રસસિદ્ધાંત—એક પરિચય/ભરતના રસસૂત્રમાં યોજાયેલી પરિભાષાના અર્થસંકેતો
ભરતના રસસૂત્રમાં ઉલ્લેખાયેલી ‘વિભાવ’, ‘અનુભાવ’ અને ‘વ્યભિચારી’ એ ત્રણ સંજ્ઞાઓના તેમ જ સૂત્રમાં ન ઉલ્લેખાયેલી ચોથી ‘સ્થાયી ભાવ’ સંજ્ઞાના વિશિષ્ટ અને શાસ્ત્રીય અર્થો છે,
‘ભાવ’ એટલે શું?
ભરતે ‘ભાવ’ની વ્યાખ્યા કરતાં કહ્યું છે : ‘ભાવાઃ ઇતિ કસ્માત્ | કિં ભવન્તીતિ ભાવાઃ, કિં વા ભાવયન્તીતિ ભાવાઃ | ઉચ્યતે | વાગંગસત્ત્વોપેતાન્ કાવ્યાર્થાન્ ભાવયન્તિ ઇતિ ભાવાઃ ||’ અર્થાત્, ભાવ એટલે શું? તો એમ કહેવાનું કે જે ચૈતસિક સ્થિતિ નિર્માણ થાય છે તે, અથવા જે કંઈ એવી ચૈતસિક સ્થિતિ નિર્માણ કરે છે તે. વધુમાં કહેવાનું કે વાણી, અંગ અને સાત્ત્વિક અભિનય વડે કાવ્યાર્થને જે ભાવિત કરે છે (એટલે કે આસ્વાદયોગ્ય બનાવે) તે જ ભાવ. ‘ભાવ’નું સ્વરૂ૫ સ્પષ્ટ કરતાં ભરતે એમ કહ્યું છે : ‘ભૂ ઇતિ કરણે ધાતુઃ | તથા ચ ભાવિતં વાસિતં કૃતમિત્યનર્થાન્તમ્ | લોકેઽપિ ચ પ્રસિદ્ધમહો હ્યનેન ગન્ધેન રસેન વા સર્વમેવ ભાવિતમિતિ | તચ્ચ વ્યાપ્ત્યર્થમ્ |’ અર્થાત્, ‘ભૂ’ ધાતુનો અહીં કરણાર્થે પ્રયોગ થયો છે. ‘ભાવિત’ એટલે ‘વાસિત’. લોકમાં એવું જોવા મળે છે કે અમુક સુવાસ કે રસથી આખું વાતાવરણ ‘ભાવિત’ એટલે કે ‘વાસિત’ બની જાય છે. ‘ભાવ’ સંજ્ઞા આ રીતે ‘વ્યાપ્તિ’નો ખ્યાલ સૂચવે છે. તાત્પર્ય એમ કે ‘ભાવ’ એ સમસ્ત માનવસંવિત્તિમાં, એના કોષે કોષમાં સુવાસની જેમ વ્યાપી વળતું અતિ સૂક્ષ્મ તત્ત્વ છે. નાટ્યવિચારણાના સંદર્ભમાં ભરતે કુલ ૪૯ ભાવો ગણાવેલા છે. એ પૈકી આઠ સ્થાયિભાવો છે, તેત્રીસ વ્યભિચારિભાવો છે, અને બાકીના બીજા આઠ સાત્ત્વિક ભાવો છે.
સ્થાયિભાવો
ભરતે આઠ સ્થાયિભાવો ગણાવેલા છે : રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય. આ આઠ સ્થાયિભાવોમાંથી અનુક્રમે શૃંગાર, હાસ્ય, કરુણુ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ આઠ રસ નિષ્પન્ન થાય છે. આ સ્થાયિભાવો એટલા માટે સ્થાયી કહેવાયા કે માનવપ્રકૃતિમાં તે સ્થાયી રહેલા છે. માનવીની મૂળભૂત વૃત્તિઓ, ઇચ્છાઓ, વાસનાઓ કે સંસ્કારે રૂપે ચિત્તમાં સુષુપ્ત ભાવે તે પડ્યા જ હોય છે. માનવમાત્રમાં રહેલા તે જન્મજાત અંશો છે, અલબત્ત, આ ભાવો જીવનના વિકાસ દરમ્યાન આસપાસના જગતના પદાર્થો, પ્રસંગો અને પરિસ્થિતિઓના આઘાતપ્રત્યાઘાતથી પોષણ અને સંવર્ધન પામતા રહે છે. માનવપ્રકૃતિમાં સ્થાયી બની રહેલા આ ભાવો દીર્ઘ કાળ ટકનારા ભાવો છે. એમ પણ કહી શકાય કે સ્થાયિભાવ સ્વયંભૂ હોય છે. તેનું હોવું અકારણ છે. રતિભાવ માનવીની સૌથી મૂળભૂત વૃત્તિ છે. તરુણુ વયમાં રતિભાવ રૂપે તે પ્રગટે છે અને વિકસે છે. કેટલીક વાર જીવનની અન્ય વૃત્તિઓને દબાવી રતિભાવ બળવાન બને છે અને માનવપ્રવૃત્તિમાં મુખ્ય ચાલક બળ બને છે. બીજો સ્થાયિભાવ તે માનવીનો હાસનો ભાવ છે. આ ભાવ પણ માનવપ્રકૃતિમાં ઊંડે રોપાયેલો છે, છેક તેની અહમ્વૃત્તિના મૂળમાં પડેલો