રવીન્દ્રપર્વ/૨૦૪. આષાઢસ્ય પ્રથમ દિવસે
શિલાઇદા, બુધવાર,૨ આષાઢ ૧૨૯૯ કાલે આષાઢસ્ય પ્રથમ દિવસે વર્ષાનો નવ-રાજ્યાભિષેક ખાસ્સા દમામથી થઈ ગયો. દિવસના ભાગમાં ખૂબ તાપ રહ્યો પણ સાંજ વેળાએ ઘનઘોર વાદળ ઘેરાઈ આવ્યાં. કાલે મને થયું કે આ વર્ષાનો પ્રથમ દિવસ, આજે અન્ધ કૂપની અંદર દિવસ ગાળવો એના કરતાં તો ભીંજાવું સારું. જીવનમાં ૧૨૯૯ની સાલ બીજી વાર આવવાની નથી, વિચારી જોતાં લાગ્યું કે હવે આયુષ્યમાં આષાઢના પ્રથમ દિવસોય કેટલા આવશે! — એ બધાને ભેગા કરતાં જો ત્રીસેકની સંખ્યા થાય તો તો એ ખૂબ દીર્ઘ જીવન કહેવાય! મેઘદૂત લખાયા પછી આષાઢનો પ્રથમ દિવસ એક વિશેષ દિવસ તરીકે ચિહ્નિત થઈ ગયો છે — કાંઈ નહીં તો મારે માટે તો ખરો જ. મને ઘણું ખરું એવો વિચાર આવે છે કે મારા જીવનમાં આ જે બધા દિવસો એક પછી એક આવ્યે જાય છે. કોઈક સૂર્યોદય ને સૂર્યાસ્તથી રંગીન, કોઈ ઘનઘોર મેઘે સ્નિગ્ધનીલ, કોઈ પૂણિર્માની જ્યોત્સ્નાએ શ્વેત ફૂલના જેવો પ્રફુલ્લ, એ મારે મન ઓછા સદ્ભાગ્યની વાત છે? એની કિમ્મત કાંઈ ઓછી થોડી જ છે? હજાર વર્ષ પહેલાં કાલિદાસે જે આષાઢના પ્રથમ દિવસનું સ્વાગત કર્યું હતું તે જ પ્રાચીન ઉજ્જયિનીના પ્રાચીન કવિનો, અનેક કાળના શતશત સુખદુ:ખવિરહમિલનમય નરનારીઓનો, આષાઢસ્ય પ્રથમ દિવસ મારા જીવનમાં પણ પ્રત્યેક વર્ષે એનાં સમસ્ત આકાશવ્યાપી ઐશ્વર્ય સહિત ઊગે છે. એ અતિ પુરાતન આષાઢનો પ્રથમ મહાદિન મારા જીવનમાંથી એક એક કરતાં દર વર્ષે ઓછો થતો જાય છે. આખરે એક સમય એવો આવશે જ્યારે કાલિદાસનો એ દિવસ ભારતવર્ષની વર્ષાનો એ ચિરકાલીન પ્રથમ દિન, મારે નસીબે એક પણ અવશેષમાં રહેશે નહીં. આ વાતને વિચારું છું ત્યારે પૃથ્વીને ફરી એક વાર ધારીધારીને જોઈ લેવાની ઇચ્છા થઈ આવે છે, થાય છે કે જાણે જીવનના પ્રત્યેક સૌન્દર્યનું જાગ્રત રહીને અભિવાદન કરું ને પ્રત્યેક સૂર્યાસ્તને પરિચિત મિત્રની જેમ વદાય દઉં. હું જો સાધુ પ્રકૃતિનો માણસ હોત તો વિચારત કે જીવન નશ્વર છે, આથી દરેક દિવસને વૃથા વેડફી ન દેતાં સત્કાર્યમાં અથવા હરિનું નામ લેવામાં ગાળું પણ એ મારા સ્વભાવમાં જ નથી, તેથી જ મને કદીક કદીક થાય છે કે આવા સુન્દર દિવસરાત મારા જીવનમાંથી દરરોજ ચાલ્યા જાય છે ને હું એને સમગ્રતયા ગ્રહણ કરી શકતો નથી. એના બધા રંગો, એનાં પ્રકાશ અને છાયા, આ આકાશવ્યાપી નિ:શબ્દ સમારોહ, આ દ્યુલોક-ભૂલોક વચ્ચેની સમસ્ત શૂન્યને પરિપૂર્ણ કરી દેનાર શાન્તિ અને સૌન્દર્ય, એને માટે કાંઈ ઓછી તૈયારી ચાલી રહી છે! કેટલું વિશાળ છે ઉત્સવનું ક્ષેત્ર? ને, આપણા અન્તરમાંથી એને ઘટતો આવકાર સરખોય મળતો નથી! જગતથી કેટલે દૂર આપણે વસીએ છીએ! લાખ લાખ જોજન દૂરથી લાખ લાખ વરસથી અનન્ત અન્ધકારને રસ્તે યાત્રા કરીને એકાદ તારાનો પ્રકાશ આ પૃથ્વી પર આવી પહોંચે ને આપણા અન્તરમાં એ પ્રવેશ કરી શકે નહીં, એ હજુય લાખ જોજન દૂરનો દૂર રહી જાય! રંગીન પ્રભાત અને રંગીન સન્ધ્યા દિગ્વધૂઓના છિન્ન કણ્ઠહારમાંથી એક એક માણેકની જેમ સમુદ્રનાં જળમાં સરતાં જાય છે. એમાંનો એક્કેય મારા મનમાં આવીને પડતો નથી. વિલાયત