રવીન્દ્રપર્વ/૧૯૦. આષાઢ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯૦. આષાઢ

ઋતુઋતુમાં જે ભેદ છે તે કેવળ વર્ણનો ભેદ નથી, વૃત્તિનો પણ છે. કદીક કદીક એમાં વર્ણસંકર પણ દેખા દે છે, જેઠની પિંગલ જટા શ્રાવણના મેઘસ્તૂપે નીલ થઈ ઊઠે છે, ફાગણની શ્યામલતામાં વૃદ્ધ પોષ એની પીળી રેખા ફરી આંકી દેવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રકૃતિના ધર્મરાજ્યમાં આવા વિપર્યય ટકી રહી શકતા નથી. ગ્રીષ્મને બ્રાહ્મણ કહી શકાય. સમસ્ત રસાતિરેકનું દમન કરીને, જંજાળ છેદીને, તપસ્યાનો અગ્નિ પ્રકટાવી એ નિવૃત્તિમાર્ગના મન્ત્રની સાધના કરે છે. ગાયત્રીમન્ત્રનો જપ કરતાં કરતાં ક્યારેક એ શ્વાસને અંદર ધારણ કરી રાખે છે, ને ત્યારે પવન રૂંધાઈ જતાં ઝાડનું પાંદડુંય હાલતું નથી; વળી જ્યારે એ રોકેલો શ્વાસ છોડી દે છે ત્યારે પૃથ્વી કમ્પી ઊઠે છે. એના આહારની મુખ્ય સામગ્રી ફળ. વર્ષાને ક્ષત્રિય કહેવામાં કાંઈ દોષ નથી. એની આગળ આગળ એના છડીદાર ગડગડ શબ્દે દદામાં વગાડતા વગાડતા આવે છે. મેઘની પાઘડી પહેરીને એમની પાછળ એ પોતે આવીને દર્શન દે છે. અલ્પથી એને સન્તોષ થાય નહીં. એનું કામ જ દિગ્વિજય કરવાનું. લડાઈ કરીને આખા આકાશનો કબજો મેળવી લઈને એ દિક્ચક્રવર્તી થઈને બેસે. તમાલ અને તાલની વનરાજિના નીલતમ છેડાથી એના રથનો ઘર્ઘરધ્વનિ સંભળાવા માંડે, એની બાંકી તલવાર રહી રહીને મ્યાનમાંથી નીકળીને દિશાના વક્ષને વિદીર્ણ કરી નાખે અને એના તૂણમાંથી વરુણબાણ ખૂટ્યાં ખૂટે નહિ. બીજી બાજુ એની પાદપીઠની ઉપર હરિયાળા કિનખાબનું પાથરણું પથરાઈ ગયું છે, મસ્તક ઉપર ઘનપલ્લવશ્યામલ ચન્દ્રાતપે સોનાના કદમ્બની ઝાલર ઝૂલે છે, ને બન્દિની પૂર્વદિગ્વધૂ પાસે ઊભી રહીને અશ્રુપૂર્ણ નયને કેતકીની સૌરભથી સુવાસિત એવા જળથી છાંટેલો પંખો ઢાળતી પોતાના વિદ્યુન્મણિજડિત કંકણને ઝળકાવ્યા કરે છે. ને શીત છે વૈશ્ય. પાકેલાં ધાન્યને લણવામાં ને ખળીએ લઈ જઈને દાણા છૂટા પાડવામાં એ ચારે પહોર રોકાયેલી રહે છે. વટાણા, જવ, ચણાના પ્રચુર પાકથી ધરણીનો ખોળો ભરાઈ જાય છે. આંગણામાંનો કોઠાર ભરાઈ ગયો છે, ગભાણમાં બળદની જોડ વાગોળે છે; ઘાટેઘાટે નૌકાઓ માલથી લદાઈ ગઈ છે, રસ્તે રસ્તે ભારથી ધીમી ગતિએ ગાડાં જઈ રહ્યાં છે; ઘરેઘરે ખળીઓનાં નવાન્ન અને પિઠાપાર્વણ(નવું ધાન્ય ખેતરેથી લણીને લાવવામાં આવે ત્યારે થતો