છે. પોતાની આસપાસના જગતમાં જે કંઈ બેડોળ, કઢંગું, ઊણપવાળું કે વિકૃત લાગે તેને જોતાં હાસ્યવૃત્તિ જાગ્રત થઈ જાય એમ બનવાનું. અલબત્ત, આ વૃત્તિ બૌદ્ધિક સભાનતાથી તીક્ષ્ણ બની શકે છે. સંસ્કારદૃષ્ટિનો યોગ થતાં તે કોમળ બને છે અને, એમાં વારંવાર સમાજજીવનની ટીકાવૃત્તિ પણ ભળે છે. પણ મહત્ત્વની વાત એ છે કે માનવપ્રકૃતિમાં ઊંડે રોપાયેલી એ પણ સ્થાયી વૃત્તિ છે. ત્રીજો શોકનો ભાવ પણ માનવજીવનનો એટલો જ ગહન, સ્થાયી અને ચિરકાલીન અંશ છે. સ્વજનના વિરહથી, પ્રિય વસ્તુના નાશથી, પુરુષાર્થની વિફલતાથી એમ અનેકવિધ કારણોથી માનવીના ચિત્તમાં શોકની લાગણી જન્મે છે. આ સંસારની ઘટમાળ મુખ્યત્વે દુઃખપ્રધાન છે, એવી લોકહૃદયની પ્રતીતિ રહી છે. ચોથો સ્થાયી ક્રોધનો છે. એ પણ માનવપ્રકૃતિમાં સ્થાયી રહેલો ભાવ છે. માનવી પોતાના સુખની ઝંખનાથી કોઈ પ્રવૃત્તિ આરંભે કે પોતાને પ્રિય વસ્તુ મેળવવા મથી રહે ત્યારે, એવી પ્રવૃત્તિમાં જે કોઈ વ્યક્તિ (કે પદાર્થ સુધ્ધાં) તેને અવરોધક લાગે તેને માટે તેને ભારે ક્રોધની લાગણી થાય છે. પાંચમો સ્થાયી ઉત્સાહનો છે. એ પણ માનવચિત્તમાં ઊંડા સ્તરે પડેલો જોઈ શકાશે. માનવીને પોતાનું જગત ખામીવાળું લાગે, પોતાના જીવનમાં ઊણપો વરતાય કે પોતાના શ્રેયની કોઈ કલ્પના પોતાના ચિત્તમાં સળવળી ઊઠે ત્યારે, તે પોતાના હૃદયની, પોતાના પ્રાણની સર્વે શક્તિ રેડીને પ્રવૃત્ત થતો હોય છે. ઉત્સાહ એ પ્રાણશક્તિનો બળવાન ઉદ્રેક છે અને અંતરની શક્તિ એમાં સક્રિય બનતી જોઈ શકાય. ભયની લાગણીને છઠ્ઠા સ્થાયી તરીકે ગણવામાં આવી છે. એ પણ માનવચિત્તના બંધારણમાં જ રોપાયેલી છે. મૃત્યુ, વિનાશ, આપત્તિ, સંપત્તિનાશ જેવા બનાવોના ખ્યાલથી માનવમન ભયભીત બની રહેતું હોય છે. પોતાનું સુખ–પોતાનું જીવન વિઘાતક પરિબળોથી ગમે તે ક્ષણે હણાઈ જશે કે પોતાની મોંઘીમૂલી સંપત્તિ ગમે ત્યારે પોતાની પાસેથી ખૂંચવાઈ જશે એવો ભય તેના ચિત્તમાં સુષુપ્તરૂપમાં પડ્યો જ હોય છે. જુગુપ્સા સાતમો સ્થાયી ભાવ છે. આપણે જે જગતમાં વસીએ છીએ તેમાં એવી અનેક વસ્તુઓ છે, જે આપણને અશ્લીલ, કુત્સિત કે ગંદકીવાળી લાગે છે. આવી વસ્તુઓને જોતાંવેંત માનવચિત્તમાં જુગુપ્સા જાગી પડે છે. જુગુપ્સાનો ભાવ એક રીતે ચિત્તને સંકોચી દેતો કે આઘાતથી ક્ષોભ જગાડતો ભાવ છે. આઠમો સ્થાયી વિસ્મયનો છે. વિરાટ બ્રહ્માંડનાં ભવ્ય ઉદાત્ત રૂપો જોઈને વ્યક્તિના અંતરમાં વારંવાર વિસ્મયનો ભાવ જાગતો હોય છે. પ્રતિભાશાળી પુરુષોનાં કાર્યો કે વાણીથી પણ આવો વિસ્મય જાગી ઊઠતો હોય છે. વિસ્મયમાં ચિત્તનો વિસ્તાર થતો હોવાનું સમજાય છે. સ્થાયિભાવની સંજ્ઞા આ રીતે માનવમાત્રમાં રહેલી મૂળભૂત વૃત્તિ કે ભાવને અનુલક્ષે છે. પણ રસતત્ત્વની દીર્ઘકાલીન ચર્ચાવિચારણાઓમાં સ્થાયિભાવોના સ્થાન કે સંદર્ભ પરત્વે એકથી વધુ ભૂમિકાઓ જોવા મળે છે અને તેની નોંધ લેવાનું અહીં પ્રાપ્ત થાય છે. (૧) સ્થાયિભાવનું એક અધિષ્ઠાન તે સામાજિક