રાજા-રાણી/પહેલો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પહેલો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : કાશ્મીર : રાજમહેલ. રેવતી અને ચંદ્રસેન.

રેવતી : યુદ્ધની તૈયારી? શા માટે યુદ્ધની તૈયારી? ક્યાં છે શત્રુ? એ તો મિત્ર આવે છે. આદરમાનથી એને આંહીં તેડી લાવો. ભલે એ કાશ્મીરનું રાજ્ય કબજે કરે! રાજ્યને રક્ષવા માટે આટલાં બધાં વલખાં તમે શીદ મારો છો? રાજ્ય શું તમારું છે? કહું છું કે પ્રથમ તો વિક્રમદેવને રાજ્ય જીતવા દો; પછી મિત્રભાવે તમે રાજ પાછું માગી લેજો. આ પારકું રાજ્ય તો ત્યાર પછી આપણું પોતાનું બનશે.
ચંદ્રસેન : ચુપ રહો, રાણી, ચુપ રહો, એવું ન બોલો. મારું કર્તવ્ય તો હું બજાવવાનો જ; ત્યાર પછી જોઈ લેવાશે કિસ્મતમાં શું માંડ્યું છે.
રેવતી : હું જાણું છું, કે તમારો શો ઈરાદો છે. પ્રથમ યુદ્ધનો દેખાવ કરીને તમારે પરાજય સ્વીકારવો છે; અને પછી ચોમેર રક્ષણ કરી, લાગ જોઈ, યુક્તિથી તમારે તમારી મતલબ સાધવી છે, ખરું?
ચંદ્રસેન : જાઓ જાઓ, રાણી, તમારે મોંએ જ્યારે આ બધી વાતો સાંભળું છું ત્યારે મને મારા પર ધિક્કાર છૂટે છે. મનમાં એમ થઈ જાય છે કે સાચે જ, હું આવો દગલબાજ છું! મનમાં સંદેહ જન્મે છે કે જાણે હું પોતે જ રાજાને વેશે એક ચોર છું. ના, રાણી, કર્તવ્યના માર્ગ પરથી મને પાછો ન વાળો!
રેવતી : એમ છે તો પછી હુંયે મારું કર્તવ્ય કરીશ; મારે સગે હાથે મારા છોકરાનું ગળું દાબીને જીવ કાઢી નાખીશ. એને રાજા નહોતો કરવો, તો પછી શીદને આ સંસારમાં ભિખારીનો વંશ વાવ્યો, ભલા? પારકાંની છાંયડીમાં લાંબો હાથ કરીને ફરવું, એથી તો વનવાસ ભલો, મૉત ભલું. મનમાં ગાંઠ વાળજો, ઠાકોર! કે મારું પેટ પારકાંની તાબેદારી નથી વેઠવાનું. મારી કૂખે પાકેલો શું પારકાના દીધેલ પોશાક પહેરીને બેસી રહેશે? મેં જન્મ દીધો છે, હું જ કાં તો સિંહાસન દઈશ, ને કાં તો મારે સગે હાથે મૉત દઈશ. નહીં તો કુમાતા કહીને એ મને શાપ દેશે!

[કંચુકી પ્રવેશ કરે છે.]

કંચુકી : યુવરાજ બાપુ આવ્યા છે. મહારાજને અબઘડી જ મળવા માગે છે.

[જાય છે.]

રેવતી : હું આંહીં સંતાઈને જ ઊભી રહીશ. તમે એને કહી દેજો, કે હથિયાર છોડીને જાલંધરના સ્વામીને ચરણે ગુનેગાર તરીકે સોંપાવું પડશે.
ચંદ્રસેન : ના, ઊભાં રહો. ન જશો.
રેવતી : રહેવાશે તો નહીં. મારા મનના ભાવ મારાથી છુપાવી શકાશે નહીં. પ્રીતિનો દેખાવ મારાથી નથી બનતો. તે કરતાં તો ઓથે રહીને તમારી વાતો સાંભળવી એ ઠીક છે.