ઉત્સવ)ના ઉત્સવની ઉજવણીની તૈયારીની ધમાલ મચી રહી છે. પ્રધાનવર્ણ તો આ ત્રણ જ. ને શૂદ્ર તે શરદ અને વસન્ત. એક શીતનો ને બીજી ગ્રીષ્મનો સરસામાન ઉપાડી લાવે. મનુષ્ય અને પ્રકૃતિમાં અહીં જ તફાવત. પ્રકૃતિની વ્યવસ્થામાં જ્યાં સેવા ત્યાં જ સૌન્દર્ય, જ્યાં નમ્રતા ત્યાં જ ગૌરવ. એની સભામાં જે શૂદ્ર તે ક્ષુદ્ર નહીં; જે ભાર વહે તેનાં જ સમસ્ત આભરણ. તેથી જ તો શરદની નીલવર્ણી પાઘડી ઉપર સોનાનું છોગું, વસન્તનાં સુગન્ધી પીત ઉત્તરીયમાં ફૂલની કોતરણી. એઓ જે પાદુકા પહેરીને પૃથ્વીના રસ્તાઓ પર ફરે તે પાદુકા પર રંગબેરંગી વેલબુટ્ટાની કોતરણી; એમને અંગદ કુણ્ડળ અંગૂઠી વગેરે ઝવેરાતની કશી ખોટ જ નહીં. આ તો જાણે પાંચનો હિસાબ થયો. પણ લોકો તો છ ઋતુની વાત કરે છે. એ માત્ર બેકી સંખ્યા બનાવવાને ખાતર જ. એઓ જાણે નહીં જે પ્રકૃતિની બધી શોભા અમેળને લીધે જ હોય છે. ૩૬૫ દિવસને બે વડે ભાગો, ૩૬ સુધી તો ઠીક ભાગી શકાશે, પણ છેવટનો પેલો નાનો પાંચડો કોઇ રીતે ગાંઠે એવો નથી. બે ને બેનો મેળ થઈ જાય. પછી એ મેળ ત્યાંનો ત્યાં જ થંભી જાય, આળસુ થઈ જાય. તેથી જ ક્યાંકથી એકાદ તગડો આવી ચઢીને એને ઢંઢોળીને એમાં જે કાંઈ સંગીત રહ્યું હોય તેને રણકાવી દે. વિશ્વસભામાં અમેળનો શયતાન આ કામને માટે જ રહ્યો છે, એ મેળથી ભરેલી સ્વર્ગપુરીને કોઈ રીતેય નિદ્રામાં પડી જવા દેતો નથી; એ તો નૃત્યપરાયણા ઉર્વશીના નૂપુરને ક્ષણેક્ષણે તાલભંગ કરે છે, એ તાલભંગને સુધારી લેતી વેળાએ જ સુરસભામાં તાલનો રસોત ઉચ્છ્વસિત થઈ ઊઠે છે. છ ઋતુની ગણનાનું એક કારણ છે. વૈશ્યને ત્રણ વર્ણોમાં છેક નીચે નાખીશું તોય પ્રમાણ તો એનું જ વધારે રહેવાનું. સમાજની નીચેનો મોટો પાયો જ એ વૈશ્ય. એક રીતે જોતાં વર્ષનો મોટો ભાગ શરદથી તે શિશિર સુધીનો જ છે. વર્ષની પૂર્ણ પરિણતિ પણ અહીં જ. ધાન્યને માટેની અપ્રકટ તૈયારી તો બધી જ ઋતુમાં ચાલ્યા કરે, પણ ધાન્ય પ્રકટ થાય એ સમયે જ. એથી જ વરસના એ ભાગને મનુષ્યે વિસ્તારીને જોયો છે. એ અંશમાં જ, બાલ્ય, યૌવન અને વાર્ધક્યનાં ત્રણ સ્વરૂપોમાં, વરસની સફળતા મનુષ્યની આગળ પ્રત્યક્ષ થાય છે. શરદમાં એ આંખોને વ્યાપી લઈને તરુણવેશે દેખા દે છે, હેમન્તમાં એ ખેતરોને ભરી દઈને પ્રૌઢ શોભાએ પાકટ બને છે, ને શિશિરમાં એ ઘરને ભરી દઈને પરિણતિને રૂપે સંચિત થાય છે. શરદ, હેમન્ત અને શિશિરને માણસ એક જ ગણી લઈ શક્યો હોત, પણ પોતાના લાભને રહી રહીને ભાગો પાડીને જોવાનું એને ગમે છે. એની સ્પૃહણીય વસ્તુ એક હોય તોય એને અનેક રીતે ઉથલાવીપલટાવીને જોવામાં જ એને આનન્દ મળે છે. રૂપિયાની નોટ રાખવાથી માત્ર સગવડ સચવાય, પણ રૂપિયાની હારબંધ ઢગલી કરવાથી જ મનને સાચી તૃપ્તિ થાય. તેથી જ ઋતુના જે અંશમાં એનો લાભ રહ્યો છે તે અંશના જ મનુષ્યે ભાગ પાડ્યા છે. શરદ, હેમન્ત અને શિશિર મનુષ્યનો ધાન્યભંડાર છે, તેથી જ એના ત્રણ મહેલ છે; એમાં જ એની ગૃહલક્ષ્મી વસે છે, ને જ્યાં વનલક્ષ્મી વસે છે ત્યાં બે જ મહેલ છે — વસન્ત અને ગ્રીષ્મ. ત્યાં એનો ફળનો ભંડાર, વનભોજનની વ્યવસ્થા. ફાગણમાં મંજરી બેસે, જેઠમાં કેરી પાકી જાય. વસન્તમાં ઘ્રાણગ્રહણ, ગ્રીષ્મમાં સ્વાદગ્રહણ. ઋતુઓમાં વર્ષા જ કેવળ એકાકી, સાવ એકલી. એને કોઈ સંગી નહીં. ગ્રીષ્મની સાથે એનો મેળ ખાય નહીં; ગ્રીષ્મ દરિદ્ર ને એ ધનિક. શરદની સાથેય એનો કશો મેળ ખાય એવી શક્યતા નહીં, કારણ કે શરદ વર્ષાની જ સમસ્ત સમ્પત્તિનું લીલામ કરીને નદીનાળાં અને ખેતરઘાટ પોતાને નામે કરાવી લે છે, એ ઋણી છે, કૃતજ્ઞ નહીં. મનુષ્યે વર્ષાને ભાગ પાડીને જોઈ નથી, કારણ કે વર્ષા ઋતુ મનુષ્યની સંસારવ્યવસ્થાની સાથે કોઈ રીતે સંકળાયેલી નથી. એના દાક્ષિણ્યના ઉપર જ આખા વરસનાં ફળ અને પાકનો આધાર રહે છે, પણ પોતાના દાનની વાત બધાંને મોઢે કહ્યા કરે એવા પ્રકારની ધનિક એ નથી. શરદની જેમ ખેતરે ને ઘાટે, પાંદડે પાંદડે એ પોતાના દાનીપણાની ઘોષણા કરતી ફરતી નથી. એની સાથે લેણદેણનો સીધો સમન્વય નહીં હોવાને કારણે મનુષ્ય ફલાકાંક્ષાનો ત્યાગ કરીને વર્ષા સાથેનો વ્યવહાર રાખે છે. વસ્તુત: વર્ષાનાં જે કાંઈ મુખ્ય ફળ તે ગ્રીષ્મના ફળાહારના ભંડારમાંનો જ અવશેષ. આથી જ વર્ષાઋતુ ખાસ કરીને કવિની ઋતુ છે, કારણ કે કવિ ગીતાના ઉપદેશને ત્યજી બેઠો છે. એને કર્મમાંય અધિકાર નહીં; એને માત્ર અધિકારમુક્તિનો — કર્મમાંથી મુક્તિ, ફળમાંથી મુક્તિ. વર્ષાઋતુમાં ફળને માટેના પ્રયત્નો અલ્પ, ને વર્ષાની સમસ્ત વ્યવસ્થા કર્મને પ્રતિકૂળ. તેથી જ વર્ષામાં હૃદય મુક્તિ પામે. વ્યાકરણમાં હૃદયની ગમે તે જાતિ હોય, આપણી પ્રકૃતિમાં તો એની નારીજાતિ છે એ વિષે જરાય શંકા નથી. તેથી જ કામકાજની કચેરીમાં કે નફાતોટાના બજારમાં એ પોતાની પાલખીની બહાર નીકળી શકે નહીં. ત્યાં એ પર્દાનશીન. કુટુમ્બના વડીલ પુરુષો