છે. આ સામાજિકના ચિત્તમાં સ્થાયિભાવો જન્મજાત વૃત્તિઓ રૂપે રહ્યા હોય છે. અભિનવે રસનિષ્પત્તિની વિચારણામાં, આપણે આગળ વિગતે જોઈશું કે, સામાજિકના સ્થાયિભાવોને કેન્દ્રમાં આણ્યા છે. તેમનું એવું પ્રતિપાદન રહ્યું છે કે કાવ્યનાટકાદિમાં રજૂ થતા વિભાવાદિના યોગે સામાજિકમાં સુષુપ્તપણે પડી રહેલા સ્થાયિભાવો જ સાધારણીકૃત રૂપમાં ઉદ્બુદ્ધ થઈ ઊઠે છે અને પોતાના એ સાધારણીકૃત સ્થાયિભાવોને જ તે રસરૂપે પ્રતીત કરે છે. તેના સ્થાયિભાવેનું સાધારણીકૃત રૂપ એ જ રસ સ્વયં. અહીં આપણે એમ નોંધવાનું છે કે, સામાજિકમાં ઉદ્બુદ્ધ થતા સર્વ સ્થાયિભાવોને કાવ્યનાટકના તત્સમ ભાવો જોડે અનુસંધાન છે. આ સંદર્ભમાં આપણે સામાજિકને સ્થાયિભાવોના અધિષ્ઠાન તરીકે સ્વીકારાતો જોઈએ છીએ. જોકે કાવ્યનાટકના યોગે જાગ્રત થતા એ સ્થાયીઓ તેના અંગત ભાવો રહેતા નથી, એટલે અભિનવે ‘સ્થાયિવિલક્ષણો રસઃ’ એમ કહીને રસની સ્થાયિભાવથી ભિન્નતા રેખાંકિત કરી આપી છે. (૨) અભિનવની રસમીમાંસામાં સમસ્ત નાટક કે કાવ્યમાં વ્યાપી રહેલા કોઈ એક સ્થાયિભાવનો વિચાર પણ મળે છે.[1] મુખ્ય પાત્રની પ્રધાન ચિત્તવૃત્તિ રૂપે એ આખી કૃતિમાં વ્યાપી રહ્યો હોય છે. કૃતિનાં પ્રધાન-ગૌણ બધાંયે પાત્રોનું મુખ્ય પાત્રના સંવિદ્માં પ્રતિબિંબ પડતું હોય છે. એ રીતે કૃતિમાં મુખ્ય પાત્રનો સ્થાયિવિશેષ તે સમસ્ત કૃતિનો સ્થાયિવિશેષ બની રહે છે. વિવિધ પાત્રો અને પ્રસંગો નિમિત્તે રજૂ થતા પ્રધાન-ગૌણ અસંખ્ય ભાવોને આત્મસાત્ કરીને તે ઉપચય પામે છે. નાટક અને મહાકાવ્ય જેવાં વિશાળ પટનાં સ્વરૂપોમાં રતિ આદિ પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીનો કોઈ એક સ્થાયી પ્રધાન ભાવરૂપે આલેખાવો જોઈએ એમ અભિનવ કહે છે.[2] પણ અહીં આપણે લક્ષમાં રાખવાનું છે કે આ પ્રકારનો કૃતિમાં વ્યાપકપણે પ્રવર્તતો મુખ્ય સ્થાયી અન્ય સ્થાયીઓ અને વ્યભિચારીઓનો ઉપચય કરીને પુષ્ટ થયો છે. કૃતિનો આ સ્થાયી, એક રીતે, સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલા સ્થાયીઓથી ભિન્ન કોટિનો છે. કળાના રૂપમાં એને વિશેષ ‘અર્થ અને ‘આકાર’ મળ્યો છે. (૩) પ્રાચીન રસમીમાંસકોમાં લોલ્લટે રસની ‘ઉત્પત્તિ’નો સિદ્ધાંત રજૂ કર્યો છે. તેમની ચર્ચામાં નાટકમાં પ્રવેશ પામેલાં પણ મૂળ ઐતિહાસિક એવાં પાત્રોના સ્થાયિભાવોનો ઉલ્લેખ આવે છે. તેમનું એમ કહેવું છે કે યોગ્ય ‘કારણ’ મળતાં આ પાત્રોમાં સ્થાયિભાવો ‘ઉત્પન્ન’ થાય છે, અને યોગ્ય પોષણ મળતાં તે ‘પુષ્ટ’ બને છે. આવો પરિપુષ્ટ સ્થાયી સ્વયં રસ રૂપ છે, કહો કે રસની કોટિએ પહોંચે છે. અહીં મૂળ ઐતિહાસિક પાત્રોના સ્થાયિભાવોનો ઉલ્લેખ છે તે આપણે લક્ષમાં રાખવાનું છે. (૪) શ્રીશંકુકની રસમીમાંસામાં સ્થાયિભાવોના અધિષ્ઠાનને લગતી વળી એક ભિન્ન ભૂમિકા જોવા મળે છે. તેઓ એમ કહે છે કે તખતા પર અભિનય કરતાં નટનટીઓ અનુકાર્ય રામાદિની ‘અનુકૃતિ’ કરે છે, અર્થાત્ તેઓ વિભાવાદિ સમેત સ્થાયિભાવોની ‘અનુકૃતિ’ રજૂ કરે છે. એ સ્થાયિભાવો એ રીતે તેમના અંગત ભાવો હોતા નથી. રસ-વિચારણામાં નટનટીઓ દ્વારા અનુકૃત સ્થાયિઓનો ખ્યાલ આગવા પ્રશ્નો ઊભા કરે છે તે આપણે આગળ જોઈશું. (૫) કાવ્યનિર્માણની ક્ષણોમાં કવિચિત્તમાં મુખ્ય ચિત્તવૃત્તિ રૂપ જે ભાવ જન્મે છે તેને પણ ઉપચારથી સ્થાયિવૃત્તિ કે સ્થાયિભાવ તરીકે ઉલ્લેખવામાં આવી છે. રસવિચારણાના વિકાસક્રમમાં આ રીતે સ્થાયિભાવનાં ભિન્ન ભિન્ન અધિષ્ઠાનોનો ઉલ્લેખ મળે છે. સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલો સ્થાયી, કૃતિમાં વ્યાપકપણે રહેલો સ્થાયી, ઐતિહાસિક પાત્રોનો સ્થાયી, નટનટીઓનો અનુકૃત સ્થાયી અને કવિનો સ્થાયી એ દરેકનું સ્વરૂપ અને સ્થાન જુદાં છે.
વ્યભિચારિભાવો
માનવચિત્તમાં જન્મી જન્મીને લય પામતી ક્ષણિક તરલ વૃત્તિઓને વ્યભિચારીઓ તરીકે ઓળખાવવામાં આવી છે. ભરતે તેત્રીસ વ્યભિચારીઓ ગણાવ્યા છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈત્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, દ્યૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, વિબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ અને વિતર્ક. સંસ્કૃત આચાર્યોએ સ્થાયી અને વ્યભિચારીઓ વચ્ચે ભેદરેખા આંકી આપી છે. તેઓ એમ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, સ્થાયી ગણાયેલા ભાવો માનવપ્રકૃતિમાં ઊંડે ઊંડે રોપાયેલા મૂળભૂત ભાવો છે. માનવચિત્તમાં તેનું નિરપેક્ષ અસ્તિત્વ રહ્યું છે. સ્થાયિભાવની ઉપસ્થિતિ એ રીતે સ્વયંભૂ ઘટના છે. એને એના પોતાના સિવાય અન્ય આશ્રયની અપેક્ષા નથી, જોકે અન્ય સ્થાયિભાવોને આશ્રયે એ આવી શકે છે. આથી ઊલટું, વ્યભિચારિભાવોને કોઈ ને કોઈ સ્થાયીની પૂર્વસત્તાની અપેક્ષા રહે છે. સ્થાયિભાવના આવિર્ભાવ રૂપે જ તે અસ્તિત્વમાં આવે છે, અર્થાત્ સ્થાયીથી નિરપેક્ષ તેને કોઈ સત્તા સંભવતી નથી. સ્થાયીને જો આપણે વિશાળ પ્રવાહરૂપે કલ્પીએ તો વ્યભિચારીઓને એની સપાટી પર નિરંતર જન્મી જન્મીને લય પામતા બુદ્બુદો કહેવા પડે. મહત્ત્વની વાત એ છે કે પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરોધી લાગતા વ્યભિચારીઓને સ્થાયિભાવ આત્મસાત્ કરી લેવા સમર્થ હોય છે; એટલું જ નહિ, આવા અસંખ્ય વ્યભિચારીઓને પચાવીને તે પોષણ અને સંવર્ધન પામતો હોય છે. સ્થાયિભાવ ખરેખર તો માનવપ્રકૃતિમાં અત્યંત ગહન સ્તરે રોપાયેલો હોવાથી પોતાના વિરેાધી દેખાતા વ્યભિચારીઓથી તે વિચ્છિન્ન થઈ જતો નથી, કે તેથી ક્ષીણ પણ પડતો નથી. બલકે સ્થાયી હોવાને કારણે આવા વિરોધી અંશોનો ઉપચય કરવાની અંતઃક્ષમતા તે ધરાવે છે. સ્થાયી અને વ્યભિચારી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં અભિનવે મણિમાળાનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સૂચક છે.