાનું આલેખન પણ થવા પામ્યું છે. મહાભારતકાર કર્ણને આવેલ ભયાનક સ્વપ્નનું વર્ણન કરે છે. હાડકાંના ઢગલા પર બેસીને ખીર ખાતા યુધિષ્ઠિરને કર્ણ જુએ છે. રવીન્દ્રનાથ આ ભયાનકતાને બાજુ પર મૂકે છે, માત્ર નક્ષત્રલોકે વંચાતા યુદ્ધફળની જ વાત કરે છે. આવું જ એક બીજું પ્રખ્યાત કાવ્ય છે ‘વિદાય-અભિશાપ’. આ કથા પણ આપણને પહેલવહેલી મહાભારતમાં જોવા મળે છે. સંજીવની વિદ્યા મેળવવા માટે દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે જવું અને દેવયાનીનું હૃદય જીતીને પણ કામ પાર પાડવું એમ કચને કહેવામાં આવે છે. વિદ્યા શીખી લીધા પછી દેવયાની કચને લગ્ન માટે કહે છે, પણ તે ગુરુપુત્રી હોઈ કચ તેને અસ્વીકારે છે, પરિણામે દેવયાની તેને શાપે છે. રવીન્દ્રનાથના આ કાવ્યમાં કચ પોતાની શાલીનતા જાળવી રાખીને દેવયાનીને શાપતો નથી. ‘વિદાય-અભિશાપ’નો આરમ્ભ કચની ઉક્તિથી થાય છે, તે દેવયાનીની વિદાય માગવા આવ્યો છે અને એના પ્રતિભાવમાં દેવયાની બોલી ઊઠે છે : અન્ય કશી નહીં કામના. અને ઊંડે ઊંડે જો આવી કામના રહી હોય તો પણ તે દર્ભની અણીની જેમ પીડ્યા કરે. અહીં દેવયાનીનું સ્ત્રીસહજ વક્તવ્ય છે. સામે કચ કશાય નૈતિક મૂલ્યોને વચ્ચે લાવ્યા વિના જ અસ્વીકાર કરે છે. દેવયાનીની વાણીના કાકુ પારખવા જેવા છે. પોતાના હૃદયમાં જે છે તે સંતાડીને આનન્દપૂર્વક કચને વિદાયવાણી સંભળાવે છે. કચ સ્વર્ગમાં જશે ત્યારે —

સ્વર્ગપુરે
ઊઠશે આનન્દધ્વનિ, મનોહર સૂરે
વાગશે મંગલ શંખ, સુરાંગનાગણ
કરશે મસ્તકે તારે પુષ્પનું વર્ષણ.

પણ આ આનન્દવાણી નથી, એની પાછળ વિષમ વેદના છે, કરુણા છે. વાસ્તવમાં તો દેવયાનીને કારણે કચનો સમય આનન્દપૂર્વક વીત્યો હતો. દેવયાનીને કારણે જ કચ દાનવો દ્વારા થતી એકાધિક હત્યામાંથી ઊગરી જતો હતો. કટાક્ષમાં બોલે છે પણ ખરી કે તારા દિવસો બહુ ક્લેશમાં વીત્યા અને પછી નિ:શ્વાસભરી વાણી સંભળાવે છે:

તોય અહીં સ્વર્ગસુખ
ક્યાંથી લાવું? અહીં ક્યાં છે આનન્દિત મુખ
સુરલલનાનું?

કચ દેવયાની પાસે સ્મિતભરી વિદાય માગે છે પણ

સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી
પુષ્પે કીટસમ અહીં તૃષ્ણા રહે જાગી
મર્મમાંહિ,

અહીં જોઈ શકાશે કે કવિ દેવયાનીની વેદનાનું પ્રતિરૂપ આપીને જ વાત કરે છે. જેવી રીતે દેવયાની પોતાની વેદના વ્યક્ત કરે છે તેવી રીતે કચ પોતાના હૃદયની વાત કરતો નથી, કહી શકતો નથી. પાછળથી તે માત્ર આટલું જ કહે છે:

અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય,
સખી, વહ્યા કરે મર્મે બની રક્તમય,
શી રીતે બતાવું એને બ્હાર?

વચ્ચે વચ્ચે ‘શાકુન્તલ’ના સંસ્કાર જાગે તે રીતે દેવયાની કચને ભૂતકાળની સ્મૃતિ કરાવે છે. ‘તું ભલે જા’ એમ કહેતી દેવયાની તેને જાણે ઘડીભર(કે કાયમ?) રોકાઈ જવા કહેતી રહે છે. સાથે વીતાવેલી બધી ક્ષણો, જેની સાક્ષીએ આશ્રમવાસ ગાળ્યો તે સૌ કચની સ્મૃતિમાં છે. દેવયાનીએ એ બધું યાદ કરાવ્યું એટલે કચ પણ પોતાની સ્મૃતિમંજૂષા ખોલી બોલે છે. તે પોતાનો ભૂતકાળ વર્તમાન જ હોય એ રીતે યાદ કરે છે. દેવયાની પાસે કવિએ પ્રારમ્ભે તો કશું કહેવડાવ્યું નથી. તે જાણે કચની પરીક્ષા કરે છે. કચ સામે ચાલીને કશું બોલે છે ખરો? જે પોતાના હૃદયમાં છે તેને બાજુ પર રાખી ઇતર સ્વજનો, વનસ્પતિ-પ્રાણી પરિવારને જ યાદ કર્યા કરે છે. જાણે તે કચને સંભળાવે છે: આ બધાંની સાથે તને મારી સ્મૃતિ છે ખરી? કવિએ બહુ કુશળતાથી આ બધા પરિવેશના વર્ણન પછી દેવયાની પાસે સ્વની વાત કરાવી છે. અને બંને પોતાના પ્રથમ મિલનની સ્મૃતિઓ આ અન્તિમ મિલનની ક્ષણે વાગોળે છે. કચ કૃતજ્ઞતાની વાત કરે તેની સામે દેવયાનીને તો બહુ વાંધો છે. કૃતજ્ઞતાની વાત કર્યા વિના, મારા કોઈ ગીતની, મારા કોઈ વસ્ત્રપરિધાનની સ્મૃતિ વધારે મહત્ત્વની છે. વિદ્યા માટે લોકો દુ:ખ વેઠે તો કોઈ સ્ત્રીને માટે તપ ન કરે? દેવયાનીનો પ્રસ્તાવ આમ જોઈએ તો સીધો છે: કાં તો વિદ્યા કાં તો હું. આવા વિકલ્પો સામે આવે ત્યારે એકના ભોગે જ બીજાની પસંદગી કરવાની હોય છે અને એની વેદના તીવ્રતમ હોય છે. કવિ કાન્તને અપૂર્ણ ‘દેવયાની’ કાવ્યમાં આવી જ કોઈ વૈકલ્પિક પરિસ્થિતિ અને તેને કારણે પ્રગટનારી વેદનાની જ મહાગાથા આલેખવાની હશે ને? તેમની કૃતિનો આરમ્ભ અસાધારણ નાટ્યાત્મકતાથી થાય છે:

રજનીથી ડરૂં તોયે આજે એ લેખતી નથી,
ક્યાં છો? કચ! સખે! ક્યાં છો? કેમ હું દેખતી નથી?

અને પાછળથી દેવયાનીનો ઉપાલમ્ભ કાન્ત આ રીતે આલેખે છે:

કર સાહી કહે મીઠું: વ્યોમસાગરને તટે,
મુખ તો વિધુલક્ષ્મીનું જો, સખે! આમ ના ઘટે!’

‘વિદાય-અભિશાપ’ની દેવયાની કચ પ્રત્યે સાચી લાગણીથી પ્રેરાયેલી છે, પરન્તુ કચના પ્રત્યાખ્યાન પછી રોષે ભરાયેલી કચને મિથ્યાભાષી કહે ત્યાં સુધી તો બરાબર પણ કદાચ તેના વ્યક્તિત્વ સાથે મેળ ન ખાય એવી રીતે કચને સંભળાવે છે:

કૃતકાર્ય થઈ
આજે ચાલ્યો જશે થોડી દઈ કૃતજ્ઞતા —
લબ્ધ મનોરથ અર્થી રાજદ્વારે જેમ
દ્વારપાળને દઈ દે મુદ્રા બે કે ચાર
સંતોષાયા મને.

છંછેડાયેલી, અપમાનિત, ક્રુદ્ધ નાયિકાની આ વાણી છે. મહિનાઓના મહિનાઓ સુધી કચને ચાહનારી અને પછી નકારાયેલી નારીની આ તીવ્ર વેદનાનું પ્રતિરૂપ કવિએ આપણી સમક્ષ ધર્યું છે. અને આની સામે કર્તવ્યરત કચની વેદના કેવી છે?

