રાજેન્દ્ર પટેલની કવિતા/આંગણું
ઝટ કર, ઝટ કર,
સૂરજ તો આ આથમવા ચાલ્યો ને
આંગણું વાળવાનું હજુ બાકી છે.
જે મળે તેનાથી મંડી પડ
સાવરણીથી, પોતાથી, વૅક્યુમ ક્લીનરથી,
કે પછી પાંપણોથી,
વાળવા માંડ કે
બધી દિશાઓથી
આંધી ચડી છે;
કશુંય કળાતું નથી.
સારુંનરસું સઘળુંય ધસી રહ્યું છે
તારા જ આંગણામાં.
સુકાયેલાં સપનાઓની કરચો
અને ન ઓળખાય એવા કચરાઓના ગંજ
ખડકાઈ ચૂક્યા છે આંગણામાં.
કોહવાટના દરિયાએ, અંધારાની આગ લગાવી છે
તારા જ આંગણામાં
ઝટ કર ઝટ.
વડવાઓનાય વડવાઓ સાફ રાખતા આવ્યા છે,
આ કંચનવર્ણું આંગણું
જે આંખથીય વધુ નાજુક છે,
તેમાં આંધી ચડી છે જબરજસ્ત!
નજર સામે જ કરમાય છે
આંગણાનો તુલસીનો છોડ
જે ખૂબ જતનથી સાચવ્યો હતો
તારા જ પૂર્વજોએ.
હવે સમ ખાવા પૂરતાં ડાળડાંખળાં રહ્યાં નથી.
જલદી કર, જલદી કર,
વાળી નાખ આંગણાને
વેરાન બની જાય તે પહેલાં.
૦
ધસમસતાં બુલડોઝરોની વચ્ચેથી
દિવસ શરૂ થયો ના થયો
ત્યાં તો સાંજ ધસી આવી.
બધાં જ લોક અટવાઈ ગયાં
અંડરબ્રિજ, ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજમાં
ને મેટ્રોની માથાકૂટમાં,
રોડ ડાઇવર્ઝનની આંટીઘૂંટીમાં
કોણ કયા ફાટક ઉપર છે તેય ક્યાં ખબર છે તને?
ઘેર પહોંચતાં સુધીમાં
ભૂલી ગયો હોઈશ,
તું જ તારા આંગણાને.
દિવસની દરેક પળે જેને વીસરી ગયો હોઈશ
તે આંગણું,
રાહ જોતું હશે તારી.
સવારે વાળવાનું હતું
સાંજ પડી
ને સૂરજ આથમવા ચાલ્યો
ઝાંખાપાંખા અજવાળામાંય
ઝટપટ વાળી દે આંગણું.
૦
આંગણું જેટલું નજીક છે
એટલું જ દૂર છે.
દૂર ચાલી ગયેલાઓને પણ અંદર સાચવતું.
ને દૂર ક્ષિતિજ પારનું આંગણુંય લાગે
સાવ પાસે
જેણે સાચવી છે તારી સ્મૃતિસંપદા.
આંગણું તો છે જ,
આંખ જેટલું નાનું
ને આકાશ જેટલું વિશાળ.
આંગણું તો છે તારી
બારી ને અટારી
અગાશી ને આકાશ.
એનો ગમે તે આકાર કે કદ
એ હોય છે હાજરાહજૂર
તારા પ્રત્યેક ખંડમાં
પંડમાં
મનમાં.
૦
આ આંગણું
જેટલું ચકલીનું છે
એટલું બિલાડીનું છે,
લોહીનું છે એટલું આંસુનું છે;
કસ્તરનું ને કાચનુંય છે.
છે સૌનું ને છતાંય કોઈનું નથી.
કોઈ દરવાજો ખોલી અંદર આવે
ને વાળે આંગણું
તેની રાહ જોઈ ઊભું છે,
એક અતિ પ્રાચીન પ્રતીક્ષા-વૃક્ષ.