[3] એ દૃષ્ટાંત પ્રમાણે સ્થાયી એ મણિમાળામાં રહેલા સૂત્ર સરખી વસ્તુ છે. સમગ્ર માળામાં એ સળંગ સૂત્ર રૂપે આવે છે, જ્યારે વ્યભિચારીઓ એ સૂત્રમાં પરોવાયેલા રંગબેરંગી મણિઓ જેવા છે. એની વિવિધરંગી ઝાંયથી એ આખુંયે સૂત્ર રંગીન ઝાંય ધારણ કરે છે. એનો સૂચિતાર્થ એમ થશે કે જેને મૂળ સ્થાયિભાવ ગણ્યો તે ખરેખર તો વ્યભિચારિભાવોની અપારવિધ અર્થચ્છાયાઓ આત્મસાત્ કરીને વિશિષ્ટ સ્થાયી તરીકેની સંજ્ઞા પામે છે. વ્યભિચારીઓ એ રીતે સ્થાયિભાવને અભિમુખ રહીને સક્રિય બને છે, તેમાં સમર્પક બનીને તે આત્મલય સાધે છે, અને એમાં જ તેની કૃતકૃત્યતા રહી છે. પણ સ્થાયિભાવોનું ગૌરવ તેને મળ્યું નથી તે પણ સૂચક છે. પ્રાચીન પરંપરાના મોટા ભાગના આચાર્યોએ એવી ભૂમિકા સ્વીકારી છે કે સ્થાયી જ રસત્વની ક્ષમતા ધરાવે છે, વ્યભિચારી નહિ. સંસ્કૃત રસવિચારણાની પરંપરામાં પાછળથી જે રીતે સ્થાયિવિશિષ્ટ ભાવો અને તજ્જન્ય વિશિષ્ટ રસોની સંખ્યા પરત્વે વિચારભેદ ચાલતો રહ્યો તેમાં આ સમજ કારણભૂત રહી દેખાય છે. સંસ્કૃત આચાર્યોએ પોતાની સમક્ષ નવા નવા ઉન્મેષોવાળું સાહિત્ય ઊઘડતું જોયું, તે સાથે જ તેમને નવા નવા રસોની વ્યવસ્થા કરવાનું જરૂરી લાગ્યું હતું, અને દરેક નવા રસની પ્રતિષ્ઠા કરતાં તેના આશ્રયભૂત સ્થાયિભાવની અલગ સત્તા પણ તેમને સ્વીકારવી પડે એમ હતું. અભિનવની શાંતરસની વ્યવસ્થા અને તેના આશ્રયભૂત ‘નિર્વેદ’ કે ‘તત્ત્વજ્ઞાન’ જેવા સ્થાયીનો સ્વીકાર-અસ્વીકાર એ રીતે એક રસપ્રદ પ્રકરણ બની રહે છે. રસનિષ્પત્તિની ક્ષમતાની દૃષ્ટિએ સ્થાયી અને વ્યભિચારી વચ્ચે આ જાતનો ભેદ કરવામાં આવ્યો છે. છતાં પ્રાચીન આચાર્યો આ વર્ગીકરણને અંતિમ લેખતા નથી. નાટકો અને મહાકાવ્યોમાં રતિ, ક્રોધ, ઉત્સાહ અને નિર્વેદ એ ચાર પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીના કોઈ એકને પ્રધાનભૂત સ્થાયી તરીકે તેઓ સ્વીકારે છે. તે સાથે બાકીના સ્થાયીઓ, વ્યભિચારીઓની જેમ તેના અંગભૂત બનીને આવી શકે છે એમ કહે છે. અર્થાત્ આવા સંદર્ભમાં ‘પુરુષાર્થનિષ્ઠ’ ગણાયેલા મુખ્ય સ્થાયીમાં બાકીના સ્થાયીઓ પણ સમર્પક બનીને આવતા હોય છે. આથી ઊલટું એક એવો મત પણ પ્રગટ થયો છે કે વ્યભિચારીઓ પણ સ્થાયીઓની જેમ જ રસની ક્ષમતા ધરાવે છે, પણ એનો વ્યાપક સ્વીકાર થયો નથી. વ્યભિચારીઓ તરીકે ગણાવવામાં આવેલા ૩૩ ભાવોનું આધુનિક માનસશાસ્ત્રના પ્રકાશમાં અવલોકન કરવામાં આવે તો, સમજાશે કે એ બધા એક જ કોટિના એકસરખા મનોવ્યાપારો નથી.[4] એ પૈકી ગ્લાનિ, ધૃતિ, નિર્વેદ જેવા ભાવો મનના ઊંડા વ્યાપક વ્યાપારો સંભવે છે, એના દૈહિક આવિષ્કારો એટલા સ્ફુટ નથી, પણ એની માનસિક ભૂમિકા સંકુલ હોઈ શકે છે. એટલે સ્થાયિભાવ જેવા કે લગભગ એ ભૂમિકાએ પહોંચતા એ ભાવો છે. મતિ, વિતર્ક અને સ્મૃતિ એ ‘ભાવો’માં વળી ખરેખર તો અમુક બૌદ્ધિક વ્યાપારોનું પ્રાધાન્ય સૂચવાય છે. આથી ભિન્ન, આલસ્ય, જડતા, નિદ્રા, અપસ્માર, સુપ્ત અને મરણ જેવા ‘ભાવો’ વ્યક્તિના મનોભાવો કરતાંયે વધુ તો તેના દેહની અવસ્થાને જ વધુ અનુલક્ષે છે.