સ્વર્ગ હવે સ્વર્ગ જેવું
જો ના લાગે મને, દૂર દૂરે વનતલે
જો ભટકી મરે ચિત્ત વિદ્ધ મૃગ સમ
ચિર તૃષ્ણા પીડ્યા કરે દગ્ધ પ્રાણ મમ
સર્વ કાર્ય મહીં — તોય ચાલ્યા જવું રહ્યું
સુખશૂન્ય સ્વર્ગ ધામે.

અને તોય દેવયાનીને કચના આ શબ્દો સ્પર્શતા નથી, શાપ પામ્યા પછીય કચનું આભિજાત્ય શું કહે છે?

મારું વરદાન દેવી, સુખી સદા રહેજે
વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે.

કેટલીક વાર રવીન્દ્રનાથ કોઈક પ્રકારની જીવનદૃષ્ટિ કાવ્યમાં પ્રગટાવવા કથાની પાલખનો આધાર લે છે. વાચકોનું ધ્યાન કથામાં જ પરોવાયેલું રહે તો પેલી જીવનદૃષ્ટિ વિસરાઈ પણ જાય. ‘રંગરેજની દીકરી’ આવું જ એક કાવ્ય છે. તેમાં પસંદ કરેલાં પાત્રો જુઓ. દિગ્વિજયી પંડિત શંકરલાલની સામે સાવ સામાન્ય રંગરેજની મુગ્ધ કન્યા અમીનાને મૂકી છે. એનું ચિત્ર કેવી રીતે ઉપસાવ્યું છે?

ગાતી જાય ને રંગ મેળવતી જાય
વાળની લટમાં ગૂંથે છે લાલ રંગની ફીત,
ચોળી પહેરે છે બદામી રંગની
સાડી પહેરે છે આસમાની રંગની.

અમીનાનાં વસ્ત્રોમાં રંગ ભલે કવિએ પૂર્યાં પણ એ દ્વારા તે કન્યાની દૃશ્યચેતના ઊપસાવી આપી. આવી સમૃદ્ધ ચેતના જ પંડિતના શ્લોકની પૂતિર્ કરી શકે. એટલું જ નહીં, અમીનાના ઘરનો પરિવેશ કેવો આલેખાયો છે? કસુંબી રંગનું ખેતર, શેતુરનું વૃક્ષ, પાણીમાં ચળકતો ફાગણનો તડકો, આંબાવાડિયામાં ઘૂઘવતો હોલો, વનસ્પતિજગત, પ્રાણીજગત, મનુષ્યજગત ને અચાનક અમીનાની નજરે ચઢે છે:

‘તમારાં શ્રીપદ મારે લલાટે વિરાજે’

અને અમીના પંક્તિ પૂરી કરે છે:

‘સ્પર્શ એનો થયો નહીં તેથી જ આ હૃદયને.’
પરન્તુ શંકરલાલ પંડિતને મર્મ સમજાઈ ગયો. અહંકારને કારણે જે માત્ર મસ્તિષ્કમાં હતું તેને હવે હૃદયમાં સ્થાન આપવું જોઈએ.

આવું જ એક કાવ્ય છે ‘રમકડાંની મુક્તિ’. ઉપર ઉપરથી તો એ બાળકાવ્ય જેવું લાગે. કપોલકલ્પિતતાથી ભરેલી સૃષ્ટિમાં જાપાની પુતળી, વિલાયતી રાજકુમાર, ચામાચિડિયું, પાંખો ફફડાવી આકાશમાં ઊડતો દેડકો, બોલતું વાદળ કવિએ ચિતરી દીધાં છે. અને એ વાદળના મુખે મણિબેનની પુતળી કેવી રીતે એકમાંથી અનેકમાં વિખેરાઈ ગઈ તેની વાત સાંભળવા મળે છે. કવિના નિબન્ધોમાં પણ આવો સૂર જોઈશું. વ્યક્તિ વ્યકિત મટીને સમષ્ટિમાં વિખેરાઈ જાય તો જ તેની સાર્થકતા, તેનું જ નામ મુક્તિ. ‘છેલ્લો પત્ર’ આવું જ એક અતિ કરુણ કાવ્ય છે આ રચનામાં કવિના અંગત અનુભવને વાંચવો હોય તો વાંચી શકાય. કવિએ તો એને પદ્યાકાર આપ્યો છે પણ તેને ટંૂકી વાર્તામાં પણ ઢાળી શકાય. કાવ્યમાં બે પાત્ર છે વિધુર બાપ અને એકની એક દીકરી અમલા. બાપદીકરી વચ્ચે તટસ્થતા છે. અમલાના ઘરમાં ઘણા દિવસ સુધી ડોકિયુંય ન કરી શક્યો, જાઉં જાઉં ને દિલ પાછું પડે. હવે એક દિવસ અમલાના ઘરે જઈને બધો અસબાબ નિહાળે છે અને એમાંથી મળી આવે છે અમલાનો પત્ર. બાપ પાસે તરત ને તરત પત્ર કવિ વંચાવતા નથી. બાપનું મન વારે વારે શંકિત, છેવટે એને શાળામાં દાખલ કરે છે પછી બોર્ડીંગ હાઉસમાં પણ અકાળે તેનું મૃત્યુ થાય છે. કવિ આ મૃત્યુની વાત વિગતે કરતા નથી, બાપને અત્યન્ત ભાવુક બનતો પણ દેખાડતા નથી. બાપ એટલું જ કહે છે: દેવતાએ એને લઈ લીધી. અને પછી કાવ્યના અન્તે અતિ ઘેરો કરુણ પ્રગટે છે. પેલા પત્રમાં લાંબુંચોડું કશું લખ્યું ન હતું, પત્રમાં આટલું જ લખ્યું હતું: ‘તમને મળવાની બહુ ઇચ્છા થાય છે.’ રવીન્દ્રનાથની કવિતામાં વાગાડમ્બર જરાય જોવા નહીં મળે. હા, તેમની કવિતામાં ઉપમા-ઉત્પ્રેક્ષાનું પ્રમાણ ભારે માત્રામાં જોવા મળશે. ક્યારેક એક જ કાવ્યમાં ઉપરાછાપરી ઉત્પ્રેક્ષાઓ આવી જશે. દા.ત.

આજે વિખેરાઈ ગઈ છે મારી હળવી ચેતના -
જાણે કૃષ્ણપક્ષના ગભીર આકાશે નીહારિકા,
જાણે વર્ષા શેષે શરદની નીલિમામાં
ભેળાઈ જતાં ધોળાં વાદળ.
મારો પ્રેમ
જાણે પેલા તૂટી ગયેલી વાડવાળા ખેતરના જેવો
ઘણાય દિવસથી હળ અને ખેડૂત
જેને પડતું મૂકીને ચાલી ગયા છે. (ખોવાયેલું મન)

કવિ પોતાની ચેતનાને અત્યન્ત ઉત્કટ રાખીને બેઠા છે અને એટલે જ જે કંઈ કાને પડે, જે કંઈ આંખ જુએ, નાક જે કંઈ ગન્ધ અનુભવે તેના વડે તેઓ પોતાના પ્રાણને સમૃદ્ધ કરવા માગે છે. પ્રકૃતિના એકેએક કણમાંથી રસ ભરી લેવા આતુર કવિ પોતાના પ્રાણને વિશ્વપ્રાણ સાથે ભેળવી દેવા માગે છે. વ્યક્તિ અને સમષ્ટિ, હું અને એ સિવાયનું સમગ્ર જગત, જડચેતન જગત વચ્ચે સંવાદ મહત્ત્વનો છે. આ બ્રહ્માણ્ડ જે આદિમ તત્ત્વોથી બનેલું છે તે બધાં જ સાથે કવિનો સંવાદ ચાલે છે. સૂર્યાસ્ત વેળાએ આકાશમાં જે કંઈ રંગલીલા ચાલે તેને જો ચેતના વડે ઝીલી ન લઈએ તો તે તરત જ વિલીન થઈ જવાની. એટલે એવી ક્ષણોને ઇન્દ્રિયો વડે ઝીલવાની અને પછી એનો સંચય સ્મૃતિમાં કર્યા કરવાનો. ફરી યોગ્ય ક્ષણ આવતાં એ કવિની વાણી દ્વારા પ્રગટી ઊઠવાની. દરેક કવિ અરૂપમાંથી રૂપ તરફ, અમૂર્તમાંથી મૂર્ત તરફ જતો હોય છે. પ્રકૃતિનું વાતાવરણ આંકવું હોય તો એને અનુરૂપ ચિત્રો ઊપજાવી લે. વાદળછાયા આકાશની વાત હોય કે મેઘમુક્ત દિવસની વાત હોય, કવિ આપણી આગળ એકાધિક ઇન્દ્રિયો દ્વારા ચિત્રો ઊપજાવી લે છે. કવિચેતના ક્યારેક વર્ષો જૂની શોકની લાગણીને બહાર મૂ*િ&@r__ર્તમન્ત થતી જુએ છે એ શોકનો રંગ કાળો પણ ધીમે ધીમે એ શોક ‘આશ્વિનના સોનામાંથી ઘડેલી પ્રતિમા’ જેવો બની જાય છે. સામાન્ય રીતે કવિની મોટા ભાગની કૃતિઓ પ્રકૃતિને, કોઈ પરમ ચેતનાને આવરી લે છે. પ્રણય કવિતામાં હતાશા કે વૈફલ્ય નથી, નરી પ્રસન્નતાનો સંકેત જોવા મળશે. પ્રગલ્ભ બનીને તેમણે અંગરાગ પ્રગટ કર્યો નથી, કાલિદાસના વારસ છે છતાં. કવિ પોતાની પ્રિયતમાને પહેલું ચુમ્બન કરે છે ત્યારે કેવું વાતાવરણ છે? દિશાઓ, પંખીઓનાં કલકૂજન, વાયુ-જળનો વહેવાનો અવાજ, વનમર્મર, ધરતી-આકાશ બધે જ છવાયેલી નીરવતામાં આ સ્પર્શ થતો બતાવ્યો છે. કોઈ પણ અનુભવ પ્રકૃતિની સાખે જ થતો કવિ નિરૂપે છે. બીજી રીતે કહેવું હોય તો પોતાના પ્રથમ ચુમ્બનમાં સમગ્ર પ્રકૃતિને ભાગ લેતી કવિ નિરૂપે છે. વ્યક્તિગત સુખ સમગ્ર ભૂમામાં પ્રસરી ગયું.