પૂજાની રજામાં જ્યારે પોતાના કામકાજના સંસારથી દૂર પશ્ચિમમાં હવા ખાવા જાય ત્યારે ઘરની વહુનો ઘૂંઘટ અળગો થાય. વર્ષામાં આપણી હૃદયવધૂનો ઘૂંઘટ રહે નહીં; વાદળભર્યા કામકાજ વગરના દિવસે એ ક્યાંની ક્યાં બહાર નીકળી પડે, ને ત્યારે એને પકડી રાખવી ભારે થઈ પડે. એક વખત આષાઢના પ્રથમ દિવસે ઉજ્જયિનીના કવિ રામગિરિથી તે અલકા સુધી, મૃત્યુલોકથી તે કૈલાસ સુધી એની પાછળ દોડ્યા હતા. વર્ષામાં હૃદયની આડેનાં બધાં બાધાઅન્તરાય સરી જાય છે તેથી જ એ સમય વિરહીવિરહિણીને માટે સુસહ્ય બની રહેતો નથી. ત્યારે હૃદય પોતાની બધી વેદનાની ફરિયાદ લઈને આપણી આગળ આવીને ઊભું રહે છે, કચેરીના ચપરાસીઓ આમતેમ ફરતા હોય ત્યારે તો એ ચૂપ બેસી રહે, પણ હવે એને કોણ રોકી રાખી શકે? વિશ્વના કારભારમાં એક ભારે મોટું ખાતું છે, એ ખાતું વિના કામકાજનું. એ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટથી સાવ ઊંધું. એ ખાતામાં જે કાંઈ થાય તે બિલકુલ બેહિસાબી. સરકારી હિસાબ તપાસનારે હતાશ થઈને એ ખાતાની ખાતાવહી તપાસવાનું સાવ છોડી દીધું છે. જરા તમે જ વિચારી જુઓ ને. આવડા મોટા આકાશ પર આ છેડેથી તે પેલા છેડા સુધી અમથી અમથી ભૂરી પીંછી ફેરવી દેવાની શી જરૂર હતી? એ શબ્દહીન શૂન્યને વર્ણહીન રાખ્યું હોત તો એણે કશી ફરિયાદ ન કરી હોત. વળી લાખ્ખો ફૂલ સવારે ફૂટીને સાંજે ખરી જાય છે, એની દાંડીથી માંડીને તે પાંખડી સુધીમાં જે આટલી બધી કારીગરી જોવામાં આવે છે તેના અજ અપવ્યયને માટે કોણ કોને જવાબદાર! આપણી શક્તિની નજરે એ બધી છોકર-રમત, એ કશા કામમાં આવે નહીં; આપણી બુુદ્ધિની નજરે એ બધી માયા, એમાં કશું વાસ્તવિક નહીં.

પણ નવાઈની વાત તો એ છે કે આ નિરુપયોગી અંશ જ હૃદયનું પ્રિય ધામ. તેથી જ ફળ કરતાં ફૂલમાં જ એની તૃપ્તિ. ફળ કાંઈ ઓછાં સુંદર નથી હોતાં, પણ ફળની ઉપયોગિતા એવી એક વસ્તુ છે જે લોભીનું ટોળું જમા કરે છે, બુદ્ધિ પણ આવીને એના પરનો પોતાનો દાવો જાહેર કરે છે; તેથી જ ઘૂમટો તાણી લઈને હૃદયને ત્યાંથી સહેજ ખસી જઈને ઊભા રહેવું પડે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે તામ્રવર્ણ પાકી કેરીના ભારથી વૃક્ષની ડાળીઓ નમી જતાં વિરહિણીની રસનામાં જે રસની ઉત્તેજના ઉપસ્થિત થાય છે તે ગીતિકાવ્યનો વિષય બનતી નથી. એ નરી વાસ્તવિક, એનો જે ઉપયોગ તેને આપણે રૂપિયા આના પાઈમાં ગણી શકીએ.