[જાય છે. કુમાર અને સુમિત્રા પ્રવેશ કરે છે]

કુમાર : પ્રણામ કરું છું, કાકા બાપુ!
સુમિત્રા : પ્રણામ, કાકા બાપુ!
ચંદ્રસેન : જીવતાં રહો, બચ્ચાં!
કુમાર : આમ કેમ, મહારાજ! યુદ્ધની તૈયારી કાં નહીં, સૈન્ય ક્યાં? કાશ્મીર ઉપર શત્રુઓનું કટક આવે છે એ ખબર તો મેં ક્યારના મોકલાવ્યા છે!
ચંદ્રસેન : શત્રુ કોને કહે છે? વિક્રમદેવ શું આપણો શત્રુ? મા સુમિત્રા! કહે, શું વિક્રમ કાશ્મીરનો જમાઈ નથી? આટઆટલાં વરસ વીત્યે આજ આપણે આંગણે જમાઈ આવતો હોય, એનાં સામૈયાં શું સમશેરથી કરવાનાં હોય, દીકરી!
સુમિત્રા : હાય રે બાપુ! મને હવે કાંઈયે ન પૂછો. હું અભાગણી રણવાસ મેલીને આંહીં શીદ આવી? આટલું બધું અમંગળ ક્યાં સંતાઈને બેઠું હતું? એક અબળાનો પગ વાગ્યો ત્યાં સાત ફેણવાળો કાળીનાગ એકાએક ક્યાંથી ફુંફાડી ઊઠ્યો? મને કાંઈ ન પૂછશો, મારી મતિ મુંઝાઈ ગઈ છે! અને ભાઈ, તને ક્યાં બધી ખબર નથી? તું જ્ઞાની છે, વીર છે. હું તો તારા પગમાં પડેલી મૂંગી છાયા જેવી છું. ભાઈ, સંસારની ગતિને તું જાણે; હું તો એક તને જ જાણું છું, વીરા!
કુમાર : મહારાજ, જાલંધરનાથ આપણો શત્રુ નથી, ઊલટો સ્વજન છે. પરંતુ એ કાશ્મીરનો શત્રુ બનીને આવે છે. મારું અંગત અપમાન મેં છાતીએ ઝીલ્યું, પણ આ કાશ્મીરની — મારી મતાની — ઇજ્જતહાનિ મારાથી શૅ જોવાય?
ચંદ્રસેન : એની ફિકર ન કર; આપણી પાસે પૂરતું સૈન્યબળ છે. કાશ્મીરને માટે કશી ધાસ્તી નથી.
કુમાર : તો સૈન્યનો કબજો મને સોંપો.
ચંદ્રસેન : એ પછી જોશું. પ્રથમથી જ તૈયારી કરવાથી નાહક યુદ્ધનું નિમિત્ત જાગશે. અણીને ટાણે તને જ સૈન્યનો કબજો સોંપીશ.

[રેવતી પ્રવેશ કરે છે.]