દિશાએ દિશાએ બજી ઊઠ્યો એકાએક
દેવાલય આરતીનો શંખઘણ્ટારવ.
અનન્ત નક્ષત્રલોકે વ્યાપી ગયો કમ્પ
છલકાઈ ઊઠ્યાં અમ નેત્રે અશ્રુજલ.

કવિના પ્રેમની પ્રકૃતિએ કરેલી સ્વીકૃતિથી કવિનેત્રે અશ્રુજળ છલકાઈ ઊઠ્યાં. આનાથી સાવ જ જુદું વાતાવરણ ‘શેષ ચુમ્બન’માં જોવા મળશે, છે તો બંનેમાં અશ્રુજળ પણ બંનેના સંકેત જુદા છે. વિશ્વમાં તુચ્છતમથી માંડીને વિરાટતમ છે. સામાન્ય રીતે તુચ્છતમમાં લઘુતાગ્રન્થિ અને વિરાટતમમાં ગુરુતાગ્રન્થિ હોવાનું મનાય છે પણ જે ખરેખર વિરાટ છે, જે ભૂમા છે તે કદી તુચ્છતમને તિરસ્કારે નહીં, એટલે જ એક મુક્તકમાં જુઓ, કવિ શું કહે છે?

પ્રાચીરના છિદ્રે એક નામગોત્રહીન
ખીલી ઊઠ્યું નાનું શું ફૂલ અતિશય દીન.
ધિક્ ધિક્ કરે એને કાનને બધાંય
સૂર્ય ઊગી પૂછે એને: ‘ઠીક છે ને ભાઈ?’

એટલે જ કવિ પૃથ્વીથી દૂર દૂર આવેલા તારાને તથા ધરતી પરના માટીના દીવાને જોડાજોડ મૂકી આપે છે. ક્યારેક કશું જ મંગલકારી, કશું જ શુભ ન હોય, માત્ર ‘ધૂસર પથની ધૂલિ એ જ તારી ધાત્રી’ અહીં નથી શંખધ્વનિ, નથી સન્ધ્યાની દીપમાળ, નથી પ્રિયાની અશ્રુપૂર્ણ આંખ, બધું જ નકારાત્મક, બધું જ અભાવાત્મક અને એ જ અભાવમાંથી કશુંક સર્જી લેવાનું.

દ્વારે દ્વારે પામીશ તું તિરસ્કાર,
એને ગણ નવવત્સરના આશીર્વાદ.
એને ગણ રુદ્રનો પ્રસાદ.
એવી જ રીતે ‘પુરાતન વત્સર’માં કવિ એકલા પ્રવાસ કરી રહેલા યાત્રીને કહે છે.
જેને કદી ઓળખ્યા ના, પિછાન્યા ના
તેના ગ્રહો પાણિ.
અને આવી ઓળખ કરાવનાર પ્રત્યે કવિ કૃતજ્ઞ છે, ’કત અજાનારે જાનાઇલે તુમિ.’
 આગલી રચનામાં કવિએ કહ્યું:
પથે પથે રાહ જુએ ઝંઝાવાત તણા આશીર્વાદ
તો ‘વર્ષશેષ’માં કવિ કહે છે:
દુ:ખના દુર્ગમ પન્થે તીર્થયાત્રા કરી છે એકાકી
દારુણ વંટોળે કર્યા કેટલા પ્રહાર!
રવીન્દ્રનાથ કદી દુ:ખને બદલે સુખની યાચના કે મૃત્યુને બદલે જીવનની યાચના, કંટકને બદલે ફૂલની યાચના કરતા નથી. ઉત્ક્રાન્તિના સર્વોચ્ચ શિખરે બેઠેલા માનવીને શૅક્સપિયરે પણ વધાવ્યો છે. આ માનવીની સારી-નરસી, ઊજળી-કાળી લાક્ષણિકતાઓ સ્વીકારવી પડે. રવીન્દ્રનાથ પણ મનુષ્યરૂપે જન્મ્યા તેની વાત આમ કરે છે:
પામ્યો હું આ જીવલોકે માનવજન્મનો અધિકાર
એ જ ધન્ય સૌભાગ્ય છે મમ.
જે કાંઈ અમૃતધારા ઉત્સાહિત થઈ જુગે જુગાન્તરે
જ્ઞાને કર્મે ભાવે. જાણું એ મારે જ કાજે.

