રવીન્દ્રપર્વ/૧૯૮. સાહિત્યનું મૂલ્ય
તે દિવસે અનિલ સાથે સાહિત્યના મૂલ્યના આદર્શમાં સદા થતાં રહેતાં પરિવર્તન વિશે ચર્ચા કરતો હતો. ત્યારે મેં સાથે સાથે એવું પણ કહ્યું હતું કે ભાષા સાહિત્યનું વાહન છે, સમય જતાં ભાષાનું પણ રૂપાન્તર થતું રહે છે. આથી એની વ્યંજનાની અન્તરંગતાનું તારતમ્ય પણ એકસરખું રહેતું નથી. આ વાત સહેજ સ્પષ્ટ કરીને કહેવાની જરૂર છે. મારા જેવા ગીતિકવિઓ એમની રચનામાં ખાસ કરીને રસની અનિર્વચનીયતાનો જ વેપલો કરતા હોય છે. જમાને જમાને લોકોના મુખમાં એ રસનો સ્વાદ એકસરખો રહેતો નથી, એની પ્રત્યેના આદરનું પરિમાણ પણ ધીમે ધીમે શુષ્ક નદીનાં જળની જેમ તળિયે બેસતું જાય છે. આથી રસના વેપલામાં ભારે ખોટ ખાઈ બેસવાનો વારો પણ આવે છે. એના ગૌરવ વિશે ગર્વ કરવાનું મન થતું નથી. પરંતુ આ રસની અવતારણા જ સાહિત્યનું એકમાત્ર અવલમ્બન નથી. એની એક બીજી પણ બાજુ છે: એ છે રૂપનું સર્જન. એના વડે પ્રત્યક્ષ અનુુભૂતિ થાય, માત્ર અનુમાન નહીં, ધ્વનિનો ઝંકાર નહીં. બાલ્યકાળમાં એક દિવસ મારી એક કૃતિનું નામ રાખ્યું હતું ‘છબિ અને ગાન.’ વિચાર કરી જોતાં દેખાશે કે આ બે સંજ્ઞાથી સમસ્ત સાહિત્યની સીમાનો નિર્ણય કરી શકાય તેમ છે. ચિત્રમાં વધારે પડતી ગૂઢતા હોતી નથી, એ સ્પષ્ટ દૃશ્યમાન હોય છે. એની સાથે રસ ભળ્યો હોવા છતાં એનાં રેખા અને વર્ણવિન્યાસ એ રસના પ્રલેપથી ધૂંધળાં થઈ જતાં નથી. એથી એની પ્રતિષ્ઠા દૃઢતર બની રહે છે. સાહિત્યમાં આપણે મનુષ્યના ભાવનું રહસ્ય ઘણી વાર પ્રકટતું જોઈએ છીએ, ને એને ભૂલતાંય ઝાઝો વખત લાગતો નથી. પણ સાહિત્યમાં મનુષ્યની મૂર્તિ જ્યાં ઉજ્જ્વળ રેખાએ સ્ફુટ થઇ ઊઠે છે ત્યાં એને સહેલાઈથી ભૂલી જઈ શકાતી નથી. આ ગતિશીલ જગતમાં જે કાંઈ ચાલે છે, ફરે છે તે બધાં વચ્ચે જ એ પણ રાજમાર્ગે થઈને આવજા કરે છે. આથી શૅક્સપિયરનાં ‘લુંક્રિસ’ અને ‘વિનસ એન્ડ એડોનિસ’ કાવ્યનો સ્વાદ આજે આપણને કદાચ બહુ રુચિકર નહીં લાગે એમ બને, એ વાત હિંમતપૂર્વક કહીએ કે નહીં કહીએ પણ લેડી મેકબેથ અથવા કંગિ લિયર અથવા એન્તોનિ એન્ડ ક્લિઓપાત્રાને વિશે એવું કોઈ કહે તો આપણે કહીશું કે એની રસનામાં જ અસ્વાસ્થ્યકર વિકૃતિ ઉદ્ભવી છે, એ સ્વાભાવિક અવસ્થામાં નથી. શૅક્સપિયરે માનવચરિત્રની ચિત્રશાળાના દ્વારનું ઉદ્ઘાટન કરી આપ્યું છે. હવે ત્યાં યુગે યુગે લોકોની