વર્ષાઋતુ નિરુપયોગિતાની ઋતુ છે, એટલે કે એના સંગીતમાં, એના સમારોહમાં, એના અન્ધકારમાં, એની દીપ્તિમાં, એના ચાંચલ્યમાં, એના ગામ્ભીર્યમાં, એની સમસ્ત ઉપયોગિતા કોણ જાણે ક્યાં ઢંકાઈ ગઈ છે. એ ઋતુ મુક્તિની ઋતુ છે. તેથી ભારતવર્ષમાં વર્ષામાં છુટ્ટી હતી, કેમ કે, ભારતવર્ષમાં પ્રકૃતિની સાથે મનુષ્યનો નિકટનો સમ્બન્ધ હતો. ઋતુઓ એના દ્વારની બહાર ઊભી રહીને દર્શન પામ્યા વિના પાછી ફરતી નહીં. એના હૃદયમાં ઋતુના આગમનની તૈયારીઓ ચાલ્યા જ કરતી. ભારતવર્ષની દરેક ઋતુમાં એકાદ ઉત્સવ તો આવે જ છે. પણ કઈ ઋતુએ કશા પણ કારણ વિના મનુષ્યના હૃદય પર અધિકાર પ્રાપ્ત કર્યો છે એ જોવું હોય તો સંગીતમાં એની તપાસ કરો, કારણ કે, સંગીતમાં જ હૃદયની ગૂઢ વાત આબાદ પકડાઈ જાય છે. એમ જોઈએ તો ઋતુની રાગરાગિણી માત્ર વર્ષાને ને વસન્તને જ છે. સંગીતશાસ્ત્રમાં બધી ઋતુને માટે કોઈ ને કોઈ સૂર નોખા રાખ્યા હોય એમ બને, પણ એ તો માત્ર શાસ્ત્રગત. વ્યવહારમાં તો આપણે જોઈએ છીએ કે વસન્તને માટે છે વસન્ત અને બહાર, ને વર્ષાને માટે છે મેઘમલ્હાર, દેશ અને બીજા ઘણાય રાગો. સંગીતની વસતિમાં મત લેવા જાઓ તો વર્ષાની જ જીત થવાની. શરદમાં ને હેમન્તમાં ભર્યાંભર્યાં ખેતરો ને ભરીભરી નદીઓ જોઈને મન નાચી ઊઠે; ત્યારે ઉત્સવોનોય અન્ત નહીં પણ એ બધું રાગિણી દ્વારા કેમ પ્રકટ થતું નથી? એનું મુખ્ય કારણ એ કે એ ઋતુમાં વાસ્તવિકતા કામગીરી બનીને આવીને ખેતરઘાટ-બધે પહોળી થઈને બેસી જાય છે. વાસ્તવિકતાની સભામાં સંગીત મુજરો કરવા આવતું નથી, જ્યાં અખણ્ડ અવકાશ હોય છે ત્યાં જ એ સલામ ભરીને બેસી પડે છે. વસ્તુના કારભારમાં રચ્યાપચ્યા રહેનારા જેને નાચીજ અને શૂન્યવત્ ગણે છે તે કાંઈ નાંખી દેવા જેવી વસ્તુ હોતી નથી. પણ પૃથ્વીના વસ્તુુપંડિને વ્યાપી લઈને જે વાયુમંડળ રહ્યું છે તેમાં થઈને જ જ્યોતિર્લોકમાંનો પ્રકાશદૂત આવજા કરે છે. પૃથ્વીનું બધું લાવણ્ય એ વાયુમણ્ડળમાં જ રહ્યું