રવીન્દ્રનાથે બહુ જ નમ્રતાપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું કે બંગાળ બીજું બધું તો ઠીક પણ મારાં ગીતો હમેશ યાદ રાખશે. આગળ આપણે જોઈ ગયા કે કવિચેતના કશાનો નિષેધ કરતી નથી. અહીં જેટલું સ્થાન પૂણિર્માનું છે તેટલું જ સ્થાન અમાવાસ્યાનું છે. એટલે ફાગણી જ્યોત્સ્ના ક્યાં પથરાઈ છે? કવિ કહે છે કે તે તો મારા પાંદડે પાંદડે, મારી કળીએ કળીએ ઝીલાઈ છે અર્થાત્ કવિવ્યક્તિત્વ વનસ્પતિ રૂપે પ્રગટ થયું. રૂપ, સૂર, ગન્ધ, સ્પર્શ: આ બધાં દ્વારા જ્યોત્સ્નાએ કવિચેતનામાં પ્રવેશ કર્યો. ભારતીય સંસ્કૃતિમાં જનની અને જન્મભૂમિ: આ બંનેનો ભારે મહિમા થયો છે. ભવભૂતિએ તો સૂત્રાત્મક પંક્તિ દ્વારા આ બંનેને સર્વોચ્ચ શિખરે સ્થાપી દીધાં. રવીન્દ્રનાથની દૃષ્ટિએ વસુન્ધરામાં બે વાત છે: એક આંસુ અને ધૂળ, સ્વર્ગમાં આ બે નથી અને એટલે જ એક રચનામાં ઇન્દ્ર પૃથ્વી વિનાના અનાથ સ્વર્ગને બચાવવા પૃથ્વી પર જવાની વાત કરે છે. આ પૃથ્વીની ધૂળને તેઓ માથે મૂકવા માગે છે. કવિ સાથે ધરતી અભિન્ન થઈને ભળી ગઈ છે. ધરતીએ કવિને ઘણું ઘણું આપ્યું છે, એનું ઋણ ચૂકવી ન શકનાર એક રીતે અપરાધી ઠરે. એટલે જ જેણે કવિને કશુંય આપ્યું હોય તેને ચરણે પોતાનું સર્વસ્વ ધરી દેવા માગે છે. એક રીતે ઉપનિષદવાણી સાર્થક થઈ. લોભ કરીને પોતાની પાસે બધું રાખી ન મૂકો, ત્યાગ કરીને જ ભોગવી શકાય છે. કવિએ આ વસુન્ધરાનાં અનેક રૂપ જોયાં છે, માણ્યાં છે — પોતાની સમગ્ર ચેતના એનું આકલન કરવામાં કામે લગાડી છે અને વર્ષાના આરમ્ભે , પ્રથમ વર્ષાએ છલકાઈ ઊઠતો આનન્દ કેવો છે? કેટલાક કવિસમયોના નિર્દેશ સાથે વર્ષાને વધાવવા માટે પથિક લલનાઓ, ગ્રામવધૂઓ, પરિચારિકાઓ, અભિસારિકાઓ અને આ બધાંને અમૂર્ત ધોરણે વ્યક્ત કરવાને બદલે ઇન્દ્રિયોત્સવ ઊભો કરે છે. ‘કેતકીની રેણુથી કેશપાશ સુરભિત કરો, ક્ષીણ કટિએ કરેણની માળા ગૂંથીને પહેરો, શય્યા પર કદમ્બની રેણુ બિછાવી દો, નયનમાં અંજન આંજો. બે કંકણને રણકાવીને તાલ ગણી ગણીને ઘરના પાળેલા મોરને નચાવો, સ્મિતવિકસિત મુખે — કુસુમશય્યા પર કદમ્બની રેણુ બિછાવી દો.’ સૃષ્ટિમાં ચારે બાજુ આનન્દની છાલકો કવિને તો અનુભવવા મળે છે અને કવિને થતા આનન્દમાં સહભાગી થવા નિમન્ત્રે છે. જે કૃપણ છે, જે અનુદાર છે તે જ પોતાની સંવેદનાઓને પોતા પૂરતી સીમિત રાખે, આને કારણે કુણ્ઠા પ્રગટે અને જ્યાં કુણ્ઠા નથી ત્યાં વૈકુણ્ઠ છે. આગળ આપણે જોઈ ગયા કે કવિ પ્રકૃતિનાં સર્વ તત્ત્વો સાથે સંવાદ ઝંખે છે. ક્યારેક આ ઝંખના એવી ઉત્કટ બની જાય કે કવિ પોતે મનુષ્ય રૂપે નહીં, પણ પોતાને વાંસ રૂપે, ચંપા રૂપે અનુભવતા થઈ જાય છે. નદીની ગતિ સાથે ચંપકવૃક્ષ પોતાની કઈ ગતિનો પરિચય આપણને કરાવશે? નદીની અલસમન્થર ક્ષિપ્ર ગતિ તો બધા જ અનુભવી શકે, પરન્તુ ગતિહીન ચમ્પકમાં કેવા પ્રકારની ગતિ? કવિ કહેશે: ‘મારી ગતિ નવીન પર્ણોમાં છે, મારી ગતિ ફૂલની ધારામાં છે.... એ તો પ્રાણની પ્રકાશ તરફની ગતિ. આકાશ એનો આનન્દ ઓળખે ને બીજો જાણે રાત્રિનો નીરવ તારો.’ ક્યારેક કવિ ચમ્પક વૃક્ષ તરીકે જ સુન્દરી વધૂને સમ્બોધે છે. એ પણ એને વધાવવા માગે છે પણ તેની પાસે શું છે? વસન્ત ઋતુમાં થતાં બધાં જ પુષ્પોની સુવાસ લઈને ચમ્પક તેને આવકારે છે. ચમ્પક માત્ર પોતાની સુવાસ જ ધરવા માગતું નથી.આવા સ્થાને કશો સ્થૂળ ઉપહાર તો યોગ્ય ન ગણાય. એ વધૂ પણ નિસર્ગનો જ એક અંશ બની જાય છે. પ્રકૃતિના અંશો અને માનવસંવેદનાને અભિન્ન ગણો એટલે ‘શેફાલિવનના મનની કામના’ની વાત પણ થઈ શકે છે અને એને સંબોધતી વેળા પ્રગટતી ભાવવિહ્વળતા કેવું તો શબ્દરૂપ લે છે તે જોવા જેવું છે. ‘હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ કેટલાં વ્યાકુળ હાસ્ય અને રુદનમાં રાત અને દિવસ સ્વપ્નમાં અને જાગતાં, આગિયાની દીપમાળ પ્રકટાવીને રાત્રિના તિમિરનો થાળ ભરીને પ્રભાતે કુસુમની છાબ સજાવીને, સાંજે તમરાંનાં ઝાંઝર રણકાવીને તારી કેટલી સ્તુતિઆરાધના કરી છે, હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ.’ અહીં ‘આગિયાની દીપમાળ’ અને ‘તિમિરનો થાળ’ની યોજના ધ્યાનાકર્ષક છે. કવિ તો સૃષ્ટિનાં બધાં જ તત્ત્વો સાથે સંવાદ કરવા માગે છે પરન્તુ કશુંક વિસંવાદી, વિરોધી હશે, જે પ્રતિદ્વન્દ્વી છે તે જેટલી બાધાઓ ઊભી કરશે તેટલી એ બાધાઓ દૂર થશે. (જુઓ ઓદર બાંધન પલઈ શકત હબે) સામી વ્યક્તિ જો ભાંગે તો એની સામે ઘડવાની પ્રક્રિયા ચાલવાની. પ્રત્યેક પ્રથમ પંક્તિના કવિની જેમ રવીન્દ્રનાથની વૈખરી પણ પ્રજ્ઞા પારમિતા સુધી પહોંચીને અલ્પ-ભૂમાનો સંગમ કરે છે. અહીં વ્યક્તિની વેદના હવામાં ભળી જાય છે. ‘કોની ખોવાઈ ગયેલી એ વાણી, કોના પ્રેમનું સ્મરણ આંબાની મંજરીની સુગન્ધ જો કે ભળીને વનને આજે રડાવી રહ્યું છે. બે કંકણનો રણકાર અત્યારે કોને યાદ છે...’ અહીં વિરોધી પરિબળો એકબીજામાં ભળી જાય છે, જીવન-મૃત્યુ, હાસ્ય-ક્રન્દન, શ્વેત-શ્યામ... ક્યારેક કવિ ખેતરમાં, ખુલ્લા આકાશ નીચે કોઈ શામળી કન્યાને જુએ છે અને પછી તો ચારે બાજુ એનો શ્યામ રંગ જ બધે જુએ છે : તમાલવન, શ્રાવણરાત્રિ, કૃષ્ણસાર હરણી... કવિ નતમસ્તકે પ્રાર્થના કયા પ્રકારની કરે છે? દીન યાચક બનીને કવિ કશું માગતા નથી.

તમારા સૂરે ગાઉં એવી વીણા મને આપો,
તમારી જ વાણી સાંભળું એવો અમર મન્ત્ર મને આપો.

શરૂઆતમાં આપણે જોઈ ગયા કે કવિને યાન્ત્રિક સંસ્કૃતિ સામે ઘણા બધા વાંધા છે. એ બાબતે કવિ અને મહાત્મા ગાંધી વચ્ચે સમાનતા છે. ગુજરાતી વાર્તાકાર ધૂમકેતુ પણ વાચાળ બનીને શહેરી જીવનને તિરસ્કારતા હતા. ‘સંસ્કૃતિને’ કાવ્યનો આરમ્ભ જ આમ થાય છે.

લાવ પાછું એ અરણ્ય લઈ લે નગર,
લે આ તારાં લોહ લોષ્ટ્ર કાષ્ઠ ને પ્રસ્તર.

આજે આટલા દાયકે નગરજીવન કેવું ભ્રષ્ટ થઈ ગયું છે? નગરસંસ્કૃતિએ મુક્તિ નહીં પણ બન્ધન ઊભાં કર્યાં છે અને કવિ એ બન્ધન છેદી નાખવા તત્પર છે. કવિને અવારનવાર પ્રાચીન, પુરાતનમાં જવાનું ગમે છે. એટલે જ ઋગ્વેદકાલીન તપોવનનું ચિત્ર આપણી સામે ધરી દેશે. આ ભૂતકાલીન તપોવનની માયા એટલા માટે વધુ સ્પર્શે છે કે અહીં ત્યાગનો મહિમા વિશેષ છે, રાજાએ રાજમુકુટ ઉતારીને જ તપોવનમાં પ્રવેશવું પડે. અનેક વાર કવિએ મૃત્યુને વધાવ્યું છે. કવિની દૃષ્ટિએ મૃત્યુ જરાય ભયાનક નથી. વળી માનવી મૃત્યુ પામે ત્યારે તેને કયા પ્રકારનો સન્તોષ હોય છે? જે શક્તિએ ધરતી પર જન્મ આપ્યો તે પ્રત્યેનું ઋણ પૂરેપૂરું અદા કર્યું છે ખરું? કવિ આ વિદાયવેળાએ શું કહે છે?

જાણું છું હું જઈશ ત્યારે
સંસારની રંગભૂમિ છોડી
સાક્ષી દેશે પુષ્પવન ઋતુએ ઋતુએ
આ વિશ્વને ચાહ્યું છે મેં.
એ પ્રેમ જ એક સત્ય, આ જન્મનું દાન,
વિદાયની પળે
આ સત્ય અમ્લાન રહી મૃત્યુનોંધ કરશે સ્વીકાર.

અને છતાં કેટલા બધા પ્રતિભાશાળી સર્જકોની જેમ રવીન્દ્રનાથ પણ નોબેલ પારિતોષિક મળતાં પહેલાં બંગાળમાં, ભારતમાં ઉપેક્ષિત જ રહ્યા હતા. સમકાલીનોને માથે કદાચ નિયતિનો આ શાપ છે. કવિએ તો કહી જ દીધું હતું:

આ મારી કીર્તિનો કરું જરા ના વિશ્વાસ
જાણું, કાલસિન્ધુ એને
નિયત તરંગઘાતે
દિને દિને દેશે લુપ્ત કરી.

