રાજેન્દ્ર પટેલની કવિતા/એક વિમાન
Jump to navigation
Jump to search
૩૧. એક વિમાન
વિમાન આવતું નથી...
કોઈક કહે છે બે કલાક મોડું છે
કોઈકનું માનવું છે, વિમાનનું આવવાનું કોઈ ઠેકાણું નથી.
વિમાનની રાહમાં સઘળા પ્રવાસીઓ
બેચેન છે.
આકાશ ખાલી છે
રન-વે સૂમસામ છે
સિગ્નલો સૂતાં છે
પ્રવાસીઓ વિમાનની રાહ જોતાં ઝોકે ચડ્યા છે.
પણ ક્ષિતિજ ઉપર
બધાના ખ્યાલ બહાર
એક વિમાન આવીને ચાલ્યું ગયું.
એક વિમાન ચાલ્યું ગયું છે એની
એના વિમાનચાલક સિવાય
કોઈને ખબર નથી.