રેવતી : કોને જોઈએ છે સૈન્યનો કબજો?
સુમિત્રા અને કુમાર : પ્રણામ કરીએ છીએ, માતા!
રેવતી : યુદ્ધમાં ભંગાણ પાડીને ભાગી નીકળ્યો, અને હવે ઘેર આવીને પાછો સૈન્યનો કબજો માગે છે? તું રાજપૂત છે? કાશ્મીરનું સિંહાસન તારે જોઈએ છે? જરાય લજવાતો નથી? જંગલમાં જઈને મોઢું સંતાડ, મોઢું! સિંહાસને બેસીશ તો જગતની નજર આગળ આ સોનાના રાજમુગટને કાળો ડાઘ બેસશે, બાયલા!
કુમાર : માતાજી, મેં તમારો શો અપરાધ કર્યો છે કે આવાં કઠોર વેણ કાઢી રહ્યાં છો? આ શું પ્રીતિનો ઠપકો કહેવાય? ઘણા દિવસથી, માડી, તમે આ અભાગી દીકરા ઉપર નારાજ રહો છો. કોપમાં સળગતી તમારી નજર કાયમ મારા મર્મને વીંધી નાખે છે. હું પાસે આવું ત્યાં જ તમે કાંઈ બોલ્યા-ચાલ્યા વિના બીજા ઓરડામાં ચાલ્યાં જાઓ છો. ને વિનાકારણ વસમી વાણી કાઢો છો. બોલો, માડી, હું શું કરું તો મારા ઉપર તમારા પેટના સંતાન જેવો તમને વિશ્વાસ બેસે?
રેવતી : બોલી નાખું?
ચંદ્રસેન : અરે! અરે! ચુપ રહો, રાણી!
કુમાર : મા, વધુ વાત કરવાનો વખત નથી રહ્યો. દુશ્મનો આપણે દરવાજે આવી પહોંચ્યા છે તેથી જ હું સૈન્ય માટે કરગરું છું.
રેવતી : તને તો ગુનેગાર બનાવી, હાથકડી જડી, જાલંધરનાથને સોંપી દેવો છે. પછી એ માફ કરે તો ભલે, તો જે સજા ફરમાવે તે માથું નમાવીને ભોગવી લેજે.
સુમિત્રા : હાય હાય! કેવું પાપ! બોલો ના, બોલો ના, માતા! સ્ત્રીનો અવતાર ધરીને રાજવહીવટમાં માથાં ન મારો. નહીં તો બધાને ઘોર આફતના કૂવામાં ઉતારશો, ને તમે પોતેય સાથે પડશો. ચાલો, માડી, સંસારની આ નિર્દય ધમાચકડીને છોડી આપણી સ્નેહ-સૃષ્ટિમાં ચાલ્યાં જઈએ. ત્યાં બેસી સદા હેતનાં જ અમૃત વરસાવો, દયા કરો, સેવા કરો. રાજમહેલની અંદર રૈયતની જનેતા બની બેઠાં રહો, માડી! કજિયા ટંટા કે લડાઈ, એ આપણાં કામ નથી.
કુમાર : બાપુ, વખત જાય છે. બોલો, શી આજ્ઞા કરો છો?
ચંદ્રસેન : ભાઈ, તું અણસમજુ છે, એટલે જ તને એમ થાય છે કે મનમાં આવ્યું તે કામ પલકમાં પતાવી દેવાય. પણ સમજ, કે રાજકામ બહુ દોહ્યલાં છે. હજારો મનુષ્યોનાં શુભાશુભનો નિર્ણય એક ઘડીમાં શી રીતે બને?
કુમાર : આવો નિર્દય વિલંબ, બાપુ? કાળના મોંમાં પડ્યાં પડ્યાં પણ ઠંડે કલેજે વિચારો કરવાના હોય? તો પછી પ્રણામ, રજા લઉં છું.

[સુમિત્રાને લઈને જાય છે.]

ચંદ્રસેન : રાણી, તમારાં નિષ્ઠુર વેણ સાંભળીને તો ઊલટી કુમાર ઉપર મને દયા આવે છે; હૃદય ડંખે છે; મને થાય છે કે એને પાછો વાળીને મારા હૈયામાં બાંધી રાખું, અને પ્રીતિથી પંપાળીને અંતરમાં પડેલા ઘા રૂઝાવું?
રેવતી : છોકરમત છોડી દો હવે! ઘા કર્યા વગર શું એની મેળે આફત તૂટી જવાની હતી? તમે જ જો મરદ બનીને કામ કરતા હોત, તો તો ઘણીય હું ઘેર બેઠી બેઠી કાયમ માયા-મમતા જ કર્યા કરત. પરંતુ, હવે તો એ ટાણું ગયું.

[જાય છે.]

ચંદ્રસેન : ફાટેલો અશ્વ પવનને વેગે છૂટી નીકળે, ને આખરે પોતાના જ રથને પાષાણની દીવાલ સાથે અફળાવી ચૂર્ણ કરી નાખે! મનુષ્યની પ્રબળ ઇચ્છાના વેગ પણ આવા જ પ્રબળ! દોડે ત્યારે રસ્તો ન દેખે, ને અંતે પોતે પણ પટકાઈને પાયમાલ બને!