ગુજરાતમાં નરસંહિરાવ દિવેટિયાને જીવનમાં અનેક વાર સ્વજનોનાં મૃત્યુનો સામનો કરવો પડ્યો હતો અને એ નિમિત્તે ‘સ્મરણસંહિતા’ ઉપરાન્ત અન્ય કાવ્યો તેમણે રચ્યાં. કવિએ તો કહ્યું પણ ખરું — આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. રવીન્દ્રનાથને પણ જીવનમાં સ્વજનોનાં અવારનવાર મૃત્યુ જોવાનાં આવ્યાં. સૌથી આઘાતજનક મૃત્યુ ભાભી કાદમ્બરીદેવીનું હતું. (આ ઘટનાની વિગતો માટે જુઓ ‘ગીતાંજલિ’ અનુવાદ શૈલેશ પારેખ, પ્રસ્તાવના નિરંજન ભગત) રવીન્દ્રનાથ આ બધી ઘટનાઓનો અનુવાદ કરીને મૂકે એવી તેમની તો પ્રકૃતિ જરાય ન હતી. વળી તેઓ મૃત્યુથી ભાંગી પડ્યા ન હતા કે ભાવુક બનીને આંસુનાં તોરણો તેઓ બાંધે. અન્ધકારને પ્રકાશમાં, મૃત્યુને ઉત્સવમાં પલટી નાખવાની પ્રતિભા તેમનામાં હતી. એટલે જીવનની પ્રત્યેક સુખદ-દુ:ખદ પળને તેમણે ઉત્સવમાં રૂપાન્તરિત કરી આપી. કવિતાના એકદંડિયા મહેલમાં રહીને માત્ર કાવ્યસર્જન કરવાનું તેમની વ્યક્તિતામાં ન હતું. ૧૯૦૧માં શાન્તિનિકેતનની સ્થાપના તેમના જાહેર જીવનની મોટી ઘટના હતી એવી જ રીતે માત્ર બંગાળને જ નહીં, સમસ્ત ભારતને હચમચાવનારી ઘટના હતી, એટલે ક્ે ૧૯૦૫માં લોર્ડ કર્ઝને પાડેલા બંગાળના ભાગલા. દેશના વિભાજનનાં મૂળિયાં. બંગભંગ સામે ખાસ્સો પ્રતિકાર થયો. કવિએ આ અને એવી બીજી ઘટનાઓમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. તેમની નવલકથાઓમાં આ બધું સર્જનાત્મક રીતે પ્રગટેલું છે. પહેલેથી જ કવિના વ્યક્તિત્વઘડતરમાં ભારતીય ઇતિહાસ, મહાન પુરુષોનાં જીવન, સ્વદેશી જેવી ઘટનાઓના પ્રત્યક્ષ પરિચયે બહુ મોટો ભાગ ભજવ્યો હતો. નિરંજન ભગતે સાચું જ કહ્યું છે, ‘આ વિશ્વમાં દુ:ખ અને મૃત્યુ છલોછલ છે, ‘રોહનભરા એ બસંત’ વસન્ત પણ રુદનભરી છે એ તો રવીન્દ્રનાથ જ ગાઈ શકે. વેદનાભરી સંવેદના અને સંવેદનામાંથી સમસંવેદન અનુભવી શક્યા હતા.’ આ વેદના અને સંવેદનાની વાત મૃત્યુ નિમિત્તે કેવી રીતે કરે છે તે જોવા જેવું છે.

મૃત્યુ તો મારું અન્તરંગ
એ તો જડાઈને રહ્યું છે મારા દેહના સકળ તન્તુએ
એનો છન્દ મારા હૃદયના સ્પન્દને,
મારા રક્તે એના આનન્દનો પ્રવાસ.

કવિ એક રચનામાં કહે છે: ‘વિધાતા જેને અલૌકિક આનન્દનો ભાર અર્પે છે તેના હૃદયમાં અપાર વેદના હોય છે.’ ઊંડા અન્ધકારમાંથી પ્રકાશ તરફ, મહામૃત્યુમાંથી અમૃત તરફ, અસત્યમાંથી પરમ સત્ય તરફ જવાની ઉપનિષદવાણીનો કવિ ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. જીવનમાં જોવા મળતાં તમામ નકારનું રૂપાન્તર તેઓ હકારમાં કરી શકતા હતા. આમ છતાં તેમણે પોતાની જાતને ચિન્તક તરીકે ઓળખાવી ન હતી. તેઓ નખશિખ કવિ જ રહેવા માગતા હતા. વળી જે કવિ વિશ્વ સાથે સંવાદ કરવા માગે તે હંમેશાં પોતાનાં દ્વાર ખુલ્લાં રાખે, અને એમાંથી માત્ર પ્રકાશ જ ન આવે, સાથે સાથે પરિચિત-અપરિચત પુષ્પની ગન્ધ પણ પ્રવેશે. એ માત્ર પ્રવેશે જ નહીં,

સર્વદેહે સંચારિત થઈ રહો શિરાએ શિરાએ
...
સમસ્ત જન્મનું સત્ય એક માત્ર રત્નહાર રૂપે
જોઉં છું હું નીલિમાને વક્ષે.

