રવીન્દ્રપર્વ/૬૮. મૃત્યુ
એ લોકો આવીને મને કહે:
‘કવિ, મૃત્યુની વાત સાંભળવાની ઇચ્છા છે તમારે મુખે.’
હું કહું:
‘મૃત્યુ તો મારું અન્તરંગ
એ તો જડાઈને રહ્યું છે મારા દેહના સકળ તન્તુએ.
એનો છન્દ મારા હૃદયના સ્પન્દને,
મારા રક્તે એના આનન્દનો પ્રવાહ.’
કહે છે એ, ‘ચાલો, ચાલો;
ચાલો ભાર ઉતારતા ઉતારતા;
ચાલો મરતાં મરતાં નિમેષે નિમેષે
મારા જ આકર્ષણે, મારા જ વેગે.’
કહે છે, ‘સૂનમૂન થઈને જો બેસી રહેશો,
જે કાંઈ સમસ્ત છે તેને બાઝી પડીને,
તો જોશો:
તમારા જગતમાં
ફૂલ વાસી થઈ ગયાં હશે,
કાદવ દેખાવા માંડ્યો હશે સુકાએલી નદીમાં
મ્લાન થઈ ગયો હશે તમારા તારાનો પ્રકાશ.’
કહે છે, ‘થોભશો નહીં, થોભશો નહીં;
પાછળ ફરી ફરીને જોશો નહીં;
ઉલ્લંઘી જાઓ પુરાતનને, જીર્ણને, ક્લાન્તને, અચલને.
‘હું મૃત્યુગોવાળ
સૃષ્ટિને ચારતો ચારતો લઈ જાઉં છું
જુગ થકી જુગાન્તરે
નવા નવા ચારણક્ષેત્રે.
‘જીવનની ધારા જ્યારે વહી નીકળી
ત્યારથી જ ચાલ્યો આવું છું એની પાછળ પાછળ,
એને થંભી જવા દીધી નથી કોઈ ખાડામાં.
કાંઠાના બન્ધનને છેદતાં છેદતાં
હાંક દઈને લઈ જાઉં છું એને મહાસમુદ્રે —
એ સમુદ્ર હું જ.
વર્તમાન ઠસી રહેવા ચાહે
એ લાદી દેવા ચાહે
એનો બધો ભાર તમારે માથે —
તમારું બધું કાંઈ એના જઠરે.
પછી અવિચલ થઈને રહેવા ચાહે
આસ્વાદપૂર્ણ દાનવની જેમ
જાગરણહીન નિદ્રામાં.
એનું જ નામ પ્રલય.
આ અનન્ત અચંચલ વર્તમાનના પંજામાંથી
હું સૃષ્ટિનું પરિત્રાણ કરવા આવ્યો છું
અન્તહીન નવ નવ અનાગતે.’
ક્ષિતિજ : ઓગસ્ટ ૧૯૬૧