રવીન્દ્રપર્વ/૧૪૩. સંસ્કૃતિને
Jump to navigation
Jump to search
૧૪૩. સંસ્કૃતિને
લાવ પાછું એ અરણ્ય લઈ લે નગર,
લે આ તારાં લોહ લોષ્ટ્ર કાષ્ઠ ને પ્રસ્તર,
હે નવ સંસ્કૃતિ, હે નિષ્ઠુર સર્વગ્રાસી
લાવ પેલું તપોવન-પુણ્યચ્છાયારાશિ;
ગ્લાનિહીન દિન સર્વ, ને એ સન્ધ્યાસ્નાન,
વળી એ ગોચારણ, મંજુ શાન્ત સામગાન
નીવારધાન્યની મુષ્ટિ, વલ્કલવસન,
મગ્ન થઈ આત્મમહીં નિત્ય આલોચન
મહાતત્ત્વતણું. પાષાણપિંજરે તવ
ના હું ચાહું નિરાપદે રાજભોગ નવ.
ચાહું સ્વાધીનતા, ચાહું પાંખોનો વિસ્તાર,
વક્ષે પામું ફરી મારું જોમ એ અપાર —
પ્રાણ સ્પર્શવાને ચાહે, છેદીને બન્ધન,
અનન્ત એ જગતનું હૃદયસ્પન્દન.
(ચૈતાલિ)