છે. એનું જીવન પણ એમાં જ, ભૂમિ ધ્રુવ અને નક્કર, એનો હિસાબકિતાબ રાખી શકાય, પણ વાયુમણ્ડળમાં કેવું કેવું ગાંડપણ ચાલી રહ્યું છે તે વિદ્વાનોને અગોચર નથી. એના મિજાજને કોણ પારખે? પૃથ્વીનાં બધાં કામકાજ ધૂળ ઉપર થાય; પણ પૃથ્વીનું બધું સંગીત એ શૂન્યમાં, જ્યાં એને અપરિછિન્ન અવકાશ મળી રહે. મનુષ્યના ચિત્તની ચારે બાજુ પણ એક વિશાળ આકાશનું વાયુમંડળ રહ્યું છે; એમાં જ એના અનેક રંગીન તરંગો તર્યા કરે; ત્યાં જ અનન્ત એને હાથે પ્રકાશની રાખડી બાંધવાને આવે; ત્યાં જ ઝંઝાવાત ને વૃષ્ટિ; ત્યાં જ ઓગણપચાસ વાયુની ઉન્મત્તતા; ત્યાંનો કશો હિસાબ તમે પામી શકો નહીં. મનુષ્યના અતિચૈતન્યલોકમાં અચિંતનીયની લીલા ચાલી રહી છે, ત્યાં જે કામકાજ વગરના લોકો આવજા કરવાને ઉત્સુક છે તેઓ ધરતીને સ્વીકારે છે ખરા, પણ તેમનો વિહાર તો આ વિપુલ અવકાશમાં જ. ત્યાંની ભાષા જ સંગીત. એ સંગીતથી વાસ્તવ જગતનું ખાસ કયું કામ સિદ્ધ થાય તેની તો મને ખબર નથી, પણ એની જ સ્પન્દનશીલ પાંખના આઘાતથી અતિચૈતન્યલોકનાં સંહિદ્વાર ખૂલી જાય છે. મનુષ્યની ભાષા તરફ જરા નજર કરી જુઓ. એ ભાષા દ્વારા મનુષ્ય પોતાને પ્રકટ કરે છે; તેથી જ એમાં આટલું બધું રહસ્ય રહ્યું છે. શબ્દની વસ્તુ તે એનો અર્થ, મનુષ્ય જો કેવલ વસ્તુવાદી જ હોત તો એની ભાષાના શબ્દમાં નર્યા અર્થ સિવાય બીજું કશું હોત જ નહીં; તો તો એનો શબ્દ માત્ર માહિતી જ આપત, સૂર આપત જ નહીં, પણ ઘણા શબ્દો છે, જેના અર્થપિણ્ડની ચારે બાજુ આકાશનો અવકાશ રહ્યો છે. એક પ્રકારનું વાયુમણ્ડળ રહ્યું છે. એ શબ્દ જે કાંઈ જણાવે તેનાથી વિશેષ એનામાં રહ્યું હોય છે, એનું ઇંંગિત એની વાણી કરતાં વધારે. એનો પરિચય તદ્ધિત પ્રત્યયમાં નહીં, ચિત્તપ્રત્યયમાં. આ બધી અવકાશવાળી વાતો સાથે જ અવકાશવિહારી કવિનો કારભાર ચાલે. એ અવકાશના રંગોને પરિસ્ફુટ કરવાનો સુયોગ પ્રાપ્ત થાય. એ અવકાશમાંથી જ છન્દો અનેક ભંગીએ હિલ્લોલિત થઈ ઊઠે છે.

