રવીન્દ્રપર્વ/૨૧૨. કેકારવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧૨. કેકારવ

એકાએક ઘરે પાળેલા મોરની કેકા સાંભળીને મારા મિત્ર બોલી ઊઠ્યા, ‘મારાથી આ મોરનો અવાજ સહેવાતો નથી, કવિઓએ કેકારવને કાવ્યમાં કેમ સ્થાન આપ્યું છે તે જ મને સમજાતું નથી.’ વસન્તના કુહૂસ્વરને ને વર્ષાની કેકાને કવિ જ્યારે સમાન આદર આપે ત્યારે મનમાં એમ થઈ આવે કે કવિને કદાચ કૈવલ્યદશા પ્રાપ્ત થઈ ચૂકી છે. એને મન સારાનરસાનો, લલિત અને કર્કશનો ભેદ લુપ્ત થઈ ચૂક્યો છે. માત્ર કેકા જ શા માટે કે દેડકાનું ડ્રાંઉ અને તમરાંનો અવાજ — એને પણ કોઈ મધુર કહી શકે નહીં. પણ કવિઓએ એ અવાજોની ઉપેક્ષા કરી નથી. પ્રેયસીના કણ્ઠસ્વરની સાથે એની તુલના કરવાનું સાહસ તો એમનાથી થઈ શક્યું નથી, પણ ષડ્ઋતુના મહાસંગીતનું પ્રધાન અંગ ગણીને એનું સન્માન તો એમણે કર્યંુ જ છે. એક પ્રકારની મિષ્ટતા એવી છે જે નિ:સંશય મિષ્ટ, નિતાન્ત મિષ્ટ છે. એ પોતાના લાલિત્યને પુરવાર કરવામાં ક્ષણ જેટલો પણ સમય લેતી નથી. ઇન્દ્રિયોની અસન્દિગ્ધ સાક્ષી સ્વીકારીને મન એનું સૌન્દર્ય કબૂલ રાખવામાં સહેજસરખો તર્ક કરવા બેસતું નથી. એ ઇન્દ્રિયની પાસેથી પ્રાપ્ત કરેલી વસ્તુ છે. તેથી જ મન એની અવજ્ઞા કરે છે. કહે છે: ‘આ તો નર્યું મિષ્ટ, કેવળ મિષ્ટ!’ એટલે કે, એની મિષ્ટતા સમજવાને માટે અન્ત:કરણનો કશો ખપ પડતો નથી, એને કેવળ ઇન્દ્રિયો દ્વારા જ સમજી લેવાય છે. જેઓ સંગીતના ખરા જાણકાર હોય છે તેઓ તેથી જ અત્યન્ત ઉપેક્ષા દર્શાવીને કહે છે, ‘અમુકનું ગાન નર્યું મીઠું છે.’ એનો અર્થ એ કે મિષ્ટ ગાનારો સંગીતને આપણી ઇન્દ્રિયસભામાં લાવીને નિતાન્ત સુલભ પ્રશંસાથી અપમાનિત કરે છે; પરિષ્કૃત રુચિવાળા અને શિક્ષિત મનના દરબારમાં એ પ્રવેશ પામતું નથી. સંગીતના અધિકારી જાણકાર તો કહેશે, ‘ખોટો રસ દઈને સંગીતનું ખોટું ગૌરવ કરવા જશો નહીં, અમને સૂકો માલ આપો તો જ અમે એનું સાચું વજન જાણી શકીશું, અમે રાજી થઈને યોગ્ય મૂલ્ય ચૂકવી દઈશું.’ બહારની ખોટી મિષ્ટતાથી અસલ વસ્તુનું મૂલ્ય ઓછું થઈ જાય. જે સહજ મિષ્ટ છે તે મનને બહુ જલદી આળસુ બનાવી દે. મન એમાં વધારે રસ લઈ શકે નહિ. તરત જ મન એની મર્યાદાને પામી જઈને કહી દે, ‘બહુ થયું, હવે વધારે શા માટે?’ આથી જ જેઓ અમુક વિષયનું વિશેષ શિક્ષણ પામ્યા હોય છે તેઓ તેની પ્રારમ્ભાવસ્થાના નિતાન્ત સહજ અને લલિત અંશની બહુ ગણના કરતા નથી, કારણ કે એની મર્યાદા એમણે જાણી લીધી હોય છે; એની દોડ બહુ લાંબે સુધી પહોંચે એમ નથી એટલું એઓ સમજતા હોય છે. તેથી જ એનાથી એમનું અન્ત:કરણ જાગતું નથી. અશિક્ષિત એ સહજલભ્ય અંશને જ સમજી શકે, ને વળી એ એની મર્યાદાને પણ જાણે નહીં. તેથી એ અગભીર અંશમાં જ એનો આનન્દ પર્યાપ્ત થઈને રહે. અધિકારીના આનન્દને એ માત્ર એક કિમ્ભૂત વ્યાપાર જ ગણે; ઘણી વાર તો એ એને કપટીનો આડમ્બર પણ કહી નાંખે. આથી જ સર્વ પ્રકારની કળા અને વિદ્યાનો શિક્ષિતો અને અશિક્ષિતોનો આનન્દ જુદે જુદે માર્ગે જાય છે. એક પક્ષ એમ કહેશે, ‘એમાં તમે તે શું સમજી શકવાના હતા?’ ત્યારે વળી બીજો પણ ગુસ્સે થઈને કહેશે, ‘જે કાંઈ સમજવાનું છે તે બધું જાણે તમે જ સમજતા હશો, જગતમાં બીજું કોઈ સમજતું જ નહીં હોય?’ એક પ્રકારના સુગભીર સામંજસ્યનો આનન્દ, સંસ્થાનસમાવેશનો આનંદ, દૂરવતિર્ની સાથેના યોગસંયોગનો આનન્દ, પાર્શ્વવતિર્ની સાથે પરિચયની વિવિધતા સાધવાનો આનન્દ — આ બધા આનન્દ માનસિક. અન્તરમાં પ્રવેશ્યા વિના એનો ઉપભોગ કરવાનો બીજો કોઈ ઉપાય નથી. ઉપર ઉપરથી જે સુખ ઝટ દઈને પામીએ છીએ તેના કરતાં આ સુખ સ્થાયી અને ગભીર, વળી એક રીતે જોઈએ તો તેની સરખામણીમાં વ્યાપક પણ ખરું. જે અગભીર છે તેનો લોકશિક્ષણના વિસ્તારની સાથે, અભ્યાસની સાથે ધીમે ધીમે ક્ષય થતો જાય છે અને તેની રિક્તતા ખુલ્લી પડી જાય છે. જે ગભીર છે તે પ્રારમ્ભમાં બહુ લોકને ગમ્ય ન થાય છતાં, સમય વીતતાં એ જ દીર્ધ આયુષ્ય ભોગવે. એની અંદર શ્રેષ્ઠતાનો જે એક આદર્શ રહેલો હોય છે તે સહેજમાં જીર્ણ થઈ જતો નથી. જયદેવની લલિતલવંગલતા ગમી જાય ખરી. પણ વધારે વખત નહીં. ઇન્દ્રિય મનમહારાજ આગળ એનું નૈવેદ્ય ધરે, મન એને સહેજ સ્પર્શ કરીને બાજુએ મૂકી દે-પછીથી એ ઇન્દ્રિયના ભોગમાં પૂરી થઈ જાય. લલિતલવંગલતાની પડખે કુમારસમ્ભવનો આ શ્લોક મૂકી જોઈએ:

આવજિર્તા કંિચિદિવ સ્તનાભ્યામ્
વાસો વસાના તરુણાર્કરાગમ્|
પર્યાપ્તપુષ્પસ્તબકાવનમ્રા
સંચારિણી પલ્લવિની લતેવ||

છન્દ આલુલાયિત નથી, જોડાક્ષર પણ ઘણા છે, તોય જાણે આ શ્લોક લલિતલવંગલતા કરતાંય વધારે મીઠો હોય એવો ભ્રમ થાય છે. પણ એ ભ્રમ મન પોતાની સર્જનશક્તિ દ્વારા ઇન્દ્રિયસુખની પૂતિર્ કરીને લે છે. જ્યાં લોલુપ ઇન્દ્રિયો ટોળે વળીને ઊભી નથી રહેતી ત્યાં જ મનને આ પ્રકારના સર્જનનો અવસર પ્રાપ્ત થાય છે. ‘પર્યાપ્તપુષ્પસ્તબકાવનમ્રા’માં લયનું જે ઉત્થાનપતન