કોઈ પણ કવિની ક્ષણ આગલી ક્ષણનું પુનરાવર્તન નથી હોતી, પ્રત્યેક પળે અસ્તિત્વનો નવો નવો અર્થ કવિને પ્રાપ્ત થતો રહે છે અને છતાં કવિને વસવસો તો છે જ કે આકાશવાણી સાથે પ્રાણવાણી સમ્પૂર્ણ રીતે સંવાદી થઈ ન શકી. બીજા શબ્દોમાં કવિનું લક્ષ્ય પૂરેપૂરા સંવાદમાં છે. કવિ પોતાનો પરિચય આપતાં પણ કહે છે, ‘એના (પૃથ્વીના) બધા જ ઝંકાર મારી બંસીએ ઝીલ્યા નથી તે જાણું છું... હું મારા સૂરની અપૂર્ણતા સ્વીકારી લઉં છું અનેક માર્ગે મારી કવિતાએ વિહાર કર્યો છે, છતાંય એ સર્વત્રગામી તો નથી બની.’ પ્રકૃતિથી કે પ્રકૃતિના કોઈ પણ નાનામોટા અંશથી તેઓ દૂર રહેવાનું કવિ પસંદ કરતા ન હતા. તેમનાં સ્વપ્નોમાં પણ નદીનો કલધ્વનિ ભળી જતો હતો. ખાસ તો નદી પદ્માનો. ‘ઉત્તર દિગન્તે આકાશના નીલાંચલની નીલતર કોરના જેવી એક વનરેખા દેખાય છે, એ નીલ રેખાની પાસે જે એક ઝાંખી બાષ્પરેખાના જેવું દેખાય છે તે જ પેલી મારી પદ્મા છે. આજે એ મારે માટે અનુમાનનો વિષય બની ગઈ છે.’ છેલ્લા વાક્યની કરુણ વેદના આપણને સ્પર્શી જાય છે. પોતાના મનને નદીની ધારા સાથે સરખાવતા રવીન્દ્રનાથે એકથી વધુ વખત સ્પષ્ટતા કરી છે કે મારું કર્તવ્ય માત્ર કવિ તરીકેનું. હું માત્ર સૌન્દર્યબોધ આપવા માગું છું, બીજું કંઈ નહીં. ક્યારેક તેઓ નર્મમર્મમાં કહી દેશે, ‘મનમાં નક્કી કર્યું છે કે મેલેરિયાવધ નામનું એક મહાકાવ્ય લખીશ ને એમાં ક્વીનાઇનને પ્રધાન નાયક બનાવીશ. કેરોસીનના તૈલબાણથી મચ્છરોના સૈન્યનો નાશ કરવાને ફરી સંગ્રામ થશે. એ વર્ણનનો પ્રધાન વિષય હશે. સાત સર્ગમાં બરોળ અને કાળજાની વિકૃતિ તથા મુક્તિનું વર્ણન કરીને ક્ષુદ્ર કાવ્યરચનાનું કલંક દૂર કરવાની ઇચ્છા છે.’ પ્રકૃતિ સાથેની તન્મયતા તેમની કવિતા, તેમના નિબન્ધોમાં તો વ્યક્ત થાય છે જ પણ તે ઉપરાન્ત તેમના પત્રોમાં સુધ્ધાં એ અવારનવાર દેખા દઈ જાય છે. એક પત્રમાં તેઓ કહે છે: ‘શરદના સૂર્યના પ્રકાશમાં મારી વિશાળ કાયાના અંગેઅંગે જે આનન્દરસ, જે જીવનશક્તિ અત્યન્ત ઉત્કટતાથી સંચારિત થઈ રહેતાં તે જાણે આજે થોડું થોડું યાદ આવે છે... મારા મનનો આ ભાવ તે જાણે આ સદા અંકુરિત મુકુલિત સૂર્યસનાથા આદિમ પૃથ્વીનો જ ભાવ. જાણે મારી ચેતનાનો પ્રવાહ પૃથ્વીમાં પ્રત્યેક તૃણાંકુરે અને વૃૃક્ષનાં મૂળ તથા શિરાએ ધીરે ધીરે વહી રહ્યો છે.’ કવિતાને પોતાની દીર્ઘકાળની પ્રેયસી(મારી બાલ્યવયની, મારી દીર્ઘ કાળની અનુરાગવતી સંગિની) તરીકે ઓળખાવીને કવિ કહે છે, ‘કવિતા લખવાનું શરૂ કરતાંની સાથે જ મારા ચિરકાળના સાચા પોતાપણામાં પ્રવેશ કરી શકું, એ જ મારું સ્થાન છે એ હું બરાબર સમજું છું. ‘યેતે નાહિ દીબ’રચનામાં પિતાનો રસ્તો રોકીને નાનકડી કન્યાના મોઢે કહેવાયેલા એક જ વાક્ય ‘નહીં જવા દઉં તમને’ના પ્રતિધ્વનિઓ કેવા ગાજી ઊઠે છે તે જોવા કવિની આ કૃતિનું સેવન કરવા જેવું છે. કવિને સચરાચરમાંથી અવાજ સંભળાય છે. કોઈ કોઈને જવા દેવા ઇચ્છતું નથી. આ કાવ્યની સાથે ‘ખોવાઈ જવું’ કાવ્ય સરખાવવા જેવું છે, ત્યાં પણ નાની દીકરી પોતાને ખોવાઈ ગયેલી અનુભવે છે તે જોઈને કવિ કહે છે: ‘તારાભરી ચૈત્રમાસની એ રાતે અગાશીમાં પાછા જઈને આકાશભણી જોતાં મને થયું , મારી કન્યાના જેવી જ કોઈ બીજી કન્યા નીલામ્બરના પાલવ ઓથે દીપશિખાને જાળવીને ધીમે ધીમે એકલી જાય છે. જો એનો દીવો બુઝાઈ જાત ને જો એ એકાએક અટકી જાત તો આકાશને ભરી દઈને રડી ઊઠત, ‘હું ખોવાઈ ગઈ છું.’ એવું નથી કે કવિ જ પ્રકૃતિની સાથે સંવાદ કરે છે. પ્રકૃતિ પણ માનવી સાથે સંવાદ કરે છે. તો જ પૂર્ણતા પ્રગટે. સ્ત્રીપુરુષની વિશ્રમ્ભકથા પ્રકૃતિ કે તેનો કોઈ અંશ સાંભળી જાય છે, ‘બે જણ વચ્ચેની એ છાની વાત સપ્તષિર્ના તારાએ સાંભળી હતી, રજનીગન્ધાના વનમાં ક્ષણે ક્ષણે એ વાણીની ધારા વહી ગઈ.’ રવીન્દ્રનાથને મન આ વિશ્વ અદ્ભુત આશ્ચર્યોથી ભરેલું છે, મનુષ્યને કોણ વિકસાવે છે? કવિ એ શક્તિથી જાણે અજાણ છે પણ એ શક્તિ માતાના વક્ષસ્થળ જેવી જ કવિને તો પ્રતીત થાય છે. રવીન્દ્રનાથની કવિતામાં અવારનવાર સત્ય અને આનન્દના સંકેતો આવ્યા કરશે. જે કોઈ શક્તિ છે તેમાંથી જગત પર આનન્દ જ વહી આવ્યો છે. કવિને તો જે દૂરથીય દૂર છે તે પણ નિકટતમ ભાસે છે. એક રીતે જોઈએ તો કવિ પ્રકૃતિના, કોઈ અગોચર તત્ત્વના ભક્ત છે અને એ તત્ત્વનો સ્પર્શ શુભ નીવડે છે. એ પરમ તત્ત્વ વ્યક્તિની ચેતનામાં વિલસી રહ્યું છે, એને કારણે જ અસત્ય, મિથ્યાત્વ દૂર રહે છે, જે જે કુટિલ છે, જે જે અમંગલ છે તેને જ દૂર રાખવાનું છે. આમ જોવા જઈએ તો કવિ ઉપર મધ્યકાલીન સન્તપરમ્પરાનો ભારે પ્રભાવ પડેલો છે. સાથે સાથે જે પરમ તત્ત્વ, જે પ્રાણરસ કવિની અંદર રહ્યો છે તે જ જગતભરમાં વિલસી રહ્યો છે. આને કારણે જ સ્વ અને ઇતર ભિન્ન રહી શકતા નથી. બીજા શબ્દોમાં જે વિશ્વભરમાં સ્પન્દનો ચાલી રહ્યાં છે તે જ કવિચેતનામાં છે. કવિ વધુ સ્પષ્ટ થઈને કહેશે કે પૃથ્વીની માટીના કણેકણમાં, લાખો તણખલાંમાં કે વૃક્ષના પુષ્પેપાને આ પરમ તત્ત્વ, પ્રાણતત્ત્વ વિલસી રહ્યું છે. કવિ અવારનવાર દૂરિતને બાજુ પર રાખી મંગલની વાત કરે છે. ગુજરાતના કવિ ઉમાશંકર જોશીએ પણ દૂરથી આવતા મંગલ શબ્દને જોયો હતો, સાંભળ્યો હતો. રવીન્દ્રનાથ તો બધા ગર્વને બાજુ પર મૂકીને એ પરમ તત્ત્વનું અભિમાન જ હૈયે સંઘરવા માગે છે. એ પરમ તત્ત્વને કારણે જ જે કંઈ સ્થૂળ માનસમ્માનની પ્રાપ્તિ થઈ છે તે હવે ક્ષુલ્લક છે. તેમણે એક પ્રવચનમાં કહ્યું હતું કે મને સાવ નાનો જ રહેવા દો, મારે કશા ગુરુતમ પદની ખેવના નથી અને એટલે જ તેઓ પોતાને અકુણ્ઠિત ચિત્તે અનન્તના આંગણે વિહાર કરતા જોઈ શકે છે. પદ, પ્રતિષ્ઠા, માનમરતબા તો માનવીને ઈશ્વરી ચેતનામાં ભળી જતા અટકાવે. કવિચેતના માત્ર મનુષ્યજગત નહીં, માત્ર જીવજગત કે વનસ્પતિજગત નહીં, માત્ર જડજગત નહીં પણ પૃથ્વીની પાર નક્ષત્રલોક સુધી વિસ્તરેલી છે એટલે જ ક્યાંક તેમણે કહ્યું છે, ‘લક્ષ જોજનેર દૂર તારકા સેઇ આમાર નામ જાનિ.’ આ કોઈ ફૂલણજીનું અભિમાન નથી એ કહેવાની જરૂર ખરી? આ કવિચેતના સન્નદ્ધ છે અને એવી જ રહેવા માગે છે. કેટલા બધા મધ્યકાલીન કવિઓએ સંન્યસ્તાશ્રમને બદલે ગૃહસ્થાશ્રમનો આગ્રહ ક્યાં નહોતો રાખ્યો? ત્યાગ અને વૈરાગ્યની વાતો કરનારા પુરુષસંન્યાસીઓએ સ્ત્રીની આભડછેડ રાખી હતી, આ કવિ તો ઇન્દ્રિયજન્ય આનન્દનો આસ્વીકાર કરીને, ઇન્દ્રિયો દ્વારા સામે પ્રગટ થતા જગતનો અસ્વીકાર કરીને મોક્ષ મળે તો તેનો કશો અર્થ નથી એવું માનતા હતા. અને એટલે જ આપણે જોઈશું કે કવિ ઇન્દ્રિયગોચર કલ્પનો વારંવાર પ્રયોજતા રહે છે, એમનો અલંકારવ્યાપાર પણ એ જ છે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે અહીં કશાનો વિરોધ નથી, જેટલી સહજતાથી વિરાટનો સ્વીકાર છે તેટલી જ સહજતાથી તુચ્છ, ક્ષુદ્રનો પણ સ્વીકાર છે. અને એટલે જ પોતાનો નાનકડો દીવો બુઝાઈ ન જાય તેની પ્રાર્થના તેઓ કરે છે. એક રીતે જોઈએ તો કવિ એકાકી અને બીજી રીતે સમષ્ટિથી સમૃદ્ધ. ગૌતમ બુદ્ધની એક વિશિષ્ટતા તેમને બહુ સ્પર્શી ગઈ હતી. બુદ્ધ પોતાના એકલાને માટે કોઈ મોક્ષ, કોઈ નિર્વાણ ઇચ્છતા ન હતા. તેઓ દુનિયાભરના જીવની મુક્તિ ઇચ્છતા હતા, તે માટે તેઓ મથ્યા હતા અને સર્વને મુક્તિ એટલે પોતાને મુક્તિ મળી જ જાય. કવિ પણ કહેશે

મન્દિરે તમારે
પ્રવેશ્યો છું પૃથિવીની સર્વ આરતીની ક્ષણે.