સાત્ત્વિક ભાવો
ભરતે આઠ ‘સાત્ત્વિક’ ભાવો ગણાવ્યા છે : સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વેપથુ, વૈવર્ણ્ય, અશ્રુ અને પ્રલય. ‘સત્ત્વ’ એટલે ચિત્ત, મન. સમાહિત ચિત્તની મદદથી જ આ ભાવો પ્રગટી શકે છે માટે તેને ‘સાત્ત્વિક’ ભાવો તરીકે ઓળખાવવામાં આવ્યા છે.
વિભાવ
‘ભાવ’ સંજ્ઞા વિશે આટલી વિચારણા કર્યા પછી આપણે હવે રસસૂત્રની એક મહત્ત્વની સંજ્ઞા ‘વિભાવ’નો સંકેત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. ‘વિભાવ’ની વ્યાખ્યા કરતાં તરત કહે છે : ‘અથ વિભાવ ઇતિ કસ્માત્ | ઉચ્યતે-વિભાવો વિજ્ઞાનાર્થઃ | વિભાવઃ કારણં નિમિત્તં હેતુરીતિ પર્યાયાઃ | વિભાવ્યન્તેઽનેન વાગઙ્ગસત્ત્વાભિનયા ઈત્યતો વિભાવઃ | (ના. શા. PP. ૩૪૬) અર્થાત્, (વિભાવને) વિભાવ શા માટે કહે છે? તો એમ કહેવાનું કે ભાવનો જે બોધ કરાવે તે વિભાવ. ‘વિભાવ’ એટલે ભાવનું’, ‘કારણ’, ‘નિમિત્ત’ કે ‘હેતુ’. વાચિક આંગિક અને સાત્ત્વિક અભિનય દ્વારા ચિત્તવૃત્તિઓનું વિશેષ રૂપમાં વિભાવન કે જ્ઞાપન કરાવનાર ‘કારણ’ કે ‘હેતુ’. તાત્પર્ય કે, કાવ્યનાટકાદિમાં રજૂ થયેલા વિભિન્ન ભાવોને, અને તેના સમગ્ર ભાવસંકુલને, બોધિત કરી આપનાર, તેને પ્રકાશિત કરી આપનાર પાત્ર કે પદાર્થને ‘વિભાવ’ તરીકે ઓળખવામાં આવે છે. ભાવના પ્રાકટ્યમાં વિભાવ એ રીતે ‘કારણ’, ‘નિમિત્ત’ કે ‘હેતુ’ માત્ર છે. વ્યવહારજગતમાં વ્યક્તિને અન્ય વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિના આઘાતરૂપે જુદી જુદી લાગણીઓનો અનુભવ થતો હોય છે. એ રીતે તેના ચિત્તમાં જાગતી અમુક લાગણી માટે અમુક પાત્ર કે પદાર્થ કારણભૂત જણાય છે. સાહિત્યમાં નિરૂપાયેલી લાગણીઓ માટે કારણભૂત પાત્રો કે પદાર્થોને ‘વિભાવ’ જેવી વિશિષ્ટ સંજ્ઞા આપવામાં આવી છે. કેમ કે, વ્યવહારજગતથી સાહિત્યનું જગત સ્વરૂપતઃ ભિન્ન સંભવે છે. સાહિત્યસૃષ્ટિનાં પાત્રો અને પદાર્થો લૌકિક ભૂમિકાથી જુદી ભૂમિકાનાં હોય છે. કવિના વિશ્વમાં તેના અનુભવજગતનો કોઈ પણ જડ કે ચેતન પદાર્થ વિભાવ તરીકે આવી શકે છે. કવિ પોતાના સંવેદનને અભિવ્યક્તિ આપવા પ્રવૃત્ત થાય છે ત્યારે કે પાત્રોનું સંવેદન રજૂ કરવા ચાહે છે ત્યારે વિરાટ વિશ્વની કોઈ પણ વિગત તેને ઉપયોગમાં આવી શકે, વિભાવો એ રીતે અસંખ્ય કોટિના હોઈ શકે, પ્રાચીન આચાર્યોએ ‘વિભાવ’ના બે મુખ્ય પ્રકારો પાડ્યા છે : આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. કૃતિના ભાવજગતના સંદર્ભે