રાજા-રાણી/સાતમો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાતમો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : મંત્રણાગૃહ. વિક્રમદેવ અને મંત્રી બેઠા છે.

વિક્રમદેવ : જેટલા જેટલા વિદેશી ચોરો છે, તે તમામને આ ક્ષણે જ બહાર નિકાલો. આ તો હંમેશની પીડા, દિવસ-રાતનો ભય, અને આખા રાજ્યમાં, બસ, આક્રંદ આક્રંદ આક્રંદ! પીડાતી પ્રજાની બૂમો સાંભળ્યા વિના એક દિવસ પણ ખાલી નથી જતો!
મંત્રી : મહારાજ, ધીરા થાઓ. હમણાં તો થોડા દિવસ સુધી બધેય આપ સતત ધ્યાન આપો. ત્યાર પછી જ આ ભયશોકનાં બંધનો દૂર થશે. આ અંધકાર તો ઘણા કાળનો ભેગો થયો છે. એક દિવસમાં એ નહીં જાય.
વિક્રમદેવ : ના, બસ એક જ દિવસમાં હું એનો નાશ કરવા માગું છું : સેંકડો વરસના વૃક્ષને કઠિયારો જેમ એક જ દિવસમાં જમીનદોસ્ત કરે છે તેમ.
મંત્રી : પણ શસ્ત્રો ક્યાં? માણસો ક્યાં?
વિક્રમદેવ : સેનાપતિ ક્યાં છે? બોલાવો!
મંત્રી : ખુદ સેનાપતિ જ પરદેશી છે.
વિક્રમદેવ : દગો! દગો! તો પછી બોલાવી લાવો બિચારી પ્રજાને! અનાજ આપીને એ સહુનાં મોઢાં બંધ કરો; દ્રવ્ય દઈ દઈને રવાના કરી દો. રાજ્ય છોડીને ભલે બાપડાં ચાલ્યાં જાય — જ્યાં સુખ મળે ત્યાં!

[વિક્રમદેવ જાય છે. દેવદત્ત સહિત સુમિત્રા આવે છે.]

સુમિત્રા : હું આ રાજ્યની રાણી છું. તમે મંત્રી લાગો છો, ખરું?
મંત્રી : પ્રણામ, માતા! હું આપનો દાસ છું. શા માટે, માતુ, આપ અંત :પુર છોડીને આજે મંત્રણાગૃહમાં પધાર્યાં?
સુમિત્રા : પ્રજાનું કલ્પાંત સાંભળ્યા પછી મારાથી અંત :પુરમાં ન રહેવાયું. મંત્રીજી, હું ઇલાજ કરવા આવી છું.
મંત્રી : તો શી આજ્ઞા છે, માડી?
સુમિત્રા : આ રાજ્યમાં જેટલા વિદેશી અધિકારીઓ છે તે બધાને મારા નામથી તરત ભેગા કરો.
મંત્રી : અચાનક બોલાવ્યેથી સંદેહ જાગશે — કોઈ નહીં આવે.
સુમિત્રા : રાણીનો હુકમ પણ નહીં માને?
મંત્રી : રાજા-રાણીને તો બધા ભૂલી જ ગયા છે.
સુમિત્રા : એમ? ઠીક, તો કાળભૈરવના પૂજા-ઉત્સવમાં બોલાવો. તે દિવસે ઇન્સાફ થવાનો. અને એ મદાંધો કદાચ શિક્ષા ન માને તેટલા માટે બાજુમાં લશ્કર પણ તૈયાર જ રાખજો.
દેવદત્ત : સંદેશો લઈને કોને મોકલશું?
મંત્રી : આ ત્રિવેદીને મોકલીએ. એ બાપડો બેવકૂફ, ભોળો અને ધાર્મિક વૃત્તિનો બ્રાહ્મણ છે; એટલે એના ઉપર કોઈને સંદેહ નહીં આવે.
દેવદત્ત : ત્રિવેદી ભોળો? એની બેવકૂફી એ જ એની બુદ્ધિ છે; અને એની સરલતામાં જ કપટ ભર્યું છે.