આ બધા અવકાશબહુલ રંગીન શબ્દો જો ના હોત તો તેથી કાંઈ બુદ્ધિને ખોટ જવાની નહોતી, પણ હૃદય તો પોતાને પ્રકટ કર્યા વિના છાતી કૂટીને જ મરી જાત. એનો મુખ્ય કારભાર અનિર્વચનીયની સાથે, તેથી જ અર્થની એને તો માત્ર સાધારણ જ જરૂર રહે. બુદ્ધિને જરૂર ગતિની, પણ હૃદયને તો જોઈએ નૃત્ય, એકાગ્ર થઈને કશાકની પ્રાપ્તિ કરવી એ ગતિનું લક્ષ્ય; અનેકવિધ બનીને પોતાને પ્રકટ કરવું એ નૃત્યનું લક્ષ્ય. ભીડમાં સંકડાઈભીંસાઈનેય ચાલી શકાય, પણ ભીડમાં નૃત્ય કરી શકાય નહીં. નૃત્યની ચારે બાજુએ અવકાશ જોઈએ. તેથી જ હૃદય અવકાશની માંગણી કરે છે. બુદ્ધિમાન એ માગણીને અવાસ્તવિક ને તુચ્છ ગણીને ઉડાડી દે છે.

હું વિજ્ઞાની નથી, પણ ઘણા દિવસથી છન્દ વાપરતો આવ્યો છું એટલે છન્દનું તત્ત્વ કંઈક સમજું છું એમ મને લાગે છે. હું જાણું છું જે છન્દના જે અંશને યતિ કહે છે, એટલે કે જે અવકાશરૂપ છે, છન્દનો વસ્તુઅંશ જેમાં નથી તેમાં જ છન્દના પ્રાણ રહ્યા છે — પૃથ્વીના પ્રાણ જેમ માટીમાં નહીં, પણ પવનમાં રહ્યા છે તેમ. અંગ્રેજીમાં યતિને કહે છે pause, પણ pause શબ્દમાં એક પ્રકારના અભાવનું સૂચન રહ્યું છે, યતિમાં એ અભાવ નથી. સમસ્ત છન્દનો ભાવ જ એ યતિમાં — કારણ કે, યતિ છન્દને અટકાવી દેતી નથી, નિયમિત કરે છે. છન્દ જ્યાં જ્યાં થંભે છે ત્યાં ત્યાં એવું ઇંગિત પ્રકટ થઈ ઊઠે છે, ત્યાં જ એ નિરાંતનો દમ ખેંચીને પોતાનો પરિચય આપીને બચી શકે છે. આ પ્રમાણ પરથી મને ખાતરી છે કે વિશ્વરચનામાં જ્યાં જ્યાં જે બધી યતિ દેખાય છે તેમાં શૂન્યતા નથી, ત્યાં જ વિશ્વના પ્રાણ કામ કરી રહ્યા છે. સાંભળ્યું છે કે અણુપરમાણુની વચ્ચે છિદ્ર જ હોય છે; હું તો ચોક્કસ જાણું છું કે એ છિદ્રોમાં જ વિરાટની અવસ્થિતિ છે. છિદ્રો જ મુખ્ય છે, વસ્તુ તો ગૌણ છે. જેને શૂન્ય કહીએ છીએ તેની અશ્રાન્ત લીલા તે વસ્તુઓ. એ શૂન્ય જ એમને આકાર દે છે, ગતિ દે છે, પ્રાણ દે છે, આકર્ષણવિકર્ષણ તો એ શૂન્યની કુસ્તીના જ દાવપેચ છે. જગતમાંનો વસ્તુવ્યાપાર એ શૂન્યનો, એ મહાયતિનો જ પરિચય કરાવે છે. એ વિપુલ વિચ્છેદ દ્વારા જ જગતની બધી સંયોગની સાધના ચાલી રહી છે — અણુની સાથે અણુના સંયોગની. નક્ષત્રોની સાથે નક્ષત્રોના સંયોગની. એ વિચ્છેદના મહાસાગરમાં માણસ તરી રહ્યો છે તેથી જ એનામાં શક્તિ છે, જ્ઞાન છે, પ્રેમ છે; તેથી જ માણસ આ બધી લીલા ને ક્રીડા કરી રહ્યો છે. એ મહાવિચ્છેદ જો વસ્તુથી પૂરેપૂરો ભરાઈ જઈને નક્કર બની