રવીન્દ્રપર્વ/૮૨. ઓગો દખિન હાઓયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૮૨. ઓગો દખિન હાઓયા

હે દક્ષિણની હવા, હે પથિક હવા, ઝૂલતા હંડોિળા પર (મને) ઝુલાવ. નવાં પાંદડાંના રોમાંચથી છવાયેલો સ્પર્શ (મને) હળવેથી કરાવ. હું તો રસ્તાની ધારે ઊભેલો વ્યાકુળ વાંસ, એકાએક મેં તારાં પગલાં સાંભળ્યાં. મારી શાખાએ શાખાએ પ્રાણના ગીતના તરંગો ઉછાળીને આવ. હે દક્ષિણની હવા, હે પથિક હવા, મારો વાસ તો રસ્તાની ધારે. હું તારી આવનજાવનને જાણું છું. હું તારા ચરણની ભાષા સાંભળું છું. તારો થોડોશો સ્પર્શ મને થતાં હું કંપી ઊઠું છું. કાનમાં કહેલી એક વાતથી તું બધી વાત ભુલાવી દે છે. (ગીત-પંચશતી)