અને આવી ક્ષણે કવિ પોતાના સર્વ અલંકાર દૂર કરીને ઈશ્વરી શર અને તૂણ પામવા માગે છે. કવિ અવારનવાર જે સંવાદિતાની વાત કરે છે તેનો એક અર્થ કવિની દૃષ્ટિએ વ્યક્તિ વિશ્વમાં પ્રવેશે અને વિશ્વ વ્યક્તિમાં પ્રવેશે. રવીન્દ્રનાથ કહે છે,

તારા આ ભુવન માંહિ ફરું મુગ્ધસમ,
હે વિશ્વમોહન નાથ.

કવિ રાજેન્દ્ર શાહ પણ નિરુદ્દેશે મુગ્ધ ભ્રમણની વાત કરતા જ હતા ને! અને હજુ આગળ ચાલીને આકાશ, ઋતુઓના શ્વાસઉચ્છ્વાસ

મારી આ શિરાઓમાંહિ કરીને પ્રવેશ
મિલાવી દે રક્ત સાથે આતપ્ત આવેશ.

આવું થાય ત્યારે એનું પરિણામ શું આવે? જે કંઈ માધુર્ય છે તે માત્ર અન્તરમાં જ નહીં, બહારના જગતમાં પણ ફેલાઈ જાય. ‘અનન્ત પ્રેમ’ જેવી રચના આપણી સામે આવે ત્યારે પ્રશ્ન થાય કે કવિ આ સમ્બોધન કોને માટે કરી રહ્યા છે?

તને જ સદાયે ચાહી છે મેં જાણે
શતરૂપે શતવાર
જનમે જનમે, જુગે જુગે અનિવાર.

સમગ્ર રચનામાંથી પસાર થઈએ ત્યારે લાગે કે એક બાજુ કોઈ માનુષી પ્રિયા છે, પણ એ પ્રિયા કોઈ હાડચામમાંસથી ભરેલી સ્ત્રી નથી, જન્મજન્માન્તરની પ્રીતિ અહીં તો ગુંથાઈ ઘઈ છે અને અનાદિ કાળથી આ લીલા ચાલી આવી છે.

પુરાતન પ્રેમ નિત્યનૂતન સાજે
આજે એ જ ચિરકાળતણો પ્રેમ
અવસાન અહીં પામે
પૂંજીભૂત થઈ તારાં આ ચરણો પાસે.

આવી જ કોઈ અન્તર્યામિની દેવીનો સાથ હંમેશ કવિ ઝંખે છે, એનો શાન્તિમન્ત્ર પણ કેવો? ‘હું છું માત્ર નિત્ય સત્ય તવ મર્મમાંહે.’ કેટલીક રચનાઓ ઉપર ઉપરથી પ્રણયકાવ્યો જેવી લાગે, સામાન્ય પ્રણયકવિતામાં જોવા મળતા નિર્દેશો જેવું પણ કવિ વર્ણન કરે. દા.ત.

આ જ હોડીમાં એ બેઠી હતી મારી સાથે
કણ્ઠ એનો પૂર્ણ હતો સુધાગીતિસ્વરે,

આજે એ પ્રિયતમા નથી, માત્ર એની સ્મૃતિ જ છે. એ તો અનન્ત વિશ્વમાં વિલીન થઈ ગઈ. આ જ રચના ‘વિલય’માં જાણે પુનરાવતિર્ત થાય છે.

જાણે બે લોચન એનાં નવનીલ ભાસે
પ્રકટી ઊઠ્યાં છે આજે અસીમ આકાશે.

અહીં પ્રણયની કોઈ વિફળતા નથી, આ માનુષી પ્રેમ જગતના, પ્રકૃતિના પારાવારે વિકસી રહ્યો છે. અહીં જો પ્રેમી દૂર જાય તો નાયક કે નાયિકાનું સમસ્ત જગત મરુભૂમિમાં રૂપાન્તરિત થઈ જાય, અર્થાત્ પ્રેમના સંનિવેશે જે કંઈ અનુર્વરા છે તે ઉર્વરામાં રૂપાન્તરિત થઈ જાય. વચ્ચે વચ્ચે લાગ્યા કરે કે કવિની આ માનુષી પ્રિયા માત્ર માનુષી નથી, તે કોઈ વિશ્વવ્યાપી દેવી છે, નહીંતર કવિ એમ ન કહે કે

સંસાર સજાવ્યો હતો રમણી તેં જેમ
મારું આ જીવન આજે સજાવી દે તેમ.

ભારતીય સંસ્કૃતિમાં તો સામાન્ય રીતે પણ સ્ત્રી ઉદ્ધારિણી છે(જુઓ રવીન્દ્રનાથનો નિબન્ધ ‘નારી’, ઉપરાન્ત ‘ગોરા’ નવલકથામાં નાયક સુચરિતા વિશે જે વિચારે છે, જે અનુભવે છે તે પણ જુઓ)આ નારીની શક્તિ નાયકની સર્વ મલિનતાને દૂર કરે એ પ્રકારની છે. ક્યારેક કવિ લક્ષ્મી અને સરસ્વતીને એકરૂપ કરી નાખે છે તો ક્યારેક વીણાવાદિનીને પ્રેયસી-શ્રેયસી ગણીને સમ્બોધે છે. ક્યારેક આત્મપરિચય થવાની પળને મૂર્ત કરવા ખાલી થઈ રહેલા નાટ્યગૃહ સાથે મૂકી જુએ છે. ધારો કે કવિને પોતાની અન્તિમ વિદાયને મૂર્ત રૂપ આપવું હોય તો કેવી રીતે આપી શકે તે જોવા માટે ‘વિહગને જવાનો સમય થયો’ કાવ્ય પાસે જવું પડે. આને રૂપક તરીકે પણ ઘટાવી શકાય. વિહગ ઊડી જાય પછી માળો તો શૂન્ય થાય, ધૂળભેગો થાય પણ માળામાં વિહગ રહેતું હતું ત્યાં સુધીની પ્રાપ્તિ કઈ? વિહગને પણ વસુન્ધરાએ કેટકેટલું આપ્યું? ઇન્દ્રિયજગત(આમ્રમંજરીની ગન્ધ, અશોકમંજરી, વૈશાખી ધૂળ) દ્વારા આ બધી પ્રાપ્તિ થઈ. કોઈ પણ સમયે રામરાજ્યમાં કે કોઈ કલ્યાણરાજ્યમાં — સર્જકો સુખી હતા ખરા? એક રીતે જોઈએ તો દુ:ખ વડે જ મનુષ્યનું ઘડતર થતું હોય છે. રવીન્દ્રનાથને પ્રશ્ન થયો કે આજે પ્રશિષ્ટ ગણાતા કવિઓ શું સુખી હતા? એટલે એક કવિતામાં કવિ પૂછે છે,

તમનેય હતાં ના શું સુખ અને દુ:ખ
આશાનિરાશાનાં દ્વન્દ્વ અમારી જેમ જ
હે અમર કવિ?

કાલિદાસ-ભવભૂતિને પણ પોતાને ટકાવી રાખવા કેટલો બધો સંઘર્ષ કરવો પડ્યો હશે? નહીંતર પુરાણમિત્યેવ ન સાધુ સર્વં કે કાલોનિરવધિ વિપુલા જ પૃથ્વી કહેવાનો વારો આવ્યો હોત ખરો? સંસ્કૃતિના મોટા ભાગના સમય દરમિયાન સર્જકો કોઈ ને કોઈ આશ્રયદાતા હેઠળ જ જીવ્યા હતા. આશ્રિત અને આશ્રયદાતા વચ્ચે સંઘર્ષો થતા જ ન હતા એમ કહી શકાય નહીં. આપણા વર્તમાન સમયમાં પણ સર્જકો કોઈ ને કોઈ આશ્રય સ્વીકારીને જ નથી જીવતા? તેમણે પણ સ્થૂળ કે સૂક્ષ્મ સમાધાન નહીં કર્યું હોય? પરન્તુ કાલિદાસ જેવા કવિઓએ અપમાન, અનાદર, અવિશ્વાસ, અન્યાય: આ બધું વેઠીને પણ વિશ્વને શું આપ્યું નથી? પુરાણકથા તો કહે છે કાલકૂટ પી જનારા દેવે જગતની પ્રજાના મસ્તકે પોતાનો વરદ હસ્ત મૂક્યો હતો ને? અહીં પણ કવિ તો કહે છે,

જીવનમન્થન વિષ પોતે કરી પાન
અમૃત પ્રકટ્યું તેનું તમે કર્યું દાન.

કોઈ પણ સ્થળકાળના કવિઓ આ જ તો કરતા આવ્યા છે. બોદલેરે પણ ક્યાં નહોતું કહ્યું કે તમે મને મળ આપો, હું તમને સુવર્ણ કરીને પરત આપીશ.