જાય તો તો પછી કેવળ મૃત્યુ જ નસીબમાં રહે. વસ્તુ પોતાના અવકાશને ખોઈ બેસે, વસ્તુ જેટલી છે તેટલી જ માત્ર રહે તેનું નામ જ મૃત્યુ; મૃત્યુ આ સિવાય બીજું કશું નથી. જે મહાઅવકાશનું આલમ્બન લઈને વસ્તુ પોતાને મુક્ત રાખીને વિહરી શકે છે તે મહાઅવકાશનું નામ જ પ્રાણ. વાસ્તવવાદીઓ એમ માને છે કે અવકાશ તો નિશ્ચલ છે; પણ જેઓ અવકાશરસના રસિયા છે તેઓ તો જાણે છે કે વસ્તુ જ નિશ્ચલ છે, અવકાશ જ એને ગતિ દે છે. રણક્ષેત્રમાં સૈનિકો વચ્ચે અવકાશ હોતો નથી, એ લોકો તો ખભેખભા મિલાવીને વ્યૂહ રચતા ચાલ્યા જાય છે; એઓ મનમાં એમ માને છે કે યુદ્ધ અમે જ કરીએ છીએ પણ જે સેનાપતિ અવકાશમાં નિમગ્ન થઈને સ્થિર જોઈ રહ્યો છે તેના પર જ સૈનિકોની બધી ગતિનો આધાર રહ્યો હોય છે. નિશ્ચલની જે ભયંકર ગતિ છે તેનો રુદ્રવેગ જો જોવો હોય તો જુઓ આ નક્ષત્રમંડળીનાં આવર્તનોમાં; જુઓ યુગયુગાન્તરના તાણ્ડવનૃત્યમાં. જે નાચતા નથી તેમનું જ નૃત્ય આ સકળ ચંચળતામાં ચાલી રહ્યું છે. આટલી બધી વાત મારે કહેવી પડી એનું કારણ એ કે કવિશેખર કાલિદાસે જે આષાઢને પોતાના મન્દાક્રાન્તા છન્દની અમ્લાન માળા પહેરાવીને વરી લીધો છે તેને કામગરા લોકો કપોલકલ્પિત કહીને અવગણે છે. એઓ એમ માને છે કે આ મેઘાવગુુણ્ઠિત વર્ષણમંજરીમુખર માસ કશા કામનો નથી, એની છાયાથી છવાયેલા પ્રહારોના બજારમાં માત્ર નકામી વસ્તુઓનો જ વેપાર ચાલે છે. આ કેવો અન્યાય! સહુ કામકાજની બહાર રહીને જે લોકો કશા હેતુ વિના મળેલી સ્વર્ગસભામાં આસન પર બિરાજીને નકામી વાતોના અમૃતનું પાન કરી રહ્યા છે તેમની સભામાં હે કિશોર આષાઢ! જો તું મારા આલોલ કુન્તલમાં નવમાલતીની માળા પહેરીને નીલકાન્તમણિના જામ ભરવાનો ભાર ઉપાડી લેતો હોય તો તને સ્વાગત હો! હે નવઘનશ્યામ! અમે તને આવકારીએ છીએ. આવો આવો, જગતના સહુ કામકાજ વિનાના લોકો, આવો આવો, ભાવુક, રસના રસિક જુઓ, આ આષાઢનું મૃદંગ બજી ઊઠ્યું છે, આવો સમસ્ત પાગલો, તમને નૃત્ય કરવાને હાક પડી છે. વિશ્વની ચિરવિરહવેદનાનો અશ્રુોત આજે મુક્ત થયો છે, આજે એણે કશાં બન્ધન ગણ્યાં નથી. ચાલી આવ, હે અભિસારિકા! કામકાજના સંસારનાં બારણાં વસાઈ ગયાં છે, હાટને રસ્તે કોઈ ફરકતું નથી, ચકિત વિદ્યુત્ના પ્રકાશમાં ચાલો. આજે યાત્રાએ નીકળી પડીએ, જૂઈના પુષ્પથી સુવાસિત બનેલા વનને છેડેથી સજલ વાયુ સાથે નિમન્ત્રણ આવ્યું છે, કોઈક છાયાવિતાનમાં અનેક યુગની ચિરજાગ્રત પ્રતીક્ષા મીટ માંડીને બેસી રહી છે. (સંચય)