જતી વેળાએ રાતા સમુદ્રના સ્થિર જળમાં જે અલૌકિક સૂર્યાસ્ત જોયો હતો તે આજે ક્યાં છે? પણ સદ્ભાગ્યે મેં એને જોયો, સદ્ભાગ્યે મારા જીવનમાં એ એક સંધ્યા ઉપેક્ષિત થઈને વ્યર્થ ન ગઈ. અગણિત દિવસરાતમાંનો એ એક અત્યાશ્ચર્યપૂર્ણ સૂર્યાસ્ત મારા સિવાય પૃથ્વીના કોઈ કવિએ જોયો નહીં. મારા જીવનમાં એનો રંગ રહી ગયો છે. એવો એક એક દિવસ એક એક ખજાના જેવો જાણે! બાગમાંના મારા કેટલાક દિવસો, ત્રીજા માળની અગાસીમાં ગાળેલી કેટલીક રાતો, પશ્ચિમ અને દક્ષિણના વરંડામાં ગાળેલા વર્ષાના દિવસો, ચન્દનનગરની ગંગાની કેટલીક સાંજ, દાજિર્લિંગમાં સિંચલ શિખર પરનો એક સૂર્યાસ્ત અને ચન્દ્રોદય- આવા તો કેટલાય ઉજ્જ્વળ સુન્દર ક્ષણખણ્ડ જાણે ‘ફાઇલ’ થઈ ગયા છે. બાલ્યાવસ્થામાં વસન્તની ચાંદની રાતે જ્યારે અગાસીમાં પડ્યો રહેતો ત્યારે ચાંદની જાણે મદના શુભ્ર ફીણની જેમ બિલકુલ ઊભરાઈ જઈને મને ડુબાડી દેતી. જે પૃથ્વીમાં આવી પડ્યો છું તે પૃથ્વી પરના માણસ બધા અદ્ભુત જીવ છે, એઓ દિવસરાત માત્ર નિયમ બાંધે છે ને દીવાલ ચણે છે — રખે ને કશું દેખાઈ જાય એ બીકે કાળજીપૂર્વક પડદા પર પડદા ટાંગી દે છે. ખરે જ પૃથ્વી પરના જીવ ભારે અદ્ભુત છે. એ લોકોએ ફૂલના ઝાડને ઢાંકી દેતો ઘટાટોપ પહેરાવી દીધો નથી, ચન્દ્રની નીચે ચંદરવો ટાંગી દીધો નથી, તે નવાઈની વાત છે. એ સ્વેચ્છાએ અન્ધ બનેલા લોકો બંધ પાલખીમાં બેસીને પૃથ્વીમાં થઈને કોણ જાણે શું જોઈને ચાલ્યા જાય છે! જો મારી વાસના ને સાધનાને અનુરૂપ બીજો જન્મ મળશે તો આ આવરણમાં ઢંકાયેલી પૃથ્વીની બહાર નીકળીને કોઈક વિશાળ ઉન્મુક્ત સૌન્દર્યના આનન્દલોકમાં જઈને જન્મ ગ્રહણ કરી શકીશ. જેઓ સૌન્દર્યમાં સાચેસાચ નિમગ્ન થઈ શકતા નથી તેઓ જ સૌન્દર્યને માત્ર ઇન્દ્રિયોનું ધન કહીને એની અવજ્ઞા કરે છે. પણ એમાં જે અનિર્વચનીય ગમ્ભીરતા રહી છે તેનો આસ્વાદ જેઓ પામ્યા છે તેઓ જાણે છે કે સૌન્દર્ય ઇન્દ્રિયની ચૂડાન્ત શક્તિથીય અતીત છે; માત્ર આંખ ને કાન તો દૂર રહ્યાં, સમસ્ત હૃદયથી એમાં પ્રવેશ કરવાં છતાંય વ્યાકુળતાનો પાર રહે નહીં. હું સદ્ગૃહસ્થનો વેશ સજીને સરિયામ રસ્તે આવજા કરું છું, સદ્ગૃહસ્થોની સાથે રીતસર ભદ્રભાવે વાતચીત કરીને જીવનને નિરર્થક ગાળી રહ્યો છું. હું હૃદયથી છું અસભ્ય અભદ્ર, મારે માટે ક્યાંય શું કશી અત્યન્ત સુન્દર અરાજકતા નહીં હોય? ક્યાંય શું પાગલ લોકોનો આનન્દમેળો નહીં હોય? પણ આ બધું હું શું બક્યે જાઉં છું! કવ્યના નાયકો આવી બધી વાતો બોલે, રૂઢિચુસ્તતા પર ત્રણચાર પાનાં ભરીને મોટી સ્વગતોક્તિ ઉચ્ચારે ને સમસ્ત માનવસમાજથી પોતાને મોટા માને. ખરું કહું તો આ બધી વાત કહેતાંય શરમ આવે છે. એમાં જે સત્ય રહ્યું છે તે ઘણા લાંબા સમયથી મોટી મોટી વાતોમાં દબાઈ ગયું છે. પૃથ્વીમાં બધા મોટી મોટી વાતો કરે, તેમાંનો હું એક અગ્રગણ્ય માણસ. એકાએક આટલે ગાળે મને એનું ભાન થયું. જે મૂળ વાત કહેવા બેઠો હતો તે કહી લઉં, ગભરાઈશ નહીં, હવે બીજાં ચાર પાનાં નહીં ઉમેરું, વાત એ કે આષાઢના પ્રથમ દિવસે સાંજે મુશળધાર વૃષ્ટિ થઈ ગઈ છે. બસ.