છે, કઠોર અને કોમળ યોગ્ય રીતે સમ્મિલિત થઈને છન્દમાં જે હિલ્લોળ લાવે છે તે જયદેવના લયની જેમ અતિપ્રત્યક્ષ નથી, નિગૂઢ છે. અલસ મન તેને કેવળ વાંચવાથી પામી શકતું નથી. આપમેળે એનો આવિષ્કાર કરીને જ રાજી થાય છે. આ શ્લોકમાં જે એક પ્રકારનું ભાવનું સૌન્દર્ય રહ્યું છે તે પણ આપણા મનની સાથે છૂપી મસલત કરીને અશ્રુતિગમ્ય એવું સંગીત સર્જી દે છે. એ સંગીત સમસ્ત શબ્દસંગીતને વટાવીને ચાલ્યું જાય છે. એમ લાગે કે જાણે કાન તૃપ્ત થઈ ગયા. પણ આ કાનની તૃપ્તિનો વિષય નથી. માનસી માયા જ કાનને છેતરે છે. આપણા આ માયાવી મનને જો સર્જનનો અવકાશ ન દઈએ તો એ કોઈ પણ મિષ્ટતાને વધારે વખત મિષ્ટ ગણશે નહીં. સમુચિત ઉપકરણ મળતાં એ કઠોર છન્દને લલિત, પરુષ શબ્દને કોમળ બનાવી દઈ શકે છે. આ શક્તિ એ ઉપયોગમાં લાવી શકે એ માટે એ સદા કવિઓને અનુરોધ કર્યા કરે છે. કેકારવ કાને સાંભળતાં મિષ્ટ લાગતો નથી, પણ અવસ્થાવિશેષે અને સમયવિશેષે મન એને મિષ્ટ બનાવીને સાંભળી શકે એવી ક્ષમતા એનામાં રહી છે. આ મિષ્ટતાનું સ્વરૂપ કુહૂસ્વરની મિષ્ટતાથી જુદું છે. નવવર્ષાગમે ગિરિપાદમૂલે લતાજટિલ પ્રાચીન મહારણ્યમાં જે મત્તતા ઉપસ્થિત થાય છે તેનું ગાન તે કેકારવ. આષાઢમાં શ્યામાયમાન તમાલતાલીવનના દ્વિગુણતર ઘનાયિત અન્ધકારે માતૃસ્તન્યપિપાસુ ઊર્ધ્વબાહુ શતસહ શિશુના જેવી અગણ્ય શાખાપ્રશાખાના આન્દોલિત મર્મરમુખર મહોલ્લાની વચ્ચે રહીરહીને કેકા તારસ્વરે એક પ્રકારનો જે કણ્ઠસ્થ ક્રેંકાર ધ્વનિ જગાડે છે તેથી વૃદ્ધ વનસ્પતિ મંડળીમાં આરણ્ય મહોત્સવના પ્રાણ જાગી ઊઠે છે. કવિનો કેકારવ તે આ વર્ષાનું ગાન. કાન એનું માધુર્ય જાણે નહિ. મન જ જાણે. તેથી જ મન એનાથી વધારે મુગ્ધ થાય. મન એની સાથેસાથે બીજું ઘણુંય પામે: સમાપ્ત મેઘાવૃત આકાશ. છાયાવૃત અરણ્ય, નીલિમાચ્છન્ન ગિરિશિખર, વિપુલ મૂઢ પ્રકૃતિનો અવ્યક્ત, અન્ધ આનન્દરાશિ. વિરહિણીની વિરહવેદનાની સાથે કવિનો કેકારવ આ જ કારણે સંકળાયેલો છે. એના શ્રુતિમાધુુર્યને કારણે એ પથિકવધૂને વ્યાકુળ કરતો નથી, એ સમસ્ત વર્ષાના મર્મનું ઉદ્ઘાટન કરે છે. નરનારીના પ્રેમમાં એક અત્યન્ત આદિમ પ્રાથમિક ભાવ રહ્યો હોય છે. તે બહિર્ પ્રકૃતિની અત્યન્ત નિકટ હોય છે. તે જલસ્થલ આકાશના અણુએ અણુએ સંલગ્ન થઈને રહ્યો હોય છે. છએ ઋતુ પોતપોતાની પુષ્પસમૃદ્ધિની સાથે આ પ્રેમને પણ અનેક રંગે રંગી જાય છે. જે પલ્લવને સ્પન્દિત કરે, નદીને તરંગિત