ભીડ જમા થતી રહેશે. ‘કુમારસમ્ભવ’માંનું હિમાલયનું વર્ણન અત્યન્ત કૃત્રિમ છે, એમાં સંસ્કૃતભાષાનું ધ્વનિગૌરવ કદાચ હશે પણ રૂપની સત્યતા તો સહેજે નથી. પણ સખીપરિવૃતા શકુન્તલા ચિરકાળની. એનું પ્રત્યાખ્યાન દુષ્યન્ત કરી શકે, પણ કોઈ પણ યુગનો ભાવક એવું કરી શકશે નહીં. મનુષ્ય જાગી ઊઠ્યો છે; મનુષ્યની અભ્યર્થના સર્વ કાળમાં અને સર્વ દેશમાં એ પામશે. તેથી કહું છું કે સાહિત્યના દરબારમાં આ રૂપસૃષ્ટિનું આસન ધ્રુવ છે. કવિકંકણનો સમસ્ત વાક્યરાશિ સમય જતા અનાદૃત થાય એમ કદાચ બને, પણ એનો ભાંડુદત્ત તો ટકી રહેશે. ‘મિડ્સમર નાઇટ્સ ડ્રીમ’ નાટકનું મૂલ્ય કદાચ ઓછું હશે પણ ફોલ્સ્ટાફનો પ્રભાવ તો એવો ને એવો અવિચલિત રહેશે. જીવન મહાશિલ્પી છે. એ જુગે જુગે દેશદેશાન્તરે મનુષ્યને અનેકવિધ વૈચિત્ર્યે મૂર્તિમાન કર્યે જાય છે. લાખલાખ માનવીઓના ચહેરા આજે વિસ્મૃતિના અન્ધકારમાં અદૃશ્ય બની ગયા છે, તેમ છતાં બહુશત ચહેરાઓ આજેય એવા ને એવા પ્રત્યક્ષ છે, ઇતિહાસમાં એ બધા ઉજ્જ્વળ બની ગયા છે. જીવનનું આ સર્જનકાર્ય જો સાહિત્યમાં યથોચિત નૈપુણ્યસહિત આશ્રય પામી શકે તો જ એ અક્ષય બની રહે. આ પ્રકારનું સાહિત્ય જ ધન્ય બની રહે છ ે- ધન્ય ડોન કિહોટે, ધન્ય રોબિન્સન ક્રૂઝો. આપણા ઘરઘરમાં એનું સ્થાન છે; જીવનશિલ્પીની રૂપરચના એમાં અંકાઈ ગઈ છે. એમાંની કોઈક આછી ઝાંખી હોય, કોઈ અધૂરી હોય તો કોઈ ઉજ્જ્વળ પણ હોય. સાહિત્યમાં જ્યાં જ્યાં જીવનનો પ્રભાવ અમુક વિશિષ્ટ કાળની પ્રચલિત કૃત્રિમતાને અતિક્રમીને સજીવ થઈ ઊઠ્યો છે ત્યાં જ સાહિત્યની અમરાવતી છે. પણ જીવન જેમ મૂર્તિશિલ્પી છે તેમ રસિક પણ છે. એ ખાસ કરીને રસનો પણ કારભાર કરે છે, એ રસનું પાત્ર જો જીવનના સ્વાક્ષર નહિ પામે, જો એ અમુક વિશિષ્ટ સમયનું વિશેષત્વમાત્ર પ્રકટ કરે કે માત્ર રચનાકૌશલનો જ પરિચય કરાવે તો સાહિત્યમાં એ રસનો સંચય વિકૃત થઈ જાય અથવા એ સુકાઈને લોપ પામે. રસ પીરસવામાં મહારસિક જીવનના અકૃત્રિમ આસ્વાદનનું દાન રહ્યું હોય છે તે રસના ભોજનમાં ઉપેક્ષિત થવાની આશંકા રહેતી નથી. ‘ચરણનખરે પડી દશ ચન્દ્ર રડે’ આ પંક્તિમાં વાક્ચાતુરી છે, પણ જીવનનો સ્વાદ નથી. તો બીજી બાજુ
- તારા મસ્તકની ચૂડાએ જે રંગ ઝળહળે
- એ રંગે રંગાવી દે ને મારી કાંચળી—
એમાં જીવનનો સ્પર્શ પામીએ છીએ, એને અસંશય ગ્રહી શકીએ છીએ. (સંચય)