કોઈ પાત્ર (પુરુષ કે સ્ત્રી)ના ચિત્તમાં અમુક લાગણીના પ્રથમ પ્રાદુર્ભાવ માટે અન્ય જે કોઈ પાત્ર (સ્ત્રી કે પુરુષ) નિમિત્ત બને છે તેને આલંબન વિભાવ તરીકે ઓળખાવવામાં આવે છે. અને પાત્રમાં આ રીતે પ્રાદુર્ભાવ પામેલા ભાવને જે કોઈ પદાર્થ ઉદ્દીપ્ત કરે તેને ઉદ્દીપન વિભાવ તરીકે ઓળખાવવામાં આવે છે. જડ-ચેતન કોઈ પણ પદાર્થ ઉદ્દીપન વિભાવ તરીકે આવી શકે. આલંબન વિભાવ એ જો પાત્રના ભાવની ઉત્પત્તિ માટે મુખ્ય ‘કારણ’ છે, તો ઉદ્દીપન વિભાવ એ ભાવને સંકોરી આપનારું ગૌણ ‘કારણ’ છે. મહાકવિ કાલિદાસના પ્રસિદ્ધ નાટક ‘શાકુંતલ’માં દુષ્યંત અને શકુંતલા એકબીજાને માટે ‘આલંબન’ બને છે. તપોવનમાં શકુંતલાની લાવણ્યમૂર્તિ જોઈને દુષ્યંતના હૃદયમાં પ્રણયભાવ જાગ્રત થાય છે, તો એ તેજસ્વી પુરુષના પ્રથમદર્શને શકુંતલા પણ પ્રણયવિહ્વળ બની જાય છે. બંને એકબીજાના અંતરમાં લાગણી જગાડનારાં ‘નિમિત્ત’ બને છે. એટલે કે, પરસ્પરને માટે આલંબન વિભાવ તરીકે તેઓ ઊભે છે. વળી તપોવનની રમણીય વનશ્રી, લતામંડપ અને પુષ્પોની શોભા એ બધું તેમના પ્રણયભાવને ઉદ્દીપ્ત કરે છે, એટલે તેને ઉદ્દીપન વિભાવો તરીકે ઓળખાવવામાં આવે છે. અલબત્ત, આલંબન અને ઉદ્દીપન વિભાવો વચ્ચે કોઈ દૃઢ નિશ્ચિત ભેદરેખા આંકી શકાય નહિ. આલંબન બનેલી વ્યક્તિ પણ પછીથી ભાવના ઉદ્દીપનમાં ઓછાવત્તો ભાગ ભજવે છે જ. અને ઉદ્દીપનની સામગ્રી પણ નવો ભાવ જગાડવામાં કારણભૂત બની શકે છે. કાવ્યનાટકાદિમાં વ્યક્ત થતા ભાવનો બોધ થવા માટે ‘કારણ’ (‘હેતુ’ કે ‘નિમિત્ત’) બની રહેતાં પાત્રો અને પદાર્થોને આચાર્યોએ આમ ‘વિભાવ’ સંજ્ઞાથી ઓળખાવ્યાં છે. આ ‘વિભાવ’ સંજ્ઞાનો મર્મ આપણે બરોબર લક્ષમાં લેવાનો છે. આપણે આગળ નોંધ્યું છે કે કવિતાની સૃષ્ટિ વ્યવહારજગતથી સ્વરૂપતઃ ભિન્ન છે. વ્યવહારમાં કોઈ એક વ્યક્તિના હૃદયમાં અમુક ભાવ જગાડનાર વ્યક્તિ કે પદાર્થ જો ‘કારણ’, ‘હેતુ’ કે ‘નિમિત્ત’ રૂપ ગણાતાં હોય તે કવિતાની સૃષ્ટિમાં પાત્રના ભાવ જગાડનાર કે તેનું ઉદ્દીપન કરનાર વ્યક્તિ (કે પદાર્થ) પણ પહેલી નજરે એના જેવું ‘કારણ’, ‘હેતુ’ કે ‘નિમિત્ત’ લાગશે. પણ હકીકતમાં કવિતાની સૃષ્ટિમાં ભાવ અને તેના ‘કારણ’ વચ્ચેના સંબંધની ભૂમિકા બદલાઈ ગઈ હોય છે. લૌકિક કાર્યકારણની એ ઘટના રહી નથી. કાવ્યસૃષ્ટિના પાત્રે પોતાનું લૌકિક સ્તરનું ‘કારણત્વ’ અને તેનાથી જાગતા સંવેદને પોતાનું ‘કાર્યત્વ’ ત્યજી દીધું હોય છે. બંને વચ્ચે હવે જુદા સ્તરેથી સંબંધ થાય છે.
