રાજેન્દ્ર પટેલની કવિતા/ટપક... ટપક...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬. ટપક ટપક

એક છેડેથી બીજે છેડે
કપડાં સૂકવવાની દોરી
બાંધેલી છે.

સુકાતાં
કપડાંમાંથી
ગઈકાલનો સ્પર્શ ટપકે
ટપક... ટપક...

વહી ગયેલા સમયમાંથી
સ્મૃતિ ટપકે
ટપક... ટપક...

બાપુજીનાં કપડાંની બાદબાકીથી
કપડાં સૂકવતી માની આંખમાંથી
ભીની એકલતા ટપકે
ટપક... ટપક...

ક્યારેક કપડાં સુકાતાં ન હોય ત્યારે
ખાલી દોરી પર પંખી બેસે
અને મનમાં શૈશવ ટપકે
ટપક... ટપક...

ક્યારેક લંબાયેલા હાથને
ન મળે કશો આધાર અને,
ધીરે ધીરે બધીય હસ્તરેખા ટપકે
ટપક... ટપક...

દોરી પર જે કપડાં સુકાય છે
તેમાં સચવાયેલો ભેજ
અમને બાથ ભરી
ટપકે છે સતત
ટપક... ટપક...