રવીન્દ્રપર્વ/૨૧૦. લાયબ્રેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧૦. લાયબ્રેરી

મહાસાગરનાં સો વર્ષના‑કલ્લોલને જો કોઈ એવી રીતે બાંધી રાખી શકે કે જેથી એ પોઢી ગયેલા શિશુની જેમ ચૂપ થઈને પડી રહે તો એ નીરવ મહાશબ્દની સાથે આ લાયબ્રેરીની તુલના થઈ શકે. અહીં ભાષા ચૂપ થઈ ગઈ છે, પ્રવાહ સ્થિર થઈ ગયો છે. માનવાત્માનો અમર પ્રકાશ કાળા અન્ધકારની શંૃખલામાં કાગળના કારાગારમાં પુરાઈને પડી રહ્યો છે. જો એ બળવો કરી ઊઠે, નિસ્તબ્ધતા તોડી નાંખે, અક્ષરની વાડને ફૂંકી મારીને બહાર નીકળી આવે તો! હિમાલયના માથા ઉપરના કઠિન બરફમાં જેમ કેટલાય ઘોડાપૂર કેદ થઈને રહ્યાં હોય છે, તેમ આ લાયબ્રેરીમાં માનવહૃદયનાં એવાં ઘોડાપૂરને કોણે બાંધી રાખ્યાં છે? વિદ્યુતને માણસે ધાતુના તારથી બાંધી દીધી છે. પણ માણસ શબ્દને નિ:શબ્દમાં બાંધી રાખી શકશે એની કોને ખબર હતી! કોણ જાણતું હતું કે એ સંગીતને, હૃદયની આશાને, જાગ્રત આત્માના આનન્દધ્વનિને, આકાશની દૈવવાણીને કાગળમાં કાપીછાંટીને પૂરી રાખશે! કોને ખબર હતી કે માણસ ભૂતકાળને વર્તમાનમાં બન્દી કરશે! અતલસ્પર્શ કાલસમુદ્રના ઉપર એ એક પછી એક પોથી ગોઠવીને સેતુ બાંધી દેશે! લાયબ્રેરીમાં આપણે હજાર રસ્તાઓ ભેગા મળતા હોય એવા ચકલા આગળ ઊભા રહીએ છીએ. કોઈ રસ્તો અનન્ત સમુદ્રમાં જાય છે. કોઈ અનન્ત શિખર તરફ ચઢે છે, તો કોઈ માનવહૃદયના પાતાળમાં ઊતરે છે, જેને જે દિશામાં દોડવું હોય તે દિશામાં દોડે, ક્યાંય કશો અન્તરાય નડે એમ નથી. માણસે પોતાના પરિમાણને આટલી શી જગ્યામાં બાંધી રાખ્યું છે. શંખમાં જેમ સમુદ્રનો ઘોષ સાંભળી શકાય છે, તેમ આ લાયબ્રેરીમાં હૃદયના ઉત્થાનપતનનો અવાજ સાંભળી શકાય છે. અહીં જીવિત અને મૃત વ્યક્તિના હૃદય પાસે પાસે એક મહોલ્લામાં વાસ કરે છે. વાદ અને પ્રતિવાદ અહીં બે ભાઈની જેમ એક સાથે રહે છે. સંશય અને શ્રદ્ધા, સન્ધાન અને આવિષ્કાર અહીં એકબીજાને ભેટીને રહે છે. અહી દીર્ઘપ્રાણ અને સ્વલ્પપ્રાણ પરમ ધૈર્ય અને શાન્તિસહિત જીવનયાત્રા ચલાવે છે, કોઈ કોઈનીય ઉપેક્ષા કરતું નથી. કાંઈ કેટલાંય નદી સમુદ્ર પર્વતને ઓળંગીને માનવનો કણ્ઠ અહીં આવી પહોંચ્યો છે, કાંઈ કેટલીય શતાબ્દીને વીંધીને એ સ્વર આવે છે. આવો, અહીં આવો, અહીં પ્રકાશનું જન્મસંગીત બજી રહ્યું છે. અમૃતલોકનો પ્રથમ આવિષ્કાર કરીને જે જે મહાપુરુષોએ પોતાની ચારે બાજુના મનુષ્યોને સાદ દઈને કહ્યું, ‘તમે સૌ અમૃતના પુત્રો છો, તમે દિવ્ય ધામમાં વાસ કરો છો.’ તે મહાપુરુષોના એ શબ્દો સહ ભાષામાં હજારો વર્ષો વટાવીને આ લાયબ્રેરીમાં પ્રતિધ્વનિત થઈ રહ્યા છે. આ બંગદેશ તરફથી આપણે શું કશું કહેવાનું નથી? માનવસમાજને આપણા તરફથી કશા ખબર આપવાના નથી? જગતના એકતાન સંગીતમાં બંગદેશ જ માત્ર નિસ્તબ્ધ થઈને બેસી રહેશે? આપણા ચરણ આગળ પડેલો સમુદ્ર શું આપણને કશું જ કહેતો નથી? આપણી ગંગા શું હિમાલયને શિખરેથી કૈલાસનું એક્કેય ગીત અહીં વહી લાવતી નથી? આપણા માથા પર શું અનન્ત નીલ આકાશ નથી? ત્યાંથી અનન્તકાલની એ ચિરજ્યોતિર્મયી નક્ષત્રલિપિ કોઈએ ભૂંસી નાંખી છે કે શું? દેશવિદેશથી, ભૂતકાળ અને વર્તમાનકાળમાંથી દરરોજ આપણા પર માનવજાતિનો પત્ર આવે છે; આપણે શું એના ઉત્તરમાં બેચાર આછાંપાતળાં અંગ્રેજી છાપાં કાઢીશું? આખો દેશ અસીમ કાળના પટ પર પોતાનું નામ આંકે છે, ત્યારે માત્ર બંગાળીનું નામ જ અરજીને બીજે પાને લખાશે? જડ અદૃષ્ટની સાથે માનવાત્માનો સંગ્રામ ચાલે છે, સૈનિકોને બોલાવવાને દિશાદિશાએ રણશંગુંિ બજી ઊઠ્યું છે, ત્યારે આપણે જ આંગણામાંના માંડવામાં દૂધીતૂંબડાં માટે મુકદ્દમો લડતા ને અપીલ નોંધાવતા બેસી રહીશું? ઘણાં વરસથી ચૂપ બેસી રહેવાથી બંગદેશના પ્રાણ ભરાઈ ઊઠ્યા છે એને પોતાની ભાષામાં એક વાર પોતાની વાત કહેવા દો. બંગાળી સૂર ભળતાં વિશ્વસંગીત મધુરતર થઈ ઊઠશે. (બલાકા)
(રવીન્દ્ર નિબંધમાલા ૨)