મધ્યકાલીન કવિઓ પરમ તત્ત્વની કૃપાથી બધું પામવા માગતા હતા. સમૃદ્ધિ ચાલી જાય, કવિની વાણી ગીતહીન થઈ જાય ત્યારે એ પાછા કેવી રીતે પ્રાપ્ત થાય? ઈશ્વરી વીણાની પ્રાપ્તિ થાય ત્યારે કવિ પાછા સમૃદ્ધ થઈ ઊઠે(જુઓ ‘હવે તમે મારે હાથે’) ‘સ્વર્ગ અને પૃથ્વી’ કાવ્યમાં પૃથ્વી વિનાના સ્વર્ગની દયનીય સ્થિતિ અને પૃથ્વીનો મહિમા કવિએ મોકળે મને ગાયો છે. સ્વર્ગના અધિપતિ દેવ ઇન્દ્રને આ વાસ્તવિકતા સમજાઈ ગઈ છે એટલે તે કહે છે, ‘જે માટીમાંથી રસ ખેંચીને સ્વર્ગે પોતાનાં ફૂલો ખીલવ્યાં તે જ માટીની સાથેનો એનો સમ્બન્ધ છિન્ન થઈ ગયો છે.’ વળી, કવિએ પોતાના કેટલાક નિબન્ધોમાં સ્પષ્ટ કર્યું છે તે પ્રમાણે પૃથ્વીવાસી પણ વસ્તુજગતનો, ભૌતિકતાનો ઉપાસક બની ગયો છે. બીજા શબ્દોમાં સ્વર્ગ સ્વર્ગ રહ્યું નથી અને પૃથ્વી પૃથ્વી રહી નથી. આ બે વચ્ચે સેતુબન્ધ-સંવાદ થવો જોઈએ. ‘પૃથ્વીના પ્રેમથી જ સ્વર્ગ ટકી રહી શકે. નહીં તો સ્વર્ગ સુકાઈ જાય.’ ક્ષુદ્ર અને મહત્ વચ્ચેનો સંવાદ અટકી જાય તો જે મહત્ છે તે કારાવાસમાં પુરાઈ જાય. રવીન્દ્રનાથ અનેક પ્રસંગે કહી ચૂક્યા છે કે લઘુ અને ગુરુ વચ્ચે સંવાદ જ જોઈએ. ઇન્દ્ર આ સંવાદ સ્થાપવા ધરતી પર અવતરવા માગે છે. ભૌતિકતા અને દુન્યવી સમ્પત્તિના મોહમાં મનુષ્ય પોતાનું માનવત્વ ભૂલી ગયો અને પરિણામે પૃથ્વી પોતાનું પૃથ્વીત્વ ભૂલી ગઈ એટલે કાતિર્કેયના મોઢામાં મૂકેલી પંક્તિઓ ખાસ નોંધવા જેવી છે. ‘એ ચન્દ્રકાન્તમણિકિરીટીની નીલામ્બરી સુન્દરી પોતે રાણી છે એ વાતને શી રીતે ભૂલી ગઈ? તેને હવે ફરીથી સ્મરણ કરાવવું પડશે કે એ તો છે દેવતાની સાધનાનું ધન, સ્વર્ગની ચિરદયિતા...’ આપણી મધ્યકાલીન પરમ્પરામાં ભક્તને મળવા ભગવાન આવે એવા ઘણા સન્દર્ભો મળી આવશે. રવીન્દ્રનાથની કવિતામાં પણ આવું બનશે. ભક્તની નિદ્રાધીન અવસ્થામાં સુન્દરના રૂપે આવી ચઢનારની સુવાસથી ભક્તનાં સ્વપ્ન મહોરી ઊઠે, ઘરનો અન્ધકાર પુલકિત થઈ ઊઠે, પણ એ કંઈ રોકાય નહીં, એટલે દર્શન વિના રહી ગયેલી નારીની વ્યથા કવિએ આલેખવી પડે. કશુંક નાનુંમોટું પામવા માત્ર મનુષ્યે જ તપ કરવું પડતું નથી, દેવતાએ-દેવીએ પણ તપ કરવું પડે. પાર્વતીએ પંચાગ્નિ તપ કરીને મહાદેવને મેળવ્યા હતા એવી કથા ખૂબ જ જાણીતી છે. કવિ ‘વિશ્વલક્ષ્મી’નામક કૃતિમાં આવા તપની વાત માંડે છે. ‘પૂજાના પુણ્યધૂપથી જ બધું શુષ્ક ભસ્મીભૂત થઈ જાય અને પછી જ ‘રુદ્રની પ્રસન્નતા’ પ્રાપ્ત થાય. ઇન્દ્રિયગોચરતા અને ઇન્દ્રિયવ્યત્યયનાં દૃષ્ટાન્તો ‘મિલન’ જેવા કાવ્યમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવશે. મિલન કઈ ઋતુમાં થશે? અષાઢે? ફાલ્ગુને? આ બધી જ ઋતુઓમાં જોવા મળતી પ્રકૃતિનાં વિવિધ રૂપ આલેખીને કવિ પસંદગી ઢોળે છે આશ્વિન માસ ઉપર. ઉપનિષદોથી માંડીને કબીરસાહેબનો પ્રભાવ તેમની કવિતા પર પડ્યો હોવા છતાં કવિએ કદી ઇન્દ્રિયજગતનો અસ્વીકાર કર્યો નથી. પોતાના ચૈતન્ય દ્વારા જ આત્મવિકાસ કરી શકાય અને એ પછી જે ચમત્કાર થાય છે તે કયા પ્રકારનો?

નિત્ય સંભળાયે
દૂર દૂરાન્તર થકી દેશવિદેશની
ભાષા, યુગયુગાન્તરની કથા, દિવસની
નિશીથની ગીતિ, મિલનની વિરહની
ગાથા, તૃપ્તિહીન શ્રાન્તિહીન આગ્રહની
ઉત્કણ્ઠિત તાન ...

આમ સમગ્ર સૃષ્ટિ સાથેનો સંવાદ કવિ તો ઇચ્છે પણ એનોય એક દિવસ અન્ત આવવાનો. આગળ જોઈ ગયા તે પ્રમાણે કવિએ ક્યારેય મૃત્યુ માટે રુદન નથી કર્યું, પોતાને જ નહીં સમગ્ર પૃથ્વીવાસી મનુષ્યોને અમૃતના પુત્રો તરીકે ઓળખાવયા હતા એ વાત તેમના નિબન્ધોમાં જોવા મળે છે. મૃત્યુ પણ આ અમૃતત્વનો વિનાશ કરી ન શકે. કવિ તો કહેશે કે મારી વાણી પરિપક્વ ફૂલની જેમ ખરી પડશે અને એ વેળા વેદના નહીં પણ આનન્દની પૂર્ણતા હશે અને એટલે જ મૃત્યુના શુભ અવસરે

નહીં અભિમાન, ન ક્રન્દન દીન, નહીં ગર્વ હાસ્ય,
જોવાનું ના પાછું વળી. માત્ર આ મુક્તિની ફૂલછાબ
ભરી દીધી છે આજ મારા જ મહત્ મૃત્યુ પછી.

આ અન્તિમ ક્ષણે પૃથ્વીમાં લીન થઈને અદૃશ્ય થવાની વાત નથી. કવિ તો દસે દિશાઓમાં વ્યાપી જવાના. આમ વ્યાપ્તિનો સૂર પણ અવારનવાર સંભળાયા કરે છે, એનો આનન્દ કેવો છે? કવિ ક્યારેક સ્વપ્નમાં પોતાની પ્રિયતમાને શોધવા ઉજ્જયિનીના મહાકાલેશ્વરના મન્દિરે જાય છે, તરત આપણને કાલિદાસના સંસ્કારો જાગવાના. આ પ્રિયતમાનું વર્ણન કઈ રીતે કર્યું છે? મોં પર લોધ્રરજ, મસ્તકે કુરબક, નીવિબન્ધે રક્તામ્બર, ચરણે ઝાંઝર. જરાય ભાવુક બન્યા વિના સ્વપ્નપ્રિયાનું આલેખન, એની ચેષ્ટાઓ જોવા મળશે.

શૈવાલે શા દ્વલે તૃણે
શાખાએ વલ્કલે પત્રે રસબસ થાઉં
નિગૂઢ જીવનરસે.

આજે આપણને આશ્ચર્ય થશે પરન્તુ ઓગણીસમી સદીના અન્ત સુધી રવીન્દ્રનાથ બંગાળમાં પણ ખાસ સ્વીકૃતિ પામ્યા ન હતા. સમકાલીનોની સ્વીકૃતિ કદાચ દરેક સમયે, દરેક સ્થળે દુર્લભ જ રહી હશે. વીસમી સદીનાં શરૂઆતનાં વરસોમાં કવિ યુરોપ ગયા અને કેટલાક સર્જકોને મળ્યા. તેમની રચનાઓ અનુવાદ દ્વારા તે સર્જકો સુધી પહોંચી અને ત્યાર પછી કવિને વ્યાપક સ્વીકૃતિ મળી. આ બધી વિગતો નિરંજન ભગતના લેખમાં જોવા મળશે(જુઓ શૈલેશ પારેખકૃત ‘ગીતાંજલિ’).