રવીન્દ્રપર્વ/૫. રંગરેજની દીકરી
શંકરલાલ દિગ્વિજયી પણ્ડિત.
તીક્ષ્ણ એની બુદ્ધિ,
બાજ પંખીની ચાંચ જેવી,
વિપક્ષની દલીલ પર તૂટી પડે વિદ્યુતવેગે —
એનો પક્ષ છિન્ન કરી નાખે,
એને કરે ધૂળભેગો
રાજદરબારમાં નૈયાયિક આવ્યા છે દ્રાવિડથી.
વાદમાં જેનો જય થશે તે પામશે રાજાની જયપત્રી.
આહ્વાન સ્વીકારી લીધું છે શંકરે.
એવામાં નજર પડી પાઘડી પર,
ખૂબ મેલી થઈ ગઈ છે.
એ ગયો રંગરેજને ઘરે.
કસુમ્બી ફૂલનું ખેતર, મેંદીની વાડે ઘેર્યું,
એને એક ખૂણે રહે છે જસીમ રંગરેજ.
એની છોકરી અમીના, સત્તરેક વરસની હશે.
ગાતી જાય ને રંગ મેળવતી જાય.
વાળની લટમાં ગૂંથે છે લાલ રંગની ફીત,
ચોળી પહેરે છે બદામી રંગની,
સાડી પહેરે છે આસમાની રંગની.
બાપ કપડાં રંગે
રંગની મેળવણી કરી આપે અમીના.
રંગની સાથે રંગ ભેળવે.
શંકરે કહ્યું, ‘જસીમ,
પાઘડી રંગી આપ કેસરી રંગે,
રાજદરબારમાંથી તેડું આવ્યું છે.
નાળામાંથી ખળખળ કરતું પાણી વહી જાય છે.
કસુમ્બી ફૂલના ખેતરમાં.
અમીના પાઘડી ધોવા ગઈ.
નાળા પાસે શેતુરના ઝાડની છાયામાં બેસીને.
ફાગણનો તડકો ચળક્યા કરે છે પાણીમાં,
દૂર આંબાવાડિયામાં હોલો ઘૂ ઘૂ કરે છે.
ધોવાનું પૂરું થયું, પ્રહર વીતી ગયો.
પાઘડી જ્યારે ઘાસ પર બિછાવી
ત્યારે જોયું તો એને એક ખૂણે
લખ્યું છે એક શ્લોકનું એક ચરણ —
‘તમારાદ્વ શ્રીપદ મારે લલાટે વિરાજે.’
બેઠી બેઠી એ વિચારે ચઢી ગઈ,
આંબાની ડાળે હોલો ઘૂ ઘૂ બોલવા લાગ્યો.
રંગીન દોરો લઈ આવી ઘરમાંથી.
પાસે બીજું ચરણ લખી દીધું —
‘સ્પર્શ એનો થયો નહીં તેથી જ આ હૃદયને —’
બે દિવસ વીતી ગયા.
શંકર આવ્યો રંગરેજને ઘરે.
પૂછ્યું, ‘પાઘડીમાંનું લખાણ કોના હાથનું?’
જસીમને મનમાં ભય લાગ્યો.
સલામ ભરીને બોલ્યો, ‘પણ્ડિતજી,
અણસમજુ મારી દીકરી,
માફ કરો એની નાદાનિયત.
તમે તમારે ચાલ્યા જાઓ રાજદરબારે.
ત્યાં એ લખાણને કોઈ જોવાનું નથી, કોઈ જાણવાનું નથી.’
શંકર અમીના તરફ જોઈને બોલ્યો,
‘અમીના,
અહંકારના વમળમાં ઘેરાયેલા લલાટેથી
તેં નમાવી આણ્યો છે
શ્રીચરણના સ્પર્શને હૃદયતલે
તારા હાથની રંગીન રેખાને પથે.
રાજદરબારનો માર્ગ મારો હવે ગયો ભુલાઈ,
હવે એ શોધ્યોય નહીં જડે.’
(પુનશ્ચ)
વાણી : આષાઢ-શ્રાવણ, ૨૦૦૪