રવીન્દ્રપર્વ/૧૫૫. ‘રોગશય્યાય’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫૫. ‘રોગશય્યાય’


ફળિયામાં એક ક્લબ છે,
મારા ઘરનો પહેલો માળ
મેં એમને કાઢી આપ્યો છે.
વર્તમાનપત્રમાં મારી પ્રશંસા થઈ છે,
એ લોકોએ મીટંગિ ભરીને મને હારતોરા કર્યા છે.

આજ આઠ વરસથી
સૂનું છે મારું ઘર.
ઓફિસેથી પાછો વળીને જોઉં —
એ જ ઘરના એક ભાગમાં
ટેબલ પર પગ મૂકીને
કોઈ વાંચે છે પેપર,
કોઈ ખેલે છે ગંજીફો;
કોઈ ચઢ્યું છે ચર્ચાની ચડસે.

તમાકુના ધુમાડામાં
બંધિયાર હવા ભારે થઈ ઊઠી છે;
રાખદાનીમાં ઢગલો થતો જાય છે
રાખનો, દીવાસળીનો,
ફૂંકેલી સિગારેટનાં ઠૂંઠાંનો.

આ ભારે ડહોળા આલાપના
શોરબકોરથી
દિવસ પછી દિવસ
મારી સાંજવેળાની શૂન્યતા ભરી દઉં છું.
વળી રાતના દશ પછી
ખાલી થઈ જાય છે
ઊંધો વાળી દીધેલો અજીઠો અવકાશ.
બહારથી આવે છે ટ્રામનો ખખડાટ;
કોઈ દિવસ એકલો એકલો સાંભળું છું
ગ્રામોફોનનાં ગીત,
જે કાંઈ રેકર્ડ મારી પાસે છે
ફરી ફરી તેની તે વગાડું છું.
આજે એ લોકો કોઈ આવ્યા નથી;
ગયા છે હાવરા સ્ટેશને
સ્વાગત કરવા —
કોઈ તાજી જ લઈ આવ્યો છે
સમુદ્રપારથી તાળીઓ
પોતાના નામ સાથે બાંધીને

મેં દીવો બુઝાવી નાખ્યો છે.

જેને કહીએ ‘આજકાલ’
અનેક દિવસ પછી
એ આજકાલ, દિનપ્રતિદિનનો એ પડદો,
આજે સાંજ વેળાએ નથી મારા ઘરમાં.
આઠ વરસ પહેલાં
અહીં હતો હવામાં વિખેરાયેલો જે સ્પર્શ,
કેશની જે અસ્પષ્ટ વાસ,
તેની જ કશીક વેદના અડી ગઈ છે
ઘરમાં જે કાંઈ છે તેને.
જાણે હમણાં કશુંક સાંભળીશ
એમ કાન માંડીને બેઠો છું;
પેલી ફૂલની કોતરામણીવાળી ઢાકાની
પુરાણી ખાલી ખુરશી
જાણે કશાક ખબર પામી છે.

પિતામહના વખતનું
પુરાણું મુચકુન્દ વૃક્ષ
ઊભું છે બારીની સામે
કૃષ્ણ રાતના અન્ધકારમાં.
રસ્તાની બીજી બાજુનું ઘર
અને આ વૃક્ષની વચ્ચે જેટલું આકાશ છે
તેમાં દેખાય છે
ટમટમતો એક તારો.
હું એના ભણી મીટ માંડીને જોઈ રહ્યો,
હૃદયની અંદર કશુંક થડકી ઊઠ્યું.
જુગલ જીવનના જુવાળના જળમાં
કેટલીય સાંજે ઝૂલી છે આ તારાની છાયા.

ઘણી ઘણી વાતો પૈકી
યાદ આવે છે નાની સરખી એક વાત.
તે દિવસે સવારે
પેપર વાંચી શકાયું નો’તું કામની ભીડમાં;
સાંજવેળાએ એ લઈને
બેઠો હતો આ જ ઓરડામાં,
આ જ બારીની પાસે,
આ જ ખુરશીમાં.
ગુપચુપ એ આવી પાછળથી,
ઝટ લઈને પેપર ખૂંચવી લીધું હાથમાંથી,
લુંટાયેલા માલનો મેં ઉદ્ધાર કર્યો,
હઠ કરીને ફરી વાંચવા બેઠો.
એકાએક એણે દીવો હોલવી નાખ્યો.
મારો તે દિવસનો
હારની સ્વીકૃતિથી ભરેલો અન્ધકાર
આજે મને સર્વાંગે ઘેરી વળ્યો છે,
જેવી રીતે એ એક દિવસ મને વીંટળાઈ વળી હતી.
ડંગોિ કરતા નીરવ હાસ્યથી ભર્યા
વિજયી એના બે બાહુથી
તે દિવસના હોલવાયેલા દીવાના એકાન્તમાં.
એકાએક સળવળી ઊઠી હવા
વૃક્ષની ડાળે ડાળે,
બારી ખડખડવા લાગી,
બારણાંની પાસેનો પડદો
ઊડીને ફરફરવા લાગ્યો અસ્થિર થઈને.

હું બોલી ઊઠ્યો,
‘અરે, આજે તારા ઘરમાં તું આવી છે કે
મરણલોકમાંથી
તારી બદામી રંગની સાડી પહેરીને?’
એક નિ:શ્વાસ સ્પર્શી ગયો મારા અંગને;
સાંભળી અશ્રુત વાણી,
‘કોની પાસે આવું?’
મેં કહ્યું,
‘જોઈ શકતી નથી શું મને?’
સાંભળ્યું,
‘પૃથ્વી પર આવીને
જાણ્યો હતો એકલાને
એ મારો ચિરકિશોર સખા
તેને તો આજે જોઈ શકતી નથી આ ઘરમાં.’
મેં પૂછ્યું, ‘એ શું ક્યાંય નથી?’
મૃદુ શાન્ત સૂરે એ બોલી,
‘એ છે ત્યાં જ
જ્યાં હું છું.
બીજે ક્યાંય નહીં.’

બારણાં આગળ સાંભળ્યો ઉત્તેજિત કલરવ,
હાવરા સ્ટેશનેથી
એ લોકો પાછા ફર્યા છે.
ક્ષિતિજ : ૨, ૮