કરે, શસ્યશીર્ષને હિલ્લોલિત કરે, તે એને પણ અપૂર્વ ચાંચલ્યે આન્દોલિત કરી દે. પૂણિર્માની ભરતી એને સ્ફીત કરે અને સન્ધ્યાભ્રની રક્તિમા એને લજ્જામંડિત વધૂ વેશે સજાવી દે. પ્રત્યેક ઋતુ જ્યારે પોતપોતાની જાદુઈ લાકડીથી પ્રેમને સ્પર્શે ત્યારે તે રોમાંચિત થઈને જાગી ઊઠ્યા વિના રહે નહિ. એ અરણ્યના પુષ્પપલ્લવની જેમ જ પ્રકૃતિના નિગૂઢ સ્પર્શને અધીન છે. તેથી જ યૌવનાવેશ વિહ્વળ કાલિદાસ છ ઋતુના છ તારે નરનારીનો પ્રેમ કેવા કેવા સૂરે ઝંકૃત થઈ ઊઠે છે તેનું જ વર્ણન કરે છે. એઓ સમજ્યા હતા કે જગતના ઋતુચક્રના આવર્તનનું સર્વપ્રધાન કાર્ય પ્રેમને જગાડવાનું છે. ફૂલ ખીલવવા વગેરે બીજું બધું તો એને આનુવંશિક તેથી જ કેકારવ વર્ષાઋતુનો નિષાદસૂર છે. એનો આઘાત બરાબર વિરહવેદનાની ઉપર જઈને જ પડે છે. વિદ્યાપતિએ લખ્યું છે:

મત્ત દાદુરી ડાકે ડાહુકી,
ફાટી જાવત છતિયાં.

નવવર્ષાના મત્તભાવની સાથે દેડકાના આ અવાજનો યોગ નથી. ઘનવર્ષાના નિબિડ ભાવની સાથે એનો બહુ સરસ મેળ જામે છે. મેઘમાં હવે કશું વર્ણવૈચિત્ર્ય રહ્યંુ નથી, સ્વરવિન્યાસ પણ નથી, શચીની કોઈ જૂની કંકિરીએ આકાશના મેઘથી એકસરખું લીંપી દીધું છે. બધું જ કૃષ્ણધૂસરવર્ણ થઈ ગયું છે. અનેકવિધ શસ્યથી સમૃદ્ધ પૃથ્વીની ઉપર ઉજ્જ્વળ પ્રકાશની ભૂમિકા ફરી નથી, તેથી એની અનેકવિધ વર્ણસમૃદ્ધિ પ્રકટ થઈ ઊઠી નથી. ધાન્યની કોમળ મસૃણ હરિયાળી, શણનો ગાઢો રંગ અને શેરડીની હરિદ્ર આભા એક વિશ્વવ્યાપી કાલિમામાં ભળી ગયાં છે. પવન નથી. આસન્ન વૃષ્ટિની આશંકાએ પંકિલ પથે લોકો બહાર નીકળતા નથી. ખેતરમાં ઘણા દિવસથી બધું કામ પૂરું થઈ ગયું છે. આવા જ્યોતિહીન, ગતિહીન, કર્મહીન, વૈવિધ્યહીન, કાલિમાલિપ્ત-સમસ્તને એકાકાર કરી નાંખનારા દિવસે દેડકાનો અવાજ યોગ્ય સૂર છેડે છે. એનો સૂર એ વર્ણહીન મેઘની જેમ, એ દીપ્તિશૂન્ય પ્રકાશની જેમ નિસ્તબ્ધ નિબિડ વર્ષાને વ્યાપી લે છે, વર્ષાની વેષ્ટન રેખાને વધારે ગાઢ બનાવીને ચારે બાજુને આવરી લે છે, એ નીરવતાથીય વધારે એકસૂરીલો, એ નિભૃત કોલાહલ! એની સાથે તમરાંના અવાજનો ઠીક મેળ જામે, કારણ કે, જેવો મેઘ, જેવી છાયા જેવો જ તમરાનો અવાજ — એ પણ એક પ્રકારનો આચ્છાદનવિશેષ; એનું સ્વરમંડલ અન્ધકારનું જ પ્રતિરૂપ; એ વર્ષાનિશીથિનીને સમ્પૂર્ણતાનું દાન કરે. (બંગદર્શન ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૦૨માં પ્રકાશિત)
(રવીન્દ્ર નિબંધમાલા ૨)