રવીન્દ્રપર્વ/૧૩. અપ્રમત્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩. અપ્રમત્ત

જે ભક્તિ પામીને તને ધૈર્ય નહીં માને
ઘડીમાં વિહ્વળ થાય નૃત્યગીતગાને,
ભાવોન્માદમત્તતાએ, એવી જ્ઞાનહીના
ઉદ્ભ્રાન્ત ઉચ્છલફેન ભક્તિમદધારા
હું ના ચાહું નાથ.
દે તું ભક્તિ — શાન્તિરસ,
સ્નિગ્ધ સુધાપૂર્ણ કરી મંગલ કલશ
સંસારભવનદ્વારે. જે ભક્તિઅમૃત
સમસ્ત જીવને મારે વ્યાપશે વિસ્તૃત,

નિગૂઢ ગભીર સર્વ કર્મે દેશે બલ,
વ્યર્થ શુભ પ્રયત્નોને કરશે સફલ
આનન્દે કલ્યાણે સર્વ પ્રેમે દેશે તૃપ્તિ,
સર્વ દુઃખે દેશે ક્ષેમ, સર્વ દુ:ખે દીપ્તિ
દાહહીન.
ખાળી લઈ ભાવ-અશ્રુનીર
ચિત્ત રહેશે પરિપૂર્ણ અમત્ત ગમ્ભીર.
(નૈવેદ્ય)
વાણી : આષાઢ-શ્રાવણ, ૨૦૦૪