અનુભાવ
કૃતિમાં રજૂ થતા પાત્રના સ્થાયિભાવને અનુષંગે તેના દેહમાં જે વિશેષ વિક્રિયાઓ પ્રત્યક્ષ થાય છે, તેને ‘અનુભાવ’ કહે છે. ‘અનુભાવ’ સંજ્ઞા સૂચવે છે તેમ, મૂળ (સ્થાયિ) ભાવની પાછળ આવતો, મૂળ ભાવના પરિણામરૂપ એવો એ ભાવ છે. માનવીનો દેહ, તેનું મન, અને પ્રાણ એ સર્વ સજીવ રીતે સંકળાયેલાં છે. એટલે તેના મનમાં જાગી ઊઠતા સ્થાયિભાવોનાં દૈહિક લક્ષણો વારંવાર પ્રગટ થતાં હોય છે. વ્યક્તિના અંતરમાં સ્નેહનો પ્રથમ ઉદય થયો, તો તેની દૃષ્ટિમાં લજ્જા ભાવ, ચહેરાની રક્તતા, ઓષ્ઠનો કંપ જેવાં સ્થૂળ લક્ષણો પ્રત્યક્ષ થવાનાં. ક્રોધનો અગ્નિ જો ભભૂકી ઊઠ્યો, તો ચહેરા પરના સ્નાયુઓ તંગ બની જાય, આંખો પહોળી થઈ જાય અને તેમાં લોહી ધસી આવે, અને વળી અંગેઅંગ રોષથી કંપી ઊઠે. શોકનો ભાવ જાગતાં વ્યક્તિની આંખો સૂકી અને નિસ્તેજ બની જાય, તેના ચહેરા પર ઉદાસીની મ્લાન છાયા પ્રસરી જાય, તેનું અંગ શિથિલ બની જાય. આ રીતે દેહની વિક્રિયારૂપે જન્મતાં સ્થૂળ લક્ષણો એ તેના ચિત્તમાં જન્મતા સ્થાયિભાવનું જ ‘કાર્ય’ કે પરિણામ છે; અને એ કારણે એને ‘અનુભાવ’ તરીકે ઓળખવામાં આવ્યા છે. આટલી ભૂમિકા પછી હવે આપણે રસનિષ્પત્તિની પ્રક્રિયા અને તેના સ્વરૂપ વિશે લોલ્લટાદિ આચાર્યોની વિચારણા અવલોકીશું.
ટીકા-ટિપ્પણીઓ
- ↑ ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૬૬) – ‘ભારતી’ની ચર્ચા.
‘તત્ર નાટ્ય નામ નટગતાભિનયપ્રભાવસાક્ષાત્કારાયમાણૈકધનમાન-સનિશ્ચલાધ્યવસેયઃ સમસ્તનાટકાદ્યન્યતમકાવ્યવિશેષાચ્ચ દ્યોતનીયોઽર્થઃ | સ ચ યદ્યપ્યનન્તવિભાવાધાત્મ તથાપિ સર્વેષા જડાનાં સંવિદિ તસ્યાશ્ચ ભોક્તરિ ભોક્તૃવર્ગસ્ય ચ પ્રધાને ભોક્તરિ પર્યવસાન્નાયકામિધાનભોક્તૃવિશેષસ્થયિચિત્તવૃતિસ્વભાવઃ|’ - ↑ ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૨) – ‘ભારતી’ની ચર્ચા.
‘તત્ર પુરુષાર્થ નિષ્ઠાઃ કાશ્ચિતસંવિદ્ ઇતિ (એવ) પ્રધાનામ્ | તદ્યથા-રતિઃ કામઃ તદનુષઙિ્ગધર્માર્થનિષ્ઠા | ક્રોધસ્તત્પ્રધાનેષ્વર્થનિષ્ઠઃ | કામધર્મપર્યવસિતોઽપ્યુત્સાહઃ સમસ્ત ધર્માદિપર્યવસિતઃ | તત્ત્વજ્ઞાનજનિતનિર્વેદપ્રાયો વિભાવો મોક્ષોપાય ઇતિ તાવદેષાં પ્રાધાન્યમ્ | ... - ↑ ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૩) – ‘ભારતી’ની ચર્ચા.
તસ્માત્સ્થાયિરૂપચિત્તસૂત્રસ્યૂતા એવામી વ્યભિચારિણઃ સ્વાત્માનમુદયાસ્તભયવૈચિજ્યશતસહસ્ત્રધર્માણં પ્રતિલભમાના રક્તનીલાદિસૂત્રસ્યૂતવિરલભાવો (ગો) પલમ્ભનસમ્ભાવિતભઙ્ગીસહસ્ત્રગર્ભ સ્ફટિકકાચભ્ર (ભ્રા) મલપદ્મરાગમરક્તમહાનીલાદિમયગોલકવત્તસ્મિન્ સૂત્રે સ્વસંસ્કીવૈચિત્ર્યમનિવેશન્તોઽપિ તત્સૂત્રકૃતમુપકારસન્દર્મ વિભ્રત સ્વયં ચ વિચિત્રાર્થસ્થાયિસૂત્રં ચ વિચિત્રયન્તોઽન્તરાન્તરા શુદ્ધમપિ સ્થાયિસૂત્ર પ્રતિભાસાવકારામુપનયન્તોઽપિ પૂર્વાપરવ્યભિચારિ રત્નચ્છાયાશબલિમાનમશ્યમાનયન્તઃ પ્રતિભાસયન્ત ઇતિ વ્યભિચારિણ ઉચ્યન્તે | - ↑ સ્થાયિભાવોને આધુનિક મનોવિજ્ઞાનના પ્રકાશમાં ઘટાવી જોવાના પ્રયત્નો કેટલાક અર્વાચીન વિદ્વાનોએ કર્યા છે : મરાઠીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. વાટવેનો ગ્રંથ ‘રસવિમર્શ’, હિંદીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. નગેન્દ્રનો ગ્રંથ ‘રસસિદ્ધાન્ત’, હિંદીના બીજા અભ્યાસી ડૉ. રાકેશ ગુપ્તાનો ગ્રંથ ‘Psychological Studies in Rasa’—એ ગ્રંથોની પ્રસ્તુત મુદ્દાની ચર્ચા જુઓ.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.