તેની પરથી આંગણામાં
અનાગત નામના પંખીએ ખેરવેલાં
પીંછાં જ પીંછાં છે.
આંગણું તો અવિરત રાહ જુએ છે
કોઈ અજાણ્યા ફફડાટની
સૂરજ તો આ આથમી ચાલ્યો.
૦
આંગણાની અંદર વળી પાછું એક આંગણું હોય છે,
જાણે પીંજરાની ભીતર પંખી.
તેની બહાર પણ એક આંગણું.
તારા નક્ષત્રોનીય પાર
એક આંગણું રાહ જોતું હોય છે,
કોણ વાળશે?
લાગે છે કે
આંખની કાળી કીકી જેવું મેલું હોય છે તે
જેવું હોય તેવું.
તે કીડી ને કબૂતરનું
મકોડાનું અને માળીનુંય છે.
પણ સૌથી વધુ
એ હોય છે તેની આરપાર ઊડતી ધૂળનું.
આંગણામાં અટવાતા ઓળાઓના ટોળા વચ્ચે
રાતદિવસ એકાકાર થઈ
આંગણાને આંગણા જેવું બનાવે છે.
૦
આંગણું રિસાયું છે તારાથી
કે તું તેનાથી!
એ કળે ત્યાં સુધીમાં
સૂરજ તો આ આથમ્યો.
વાળવા માંડ અતીતના ઓટલા ઉપરથી.
કોને વહાલી ના હોય દરેક નાની નાની પગલીઓ
પણ, એ પણ ક્યારેક ફાળ ભરવાની કાળની જેમ
અને ક્યારેક આ આંગણું વીંધીને
ચાલી જશે
એક નવું આંગણું રચવા.
આથમતા સૂરજની સાખે.
પણ, એ ખાલીપામાં ને ખાલીપામાં
આંગણું આગળ વધે છે
પોતાના મૂળ તરફ.
અને તેથી જ લાગે છે
પાછું ફરે છે બધું
અંતે આંગણામાં.
અંત અને આરંભની સીમાઓ
ઓગાળવા જતાં સર્જાયું હોય છે
આ આંગણું.
૦
હવે વારંવાર નહિ કહું હું તને
સાંજના ઓળા ગળી રહ્યા છે
આંગણાને
અને ભરડી રહ્યાં છે
રાતનાં અંધારાં સૌ કોઈને.
ચાલ, ઝટ કર
ઉપાડ જાતને.
મંડી પડને વાળવા,
આ ઘડી સરકી જાય તે પહેલાં,
બધી ક્ષિતિજો મીટ માંડીને બેઠી છે
આંગણામાં પધારવા.
આંગણામાં અગણિત પાંદડાં ખરે છે
તોય તે જીવે છે
પવન અને પ્રકાશને લીધે.
એ રાહ જુએ છે
કોણ આવીને ઝટપટ
સાફ કરે તેનો ચહેરો
કોણ લૂછે આંખો
ને કોણ ભરે અંતિમ બાથ?
૦
એક કાળે
એક સંન્યાસી દીકરાએ
માની ચિંતા કરી હતી આંગણામાં
તેના તેજે મઢ્યું આંગણું હજુ ઝળહળે છે.
યાદ કરતાં તેને,
કાળ થંભી જાય છે.
આંખ સામે આ જ ભૂમિ
પ્રશ્ન બની સળગે છે સઘળે.
કોઈ બોરડી પાસે પ્રતીક્ષા કરતી એક વૃદ્ધા
કે પછી એક અબળાને મારગ આપવા તત્પર ધરતી
કે પછી બંધ ઘર આગળ રાહ જોતી બિલાડી
બધુંય એકાકાર છે
આ તારા આંગણામાં.
પ્હો ફાટે કે ફાટે ભોં
એ પહેલાં
ચાલ, વાળી દે
ઝટપટ આ આંગણું.